શુભસંગ્રહ (સચવાયેલી કાવ્યપંક્તીઓ)

Posted by

શાપુર લોકશાળા (બુનીયાદી શાળા)માં ભણતો ત્યારે (૧૯૫૭ આસપાસ) વાચનાલયમાંનાં સામયીકોમાંથી સારી સારી પંક્તીઓ નોટમાં ઉતારી લેવાની ટેવ પડેલી. ૧૯૫૬નાં ‘કુમાર‘ વગેરે સામયીકોમાંથી ભેગી કરેલી પંક્તીઓ ઉપરાંત નવલકથાઓનાં કેટલાંય અવતરણો પણ સાચવેલાં……

ત્યાર બાદ લોકભારતીમાં પણ આ ટેવ ચાલુ રહેલી. નવી નોટને ‘શુભસંગ્રહ’ એવું નામેય આપેલું. આ બધી પંક્તીઓએ કાવ્યરસ વહેતો રાખ્યો છે…..આજે હવે એ પાનાં જર્જરીત થયાં છે ને સાચવીને ખોલવાં પડે છે ! પણ નેટની સવલતે આ સંગ્રહને સાચવી રાખવાની તક આપી હોઈ ફક્ત ‘સ્વાન્ત: સુખાય’ એને સાઈટ પર મુકવાનું શરુ કર્યું છે……આ બધું ગુજરાતી સાહીત્યનું ઉત્તમોત્તમ નથી પણ એક ભાવુક દીલની પસંદગીનું છે. વાચકોને એમાંનું કશુંકેય ગમશે તો ઠીક છે; નહીંતર પચાસ–સાઠ વરસ જુનો આ ખજાનો આકાશીબુકમાં પડ્યો સચવાશે ! – જુ.

****************

ન મારા ગુનાઓ તણો પાર જેમ

ન તારી કૃપાનોય તે પાર તેમ.

– ઉ.જો.

*** ***

મને ?

(મિશ્ર)

મને જ તેં નેહ થકી નવાજ્યો ?

મને – નગુણા મનના નર્યા મને.

હશે તને આશ –‘હું ચાહીચાહી ને

મૂકીશ એને કરી ચાહના ભર્યો.’

પરંતુ રે પારસ ! લોહ હું નથી.

કઠોર હું તો પથરો જ કો’ નર્યો.

– રતિલાલ જોગી. (કુમાર, ફેબ્રુ. ’૫૬)

*** ***

ક્યાં ?

ગગનનાં ઉડુમંડળો હે !

પૂછું : પ્રકાશ અહીં આથમી જે ગયો તે

આવ્યો શું રૂપ ધરી તારકનું કહીં નભે ?

 

ફૂલોની સૌરભ થકી ભરપૂર હે ધરા !

કોઈ અનોખી સુરભિ નકી તારી માટીમાં

જો ને પ્રવેશી હમણાં… ..

 

પાતાલમાં નિવસતાં જન હે જરી જુઓ :

કોઈ  મીઠું  ઝરણ   અમૃતનું  ધરાથી

ઊંડે ગયું ઊતરી શું તમ દેશ……?

નિરુત્તર !

– જશવંત લ. દેસાઈ

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *