નરસી મહેતા અંગે અલપઝલપ

Posted by

આદ્યકવી નરસિંહ મહેતા કેવળ એમનાં કાવ્યોથી જ નહીં પણ કાવ્યોમાંય પાછાં ખાસ તો એમનાં પરભાતીયાંથી ગુજરાતના ઘરઘરમાં જાણીતા છે. વળી એક ભક્ત તરીકે પણ એમનું માન અને સ્થાન લોકહૃદયમાં અનન્ય છે. ખાસ કરીને એમના જીવનના ચમત્કારો (એવા બનાવો કે જે સમય જતાં ચમત્કારરુપે પ્રચલીત થયા)એ પણ એમને અતી ખ્યાત કર્યા છે.

એમના જીવનના ચમત્કારોએ ભલે ભાગ જરુર ભજવ્યો જ છે છતાં ચમત્કારોને બાદ કરીએ તો પણ એમના વ્યક્તીત્વનો મોટો અંશ એક ઉમદા માણસ તરીકેનો જ આપણી સમક્ષ રહ્યો છે તેમાં કોઈ શંકા નથી. કુટુંબ કરતાંય વીશેષ એમણે સમાજ તરફ વધુ ધ્યાન આપ્યું છે. કુટુંબનું ભરણપોષણ બધું ભલે ભગવાને કર્યાનું કહેવાતું હોય પણ એ જમાનામાં ભક્તોને આર્થીક રીતે સાચવી લેવાની જવાબદારી સમાજ સ્વીકારી લેતો. નરસિંહ મહેતાનાં ભાભીની જેમ એમની પત્નીએ કે બાળકોએ મહેતાની પ્રવૃત્તીને વખોડી નથી કે નથી તો એ અંગે સંકોચ અનુભવ્યો. સુદામાની પત્ની તો સહન ન થયું ત્યારે (પ્રેમાનંદના શબ્દોમાં) બોલી ઉઠે છે –

એ જ્ઞાન મને ગમતું નથી ઋષિરાયજી રે,

લાવો અન્ન, માગે બાળ, લાગું પાયજી રે !

નરસિંહની પ્રવૃત્તી કેટલી સામાજીક હતી ! ભક્તીના માધ્યમથી એમણે સમાજસુધારો હાથ ધરીને કાવ્યસર્જક કરતાંય વીશેષ તો સામાજીક સમતુલાને સાચવવાનો વધુ પ્રયત્ન કર્યો છે. નાગરી નાતનો આ માણસ હરીજનવાસમાં ભજન કરવા જાય તેમાં એમનું ઓજસ અને ખમીર પ્રગટ થાય છે. પ્રભુએ એમને બચાવ્યા કર્યા છે એ વાત ન માનીએ તો પણ નાગરી નાત સામે કે ખુદ રાજા રા’ માંડલીક સામે પડવાનું ખમીર પણ એમણે બતાવ્યું જ છે.

સાચાં કામોમાં બીક શાની ? થાવાનું હશે તે થશે – થઈ પડશે કે પછી પડશે એવા દેવાશેવાળી વાત પણ એમને સાવ અભીપ્રેત નથી ! ભગવાનમાં શ્રદ્ધા કરતાંય વધુ તો પોતાનાં કાર્યોની સચ્ચાઈનો ધડ વીશ્વાસ એ એમનની તાકાતનું મુળ કારણ હશે……

શામળશાની વીદાય, પત્નીના અવસાન સમયનું એમનું ગાવું, “ભલું થયું ભાંગી ઝંઝાળ; સુખે ભજશું શ્રી ગોપાળ” જેવામાં કોઈને મહેતાની બીનજવાબદારી જણાય તો જણાય ! એમણે તો મરણપથારીએ સુતેલી પત્નીની રજા લઈને હરીજનવાસમાં આપેલા સમય મુજબ ભજનો કરેલાં….પત્નીને એનોય આનંદ હતો….જતાંજતાંય તે આવતા ભવે આ જ  પુરુષને પતીરુપે માગે છે !!

હુંડી, શામળશાનો વીવાહ, કુંવરનું મામેરું, કેદારોને ગીરવે મુકવો ને છોડાવવો, મુર્તીના ગળાનો હાર વગેરે બાબતોને સમય  વીતતાં પરીવર્તીત થઈ જતી વીગતોરુપ ગણીને એનો મરમ શોધવો રહ્યો. નર્મદાનાં ધસમસતાં પાણીના પ્રવાહમાં કંકર પણ દડતાં દડતાં શંકરસ્વરુપ ધારણ કરી બેસે છે તો પછી આ તો જીવતોજાગતો ભક્ત હતો ! એના પ્રત્યેના અપાર પ્રેમનું પરીણામ આવા ચમત્કારોમાં પરીણમે તેમાં શી નવાઈ ?!

એમનાં ભજનો અને ખાસ તો પ્રભાતીયાંમાં રહેલી છંદશુદ્ધી અને તેલની ધાર જેવો લય આપણને મંત્રમુગ્ધ કરે છે. વૈષ્ણજન ભજન ગાંધીના મુખે ગવાઈને એક નવું જ પરીમાણ પામે છે. વૈષ્ણવ શબ્દ કોઈ એક સંપ્રદાયનું નામ ન રહેતાં તે આદર્શ વ્યક્તીની ઓળખરુપ બની જાય છે તે કાંઈ નાનીસુની વાત નથી જ નથી.

એમનાં ભજનોમાં રહેલો જ્ઞાન અને ભક્તીનો પ્રવાહ “નહીં સાંધો નહીં રેણ” જેવો છે. ક્યાંથી ભક્તી શરુ થાય છે ને ક્યાંથી જ્ઞાનગંગા વહેતી થઈ જાય છે તે ધ્યાનમાં ન રહે તેવો સંયોગ એમની રચનાઓમાં જોવા મળે છે. ભક્તી અને જ્ઞાન એ બન્ને જાણે જુદાં જ નથી તેવું લાગ્યા વીના રહેતું નથી. મશાલ પકડેલો હાથ દાઝી જતો હોય તોય ધ્યાન ન રહે તે કક્ષાની એકાગ્રતા એ યોગસાધનાની સાવ પડખેની સ્થીતી છે ! નરસિમહેતા ધ્યાનધારણા ને આસન–સમાધીમાં સમય ગાળે એ વાતમાં માલ નથી પણ આ બધાં સાધનો અમુક કક્ષાએ પહોંચેલી વ્યક્તીને માટે તો જુદાં પાડી ન શકાય તેવાં જ હોય છે.

મહેતા કવી હતા, ભક્ત હતા કે જ્ઞાની હતા ? જેવા સવાલોના જવાબમાં છેવટે તો કહેવાનું મન થઈ આવે કે નરસિંહ મહેતા એક પારદર્શી વ્યક્તીત્વ હતા ! એમના વ્યક્તીત્વની આરપાર આપણે જોઈ શકીએ અને એ પોતે પણ જગત અને બ્રહ્મની આરપાર બધું જોઈ શકતા.

તેઓ આ ધરતીના જ માનવ હતા ને છતાં આ બધાંથી દશાંગુલ ઉર્ધ્વ હતા. એમનો શબ્દ, એમની કરતાલ અને સમાજના સૌકોઈ માટેની એમની નીષ્ઠા – આ ત્રણેય તત્ત્વોમાં એમનું કવીત્વ, એમની ભક્તી અને એમની સામાજીકતાનાં દર્શન આપણને થતાં રહે તો નરસિંહ મહેતા આજેય અજય અને અમર છે.

9 comments

 1. ખૂબ જ સમતોલ અને અભ્યાસસભર લેખ. નરસિંહ મહેતા વિષે બે એકબીજાથી વિરૂધ્ધ આંકલનવાળા અનેક લેખ લખાયા છે, તેમાં આ લેખ નરસિંહ મહેતાને ન્યાય આપનારો છે. નરસિંહના સર્જનો ક્રમે ક્રમે મઠારવામાં આવ્યા છે એ હકીકત કેટલાક Ph.D. માટે કરાયલા સંશોધનોથી પુરવાર કરી શકાય છે. છતાંયે બીજ નરસિંહનું જ છે, વૃક્ષની માવજત ભલે અન્ય માળીઓએ કર્યું હોય.
  જુભાઈ આવા અભ્યાસપૂર્ણ લેખ અન્ય મધ્યકાલીન સાહિત્યકારો વિષે લખતા રહેજો.

  1. એમના કેટલાંક કાવ્યોમાં “ઉઘાડો શૃંગાર” છે કહીને બહુ ટીકા થયેલી છે. એ કાવ્યો એમનાં નથી એવુંય કહેવાયું છે. પણ સંશોધનોને તપાસતાં રહીએ તો જાણવા મળે. મને મીત્ર અ.મો.એ એક પુસ્તકભેટ આપ્યું છે ‘શબ્દવેદ’ તેને જોઈ જઈશ……

   આ લેખ લખતાં તો આંખ પણ મારી ભીંજાઇ ગયેલી ! નરસૈયો હરિનો કાંઈ અમથું કહેવાયું હશે ?! હરિનો લાડકો. આપણ ગુજરાતીઓને તો એ દૂધપાકનો કે કેસરરસનો વાડકો જ છે !! ગુજ.ભાષાને એણે એક ઉંચાઈ બક્ષી છે….

 2. દાવડાજીએ ઉપર જે મંતવ્ય લખ્યું એ સાથે સંમત થઈ, એક વાત ઉમેરાવાનું મન રોકી શક્તો નથી! સારા માણસનું મૂલ્ય એની હયાતીમાં કેમ થતું નહિ હોય? એમ થતું હોય તો એ વ્યક્તિને લખવાનો,ગાવાનો વ. માટે બળ મળે ને સમાજ્ને જ એનો લાભ મળવાનો છે છતાં!
  નાગરી નાતનો જીવ હરિજનવાસમાં ભજન કરવા જાય, એથી ઉચ્ચ નાતીવાળાઓની હૈયા વરાળ ક્યાંય વાંચવા મળી છે? એક પ્રભુ જ એમને સમજી શક્યા હશે!
  જુગલભાઈ, તમારો આવો ટૂંકો ને અસરકારક લેખ વાંચીને કેટલા સમય લઈ અભિપ્રાય આપવાવા એમની ગાડી ઉભી રાખે છે?
  આભાર સાથે,
  ‘ચમન’

  1. બીજાઓની તો ખબર નથી પણ લખ્યા પછી મને બહુ સંતોષ થયેલો…..આ લેખ મેં સાઈટના “નવી પોસ્ટ” મુકવા માટેના પેજ પર જ સીધો લખ્યો છે. મીરાં પરના બેએક લંબાણ લેખો પણ એવા જ છે જે મેં નેટગુર્જરી પર મુકેલા…હવે લાગે છે કે અહીં પણ મુકું.આભાર.

  2. વાન ગોગ નામક ચીત્રકારનું પણ એમ જ થયેલું…..એમણે જે સહન કરીને ચીત્રો દોર્યાં, એ હેરાનગતી એમનાં ચીત્રોના પીળા રંગોમાં હુબહુ પ્રગટ થઈ છે. સળગતાં સુર્યમુખી એ જાણે કે એમના જીવનનું પ્રતીક બની ગયું છે ! એમનાં ચીત્રો આજે સૌથી મોંઘાં ગણાય છે.

 3. આપ કહો છો કેઃ”બીજાઓની તો ખબર નથી પણ લખ્યા પછી મને બહુ સંતોષ થયેલો”
  તેમ અમને પણ નરસિંહનું એક કવિ,ભક્ત અને સમાજસુધારક તરીકેનું આલેખન વાંચીને  નરસિંહને સાચી રીતે સમજ્યાનો સંતોષ થયો
  આભાર.

  1. સાચ્ચે જ નરસિંહ અને મીરાં આપણાં હૃદયે બીરાજમાન સર્જકો છે. મીરાંએ તાર સ્વરે ગાયેલાં ભક્તીગીતો આપણા હૃદયને કેવાં સ્પર્શી જાય છે ! હું તો ઈચ્છું છું કે વાચકો પણ શક્ય તેટલો અભ્યાસ કરીને આપણાં આ સૌ સર્જકોની રચનાઓને સૌ સમક્ષ રજુ કરે…..તમે સૌ કોઈ એક ગ્રુપ બનાવીને આ કાર્ય કરવામાં મદદરુપ બની શકો.

   આપ સૌનો ખુબ ખુબ આભાર.

 4. શ્રી નરસિંહ મહેતા નાં જીવન વિષે નો લેખ ઉત્તમ રહ્યો. ભક્તિરસ થી ભરપૂર નરસિંહ પોતાના સમય થી ઘણા આગળ હતા, “અખિલ બ્રહ્માંડ માં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસે” એક સચોટ ઉદાહરણ છે. આ કાવ્ય ના મર્મ ને સમજતાં અને સમજાવતાં એક મહાનિબંધ લખી ડોક્ટરેટ કરી શકાય.
  આભાર,
  -નીતિન વ્યાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *