મીઠાનો સત્યાગ્રહ – ૧

Posted by

૧૯૨૮–૨૯ સુધીમાં દેશમાં છુટીછવાઈ હીંસા થતી તે જોઈને ગાંધીજીને લાગ્યું કે હીંસાની લાંબી દેખાતી લીટી આગળ અહીંસાની ટુંકી દેખાતી લીટીને મોટી કરીને મુકીએ તો હીંસાની લીટી નાની થઈ જાય !! ૧૯૨૯માં ૩૧મી ડીસેં.ના દીવસે જવાહરલાલના પ્રમુખપદે લાહોરમાં મુકમ્મીલ આઝાદીનો ઠરાવ થયો. પુર્ણ સ્વરાજ માટે દેશભરમાં સવીનય કાનુનભંગનો અમલ કેમ કરવો તે અંગે ગાંધીજીને અધીકાર અપાયો.

૧૯૩૦ની સાલ ૨૬મી જાન્યુ.એ સમગ્ર દેશે સ્વાતંત્ર્યદીવસ તરીકે ઉજવણી કરી ને ઝંડાવંદનો થયાં. પ્રતીજ્ઞાઓ લેવાઈ. ગાંધીજીને કોઈએ એમની ડીપ્લોમસી પુછી તો જવાબ મળ્યો : ટ્રુથ ઈઝ માય ઓન્લી ડીપ્લોમસી.

આ પછી એમણે એક લાંબો કાગળ વાઈસરૉયને લખ્યો. લખ્યું :

તમારે અમને આઝાદી આપવી છે પણ તમારી દાનત લાગતી નથી. તમે જો આટઆટલું (એટલે કે ૧૧ માગણીઓનો અમલ) કરી દો તો તમારી દાનત પુરવાર થાય :

દારુનીષેધ, હુંડીયામણનો નીયત દર, મહેસુલમાં ન્યાય, મીઠાના કરની નાબુદી, લશ્કરખર્ચ ઘટાડવું, પગારો ઘટાડવા, સ્વદેશી કાપડને રક્ષણ, વીદેશી પર જકાત, દરીયાઈ વેપારમાં સરળતા, રાજકીય કેદીઓની મુક્તી, ગુપ્તચરખાતાની નાબુદી કે અંકુશ તથા આત્મરક્ષણાર્થે હથીયારોના પરવાના આપવા !!

(આ ૧૧ માગણીઓમાં કેટલું ઝીણું ચીંતન અને વ્યાવહારીક દુરંદેશી છે તે સમજાય છે !!)

આ અગીયારે મુદ્દાઓ ઉદાહરણો સાથે મુકાયા હતા ! તેમાંનું એક જ ઉદાહરણ નારાયણભાઈએ કથામાં વર્ણવેલું તે જોઈએ…..એ વખતે અહીંના વાઈસરૉયનો પગાર હતો માસીક રુ. ૨૧૦૦૦/ ઉપરાંત ખુબ બધા ભથ્થાં ! જ્યારે ઈંગ્લેન્ડના વડાપ્રધાનનો પગાર હતો રુ. ૫૪૦૦/–….. લખે છે :

દેશના સરેરાશ માણસની દૈનીક આવક અહીં બે આના, ત્યારે આપની રુ. ૭૦૦/–થીયે વધારે ! ત્યાંના મુખ્ય પ્રધાનને દૈનીક રુ. ૧૦૦ ! પછી ઉમેરે છે : આમ પગારરુપે પાંચ હજારથીયે વધુ હીન્દીઓની કમાણી આપ ઉપાડો છો. જ્યારે ઈંન્ગ્લાંડનો વડોપ્રધાન માત્ર નેવું અંગ્રેજોની કમાણી ઉપાડે છે ! પત્રને અંતે તેમણે વીનંતીરુપે, પરંતુ સ્પષ્ટતાથી લખ્યું હતું કે, આમાંથી જો કશું નહીં કરો તો હું સત્યાગ્રહ કરીશ.

આ લાંબો પત્ર પછી તેમણે ક્વેકર સંપ્રદાયના એક અંગ્રેજ યુવાન રૅજિનાલ્ડ રોનાલ્ડઝ દ્વારા હાથોહાથ વાઈસરૉયને પહોંચાડેલો !

કાર્યક્રમમાં મીઠાનો સત્યાગ્રહ ચોથા ક્રમે હતો પણ તેમણે તેનાથી જ શરુઆત કરેલી જે ઘણાંને સમજાઈ નહોતી. ૧૯૦૯માં હિન્દસ્વરાજમાં તેમણે લખ્યું છે કે, એક પાકા મણનું મીઠું દસ પાઈમાં પડતું હતું છતાં એના પરનો વેરો વીસ આના (૨૪૦૦ % ) હતો !!

નારાયણભાઈએ એક વાત બહુ સરસ કહી છે કે, ગાંધીજી વીશે અધ્યયન કરનારે મહાદેવભાઈની ડાયરી અવશ્ય વાંચવી જોઈએ. ગાંધીજી બીમારીમાં સન્નીપાતમાં કશુંક બબડતા તો તેની પણ નોંધ તેમણે લીધી છે !! જેમ કે ૧૯૧૭ની ડાયરીમાં ત્રુટક શબ્દો બોલેલા નોંધાયા છે તે મુજબ લાગે છે કે વીઝન હતું ગાંધીજીનું પણ એનું એક્ઝીક્યુશન સરદારનું. આ વરસોમાં સરદાર તેમના સૌથી વધુ વ્યવહારદક્ષ સાથી હતા. એ જ રીતે આ આંદોલનમાં પણ તેમણે સરદારને જ પસંદ કરીને સમગ્ર આયોજનનો અભ્યાસ સોંપેલો.

સરદારે કેટલો ઝીણવટથી અભ્યાસ કરેલો તે જાણવા જેવું છે ! આખી યોજનાની વીગતો નારાયણભાઈએ આપી છે……તે હવે પછી.

 

 

 

 

 

 

 

3 comments

  1. કેટલાક કહેવાતા બુધ્ધિશાળી ઓ મ.ગાંધીજીની વાતો વિચિત્ર રીતે રજુ કરતા હોય છે .ઘણા એ વાત માની જતા હોય છે અને હાસ્યાસ્પદ રીતે પ્રચાર કરતા હોય છે આ માટે તેની સત્ય પ્રેરણાદાયક વાતો આ શ્રી નારાયણભાઈ જેવા પાસે જાણી -પ્રચાર કરવો જોઇએ…………

    1. આ સાઈટ પર આ બધી વાતો મુકવાની ધખના છે જ. કેટલું થઈ શકે તે જોવાનું રહે છે. અહીં મુક્ત મને પ્રગટ કરી શકાય અને સ્વાન્ત: સુખાય લખી શકાય છે તે સારી વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *