એક અનેરા અધ્યાપક અંગે –

Posted by

ખરા શિક્ષક : (જયંતીભાઈ અંધારિયા)

– શ્રી મનસુખ સલ્લા

(નોંધ : શ્રી સલ્લાભાઈએ લોકભારતીમાં આચાર્યપદે હતા. અને હવે અમદાવાદમાં શીક્ષણક્ષેત્રે અનેકવીધ પ્રવૃત્તીઓમાં કાર્યરત છે. સાહીત્ય પરીષદ ને અકાદમી સાથે તેઓ લેખન ઉપરાંત કાર્યો દ્વારા જોડાયેલા રહ્યા છે. એમનાં પુસ્તકો પુરસ્કૃત થતાં રહ્યાં છે. માતૃભાષા પર એમનાં લખાણો મારા માટે ગૌરવની બાબત છે.)

–––––––––––––––––––––––––––––––––

એ નવાઈ ભર્યું લાગે તેવું છે કે મારી કિશોરાવસ્થાનાં ચિત્રોમાં ઘર કે કુટુંબીજનો કરતાંય વધુ ચિત્રો વિદ્યાલય અને તેના શિક્ષકોનાં છે. લોકશાળા ખડસલી અને તેના સ્નેહ છલકાવતા શિક્ષકોનાં ચિત્રો જ ચિત્તમાં ઘર કરીને બેઠાં છે. આમ કેમ બન્યું ? કારણ કે મારે માટે એ કાળ ચારે બાજુની સભરતાનો હતો. ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ મારા જેવા હતા. ગામડાના, ગરીબ ઘરના, પ્રમાણમાં ટૂંકી ભૂગોળવાળા અને ભૌતિક સુખો નહીંવત્‌ જોયેલાં. એ બાબતમાં અમારી વચ્ચે સમાનતા હતી.

ખડસલી એટલે સાવરકુંડલાથી મહુવા જતાં વચ્ચે વીજપડી પહેલાં રસ્તાથી અંદર એકાદ કિલોમિટરે આવેલું નાનકડું ગામ. લલ્લુભાઈ-અમુલખભાઈનો પડ્યો બોલ ઝીલનારું, સ્વરાજની સુગંધને ધરતી પર લાવવાની મથામણવાળું ગામ. ત્યાં લોકશાળા(નઈતાલીમના સ્વરૂપની છાત્રાવાસી માધ્યમિક શાળા) અને ગ્રામસેવા કેન્દ્ર દ્વારા અનેક પ્રવૃત્તિઓ આકાર લેતી. અમને એ સભાનતા જ નહોતી કે ભણવું અને જીવવું જુદું છે. કે ગામાયત પ્રવૃત્તિ શાળા બહારની પ્રવૃત્તિ ગણાય. સંસ્થાના બીડમાં આગ લાગે તો ઠારવા માટે દોડીને પહોંચીએ એ શિક્ષણ જ ગણાતું. શીખવું એટલે વર્ગખંડની દીવાલો વચ્ચેનું ભણતર માત્ર નહિ (એ પણ રસિક રીતે અને રમતાં રમતાં અપાતું.) પણ શ્રમ, છાત્રાલયજીવન, ગ્રામસેવાના કાર્યક્રમો, પ્રવાસ, નાટક, સમૂહજીવનની વિવિધ જવાબદારીઓનું વહન અને આ સઘળાંની વચ્ચે થતું સતત વાંચન આ બધું જ અમારે માટે શીખવાના ભાગરૂપ હતું. અમારો વાચનરસ કેવો કેળવાયો હતો ? કોઈ આખા મુનશી વાંચે તો ર.વ. દેસાઈ, કોઈને શરદબાબુ ઘેલું લગાડે તો કોઈને દર્શક, મેઘાણી રગરગમાં હતા. અંતકડીમાં મેઘાણી સૌથી વધુ ગવાતા. સૌને એમનાં ગીતો કંઠસ્થ હતાં. રસધારની વાર્તાઓ કે એમની નવલકથાઓ અમારો અંતરનો ઉમળકો હતો. – આ સૌ વિશે શિક્ષકો કે મહેમાનો સાથે વિદ્યાર્થીઓ ચર્ચા કરતા. ૧૪૦ વિદ્યાર્થીઓમાંથી ૬૨ જણ કવિતા લખતા હતા.

પરીક્ષા આજના જેવી ત્રાસવાદી પ્રવૃત્તિ નહોતી, જે જીવ પણ લઈ લે કે સર્જનાત્મકતાને મારી નાખે. સહજક્રમે પાસ થવાનું – નંબરનું મહત્ત્વ લગભગ નહોતું. સૌની આંખમાં સ્વપ્નાંઓ રમતાં, શક્ય-અશક્ય-પણ સેવવાં ગમે એવાં. વ્યક્તિગત કારકિર્દી ઘડવાની તો અમને ગતાગમ જ નહોતી. કાંઈક બનવું છે તે વધુ સારો સમાજ બનાવવા માટે. આ સઘળું હવામાંના ઓક્સિજન જેવુું હતું. પ્રાણપ્રદ પણ સભાનતા વિહોણું.

આવું વાતાવરણ કેમ જન્મ્યું ? કેમ સૌ પોતપોતાની રીતે વિકસતા હતા ? કેમ માર્ક્સ કરતાં માણસાઈ મૂલ્યવાન લાગતી હતી ? એનો ઉત્તર છે – અમારા શિક્ષકોને કારણે, હરિભાઈ ગોરડિયા, જયંતિભાઈ અંધારિયા, હિંમતભાઈ ગોડા, હરદાસભાઈ પટેલ, હિંમતભાઈ ખાટસુરિયા, પ્રવીણભાઈ શાહ, દીપકભાઈ મહેતા, બાબુભાઈ વ.પટેલ, મનસુખભાઈ જોશી, નગીનભાઈ મહેતા, બટુકભાઈ વીર અને પ્રાસંગિક આવી ગયેલા સૌ શિક્ષકો. મોટાભાગના શિક્ષકો લોકભારતીના પહેલા-બીજા જૂથના સ્નાતકો હતા – ભાવનાથી ઉભરાતા, સ્વપ્નોને સાકાર કરવાની ધગશવાળા, પ્રેમાળ અને સમર્પિત. લોકભારતીએ તેમને કેળવણીનો નવો નકશો આપ્યો હતો, ભાવનાની ગતિશીલતા આપી હતી. યૌવનથી તરવરતા મોટાભાગના શિક્ષકો હજુ અપરિણીત હતા. તેઓ અમારી સાથે રહેતા, જમતા, નાહતા, રમતા. વર્ગમાં ભણાવતા અને રાત્રે લાઈટ બંધ થાય પછી મોડે સુધી નિરાંતે વાતો કરતા. તેઓ શિક્ષકો કરતાં મોટાભાઈ કે મિત્ર વધુ લાગતા.

એમાં જયંતીભાઈ અંધારિયા પોતાની રીતે આગવા હતા. એકવડિયું શરીર, સહેજ શ્યામવાન, મધ્યમ ઊંચાઈ અને લગભગ હસતા હોય ચાલતા નહિ, દોડતા હોય તેમ એક પછી એક પ્રવૃત્તિને પહોંચી વળતા. તેમને માંદગી કે થાક અટકાવી ન શકતાં. તેમનું બધું એટલું સાહજિક અને સ્વયંસ્ફૂર્ત હતું કે એથી જુદું કાંઈ હોય તેવો વિચાર જ ન આવતો.

જયંતીભાઈ શિક્ષક ઉપરાંત અમારા ગૃહપતિ હતા. પછીથી આચાર્ય થયેલા, પણ એમનો રંગ એક જ રહ્યો હતો. અમારા છાત્રાલયની ખૂણાની ઓરડીમાં તેઓ રહેતા. એનું બારણું બંધ ન હોય. એમને મળવા માટે રજા લેવાની જરૂર નહિ. બારણા પાસે ઊભા રહી ‘આવું ?’ એટલું બોલીએ એટલે ‘આવ ભાઈ !’ એવો ઉત્તર સામે જોયા વિના પણ મળે. સૌને મળે. એમને બધું કહી શકાતું. બધી કાલીઘેલી વાતો. સાંભળતી વખતે તેમનો હોંકારો હોય, ‘બોવ સરસ’, વાહ, કરો તમ તમારે, જરૂર વિચારશું અને કયારેક ના પાડવાની હોય, ત્યારે પણ જવાબ આવો હોય, વિચારી જોઈએ. હું હરિભાઈ સાથે વાત કરીશ.’ જયંતીભાઈએ શું ભણાવ્યું છે તે લગભગ યાદ નથી, પણ તેઓ કેમ વર્તતા, કેવી કાળજી લેતા હતા, કેવા આત્મીય લાગતા હતા તે બાવન વર્ષ કે પછી મનમાં અકબંધ રહ્યું છે.

છાત્રાલયમાં માંદગી સહજ હોય. ત્યારે બા અને ઘર સૌથી વધુ સાંભરે. મન આળું બની જાય. પણ જયંતીભાઈની કાળજીને કારણે ઘર ખાસ યાદ ન આવતું. સાજા થયા પછી બાને પોસ્ટકાર્ડ લખી નખાતું કે તાવ ઊતરી ગયો છે કે શરદી મટી ગઈ છે. હરિભાઈ ગોરડિયા આચાર્ય હતા, કડક ગણાતા, નિકટ છતાં દૂર લાગે, સૂર્યના તાપ જેવા. જયંતીભાઈ માયાળુ, ચંદ્ર જેવા પોતીકા લાગતા. તેમણે ભાગ્યે જ કદી કોઈને ઊંચા સાદે કાંઈ કહ્યું હશે. ઠપકો આપવો હોય ત્યારે પણ તેમનું સંબોધન આવું હોય, ‘કેમ ભઈલા, આવું કેમ થયું ?’ પ્રેમમૂર્તિ મૂળશંકરભાઈના હાથ નીચે ઘડાયા તેથી આ બધું તેમનામાં ઝિલાયું હશે. માંદગીમાં બાની હરીફાઈ કરે તેવી કાળજી તેઓ લઈ શકતા. માંદગી તો પૂરી થઈ જાય, પણ એમાંથી જન્મેલો સ્નેહસંબંધ કાયમ ટકતો. તેમની બીક ન લાગતી, પણ આમન્યા બરાબર જળવાતી.

અમે સૌ લાદી જડેલી ભોંય પર બિસ્તરો પાથરીને સૂતા. શેતરંજી ઉપર એક ગોદડું પાથરેલું હોય; બીજું ઓઢવાનું હોય. હરિભાઈ અને જયંતીભાઈ શિયાળાની મધરાતે છાત્રાલયમાં આંટો મારે. નાના કિશોરો આખા દિવસની પ્રવૃત્તિઓ અને ખેલકૂદ પછી એવા થાક્યા હોય કે માથું બિસ્તરામાં હોય અને શરીર લાદી પર હોય. કે ઓઢવાનું ખસી જવાથી ઘૂંટણ દાઢીએ અડી ગયા હોય. તેઓ સૌને સરખા સુવડાવે, ઓઢાડે. આજે પ્રશ્ન થાય છે કે તેમને પોતાની ઊંઘનો વિચાર નહિ આવતો હોય ? ના. એવું વિચારવાની તેમની વૃત્તિ જ નહોતી.

ખડસલીમાં સુવિધાઓ હજુ ઊભી થતી હતી. જનરેટરથી લાઈટ અમુક સમય પૂરતી રહેતી. પાણી જામવાળી નદીમાંથી ભરવાનું હતું. રસોડું, વાસણકૂંડી, વપરાશના ટીપ ભરવાનાં હોય. વારા પ્રમાણે પાણી ટુકડીમાં રહેવાનું હોય. શિયાળામાં એ કામ આકરું લાગે. ઢાળમાં એકાદ ફલાંગ જેટલું દોડી, ડોલ ભરી પાછા વળવાનું. સૌ પોતાને નાની ડોલ મળે એની તાકમાં હોય. સાથે જયંતીભાઈ લેંઘાના પાયસા ગોઠણથી ઉપર ચડાવી દોડતા હોય. એમના ધ્યાનમાં આવે તો નાની ડોલ અપાવે. કેટલાક વિદ્યાર્થીઓ આળસ અને આળવિતરાઈના અવતાર જેવા. તેમનાથી તેઓ થાકે નહિ. આ કામમાંથી પણ નિર્દોષ મજાક સૂઝતી રહે.

અમે ભણ્યા ત્યાં સુધી તો ખડસલીમાં ધાબળી-શ્રમ જ પ્રતિષ્ઠિત હતો. કોથળાને બે છેડેથી બે જણ ઉપાડે. અંદર ઉપાડી શકાય તેથી વધુ માટી ભરેલી હોય. વિવિધ અંગભંગિ સાથે ખાડાવાળા ભાગ સુધી પહોંચીને ધાબળી તેમાં ઠાલવવાની શિક્ષકો પણ ધાબળીમાં સામી બાજુ હોય. જયંતીભાઈ દેહે  દૂબળા. પાવડાવાળાને કયારેક કહે, ‘ભરવામાં જરાક માપ રાખ.’ અને વિદ્યાર્થી ગૃહપતિને નિરાંત જીવે કહી શકતો, ‘કાંઈ વધારે નથી. આજે મહાભોજન(મિષ્ટાન્ન) છે, પચી જશે.’ જયંતીભાઈ પ્રસન્નતાથી હસી પડે, ધાબળી ઊંચકી લે.

તે કાળે મહાભોજન એટલે મોટે ભાગે ખીર. લગભગ દૂધપાકની પડખે બેસે એવી. એ ખાવાનું માપ ડોયામાં નહિ- એક લોટો, બે લોટા કે અર્ધી ડોલ એવું ગણાતું. એવા ખાનાર બહાદુરો હતા. જયંતીભાઈ આગ્રહ કરીને પીરસે. એક વાર બપોર પછીય વર્ગોને બદલે ધાબળી-શ્રમ ગોઠવાયો. અમારા સૌના હાથમાં આંટણ પડેલાં જ હોય. આંગળા અકડાઈ જાય. પણ જયંતીભાઈ-હરિભાઈ કાળજીના જીવ. અમારા રસોઈયા નર્મદાશંકર ઉસ્તાદને કહીને દોઢી ખીર બનાવડાવી હોય. અમે થાકીએ તો ખરા જ. તેમાં બપોરનો તડકો હોય. જયંતીભાઈ ઈશારાથી પાસે બોલાવે. જાણે કાંઈક ખાનગી કામ સોંપતા હોય તેમ કહે, ‘જરા રસોડામાં જઈ આવ ! ત્યાં થોડું કામ છે.’ ધાબળીમાંથી છૂટયાનો આનંદ લઈ રસોડામાં જઈએ ત્યાં અહો આશ્ચર્યમ્‌ ! હરદાસભાઈ ખીરના વાટકા ભરતા હોય, બે વિદ્યાર્થીઓ અંબાવતા હોય. અમે ખીર પૂરી કરીએ એટલે સૂચના મળે. ‘હમણાં બીજાને કહેતા નહિ.’ અર્ધી સંખ્યાએ ખીર પીધી હોય ત્યાં સુધી બાકી રહેલાને ખબર જ ન પડી હોય કે જયંતીભાઈ કયું ખાસ કામ સોંપે છે. પછી કોઈક અદક પાંસળિયાએ રહસ્ય છતું કરી દીધું હોય. જયંતીભાઈ તેના વાંસામાં પ્રેમથી ધબ્બો મારી ખડખડાટ હસી પડે !

આજે પાકું યાદ નથી. બીજા કે ત્રીજા વર્ષે વેકેશન પછી જયંતીભાઈની રૂમમાં સાવ નવી વસ્તુ ઉમેરાઈ ગઈ હતી. એક બહાદુર ગુપ્ત સંદેશો લાવ્યો કે, ‘જયંતીભાઈના ટેબલ ઉપર ફોટો છે. મસ્ત છે. તે જોયો ?’ જયંતીભાઈનું વેવિશાળ થયેલું. તે કાળે બ્લેક એન્ડ વ્હાઈટમાં સ્ટુડિયોમાં ફોટા પડતા. એમાં વાળથી અર્ધા ઢંકાયેલા ચહેરાવળી(સાઈડ ફેઈસવાળી) કન્યાનો ફોટો હતો. અમારે ગામડાના છોકરાઓને માટે તો ફિલ્મ સિવાય આવું બધું નવાઈભર્યું હતું. છાત્રાલયમાંથી લગભગ તમામ વિદ્યાર્થીઓ આ છબી જોઈ આવેલા – કોઈ પોતાને જોઈ ન જાય તેની કાળજી સાથે. એ ફોટો જયંતીભાઈનાં પત્ની ઉષાબહેનનો હતો. દિવસો સુધી એ અંગે અમારી વચ્ચે વાતો થયેલી. જયંતીભાઈને ખબર પડી ત્યારે તેઓ મુગ્ધપણે હસી પડેલા. તેમને જવાબ ન આપવો હોય ત્યારે કે બહુ પ્રસન્ન થાય ત્યારે તેઓ લાક્ષણિક રીતે પ્રગટ થતાઃ નજીક ખેંચી, વાંસામાં ધબ્બો મારે, ખડખડાટ હસી પડે. અમારા સહાધ્યાયી મનુ દુધાતે આ છબી અંગે ઘણી મૌલિક જોક ઉપજાવેલી.

એક વાર જયંતીભાઈ ઉતાવળે વર્ગખંડમાં દાખલ થયા. અમારે ગણિતની પરીક્ષા હતી. અમને પ્રશ્નપત્ર અને ઉત્તરવહી અપાઈ ગયાં હતાં. તેઓ શ્વાસભેર કહે, ‘દોસ્તો, તમારે પરીક્ષા છે, પણ ગૌશાળાએ નીરણ ખુલ્લામાં પડી છે. વરસાદ અંધાર્યો છે. નીરણ પલળી જશે. આપણે પરીક્ષા અત્યારે બંધ રાખીએ, પહેલાં નીરણ ઓરડામાં ભરી દઈએ ?’ આમાં અમારે માટે નવાઈ જેવું કાંઈ નહોતું. બધું પાછું આપી, દોડીને ગૌશાળાએ પહોંચ્યા. નીરણ ફેરવી નાખી. ત્યાં વરસાદ તૂટી પડ્યો. પલળતા પાછા આવ્યા. કોરા થઈ જમવા ગયા તો જમવામાં સુખડી ઉમેરાઈ ગઈ હતી. આવું આયોજન જયંતીભાઈ-હરિભાઈને સૂઝે.

રાત્રે પ્રાર્થના પછી જયંતીભાઈ કહે, ‘તમારી પરીક્ષા બાકી રહી છે. તો અત્યારે રાખી દઈએ ?’ અમને એનીય નવાઈ નહોતી. પરીક્ષા આપી દીધી. કેવું અદ્‌ભુત એ વાતાવરણ હતું ? અમે પ્રશ્નપત્ર વાંચ્યું હતું. કેવા દાખલા પૂછયા છે તેની ખબર હતી. પણ ન અમારામાંથી કોઈએ એ વિશે અંદરોઅંદર કંઈ વાત કરી કે ન પાછા આવીને પુસ્તકમાંથી દાખલાની રીત જોઈ. એવી જરૂરિયાત ન લાગે તેવું વાતાવરણ સર્જવામાં, એવી ભાવના જગાડવામાં અમારા શિક્ષકોની વશેકાઈ હતી. એટલે જયંતીભાઈએ એવી સૂચના નહોતી આપવી પડી કે,‘અંદરોઅંદર પ્રશ્નપત્રની વાત ન કરતા.’

અમારા શિક્ષકો મૌલિક રસ્તા કાઢવા માટે તત્પર રહેતા. ઉત્તરભારતનો પ્રવાસ ગોઠવાયો. પ્રવાસખર્ચ પેટે દસ રૂપિયા ભરવાના હતા. (અમારે આઠમા ધોરણમાં રહેવા-જમવા-ભણવાનું કુલ લવાજમ સાડાસાત રૂપિયા હતું, નવમાં ધોરણમાં દસ રૂપિયા અને દસમા ધોરણમાં પંદર રૂપિયા હતું. બાકીનો ખર્ચ ગ્રામસેવા મંડળ ભોગવતું.) એટલા રૂપિયા ભરવાનીય અમારામાંથી દસ-બાર જણની ત્રેવડ નહોતી. લવાજમનો જોગ માંડ થતો.(આ વાત ૧૯૫૫-૫૯ની છે.)

મેં જયંતીભાઈને મળીને કહ્યું, ‘હું પ્રવાસમાં નહિ આવી શકું. પાંચ રૂપિયાથી વધારાની સગવડ નહિ થઈ શકે તેવો મારાં બાનો કાગળ આવ્યો છે.’ જયંતીભાઈ વિચારમાં પડી ગયા. ઘડીક મૂંગા રહ્યા. પછી કહે, ‘કાંઈ વાંધો નહિ. તું તૈયારી રાખ. હું હરિભાઈને વાત કરું છું.’ શિક્ષકોએ ધાર્યું હોત તો દાનથી એટલી રકમ મેળવી શકયા હોત. તેમણે જુદો અને સ્વમાનપૂર્ણ રસ્તો લીધો. શિક્ષકોએ ચર્ચા કરીને શીંગશ્રમનું આયોજન કર્યું. કોઈ ખેડૂતનું ખેતર ઊધડ રાખી લેવાનું. મગફળી ખેંચીને પાથરા કરી આપવાના. તીડની તેમ વિદ્યાર્થીઓ ખેતરમાં પથરાઈ જાય. અર્ધો દિવસ કે એક દિવસમાં ખેતર સાફ થઈ જાય. ખેડૂત થતી હોય તેનાથી થોડી વધારે રકમ ચૂકવે. પાંચેક દિવસમાં ઠીક એવી રકમ એકઠી થઈ. એમાંથી પ્રવાસની રકમની વ્યવસ્થા થઈ ગઈ. ન કોઈને એનો ભાર લાગ્યો, ન બિચારાપણું અનુભવાયું.

શીંગશ્રમ હાથમાં ફોલ્લા પાડે, કેડના કટકા કરે. પાછળ રહી જાય તેને શિક્ષકો શીંગ ખેંચાવા લાગે. તોય પાછળ રહી જવાય. હું પ્રમાણમાં સુંવાળો. હાથમાં ફોલ્લા પડી ગયા. જયંતીભાઈને ખબર પડી. મારા હાથ પોતાના હાથમાં લઈ ઉપર બીજો હાથ ફેરવી કહે,‘તારે માટે આ કામ આકરું છે. એમ કર, તું સૌને પાણી પાવાનું કામ કર.’ એ કામ પણ ભારે હતું, પણ મને ભારે નહોતું લાગ્યું. ફરફોલા દુખતા હતા પણ એની અસર ન થતી, કારણ કે જયંતીભાઈએ મારા ફરફોલા ઉપર હાથ ફેરવ્યો હતો !

અમારા શિક્ષકોનાં સ્વપ્નોનો પાર નહોતો. આલ્બર્ટ સ્વાઈટ્‌ઝરની વાતો હવામાં હતી. ડૉકટર બનીને ખરી સેવા કરી શકો, લોકોને ઉપયોગી થઈ શકો, એ ભાવથી એમણે અમને ત્રણ જણને તૈયાર કર્યાં. વેકેશનમાં રાખ્યા. દીપકભાઈ મહેતા અંગ્રેજી ભણાવે, પ્રવીણભાઈ શાહ ગણિત-વિજ્ઞાન ભણાવે. હરિભાઈએ ખડસલી છોડી દીધેલું. ભાવનગર હતા. હું ભાવનગર ગયો. ત્રણ દિવસ જયંતીભાઈને ઘરે રહ્યો. સૌને મળું. આયોજન કરું. ડૉકટરનું ભણવાનાં સ્વપ્નાં ઘડું, વળી ભાંગું. હોંશ ઘણી પણ આર્થિક સંજોગો પ્રતિકૂળ. એક સાંધું ત્યાં તેર તૂટે; જયંતીભાઈ સતત હૂંફ આપતા રહે.

પરંતુ જે સંસ્થામાંથી મને વધુમાં વધુ આર્થિક મદદ મળવાની આશા હતી તેના સંચાલકે કહી દીધું, ‘લોકભારતીમાં ભણે તો મદદ કરશું, કૉલેજ શિક્ષણમાં અમે નથી માનતા.’ જાણે બધી તૈયારીનો મહેલ તૂટી પડ્યો. હું જયંતીભાઈને બધું લખતો રહું. માર્ગદર્શન માગું. તેઓ મને તૂટવા ન દે. હૂંફ આપે. પછી તો હું લોકભારતીનો સ્નાતક થયો. મહાન ગુરુઓ પાસેથી જીવનનું અમૃત પામ્યો. કશી ખોટ ન રહી. પરંતુ હું ડૉકટર બનું એ માટે જયંતીભાઈ-હરિભાઈ-પ્રવીણભાઈએ જે કાળજી લીધી હતી અને હૂંફ આપી હતી તે મારા હૃદયમાં કાયમ મધુર રીતે સચવાઈ છે.

લોકભારતીમાં આચાર્ય તરીકેની મારી કામગીરી, મારું લેખન અને નિવૃત્તિ પછીની પ્રવૃત્તિઓનો જયંતીભાઈને ભરપૂર સંતોષ. ઊંડી કદર. મારું કાંઈ વાંચે તો તુરત ફોન કરે. તેમાં એક વાક્ય પુનરાવર્તન પામતું રહે, ‘તું અમારી પાસે ભણ્યો એનું મને બહુ ગૌરવ છે.’

ખડસલીના મારા બધા શિક્ષકો વિશે હું આવાં મધુર સ્મરણો લખી શકું એમ છું. સૌની આગવી રીત અને આગવો મિજાજ હતાં. તેઓ તો ભૂલી ગયા હશે પરંતુ તેમણે અમને જે નિર્વ્યાજ પ્રેમ આપ્યો, થાક્યા ત્યારે પ્રોત્સાહિત કર્યા, અમારા વિકાસમાં અતંદ્ર કાળજી લીધી, અમને નવાં નવાં સ્વપ્નાં આપ્યાં તેમાં જયંતીભાઈ અંધારિયા ઘણા નિકટ રહ્યા, સતત સંબંધમાં રહ્યા. તેમનો નાનો ભાઈ કનુ અમારો સહાધ્યાયી હતો. પણ અમે હક્કપૂર્વક જયંતીભાઈને અમારા ગણતા. આને ઋણાનુબંધ જ કહી શકાય.

ઊગતી ઉંમરે(કિશોરાવસ્થામાં) આવું વિદ્યાલય મળવું, આવા શિક્ષકો મળવા, કાળજી અને દૃષ્ટિપૂર્વકનું આવું શૈક્ષણિક વાતાવરણ મળવું એ કેટલું મોટું સદ્‌ભાગ્ય છે તે તો આજના સંબંધરહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને જોઉં છું ત્યારે તીવ્રપણે મનમાં તુલના થઈ જાય છે.

જયંતીભાઈએ કયારેય પોતાને વિશિષ્ટ કે અસામાન્ય નથી ગણાવ્યા. નિવૃત્તિ પછી ગાંધી વિચાર પરીક્ષાનું ઘણું મોટું કાર્ય(વળતરની અપેક્ષા વિના) ગાંધીસ્મૃતિ દ્વારા કરી રહ્યા છે. અનેક ઉમદા પ્રવૃત્તિઓમાં પડદા પાછળ રહીને સક્રિય રહે છે. ઉંમરના ઉત્તરાર્ધે કાન સાથ છોડી રહ્યા છે, શરીર મર્યાદા ચીંધી રહ્યું છે, ત્યારેય સ્ફૂર્તિ અને સ્વપ્નાંથી ભર્યાભર્યા છે. એમના જેવા શિક્ષક મળવા એને હું બડભાગ્ય ગણું છું.

———————————-

સંપર્ક : સી-૪૦૩, સુરેલ એપાર્ટમેન્ટ, જજીસ બંગલા, અમદાવાદ – ૩૮૦૦૧૫

મો. ૯૮૨૪૦૪૨૪૫૩  / e-mail : mansukhsalla@gmail.com

 

 

5 comments

  1. ખુબ આનંદ થયો સલ્લાભાઈ .આભાર.

  2. આ બધા જીવનશીક્ષકો ગણાયા છે. વર્ગશીક્ષણનો જીવનવ્યવહારોમાં વીનીમય કરવાનું અને જીવનને છાત્રાલય દ્વારા અપનાવવાનું શીક્ષણ આ લોકોએ કરી બતાવ્યું છે….સાભાર – જુ.

  3. ખુબ આનંદ થયો સલ્લાભાઈ .આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *