અથ શ્રી પ્રોફેસરકથાયામ્…….(૩) જોડણીએ જમવાની મજા બગાડી !

Posted by

– જુગલકીશોર.

જોડણીના ‘ગંભીર’ પ્રશ્ને…

 

જોડણીના જ નીમીત્તે પ્રોફેસરના ઘરમાં એક દીવસ હીસાબની ડાયરીને બહાને એક નાનકડું તોફાન થતાં થતાં રહી ગયેલું !

ઘરમાં સાધારણ પત્રવ્યવહારનાં અને હીસાબની ડાયરીને લગતાં લખાણોનું પ્રમાણ બહુ ઓછું રહેતું. સૌથી નાના પુત્રના ભણવાના ચોપડા મોટેભાગે સૌને નડતા રહે એ સીવાય લખાણો ઘરમાં ક્યાંય નડતરરુપ બનતાં નહીં, આ પ્રોફેસરને ત્યાં. પ્રોફેસરના લેખો વગેરે તો કોઈને ક્યારેય નડે જ નહીં એ બાબતનું ધ્યાન ખુદ પ્રોફેસર જ રાખતા હોઈ સૌને એ બાબતે નીરાંત છે.

પણ એક દીવસ હીસાબની ડાયરીમાં નોંધ કરતી વેળા કોઈએ બધાં જ શાકોનાં નામો ખોટી, સાવ ખોટી  જોડણીમાં લખી નાખ્યાં !! સાધારણ જોડણીભુલ હોય તો તો કોઈનુંય ધ્યાન ન જ ખેંચાય પણ આમાં તો ડુંગળીને બદલે ‘ડૂંગળિ’ એમ લખાયું હતું ! ઓછું ભણેલો પણ જે ભુલ ન કરે તેવી આ ભુલ હતી. સૌથી પ્રથમ નાના પુત્ર નં.3નું ધ્યાન ખેંચાયું.

ધ્યાન પછી એની ભ્રમરો ખેંચાઈ, અને છેવટે એણે પોતાની જાતને જાતે જ  આ બાબત અંગે તપાસ કરવાનો હુકમ આપી દીધો, દલા તરવાડીની જેમ જ : ”ભાઈ નાના ! પ્રોફેસર પીતાના ઘરમાં જોડણી બાબતે આવડી બધી અરાજકતા કેમ ચલાવી લેવાય ?! તું જ તપાસ કર કે કોણ છે આ અવળચંડો જે ડુંગળીને ડૂંગળિ બનાવી દે છે ?!

એને સૌથી વધુ બંને ભાભીઓ તરફ વહેમ દેખાયો. પ્રોફેસર પીતાજીને પગલે ચાલવાના વહેમનો માર્યો આ નાનો પુત્ર કોઈ પણ બાબતમાં શેરલૉક હોમ્સની સ્ટાઈલથી વાળની ખાલ ઉતારતો રહે છે ઘરમાં; અને એમ કરીને સૌને ઉંચે જીવે રાખતો હોય છે. ભાભીઓ તરફ એને વહેમ ગયો એનાં બે કારણો એણે કલ્પ્યાં :

કારણ નં.1: ઘરમાં ખરીદી કરનારી આ ભાભીઓ જ હોય છે. અને નં. 2 : આ મંકોડા ગૉળ લેવા જતા હોય એવા અક્ષરો ઘરમાં કોઈના નથી. ( બંને મોટાભાઈઓના અક્ષરો એકંદરે સારા છે. નાનો પુત્ર ઘણો નાનો હતો ત્યારે સ્કુલનું હોમવર્ક મોટાભાઈ પાસે તે કરાવતો ત્યારથી એની સુંદરતાનો પરીચય એને છે.)

ભાભીશ્રીઓના અક્ષરો ડાયરી સાથે મેળવવા એણે બંનેનાં પીયેરઘરનાં સરનામાં એક જુદા કાગળ ઉપર વારાફરતી બંનેઉના મુડ જોઈને માંગ્યાં. પ્રથમ મોટી ભાભી કે જેને આ નાનો દીયેર સગવડ ખાતર ‘પુજ્યભાભી’ કહેતો તેને સરનામું લખી આપવા વીનંતી કરી કે તરત જ, વાતચીતમાં અંગ્રીજીનો વહેમ રાખતી મોટીએ અંગ્રેજીમાં જ આશ્ચર્ય ફેંક્યું : ’વ્હાય ? વૉટ્ ઈઝ્ ધ મૅટર ?’

‘અનીવાર્ય આવશ્યકતા ઉપસ્થીત થઈ હોઈ આપના પીતૃગૃહનું સરનામું આપવા કૃપા કરો !’ મોટીને ચીડવવા એની સાથે ખેંચીખેંચીને સંસ્કૃત શબ્દો વાપરતો રહેતો દીયર ભાભીના અંગ્રેજી વાક્યનો સુઉઉઉસંસ્કૃત રીતે કચરો કરવા બોલ્યો ને ઉમેર્યું કે ‘નવી ડાયરીમાં તમારા પીયરનું સરનામું લખવાનું છે જેથી દીવાળીકાર્ડ મોકલી શકાય.

મોટીનું પીયર નજીકમાં જ હોવાથી તે પાણીનો ઘુંટડો સાસરે ભરીને કૉગળો પીયરમાં કરતી ( વાયસેવર્સા, પીયરે ભરેલો પાણીનો ઘુંટ સાસરે આવીને ફેંકતી), તેથી એના ઘરના સરનામાની જરુર કોઈને પડતી નહીં. મોટીનો પતી ઓફીસેથી ફોન કરે ત્યારે એને મોટાભાગે બે ફોન કરવા પડતા. પ્રથમ ફોનમાં એને જાણવા મળતું કે  એ ઓલે ઘેર છે ! આ મોટીને કારણે જ ઘરનાં બાળકો સુધ્ધાં સૌને એના પીયરનો ફોન નંબર મોઢે (ને આંગળીને ટેરવે) રહેતો !

અલબત્ત, બે ઘર વચ્ચે શટલ પ્રવાસ કરતી રહેતી મોટીને જતાંઆવતાં વીચારવાનો અવકાશ મળી રહેતો તેથી એ સીવાયના ગાળામાં એ બધું ટુંકમાં પતાવતી એટલે દીયરને એણે સરનામું તો લખી આપ્યું પણ લખતાં લખતાંય એણે દીયરને સણસણતું વાક્ય તો માર્યું જ : ‘સરનામાને તમારી સુસંકૃત ભાષામાં શું કહેવાય તે ક્યાંકથી જાણી લેજો ; તમને કામ લાગશે !!”

ડૂંગળિ આદી ગણોનાં નામો લખેલી ડાયરીના અક્ષરો સાથે પુજ્ય ભાભીના અક્ષરો મેળ ખાતા ન હોઈ નાનાએ નાનીભાભી કે જેને નાનો આગળ કહી સગવડ ખાતર ‘ભાભીશ્રી’ કહેતો તેના તરફ શંકાની સૉય રાખીને એના પીયરનું સરનામું માગ્યું.

“તમારા ભાઈને કોને, લખી આપશે.” લખવાની ઝંઝટમાં નહીં માનતી નાનીએ તરત જ દડો વરના કંપાઉંડમાં ફેંક્યો. દીયરે આ બાબતને નાનીભાભીની હુંશીયારી માનીને શંકાને વધુ મજબુત બનાવી અને દીવાળીકાર્ડવાળી વાત આગળ કરી.

દુર વતનમાં પીયરઘર ધરાવતી નાનીને પીતૃગૃહ સાથે ફોનથી જ ( ખર્ચાળ) સંબંધ રહેતો. એના પપ્પા અને ભાઈનેય શ્વસુરગૃહે શ્વસતી આ પુત્રીને કારણે જ પોતાના ફોનના બીલનું નીયમીત દહેજ ભરવું પડતું. લખવાની આળસ એ દહેજમાં લાવેલી એટલે દીયર પાસે જ ખુશામત કરી કરીને ટપાલો લખાવનારી આ ભાભી પોતાના પીયરનું સરનામુંય પુરું જાણતી ન હતી ! પરીણામે કાગળ ઉપર એનું સરનામું ઉતારવામાં નાનાને તકલીફો પડી ગઈ. ને છતાંય નાનાને જોડણી બાબતની કોઈની અવળચંડાઈનો પત્તો ન લાગ્યો કારણ કે નાનીનાય અક્ષરો મળતા આવત નહોતા !

ઘરમાંનાં ત્રણ બાળકોમાંનું શાળાએ તો એક જ જાય છે, ને એ પણ અંગ્રેજી માધ્યમમાં. દીવાલો ને ચોપડીઓમાં લીટા કરવા સીવાય કોઈ પણ પ્રકારનું અન્ય લેખનકાર્ય ન કરનારાં બાળકો આ બાબતે સાવ નીર્દોષ હતાં.

તો પછી જાણીજોઈને જાણે દાઝથી ઘુંટીઘુંટીને લખ્યાં હોય તેમ ખોટી જોડણી સાથે ડાયરીમાં શાકનાં આ નામો લખ્યાં કોણે ?! મૂળા અને તુવેરમાં હ્રસ્વ-દીર્ઘ ઉ-ઊ ન સમજાય એ બરાબર પરંતુ ‘રિંગણા’ એમ તો કોઈ જ ન લખે ! આ જાણીજોઈને જ લખાયેલાં નામો, તો પછી કોણે લખ્યાં હશે ?! મમ્મીએ તો નહીં લખ્યાં હોય ?! ( પીતાજીની દરેક બાબતે તીવ્ર ટીકાખોર હોવા છતાં એના પર શંકાને સ્થાન જ હતું નહીં કારણ કે માતાજીને તો જવલ્લે જ કરવી પડતી સહી સીવાય કોઈએ લખતાં જોઈ જ નથી.)

ઘડીભર તો નાનાને પોતાના ઉપરેય શંકા આવી ગઈ !! એણેય એકબે જગ્યાએ ડૂંગળિ ને રિંગણ ડાબે ને જમણે હાથે વારાફરતી લખી જોયું ! પરંતુ પોતાની જાત ઉપર શંકા કરવાની મુર્ખાઈ પર હસતાં એને એક નવો જ ઝબકારો થઈ ગયો : ડાબે હાથે તો આ બધું નહીં લખાયું હોય ?!!

પરીણામ એ આવ્યું કે આ શેરલૉક હોમ્સે પાથરેલી ‘રમત’  રમવા ઘરનાં સૌ વાળુપાણી કરીને બેઠાં. રમતનું આકર્ષણ અને એ બાબતે એ જોવાનું હતું કે જમણે હાથે લખેલા અક્ષરોમાં કોના અક્ષરો ઉત્તમ છે અને ડાબા હાથે લખાયેલા અક્ષરોમાં પણ કોણ મેદાન મારી જાય છે ! બંને મોટાભાઈઓ ડાબોડી હતા તેથી તેમનો જમણો હાથ અન્યના ડાબા હાથ સાથે હરીફાઈ કરવાનો હતો.

સવળા હાથના અક્ષરોમાં મોટાપુત્ર અને મોટી પુત્રવધુ વચ્ચે ટાઈ પડી. સુંદર અક્ષરો બદલ પીતાજીએ બંનેને અભીનંદન આપ્યાં. ( ઈનામો રોકડમાં આપવાનાં નહોતાં અને આ રમત પાછળના વ્યુહથી તેઓ અજાણ હતા તેથી તેઓનો ઉત્સાહ વીશેષ હતો.)

અવળા હાથે લખાયેલાં લખાણોમાં ઈનામ આપવા જેવું કશું હતું જ નહીં. ત્રણેય બાળકો દીવાલો ઉપર જે પ્રવૃત્તી પેન્સીલ વડે કરતાં હોય છે તેમાં અને આ અવળાહાથની પ્રવૃત્તીમાં ઝાઝો તફાવત નહોતો. પણ શેરલૉકને જે જોઈતું હતું તે આ “અવળાહાથ”ની ઝપટમાં આવી ગયું !!

” અહો ! જ્યેષ્ઠભ્રાતાશ્રી, આપ !” એણે મનોમન કહ્યું.

અક્ષરો અને તેય અવળાહાથના, પકડી પાડ્યાનો આનંદ અને પોતાની જાસુસી કાર્યવાહીની સફળતા વીષયક ગર્વની પ્રાપ્તી છતાં પણ ‘શેરલૉકના વહેમ’ એવા આ નાનાને જ્યેષ્ઠબંધુની આમાં સંડોવણી ગમી નહીં, બે-ત્રણ કારણોસર :

કારણ નં.એકમાં જ્યેષ્ઠબંધુ પ્રત્યેની નાનાની લાગણી. કારણ નં. બેમાં એમના સીધાપણા અને ભોળાપણાને લીધે ઘરમાં સૌનો એમને માટેનો આદર. જ્યારે કારણ નં.ત્રણમાં તો જાસુસીનું પરીણામ જો પ્રગટ થઈ જાય તો ઘરમાં ઉભી થઈ જનારી નાનકડી  અંધાધુંધીના વીચારમાત્રથી નાનાના પેટમાં થવા લાગેલો ચુંથારો !

હીસાબની ડાયરી ક્યાં કોઈ તપાસવાનું છે ?  કે જોડણી વીષયક અવળચંડાઈ તરફ ક્યાં કોઈનું ધ્યાન ખેંચાવાનું છે ? એમ માનીને નાનો સમગ્ર પ્રકરણને ભુલી  જવાનો વીચાર કરતો જ હતો ત્યાં પોતે કરેલી આવી અઘરી અને મહત્ત્વની શોધની ક્યાંય નોંધ પણ ન લેવાય એ વાતનો વસવસો બીલાડીના પેટમાંની ખીરની માફક ખદબદવા લાગ્યો. છેવટે એનાથી ન જ રહેવાયું એટલે પેટમાં ઉછળતી ખીરનું ‘વમન’ કહેતાં ઉલટી કરી નાખવાના એકમાત્ર આશયથી એ વચેટ બંધુના રુમમાં પ્રવેશ્યો.

ધંધાને લગતી વાતો ફોનમાં મોટેમોટેથી કરવાના અવાજ અને ઘરમાંના લગભગ બધાયને (પીતાજી અપવાદ) તતડાવવાના અવાજ સીવાય ભાગ્યે જ જેનો અવાજ સાંભળવા મળતો એવો આ મીતભાષી વચેટ પુત્ર ધંધાના ચોપડામાં કશુંક ચીતરામણ કરતો હતો ત્યાં નાનાને ચુપચાપ આવીને બેસી ગયેલો જોઈને એની ધંધાદારી નજરમાં કશુંક ન સમજાય એવું જણાયું.

” કેમ, કોલેજમાં કાંઈ ફંકશન-બંકશન જેવું છે ?”  વચેટ બંધુએ ચીતરામણ ચાલુ રાખીને નાનાને પુછ્યું.

“ના રે, કેમ પુછવું પડ્યું ?”

” તો પછી આમ અત્યારના પહોરમાં ડાહ્યો ડાહ્યો કેમ લાગવા માંડ્યો છે ? તારી શાંતી મને ખલેલ કરતી હોય છે ! કશી નાણાંકીય તકલીફ છે, શું ?”  રીમોટથી જાણે ફટાફટ ટી.વી.ની ચેનલો બદલાતી હોય તેમ નાનાના મોંઢા ઉપરના બદલાતા જતા ભાવોથી શંકાઈ જઈને વચેટ પુત્રે નાનાની જાસુસી પકડી પાડતો હોય એમ પુછ્યું.

” નાણાંની ભીડ હોય તો જ અને હું માંગું તો જ તમે આપો એવું થોડું છે ?!  તમારી ઉદારતા અને મારા પરનો વીશ્વાસ તો ક્યાં અજાણ્યો છે, કોઈથી ? અને નાણાં તો હાથનો મેલ ગણાય છે. તમે એને ગમે ત્યારે અને ગમે તેટલો ઓછો કરી શકો છો. તમારા હાથની સફાઈ મારી હાથખર્ચી દ્વારા થતી હોય તો પરસ્પરની એ ઉમદા કાર્યવાહી થતી રહે સદાય….! પણ જવાદો,  હું કાંઈ એ કાર્યવાહીના ભાગરુપે અહીં આપની સમક્ષ ઉપસ્થીત થયો નથી”…..પીતાજીની શૈલીની નકલ કરતાં એણે વાત આગળ ચલાવી :

” તમને તો હું એક મહત્વની જાણકારી આપવા આવ્યો છું : શાકના હીસાબની ડાયરીમાં કોઈએ જાણીજોઈને શાકભાજીનાં નામોની જોડણી તદ્દન ઉંધી  કરી છે, પપ્પા જાણશે તો…..”

” ડફોળ, જોડણી માટે થઈને મારો સમય બગાડવા આવ્યો ?! શાકના ભાવો વધ્યા હોય તો, ઠીક છે, સમજ્યા. પણ જોડણી ?!! તમારે લોકોને જોડણી ને એવું બધું કરવા સીવાય કોઈ ધંધો જ નથી ? રુપીયામાં રસવાઈ કરો કે દીરઘાઈ, એનાથી રુપીયો થોડો ઘસાઈ જવાનો છે ? તારું કામ કર.
મજલેભૈયાની નસ ખોટા સમયે દબાવી દેવા બદલ શરમાઈને કરમાઈ ગયેલા નાનાને જતાં જતાં સ્પષ્ટતા કરવાની જરુર જણાઈ કે પોતાને નાણાંની હમણાં જરાય જરુર નથી. બલકે આવતે મહીને તો મોટાભાઈનો ‘વારો’ છે મારી હાથખરચી પુરી પાડવાનો ! (તમારા હાથનો મેલ સલામત રહો ! તમે તમારે જોડણી-કાનામાતર-વીનાના ધંધાના ચોપડા ચીતર્યા કરો, શાંતીથી !) કૌસવાળું મનમાં જ બોલીને પછી એણે પ્રગટપણે ઉમેર્યું કે ”કાંઈ લખવા-બખવાનું કે કૉપી-બૉપી કરવાનું હોય તો કરી આપું ? તમારો સમય બચે ને મારા અક્ષર સુધરે……”

વચેટભૈયાએ નાનાને અક્ષર સુધારવાની તક ન આપીને રવાના તો કર્યો પણ જોડણી જેવી બાબતે સૌના સમય અને મગજની પથારી ફેરવતા રહેતા બાપા ને એના પેગડામાં પગ નાખવા મથતા આ ટૅણીયા ઉપર એનો મગજ ગયો.

પરંતુ સાંજે વાળુ વખતે બધાં જ્યારે જમવા બેઠાં ત્યારે ખુદ મોટાભાઈએ જ પીતાજીને નમ્રતાપુર્વક પ્રશ્ન કરીને જોડણીની બાબતને છંછેડી મુકી ! સાંજના વાળુમાં તે દી’ રોટલા અને ઓળો હતા. સૌને પ્રીય એવા એ ડીનરમાં આ જોડણી કડવા લીમડાની ચટણી બની રહેશે તે સૌ જાણતાં હતાં.  વચેટ પુત્રને તો આજે મીષ્ટાન્ન જેવું મૅનુ હતું. કઢી નહોતી છતાં એ તો રાજીના રેડ હતો. તેમાં આ જોડણીની ચટણી આવતાં એની કડવાશ એ જોડણીકોશની રચના કરનાર ઉપર ઉતારવા જતો હતો ત્યાં મોટાભાઈએ ઓળામાં રોટલાનું બટકું ઘુસાડતાં જોડણીની જ વાતને આગળ વધારતાં કહ્યું,

” ઓળાને આટલો સ્વાદીષ્ટ બનાવનારાં રીંગણાં અને એમાં ચાર ચાંદ લગાવી દેનારી ડુંગળીની જોડણી ખોટી લખવાથી ઓળાના સ્વાદમાં કોઈ જ ફર્ક પડતો નથી; રીંગણાંનો રી હ્રસ્વ ઈમાં લખો કે ડુંગળીને દીર્ઘ ઉ-હ્રસ્વ ઇમાં લખો ભલે ને, ઓળો તો સ્વાદીષ્ટ જ બનવાનો !”

જોડણીની કોઈ પણ બાબતે ગુસ્સે થઈ જનાર વચેટ પુત્રને મોટાભાઈની વાત સાંભળીને એકદમ ઝબકારો થયો ! સવારે નાનાએ હીસાબની ડાયરીમાં રીંગણાં ને ડુંગળીની જોડણીની વાત કંઈ કરી હતી ખરી ! એણે નાનાની સામે જોયું, તો એ તો બંને ભ્રાતાશ્રીઓ તરફ સુચક રીતે જોતો હતો ! ઘડીયાળના લોલકની જેમ બંને બાજુ ડાચું ફેરવી રહેલા નાના તરફ કોઈ દી’ નહીં ને આજે વચેટને માન થયું ! ભાણામાં બાકી રહેલા અરધા રોટલા ઉપર થીના ઘીનું પડ ચડાવતાં ચડાવતાં એણે પોતે પણ આજે પહેલી વાર જોડણી વીષયક ચર્ચામાં ભાગ લેતો કડછો નાખ્યો : “ગઈકાલની હીસાબની ડાયરીમાં મોટાભાઈએ કહ્યું એ રીંગણાં ને ડુંગળીનો ભાવ લખ્યો છે તે વાંચતાં મને કશું..ક નવું નવું ને અજાણ્યા જેવું તો લાગ્યું હતું; કાલે શાક તો  ભાભી, તમે જ લાવ્યાં હતાં, ખરું ?!” મોટા દીયરે મોટાભાઈની સામે જોઈને ભાભીને સવાલ કર્યો.

” યસ, અફ્કોર્સ ! હું જ લાવી હતી. હીસાબ, જોકે તમારા જ્યેષ્ઠબંધુએ લખ્યો હતો, મારા લખાવ્યા મુજબ. કેમ કાંઈ ભાવ વધારે-ઓછો લખાઈ ગયો છે ? તમે ઓફીસેથી આવતાં બંને ભાઈઓ સાંજે શાક લાવતા હો તો તાજું ને સસ્તુંય મળે. ને સસ્તું હોય તો ઓળો આજના કરતાંય વધુ સ્વાદીષ્ટ બને.” ભાભીએ દીયરના પ્રશ્નનો વધુ પડતો લાંબો અને વાતને બીજી દીશામાં લઈ જનારો જવાબ આપ્યો.

ચોગઠું પહેર્યું નહોતું તેથી રોટલાનો ભુકો કરીને ઓળામાં ભેળવી રહેલી ગૃહલક્ષ્મીને આ ચર્ચા કોઈ વીક્ષેપ કરનારી નહોતી છતાં આવા સ્વાદીષ્ટ ભોજન વખતે જ આ બધાં જોડણી ને ભાવ-તાલમાં પડ્યાં છે ને એમાંય જો એના બાપા ઝંપલાવશે ને તો જમવાનું બધું રગદોળાઈ જશેવાળી બીકને સંતાડેલી રાખીને એણે પતીદેવના સ્વાસ્થ્યની ચીંતા આગળ કરી :

“અત્યારે તો તમારા બાપાને શાંતીથી જમવા દ્યો. કૉળીયો ત્રીસવાર ચાવવાની ગણતરીમાં એમને પાછી ભુલ પડશે !”  કૉળીયો કેટલી વાર ચાવવો જોઈએ એની ગણતરી છોકરાંવને શીખવાડનાર પતીના આરોગ્યની ચીંતા પહેલા વાક્યથી કરીને ગૃહલક્ષ્મીએ પતીની ચાવવા બાબતની ઠેકડી બીજા વાક્યથી કરી.

ડુંગળી-રીંગણાંની જોડણીવાળી ચર્ચા બીજે પાટે ચડી જતી જોઈને જ હશે, મોટાએ તરત જ માતાની ચતુરાઈને આગળ કરીને વીનોબા ભાવેએ કરેલી વાત સૌની સમક્ષ મુકી આપી કે મોઢામાં બત્રીસ દાંત હોવાથી કૉળીયો બત્રીસ વાર ચાવવાનો હોય છે.

વચેટને તો અઢાર-વીસ વાર ચાવતાં જ કૉળીયો ગળા નીચે ઉતરી જવાની ફરીયાદ રહે છે. જ્યારે ચર્ચામાં ભાગ્યે જ ભાગ લેનારી નાની વહુને બાળકોના દાંત ઓછા હોય તેથી એ લોકોને ચાવવાનું કેટલીવાર થાય એ પ્રશ્ન થયો ને એ કંઈ પુછે એટલામાં તો એની દીકરીએ પોતાને ‘બાથરુમ આવ્યા’ની ફરીયાદ કરી ! ઉભાં થતાં થતાંમાં તો માતાના ખોળામાં છંટકાવ પામી ચુકેલા ‘બાથરુમે’ આટલે સુધી પહોંચેલી  ચર્ચાને ધોઈ નાખી ! નાની વહુ પુત્રીના પરાક્રમને લુછવા પોતું લેવા ઉભી થઈ અને બાકીનાં સૌ બાકી રહેલું પુરુ કરવા પોતપોતાનાં ભાણાંમાં પડ્યાં !

જોડણીનો અને જમવાની મઝાનો પરસ્પર કૉળીયો કરી દેનારી બંને ચર્ચાઓનો એ રીતે નાટ્યાત્મક, સુખદ્ અને મધુરેણ અંત આવ્યો.

ઇતિ, તૃતીય અધ્યાય. 

***************************

 

One comment

  1. ‘જોડણીએ જમવાની મજા બગાડી !’

    વ્યંગમા તત્વજ્ઞાન સમજાવ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *