અથ શ્રી પ્રોફેસરકથાયામ્ ‘દ્વિતીયો’ધ્યાય

Posted by

‘ભાષાના માણસ’ પ્રૉફેસર

(ચેતવણીરુપ નોંધ : આ બીજા હપતામાં ભાષા બાબતની વાત હોવાથી અને તેમાંય ભાષાની “ચીકણાઈ” આ પ્રસંગમાં વીશેષ વર્તાવાની શક્યતા હોઈ વાચકોને વીનંતી કે પ્રસંગ કરતાં લખાણની ભાષા ઉપર વધુ ધ્યાન આપે !!)

––––––––––––––––––––––––––––––––––

પ્રોફેસર આમ તો ભાષાના માણસ; ગણીત એમનું લગભગ કાચું. નબળું જ કહોને. છતાં વ્યવહારમાં તો ભાષા બાબતેય તેઓ ગણતરીપુર્વક જ બધું કરનારા. ગણીતમાં તો બધું ગણતરીથી જ ચાલે તે સહજ છે પરંતુ ભાષા પણ ગણતરીપુર્વક જ પ્રયોજાવી જોઈએ એવી પોતાની માન્યતા બીજાં પાસેય સ્વીકારાવવા તેઓ મથતા રહે છે.

દલીલ કરીને તેઓ પોતાનો કક્કો [બારાખડી સહીત] સાચો ઠરાવવા મથશે ને કહેશે:

”છંદોમાં અક્ષરો અને માત્રાઓની ગણતરી નથી હોતી શું ? સોનેટમાં ચૌદ પંક્તીઓને અને શ્લોકમાં ચાર ચરણોને આપણે પાળીએ જ છીએ ને !” પોતાની માન્યતાઓને ક્યારેક તો તેઓ નીયમ બનાવી દેવાના મુડમાં આવી જતા. [આ વાત નીવૃત્તી પહેલાની સમજવી.]

એકેએક બાબત પર ચીપીચીપીને વીચારવાની એમની હૉબી. એકેએક શબ્દને ચાવી ચાવીને બોલવાની એમની આદત. [આ બંને શબ્દપ્રયોગો કદાચ બંધબેસતા ન પણ લાગે, પરંતુ પ્રોફેસરનો વચેટ પુત્ર જ્યારે તે કીશોર વયનો હતો ત્યારે પીતા ‘ચાવીચાવીને’ બોલતા હોવાનું બોલી ગયેલો અને ત્યારથી એ શબ્દપ્રયોગ આ ઘરમાં ચલણી બન્યો હતો.

બન્યું હતું એવું કે એક વખત સૌ જમવા બેઠાં હતાં ત્યારે શી ખબર, પ્રોફેસર પીતાની બોલતી વખતની હંમેશની મુખમુદ્રાઓ અને તે દીવસની જમતી વખતની મુખમુદ્રાઓ વચેટને એક સરખી ભાસી હશે કે પછી અન્ય કોઈ કારણે હશે, પરંતુ એણે સૌનાં સાંભળતાં જ કહી દીધું કે:

”પીતાજી કેવું ચાવી ચાવીને બોલે છે નહીં ?! “

પીતાજી સીવાયનાં સૌ [એમની હાજરીને લીધે જ સ્તો !] હસી શક્યાં નહીં, જ્યારે સૌના આશ્ચર્ય વચ્ચે પ્રોફેસર પીતા ખુદ હસી પડેલા !!

પોતાનો પુત્ર ભાષાને કેવી સશક્ત રીતે પ્રયોજી શક્યો એ વીચારથી પુલકીત થઈને પીતાએ કીશોર પુત્રને, પોતે હસી પડી લીધા પછી, શાબાશી આપી હતી. [ગમે તેટલી સારી કે મોટી કામગીરી કર્યા બદલ પણ બાળકોને નાણાંકીય પુરસ્કાર ન આપનાર પીતાની શાબાશી પણ ઘણો મોટો પુરસ્કાર ગણવામાં આવતો હોઈ વચેટ કીશોર પુત્રની પુરસ્કાર પામી ચુકેલી સચોટ અને સશક્ત શબ્દપ્રયોગશક્તી ઘણી વીકસી ગઈ હતી જેનો ભોગ ઘરનાં બધાં તો ઠીક, ખુદ પ્રોફેસર પીતા પણ અવારનવાર બનતા રહેતા.]

જમતી વખતે કૉળીયો ચાવીને ગળા નીચે ઉતારવાનો હોય છે, જ્યારે શબ્દને બહાર ફેંકવાનો હોય છે તે ખરું પરંતુ પશુઓને મળેલી વાગોળવાની શક્તી મનુષ્યોએ વીચારને વાગોળવામાં પ્રયોજવી જોઈએ. અને એમ, વાગોળાતો વીચાર શબ્દો દ્વારા જ પ્રગટ થનાર હોઈ કીશોરવયનો પુત્ર શબ્દને ચાવવાની ક્રીયા સાથે જોડી આપે તો તેની કહેવાતી ક્ષતી ક્ષમ્ય ગણાવી જોઈએ એમ ગણીને પ્રોફેસરે પોતાની બોલવાની ક્રીયાને ચાવવાની સાથે જોડવામાં કોઈ સૈદ્ધાંતીક વાંધો લીધો નહોતો, બલકે આટલી નાની ઉંમરમાં એણે ભાષાની ચીત્રાત્મકતા પ્રગટ કરી તેથી ભવીષ્યે પોતાનો વારસો જળવાઈ રહેવાવા અંગે આનંદ પ્રગટ કર્યો હતો….

પરંતુ આ તો થઈ બહુ જુની વાત………

સાચી જોડણીનો આગ્રહ રાખનારાઓનો વર્ગ આ ગુર્જરદેશે ઘણો મોટો છે. પરંતુ ઘરમાં કે ટોળટપ્પામાં બોલાતી બોલી કે  એ બધી વાતો જે ક્યારેય લખાવાની નથી અને જે ફક્ત ઉચ્ચાર કક્ષાએ જ અટકીને વીખરાઈ જવાની છે એવી વૈખરીમાં પણ જોડણીના હ્રસ્વ-દીર્ઘ સામા માણસને ઓળખાવા જોઈએ એવો આગ્રહ રાખનારા પ્રોફેસર કષ્ટ લઈને પણ પોતાનાં જડબાં ઉપરાંતના, ડોકથી ઉપરના લગભગ બધા જ અવયવોને બોલતી વખતે જોડણીના હ્રસ્વ-દીર્ઘાનુસાર ઉપરતળે, આજુબાજુ કે ત્રાંસમાં ગોઠવીને શબ્દો, વાક્યો પ્રગટ કરતા ! [નીવૃત્તી આવતાં આવતાંમાં તો આ ટેવ ઓછી થતી જવાથી ઘણાંને ખુબ જ રાહત થઈ હતી.]

આનાથી ઘણો અનર્થ થતો રહે તે સહજ છે. અનર્થ એટલે શબ્દોના અર્થનો નહીં ! રખે કોઈ ભુલ કરે ! આ તો એમની એવી ટેવને કારણે સામા માણસની પ્રોફેસર વીષેની માન્યતાઓમાં અનર્થ થઈને ઉભો રહેતો જણાયો છે ભુતકાળમાં !! કુટુંબની પ્રતીષ્ઠા સમાજમાં સારી. એટલે બહુ વાંધો તો ન આવે બાકી “હ્રસ્વ-દીર્ઘનો ભેદ સૌને ‘દેખાવો’ જોઈએ એટલી હદે મોઢાને વાંકુંચુંકું કરી મુકવાનો શો અર્થ ?” એમ કોઈ પુછી ન બેસે એટલે નીવૃત્તી પછી તેમનાં પત્નીએ પણ ભાષા વીષયક ચંચુપાત અવારનવાર કરવાનું ચાલુ કરી દીધેલું !! ભલા સ્વભાવના પ્રોફેસરને પત્નીના ભાષાજ્ઞાન (!) વીષે અને તેના જોખમ વીષે પુરતી જાણકારી હોવાથી હજી સુધી તો બધું સુપેરે ચાલતું રહ્યું છે.

ભાષાને શું વળગે ભુર ? રણમાં જે જીતે તે શુર. એ તાકાતવાળી આલંકારીક કહેવત-પંક્તીઓનો આપણા પ્રોફેસર શુરાતન સાથે વીરોધ કરે છે. ભાષાનું મહત્વ એનાથી ઓછું થઈ જતું હોવાથી સરસ્વતીના ઉપાસક એવા તેઓ રણ જીતવાની વાતને તરછોડીને ભાષાને જ વળગી રહે છે.

નીષ્ઠાપુર્વક પરંતુ બળજબરીથી ભાષાને વળગી રહેવાના તેમના પ્રયત્નોને જરા અન્યથા સમજનાર એક નજીકની વ્યક્તીએ એક વાર જ્યારે બગીચામાં સૌ ભેગાં થયાં હતાં ત્યારે પ્રોફેસરની ઓળખ પોતાની રીતે  આપી હતી ! બગીચામાં કોઈ પ્રસંગને માણવા ભેળાં થયેલાં જ્ઞાતીજનો  અને સ્નેહીઓના સમુહ સમક્ષ પ્રોફેસરે પ્રકૃતીને માણવાને બદલે ભાષા વીષયક ચર્ચા છેડવા બાંયો ચડાવી ત્યારે પેલા સજ્જને પોતે પકડાઈ ન જાય છતાં સૌ સાંભળી શકે એ રીતે કહ્યું હતું :

” ભાષાને શું વળગ્યું આ ભુત!!”

પોતે ભુત નથી પણ વર્તમાન છે એવું અવળું અર્થઘટન કરીને પણ પોતાના થઈ ચુકેલા અપમાનને ઝડપથી ભુતકાળનો વીષય બનાવી દેવાના શુભાશયથી તેમણે છેવટે સૌને બગીચાના સૌંદર્યને માંડ માણવા દીધા હતા !

પરંતુ બગીચાના મેદાનમાં વગર યુદ્ધે જે કેટલાંક પરીણામો આવ્યાં તેમાંનું એક આ પણ હતું :

પ્રોફેસરનાં ધર્મપત્નીએ પોતાનો ધર્મ બજાવીને મોટા પુત્રને ગાંડીવ-સ્વરમાં કહી દીધું હતું, ”હવે પછી ક્યારેય તમારા બાપાને આવા હરવા-ફરવાના ઠેકાણે લાવશો મા !”

કુટુંબમાં તો ઠીક છે, બનતું રહે; વાસણ ભેળાં હોઈ ખખડે. સારી વાત છે ! પરંતુ આજુબાજુના રહીશો સાથે ચડસાચડસીમાં અને એક વખત તો કોઈ અજાણ્યા સાથે વાત તું-તાં માંથી (સામેની વ્યક્તીનાં)જુતાં સુધી પહોંચી ગયેલી !!

એમ જ એક વેળા કોઈની સાથેની ખેંચાખેંચીમાં સામાવાળા પાસે જતું રહેલું પોતાના શર્ટનું બટન પત્ની પાસે નવેસરથી ટંકાવતા હતા ત્યારે તેણીશ્રી પોતાને વીશીષ્ટ દૃષ્ટી’કોણ’થી મુલવી રહ્યા હોવાના ભાન સાથે, પત્નીના હાથમાંના સૉયદોરાથી જ  પ્રોફેસરે જાણે કે એક મજબુત ટાંકો પોતાના માનસપટ ઉપર લઈ લીધો કે “સમાજને શુદ્ધભાષાનો આગ્રહ કે એનો પ્રચાર સદતો ન હોઈ હવે ભાષાશુદ્ધી અંગે, કરવો પડે તો સત્યાગ્રહ કરવો પણ અત્યાગ્રહ તો ક્યારેય ન કરવો.”

ત્યારબાદ જોકે સમાજને ઘણી રાહત થઈ જણાઈ પરંતુ કોલેજનાં વર્ગનાં વીદ્યાર્થીઓને અને ઘરનાં સૌ સભ્યોને ભાષા જુદાં જુદાં કારણોસર કષ્ટ આપતી જ રહી. વીદ્યાર્થીઓને કોલેજના વર્ગોમાં હાજરી ફરજીયાત અને મુલ્યાંકન પ્રોફેસર પાસે જ કરાવવાનું હોય છે તેથી, જ્યારે ઘરનાં સૌને મહીનાની પહેલી તારીખે સરસ્વતીના આ ઉપાસક દ્વાર આવતી લક્ષ્મીનું માહાત્મ્ય વીશેષ રહેતું જ હોય, તેથી.

2 comments

    1. પ્રયત્ન કરી જુઓ, કદાચ મળી આવે……(જોકે પાત્રો સાથે અનુસંધાન થાય તે લેખકની સફળતા ગણાય….)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *