અથ શ્રી પ્રોફેસર કથાયામ્ પ્રથમોધ્યાય :

Posted by

–જુગલકીશોર.  

(આ સળંગ કથામાં અત્યારે તો કુલ ગણીને સાત આખી ટીકીટ અને બે પુરી અર્ધી પણ નહીં એવી ટીકીટોરુપ કુલ નવ પાત્રો આવે છે….પરંતુ વાચકોનું ધ્યાન જાય તે પહેલાં જ જણાવી દઉં કે આ કથામાં એક પણ પાત્રને ‘સંજ્ઞાવાચક નામ’ આપવામાં આવ્યું નથી !!)

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

રમુજ માટે જેમ સરદારજી પ્રચલીત માધ્યમ છે તેમ ભુલકણાપણા માટે પ્રોફેસર સર્વસ્વીકૃત રહ્યા છે. છતાં જેમ ધોળું તે બધું દુધ નહીં અને પીળું તે સઘળું સોનું નહીં એ જ રીતે ભુલકણા તે બધા પ્રોફેસર એવું પણ માની શકાય નહીં. જેમના પૈસા લોકોને ચુકવવાના બાકી હોય તેવા ‘દેણદારો’ પણ ભુલકણા હોય એમ બને ને એ જ તર્ક-અતર્કને આગળ કરીને કહી શકાય કે પ્રોફેસરો પણ દેણદારો હોઈ શકે છે.

પ્રોફેસર કહેતાં શીક્ષકનું કાર્ય ‘આપવાનું’ હોય છે; શીક્ષણ તેઓ ‘આપતા’ જ રહેતા હોય છે તેથી. એ અર્થને મારી-મચકોડીને કોઈ શીક્ષકો-પ્રોફેસરોને દેણદાર કહી દે તો એ કંઈ વાજબી નથી.

આપણી કથાના નાયક પ્રોફેસર ઉપર કહ્યા કોઈ પણ તર્કના વળગણ વીનાના એક સારા માણસ તરીકેની છાપ પોતાના કાર્યક્ષેત્રમાં અને સગાં-સંબંધીઓમાં ધરાવે છે.

પરંતુ બહાર જે ગણાતું હોય એવું ઘરમાં પણ ગણાતું હોય જ એ અનીવાર્ય નથી. માણસ બહાર જેવો દેખાતો હોય તેવો ને તેવો જ તે ઘરમાં પણ દેખાતો હોય એવું માનવું વધુ પડતું ગણાય. પરંતુ આપણા કથાનાયક પ્રોફેસરશ્રી તો ઘરમાં પણ એવી જ એક સારા માણસની છાપ ધરાવી શક્યા છે તે એમના અને કુટુંબના-સૌના માટે ગૌરવની બાબત ગણાય; ગણવી જ રહી !

એક ધર્મપત્નીને બાદ કરતાં સૌ ઘર-જનો પ્રોફેસરના ગુણોને જ આગળ કરીને માન આપતાં રહ્યાં છે. પ્રોફેસરની કેટલીક ટેવોનું કોઈ કડક રીતે મુલ્યાંકન જો ન કરે તો પ્રોફેસર માટેનો પત્નીનો અભીગમ ટીકારુપ કહેવાય; બાકી ધર્મપત્ની તો ભુલો બતાવીને ધર્મ જ બજાવતી હોય તો કંઈ ખોટું નથી જ. પોતાના જ ઘરમાં પ્રોફેસરનું પત્ની, પુત્રો,પૌત્રો જ નહીં પરંતુ પુત્રવધુઓની દૃષ્ટીએ પણ મુલ્યાંકન થતું રહે છે જે એમને હંમેશાં ગમતું હોય છે ! તેઓ કહે છે કે પોતે ક્યારેય આત્મકથા લખવાના નથી એટલે પોતાનું મુલ્યાંકન કમસેકમ ઘરમાં, ઘર પુરતું, થતું રહે તો કશું ખોટું નહીં. અને આ બાબતનો જ લાભ લઈને સૌ પ્રોફેસરનું વહાલપુર્વક યથાશક્તી મુલ્યાંકન કરતાં રહેતાં હોય છે. આમાં અપવાદ જો કોઈ હોય તો તે ધર્મપત્ની અને નાનાં પૌત્ર-પૌત્રીઓ. જેમાંનાં ટેણીયાંઓ કેવળ નીર્દોષભાવે અને પત્નીશ્રી વીશેષ ભાવ રાખીને, ક્યારેક તો બધાંને ચીંતા થઈ જાય એટલી હદે પતીદેવનું મુલ્યાંકન ‘કરી નાખતાં’ હોય છે ! આવા સમયે પછી થોડો સમય ઘરમાં વાતાવરણ દુણાઈ ગયેલી ખીચડીની યાદ અપાવતું રહે એટલું જ બાકી પ્રોફેસરને ખુદને તો એ બધું ઉંઘમાં ડંખી જતા મચ્છરથી વીશેષ લાગતું નથી.

પુત્રવધુઓને તો તેઓ શ્વસુર કરતાંય વીશેષ તો પીતા જેવા જ લાગ્યા છે. એમને એમનું પીયેર યાદ પણ ન આવે એટલું માન શ્વસુર પાસેથી તે બંનેઓ મેળવતી રહી છે. સાસુને આ બધું ન ગમતું હોય તો તેનાં કારણોમાં એ બહાને વહુઓ સાસુનું પત્તું કાપી નાખતી હોય તેવી એમની છાપ, જ્યારે પુત્રો જાણતા જ હોય કે મમ્મીની જોહુકમી વધી જવાના કારણે ય આવું બનતું હોય ! પ્રોફેસરને તો આમાં કોઈ જ રાજકારણ હોતું નથી એટલે એ તો નીજાનંદમાં જ પોતાને પ્રીય ભોજન અને પુસ્તકોમાં મસ્ત રહેવાના.

પુત્રો તો પીતાને મોટેભાગે ઘરમાંય ‘શીક્ષક’ જ માનતા રહ્યા છે. ઘરમાંય ઘણીવાર તો ચોક-ડસ્ટરની ગેરહાજરી છતાં ક્લાસરુમની જ વ્યક્તી તેઓ લાગે ! ત્રણેય પુત્રો તેમના કહ્યાગરા વીદ્યાર્થી જેવા. છતાં ઝીણવટભરી દૃષ્ટીથી જોઈએ તો મોટો પુત્ર શીષ્ય+મીત્ર; વચેટ પુત્ર શીષ્ય+વીવેચક; અને નાનો શીષ્ય+સંશોધક+વત્સ+ટેકણલાકડી ગણી શકાય.  

પત્નીની દૃષ્ટીએ પ્રોફેસરનું મુલ્યાંકન કરવું સરળ નથી ! તેઓ પ્રોફેસરને અનેકવીધ રીતે, અર્થાત્ વીધવીધ સ્વરુપે, વીશેષ દૃષ્ટીથી મુલવતાં હોઈ એમના પોંઈટ ઑફ વ્યુથી સમજવું (સમજાવવું )અઘરું છે. પરંતુ વાઈસેવર્સા એમની દૃષ્ટીએ પત્ની એક સાથી+વીવેચક+માર્ગદર્શક+++ પણ જવા દો…..તેઓ એટલા બધા સારા છે કે…..

પત્નીના સાંનીધ્યે તેઓ ખુબ સુખી છે ! પત્ની આ વાત જાણે છે, ને એને એય ખબર છે કે અંદરખાને તેઓ ખુબ જ સારા અને નીરુપદ્રવી અને વફાદાર છે…ને એટલે જ કદાચ પ્રોફેસરનો સંસાર બીજાંને ઈર્ષ્યા કરાવનારો, હજી આજદીન સુધી તો  રહ્યો છે જ !

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *