રોટલી પર ચોપડવાનો પદાર્થ, ‘આવો’ ?! 

Posted by

પ્રોફેસરકથા – ૯

“મારી વાત ગમે નહીં એ રીતે એની રજુઆત થઈ છે એ હું કબુલ કરું છું પરંતુ એ જ વાતનો સાર તમે સૌ ધારો છો તેવો નથી. એ વાત સૌએ સમજવા જેવી છે. ચોક્ખાઈનો બહુ આગ્રહ રાખતી મમ્મીને તો મારી વાત ગમશે જ એની હું ખાત્રી—-”
”આપશો જ એની મને ખાત્રી છે ! પણ ચોક્ખાઈની વાત આમ ગોબરાઈથી કરાય નહીં, અંડરસ્ટેન્ડ ?!”  મોટી વહુએ સાસુની વાતને ‘ સ્ટેન્ડ’ આપીને દીયરને ‘અંડર’  કરવા સફળ પ્રયત્ન કર્યો.

”નાટ્યશાસ્ત્રનો નીયમ છે કે સમાજને આપવાનો સંદેશો વક્રતાથી જ રજુ કરવો ઘટે !…વક્રોક્તીવાદને આગળ કરતાં નાનાએ પીતાને ખુશ કરવા વાતને નાટ્યશાસ્ત્રની ઉંચાઈએ લઈ જવા પ્રયત્ન કર્યો. પરંતુ વચેટ પુત્રે નાનાનો કાન ખેંચીને એને છેક જમીન પર રગડાવી દીધો :

”મુંગો મુંગો ખાઈ લે છે કે પછી બહાર મુકી આવું ?!”  નાના કાકાનો કાન મોટા કાકાએ ખેંચ્યો તેથી (નાટ્યશાસ્ત્રને ભજવાતું જોયાનો જાણે) આનંદ માણતી ભત્રીજી તાળીઓ પાડવા લાગી. જમવાના સ્ટેજ પર દરરોજ ભજવાતાં રહેતાં દૃષ્યોમાંનું જ એક હોય એ રીતે પ્રોફેસરે કાન આમળવાની કે તાળી પાડવાની ક્રીયાઓ તરફ પોતાનું લક્ષ ન રાખતાં તેને ફક્ત ગ્રાસ-ભક્ષ તરફ જ રહેવા દીધું ! આ બાબતને પણ પીતાજીની અનુમતી જ ગણી લઈને નાનાએ કાન ભલે છોડાવીને, પણ એ જ મજલે ભૈયાના વાક્યને પકડી રાખીને પોતાની વાતની તાંત ચાલુ રાખી :
”આપશ્રી મને બહાર મુકી આવી શકો છો–મારાથી વયે અને કદે મોટા છો તેથી–પરંતુ મારી વાત બહાર મુકવા જેવી નહીં બલકે અંદર ઉતારવા જેવી છે !” કહીને નાનાએ વાતની મહત્તાના પ્રમાણમાં પોતાનું કદ સૌ તરફ ફેરવતાં આમ આરંભ કર્યો :
”જુઓ, સાંભળો. બધાં ધ્યાન દઈને સાંભળો.” નાનો હવે પડમાં આવી ગયો હતો. એણે ખાસ તો મજલે ભૈયા અને માતુશ્રી તરફ વારાફરતી જોઈને ચલાવ્યું,” રોટલી, ભાખરી કે રોટલા ઉપર ચોપડવાના પદાર્થો સ્વાદીષ્ટ અને પૌષ્ટીક જ હોય તે સાવ સહજ છે. માંસાહારી લોકો ત્યાં કદાચ મટન ટૅલો ચોપડતાં હશે કે માણસખાઉં લોકો (હોય તો) ત્યાં ચરબી કે લોહી પણ ચોપડી શકે. પરંતુ હું ખાત્રીથી કહું છું કે દુનીયાની કોઈ પ્રજા પોતાના કે બીજાના મળને ઘીની જગ્યાએ ચોપડતી નહીં જ હોય !! મજલે ભૈયાના ગુસ્સાને કે મમ્મીની સુગને માન આપીને હું કહેવા માગું છું કે મનુષ્યજાતી આટલી આગળ વધી છે પણ પોતાના જ ભોજન પદાર્થો ઉપર ખુદ પોતાનો  કે પડોશીનો મળ ચોપડીને ખાવાનો એને છોછ નથી !……” જમતાં જમતાં આશ્ચર્યમુઢ બનીને જોઈ રહેલા પ્રોફેસરના હાથમાં અટકી ગયેલો કૉળીયો નાનાપુત્રની આજની ચર્ચાનું મહત્વ દર્શાવી રહ્યો હતો ! ચીડાઈને બહાર જતી માતા પણ પાછી આવી !
”આપણા ઘેર તો એટલું સારું છે કે આ પ્રશ્ન આવતો નથી. બાકી આજકાલ જોવા મળતી ને ચારેબાજુ બણબણતી રહેતી આ બધી માખીઓને ઓળખો. બહાર ખુલ્લામાં પડી રહેલા ને સડી રહેલાં મળ-મુત્ર ઉપર બેસીને આપણાં ઘરોમાં, રસોડામાં અને ખાવાની ચીજોમાં મળ ચોંટેલા પોતાનાં પગો અને પાંખોને ખંખેરે છે એ આપણે જાણીએ છીએ ?! મળથીય આગળ વધીને જોઈશું તો જણાશે કે આ માખીઓ સડેલા પદાર્થો કે મરેલાં જીવજંતુઓ ઉપર પણ બેસીને આપણા ખોરાક ઉપર બેસવા અને એ બધું ખંખેરીને ચોપડવા આવે છે; પણ આપણે કેવા ટૅસથી એ બધું આરોગી જઈએ છીએ ?!!
”કોઈએ આ પદાર્થોને રોટલી ઉપર ચોપડવાના પદાર્થો તરીકે ગણાવ્યા નહીં. મેં શરુઆતમાં જ એને રજુ કર્યા હોત તો મમ્મીને તો ઉલ્ટી જ થાત ને ?”
”ઉલ્ટી થઈ જાય એવી જ વાત છે તારી, પણ આજે તો ઉલટી એ મને સીધી જ ગળે ઉતરી જાય એવી લાગી છે.” પ્રસન્ન પ્રસન્ન થઈ ગયેલી માતાએ આજે કોણ જાણે કેમ પણ પ્રોફેસર તરફ ખુબ માનથી જોઈને, એમને પુત્રની આ વાત માટે ધન્યવાદ જાણે આપ્યા.
મોટા પુત્રે જમ્યાં પછી મીત્રની દુકાને જતાં જતાં નાનાની મોટી વાતને બીરદાવી. વહુઓ વાસણ ભેગાં કરતાં કરતાં દીયરને માથે હાથ ફેરવતી ગઈ. પીતાશ્રીએ ભલે કશું કહ્યું નહીં પણ એમનાં ફુલી રહેલાં નસકોરાં પુત્રગૌરવની પ્રતીતી કરાવી રહ્યાં ! જ્યારે વચેટ પુત્રે તો નાનાના અમળાયેલા કાનને પંપાળીને પછી એની પીઠ ઉપર જોરથી ધબ્બો માર્યો. ધબ્બાને કારણે કે પછી કશું ન સમજી શકવાથી, ભત્રીજી ઘડીક નાનાકાકા સામે તો ઘડીક દાદા સામે જોતી રહી….
સૌની માનીતી સીરીયલ ટી.વી. પર શરુ થવાનો સમય થવા આવ્યો હોઈ નાનાની મળની વાતને મમળાવતાં મમળાવતાં ( ! ) સૌ ટી.વી.સામે ગોઠવાયાં ને એમ વક્રોક્તી દ્વારા સફળતાને વરેલું એવું મળપ્રકરણ પુરું થયું.

*********************

4 comments

 1. ખરેખર સુંદર અભિવ્યક્તી વક્રોક્તીવાદ સમજી માણવા જેવો હોય છે યાદ
  મા શ્રી જય નારાયણજીનો આસ્વાદ/રોટલીના લોટમા યામિની વ્યાસ
  એક જમાનો હતો જ્યારે આપણા ઘરોમાં સવાર વહેલી પડતી. સાડા ચાર – પાંચ વાગ્યે તો દિવસ શરુ થઈ જતો. દૂઝણું ઢોર આંગણે બાંધ્યું હોય તો પહેલા તો બોઘરણામાં એ દૂધની શેડ પડતી હોય એનું તાલબદ્ધ સંગીત ત્યારબાદ લયબદ્ધ રીતે ખાંડણીયામાં ઝીંકાતા સાંબેલાના ઘા અને પછી અનાજ દળવાની ઘંટીનો લયબદ્ધ મધુર સંગીત જેવો અવાજ. એવું કહેવાતુ કે જ્યારે ઘંટી એકધારા લયથી ચાલતી હોય ત્યારે એનો અવાજ એટલો કર્ણપ્રિય અને મધુર નીકળે કે નીંદર આવી જાય. આજ રીતે ગોરસ વલોવાતું હોય એ ઘમ્મરવલોણું અને સામસામે બેસીને નેતરાં ખેંચવાનો એ અનુભવ આજે ભૂતકાળ બની ગયા છે. લગભગ સંયુક્ત કુટુંબનો એ જમાનો હતો એટલે પ્રવૃત્તિ વહેંચાઈ જતી. પણ આ પ્રવૃત્તિ સાથે અચૂક જોડાયેલાં રહેતાં પ્રભાતિયાં અને હરિસ્મરણ. પવિત્રતાના આ માહોલમાંથી જે કંઈ પસાર થતું તે જાણે ઈશ્વરનો પ્રસાદ બની જતો. ઘરના એક ખૂણે ચૂલો સળગતો અને ગરમા ગરમ બાજરી કે જુવારનો રોટલો માટીની તવીમાં શેકાતો હોય એની સોડમથી ઘરનું વાતાવરણ મહેંકી ઉઠતું. શેડકઢું દૂધ અને ગરમા ગરમ રોટલો સવારનો નાસ્તો બની રહેતો. આ બધું કામ ઘર ગમે તેટલું સંપન્ન હોય તો પણ કોઈ મજૂર કે મહારાજ નહોતા કરતા. સંપૂર્ણ સાત્વિક વિચારો અને એને પોષતું હરિસ્મરણ આ ખોરાકમાં અમી પૂરતું. આજે આપણે વિજ્ઞાનના યુગમાં જીવીએ છીએ. પુરાવા વગર કશું ન માનનાર પેઢીના આપણે સભ્ય છીએ. આ વિજ્ઞાને એવું પૂરવાર કર્યું છે કે દરેક વ્યક્તિના શરીરમાંથી એક “ઓરા” નીકળે છે અને આ ઓરા કે પ્રકાશપુંજ એ એક એવો સ્ત્રોત છે જે માણસના મનમાં ચાલતા વિચારો મુજબ બદલાય છે. એટલું જ નહીં પણ હાથ અને પગનાં આંગળામાંથી આ ઉર્જાસ્ત્રોત વિશેષ તીવ્રતાથી વહે છે અને ભ્રમરંધ્ર એટલે કે તાળવું આ સ્ત્રોતને સહુથી વધારે ક્ષમતાથી ઝીલી શકે છે. કદાચ આ કારણસર જ સાધુપુરુષો અને સંતમહાત્માઓને આપણે મસ્તક નમાવીએ ત્યારે માથે (તાળવે) હાથ મુકીને આશીર્વાદ આપવાની પ્રથા છે. શક્તિપાત કરવાનો આ ઉત્તમ માર્ગ છે. ક્યારેક કોઈ યોગીપુરુષના ચરણસ્પર્શ અને તેમાંય ખાસ કરીને અંગૂઠાનો સ્પર્શ કરીએ તો ઉર્જાનો એક સંચાર થયો હોય કે અપવાદરૃપ કિસ્સામાં ઝાટકો લાગ્યો હોય તેવો અનુભવ થઈ શકે છે. આ કારણસર સાત્વિક વિચારો સાથે અને હરિસ્મરણ કરતાં તૈયાર થયેલ ભોજન સાત્વિક બને છે અને તેના કારણે તમોગુણ ઉત્પન્ન થવાની શક્યતા ન રહેતાં મન આનંદમાં રહે છે. આ કારણથી જ કહેવાયું છે “અન્ન તેવો ઓડકાર”.

  બીજો મુદ્દો આ ખોરાક તૈયાર કરીને જમાડનાર સ્ત્રી જે પત્નિસ્વરૃપે પતિ માટે પોતાનું બધો જ હેત અને સદભાવના રેડીને જમવાનું તૈયાર કરે છે તેનામાં આદર્શ રીતે કયા છ ગુણ હોવા જોઈએ તે નીચેના શ્લોકમાં વર્ણવ્યું છે.

  “कार्येषु मन्त्री करणेषु दासी
  भोज्येषु माता शयनेषु रम्भा ।
  धर्मानुकूला क्षमया धरित्री
  भार्या च षाड्गुण्यवतीह दुर्लभा ॥”

  આમાંનો એક ગુણ ‘ભોજ્યેષુ માતા” છે અને આ કારણથી પત્નિ જ્યારે પતિને જમાડે છે ત્યારે જગતમાં વીરલ એવું મા નું વ્હાલ એમાં ઢોળે છે.

  આજે જે કૃતિની ચર્ચા કરવી છે એના કેન્દ્રસ્થાને આમ તો રસોઈની એક વાનગી – “રોટલી” છે. કવિયત્રી શરૃઆત જ એ રીતે કરે છે કે પોતાની જાતને ઓળઘોળ કરીને જે પ્રીત નીપજે એ ભેળવીને એણે રોટલીનો લોટ બાંધ્યો છે. આ લોટ નરમ રહે તો જ રોટલી બરાબર ખીલે. જો ક્યારેક રસોડામાં નજર નાંખી હોય તો બહેનો લોટ બાંધ્યા પછી આટાના એ લુવાને કોઈક વાસણમાં થોડો સમય ઢાંકી રાખે છે. આ પ્રક્રિયાથી લુવો થોડો ફૂલે છે અને રોટલી પોચી તથા સુંવાળી થાય છે.

  પત્નિ તરીકે લોટ બાંધતા બાંધતા એના મનમાં પતિની મધુર યાદ ઉઠે છે. જેને પણ આ પ્રક્રિયાના ભાગરૃપે એ મમળાવે છે. શબ્દપ્રયોગ થયો છે ‘મમળાવી’. આપણને ભાવતી વસ્તુ એકદમ ચાવી ન જતાં મોંમાં મમળાવીને એનો ધીરે ધીરે આસ્વાદ માણવાની એક આગવી મજા છે. સ્વાભાવિક રીતે જ આ મમળાવાની પ્રક્રિયા લાંબુ ચાલે છે અને આ તો પાછી “એમની” યાદને મમળાવાની છે જેટલી લાંબી ચાલે તેટલી મીઠાશ જ મીઠાશ ને ?

  પણ વાસ્તવિક જીવન હંમેશા આવી મધુર યાદોથી જ બને એવું નથી હોતું. ઘરસંસાર ક્યારેક મનદુઃખ અને ખટરાગ પણ કરાવે છે. આવું થાય ત્યારે સ્વાભાવિક રીતે જ પતિ એ હથેળી પર રાખીને વ્હાલ વરસાવ્યું હોય તે પત્નિને આ અનુભવ માઠો લાગે છે. રોટલીનો લોટ બાંધતા બાંધતા આંખ છલકાઈ જાય એવું દુઃખ આ અનુભવે આપ્યું છે. એક નાની વાતમાં પતિએ કહેલ આકરાં વહેણ આ આંખ છલકાવી દીધાનું નિમિત્ત બને છે. પણ એ ક્ષણિક છે. આ રોટલીનો લોટ બાંધ્યો છે તેમાં માત્ર લોટ, પાણી અને મોંણ એટલું જ નથી. પેલી ભોજ્યેષુ માતાવાળી વાત અહીં પત્નિસ્વરૃપા કવિયત્રી કહી જ દે છે કે એની રેસિપીમાં ‘મા’નું વ્હાલ પણ ભળ્યું છે.

  અને મા નું વ્હાલ ભળે તેવી રેસિપી સાથેની આ વાનગી તૈયાર થતી હોય ત્યારે સમગ્ર ચેતાતંત્રનો કબજો લાગણી લઈ લે છે. ખૂબ વરસાદ છે, પતિને ભૂખ બહુ લાગી હશે એ લાગણીની હૂંફ પણ હવે ઉમેરાય છે. અત્યાર સુધી આપણે જોયું તેમ સતત પતિના નામનું રટણ ચાલુ છે અને જ્યારે કોઈ તમને ખૂબ યાદ કરતું હોય ત્યારે આવું કહેવાય છે કે હેડકી આવે. કોઈને થાય કે આ શું વેવલાવેડા આ તો રોજનું કામ છે. પણ ના. એક પતિના હૈયાનો ઉમળકો અને હરખ જ્યારે એમાં ભળે ત્યારે એ કામ કામ નહીં આરાધના બની જાય છે. કદાચ પૂજાનો આ પણ એક પ્રકાર છે અને આ બધું પત્નિ કંઈ મફતમાં થોડું કરે છે ? હૈયામાં હરખની હેલી ચડે અને સાંજ હરખી ઉઠે એ આનંદ ક્યાંય બજારમાં વેચાતો મળે ખરો ? યામિનીબેને રોટલી બનાવતાં બનાવતાં એક પત્નિના મનોભાવને પણ સરસ અભિવ્યક્તિમાં વણી લીધા છે. કૃતિ સાચે જ ‘ભોજ્યેષુ માતા’ના ભાવને જીવંત કરે છે.૦૦૦૦

  1. ઘણા સમય પહેલાં મારા નેટગુર્જરી બ્લૉગ પર આખી વાર્તાના ૧૬ ભાગ પ્રગટ થયેલા…..અહીં હવે નવેસરથી મુકવાનો છું…..આ હપતો અધવચળનો છે. પ્રથમ હપતો મુકાઈ ગયો છે……નીરાંતે વાંચજો….જોકે આમાં બે ખુબી જોવા મળશે : એક તો લગભગ નવ જેટલાં પાત્રો છે પણ કોઈ પાત્રને નામ નથી આપ્યું….બધાં જ અનામી છે અને બીજું આ વાર્તા સળંગ હોવા છતાં એમાંના મોટાભાગના હપતાઓ સ્વતંત્ર રહેશે…કોઈ પણ હપતો વાંચો મોટે ભાગે અનુસંધાનની જરુર નહીં રહે…..

   સાભાર – જુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *