સ્વચ્છતાની વાત ન ગમતા વીષયો તરફ પણ લઈ જાય ત્યારે –

Posted by

વર્ષો પહેલાં મેં “પરિવારે પારાવાર” શીર્ષકથી એક પ્રોફેસરકુટુંબની સળંગ કથા લખી હતી, જેના અઢાર ભાગો નેટગુર્જરી પર મુકાયેલા. આજે તેમાંનો ૮મો ભાગ એની પૂર્વભુમીકા સાથે અહીં રજુ કરું છું…..સાવરણી ગંદી ન હોય કે ન હોવી જોઈએ તે વાતના અનુસંધાને સફાઈ અને ગંદકી વચ્ચે અટવાતી એક વધુ વાત આ હશે. – જુ.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

“પરંતુ સ્વચ્છતાની વાતને સાવ નવી જ શૈલીથી, કહો કે મૌલીકતાથી મુકી આપનારા નાના પુત્રે એક દીવસ જમતી વખતે જ એક વીચીત્ર લાગે એવો પ્રશ્ન પુછીને સૌનું જમવાનું બગાડી મુક્યું ને દીવસો સુધી કુટુંબને એક જ વીચાર પર ચોંટાડી રાખ્યું !! ( એ પ્રશ્ન શું હતો ? આવતે અંકે જ તે અહીં ભાગ ૮માં જાણો – 

પ્રોફેસર કથા – ૮

સ્વચ્છતાની વાતને તદ્દન પોતાની મૌલીકતાથી મુકવાના આશયથી નાના પુત્રે એક દીવસ બરાબર જમવાટાણે જ એક મુદ્દો ઉભો કરીને સૌનું જમવાનું લગભગ બગાડી મુક્યું હતું.

એ દીવસોમાં શહેરમાં માખીઓનો ઉપદ્રવ હતો. પ્રોફેસરના ઘરમાંય, ભલે ઓછી માત્રામાં, પણ માખીઓનો ગુંજારવ વાતાવરણમાં રહેતો. જમતાં જમતાં નાનાએ હંમેશની માફક એની મોટી ભાભીને તે દીવસે પુછતાં પુછી દીધું ( રે પંખીની ઉપર પથરો ફેંકતાં…..! ) :

“વીલ યુ બી એબલ ટુ ટેલ મી ભાભ !” ભાભીને અંગ્રેજી લહેકાથી ‘ભાભ’ કહે એટલે ભાભી પછી ગુજરાતી રસોડામાંથી નીકળી જઈને સીધી અમેરીકાના કોઈ કાલ્પનીક કીચનમાં પહોંચી જશે ને એમ એના અમેરીકન વહેમનો નશો જે જવાબો તેની પાસે અપાવશે તેમાં ઢંગધડા ય નહીં હોય એમ જાણતો હોવાથી જ આ નાનો દીયરીઓ લાડકો થઈને એની ભાભી પાસે કેટલુંક ધાર્યું-ન ધાર્યું કઢાવીને જંપશે….એટલે એણે આગળ ચલાવ્યું, ”રોટલી કે ભાખરી ઉપર ઘી સીવાય બીજું શું શું ચોપડી શકાય, કે ચોપડાતું હોય છે ? કોણ કહેશે ?”

”તું છાનોમાનો ખાઈ લે ને અમને બધાને શાંતીથી ખાવા દે.” વચેટ પુત્રને રાતના વાળુમાં કોઈ ઉતાવળ નહોતી છતાં આખાં ભરેલાં મરચાંનો સ્વાદ બગાડી મુકનારી કોઈ પણ ચર્ચાને અટકાવવાના એકમાત્ર આશયથી એણે મસાલા ભરેલું મરચું ખાવા ખોલેલા મોઢાથી નાનાને જ વડચકા જેવું બટકું ભરી લીધું.

મોટા દીયરને છંછેડવાની એક પણ તક જતી ન કરતી મોટીએ દીયેરના વડચકા ઉપર પોતાનું જ્ઞાન ચોપડવાની સાથે સાથે ચર્ચાને ધક્કો મારતાં કહ્યું, ” સૉસ”

નાની વહુએ પતીના વડચકાને કુણું પાડવા,અને દીયરને લગાડવા જ ન હોય, તેમ રોટલી ઉપર ચોપડવાનો પદાર્થ જાહેર કર્યો, ” માખણ.”
” અથાણાંનો સંભાર !” પુત્રો-પુત્રવધુઓના જવાબોમાં ઉમેરો કરતાં માતાશ્રીને વૈદ્યોએ જે ખાવાની પોતાને ખાસ મનાઈ કરી છે તે અથાણું જ યાદ આવી ગયું !
”દાદા, હવે તમારો વારો !” મોટા પુત્રની પુત્રીએ દાદાની થાળીમાંથી કચુંબર ખેંચતાં ખેંચતાં જ લાડ કરીને પ્રોફેસરને  ચર્ચામાં ખેંચ્યા. ” બોલો દાદા, રોટલી,ભાખરી ને રોટલા ઉપર ઘી-માખણ-સંભાર ને સૉસ સીવાય શું ચોપડી શકાય ?”

”સમજાય તેવું બોલજો !” પતીદેવ કશું બોલે તે પહેલાં જ લાલજાજમ પાથરતાં ગૃહલક્ષ્મીજી ઓચર્યાં.
” પોતાના સમગ્ર કુટુંબની સુખાકારી ઈચ્છતી ગૃહીણી, વહુ કે દીકરી ગમે તે સ્વરુપે પણ જ્યારે જમાડતી હોય છે ત્યારે તો તે હંમેશાં ‘ભોજ્યેષુ માતા’ જ હોય છે. તેથી તેઓ જમનાર પ્રત્યેના પ્રેમની મીઠાશ પાથરે છે. એને ચોપડવી એમ કહીને ઓછી પણ ન અંકાય. એ પ્રેમપદારથ ભલે દેખાય નહીં પરંતુ એનો સ્વાદ તો બધા માણતાં જ હોય છે.” કહીને પ્રોફેસરે જવાબને ધરાર લાંબો ને અઘરો કરી મુક્યો.
”પપ્પા, હવે તમારો વારો !” પુત્રીએ શાંતીથી જમતા પીતાને ખેંચતાં કહ્યું. જ્યારે જમીને ભાઈબંધની દુકાને આંટો મારવાનો વીચાર કરતા મોટાએ નાનાને જ પકડ્યો :
” કોયડા ઉભા કરવાના રહેવા દે, ને હવે તું જ કહી દે કે રોટલી ઉપર ચોપડવાનું તારે બધાને શું બતાવવું છે ?!”
” મને એમ હતું કે બધાં જ પોતપોતાની રીતે મારા સવાલનો જવાબ આપવામાં સમય લેશે એટલે જમવાનું પુરું થવા આવે ત્યારે જ છેલ્લે મારી વાત હું કરું…કારણ કે મારી વાત જમતાં જમતાં કહેવાય એવી નથી !” નાનાએ વાત લંબાવી એટલે વચેટથી બોલ્યા વીના રહેવાયું નહીં :
”તું રોટલી ઉપર ચોપડવાની વાતને બહાને બધાનાં જમવા ઉપર નકામી ચીકાશ ચોપડ્યા કરે છે. તદ્દન ગુંગા જેવો છે, લેંટીયો !”
”આપે પ્રથમ મને ગુંગો કહ્યો અને ત્યાર બાદ લેંટીયો; પરંતુ એ બંને પદાર્થોની જુગલબંધી વીષે…નાનો પુરું કરે તે પહેલાં એનાં માતુશ્રીએ,
”મને તો સમજાતું નથી કે તમને બધાંને જમવા વખતે જ આવી ગોબરી વાતું કેમ સુઝે છે ? શાંતીથી જમવા તો દ્યો ! તમેય તે શું આવું બધું સાંભળ્યા કરો છો, માસ્તર ! તમારા આ લાડકાવને ચઢાવી માર્યા છે પણ આવે ટાણે તો અટકાવો !” કહીને છેવટે પતીદેવને જ ખંખેર્યા !

”વાત તો, તમારી સાવ સાચી જ છે. ચર્ચાનો તંતુ આમ છેક નાક સુધી લંબાઈને ત્યાંથી અભદ્ર પદાર્થો ખેંચી લાવશે તેની મને કલ્પના ન હતી ! તમે ધ્યાન દોર્યું, આક્રોશ સાથે તે, તે તો સારું જ કર્યું; અર્થાત્ વાતનો ઉત્તરાર્ધ ભલે અભદ્ર પદાર્થો તરફ લઈ જતો જણાય છે પરંતુ પુર્વાર્ધ તો ઉત્તમ જ અને રસપ્રદ જ હતો ને. જુઓને રોટલી ઉપર ચોપડવાના સ્વાદીષ્ટ અને પૌષ્ટીક પદાર્થની જ તો વાત હતી ! વાત છેક આમ નાકે જઈને કાને પડઘાશે એની ખબર ન હતી. હું તો રોટલી પરના અન્ય પદાર્થો અંગે વીચારતો હતો, ત્યાં તમારા આક્રોશે વીચારના નાકા ઉપરથી મારો કાન આમળીને મને અહીં અધવચ્ચે લાવી મુક્યો !”

પ્રોફેસર  આગળ વાત લઈ જાય તે પહેલાં હાથ ધોઈ ચુકેલાં માતુશ્રી પરવારી ગયાં હતાં.એટલે એના લાડકાએ પોતાની મુળ વાતનો બચાવ કરવા ઉપરાંત હવે આ મુદ્દા અંગે કોઈ  વાંધો નથી એમ ધારીને ચર્ચાને ફરીવાર હાથ પર લીધી :
”મમ્મી, તમે વહેલાં જમી લીધું તે સારું કર્યું ! નહીંતર મારી વાતનો તાંતણો પપ્પાએ કહ્યું તેનાથીય વધુ અભદ્ર પદાર્થ તરફ જવાનો છે !” કહીને પીતા તરફ અનુમતી માંગતો હોય તેવી મુદ્રા સાથે તે આગળ વધ્યો :
=============================================================
(આગળ જે પદારથની વાત છે તે ચોંકાવનારી, પણ હકીકતે દુનીયાભરમાં ઠેરઠેર જોવા મળતી અને ધડો લેવા લાયક હોઈ એને હવે પછીના અંકે !)

*********************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *