દુર્યોધન

Posted by

– જુગલકીશોર.

જન્મીને જુવાની સુધીના લાંબા સમયગાળા દરમ્યાન એ ગામડીયો જ હતો. ગળથુથીમાં એને જે ગોળનું પાણી ચટાડાયેલું એ ગામના જ ખેતરની શેરડીમાંથી બનેલા ગોળનું હતું.

સવાર–સાંજ લોટો કે ડબલું લઈને ગામને પાદર સંડાસ જવાનું એને સહજ હતું. શેરીઓની ધુળમાં રમતાં એનાં મેલાં થતાં કપડાંનો એને કોઈ ધોખો નહોતો. ગામઠી ભાષામાં દેવાતી–લેવાતી ગાળોનો એ સક્રીય સાક્ષી હતો ! સવારના દાતણથી માંડીને સુતી વખતના દીવા સુધીનું બધું એને સહજ હતું ને એની કોઈ જ ફરીયાદ એને હતી નહીં. બધી વાતે એ આમ જોવા જાવ તો રાજી ને સુખી ગામડીયો હતો.

પણ કોણ જાણે કેમ, કોઈ એક ચોઘડીયે એને બહુ મોટા શહેરમાં જવાનું ને રહેવાનું થયા પછી શું થયું કે એના મનમાં પોતાના વતન માટે નફરત થઈ ગઈ ! જ્યાં ને જ્યારે ચાન્સ મળ્યો નથી ને એણે વતનને ગાળો ભાંડી નથી !! શહેરનું બધ્ધું જ બધ્ધું સારું ને ગામવતનનું હંધુંય ખોટું ને બોગસ એવી માન્યતાનો માર્યો એ પોતાના જ વતનના માણસોને માટે ખરાબ ભાષામાં અભીપ્રાય આપતો થઈ ગયો. એટલી હદે કે એ આ ગ્રામીણ પ્રદેશની સંસ્કૃતીનેય ખરાબ ચીતરવા લાગ્યો ! શહેરમાં જઈને ચાર ચોપડી વાંચ્યાથી વેંત એક ઉંચોય ચાલતો થયો.

પણ પછી તો શહેરની મીલો બંધ થયાથી ભાઈસાહેબ બેકારોની યાદીમાં આવી ગયા. ક્યાંય કરતાં ક્યાંય આશરો રહ્યો નહીં ત્યારે – એના પોતાનાં તો કોઈ સગાં જીવંત નહોતાં પણ – ગામના કોઈ ભાઈબંધે એને વતનમાં આવવા આગ્રહ કર્યો ને ભાઈ ભોંઠપને સંકેલીને ગામ ભેગા થયા.

એક વાર સાવ સારો મુડ જોઈને ઘરવાળીએ હળવેક લઈને પુછ્યું કે જે ગામે આપણને જન્મ આપ્યો ને આ પાછલી જીંદગીય સુખે પસાર કરવાની તક આપી તે ગામવતન માટે તમને આટલી નફરત કેમ કરતાં થઈ ગઈ ?

બહુ વીચાર કરીને એણે, જાણે દુર્યોધન બોલતો હોય તેમ, જવાબ આપ્યો –

વતનનું ઘણુંબધું બહુ જ સારું છે (એ હું નથી જાણતો એવું નથી )પણ એનાં વખાણ કરતાં મને નાનમ લાગે છે,

અને

શહેરનું ઘણુંબધું ખરાબ છે પણ ઉંચું માથું રાખવાની ટેવે કરીને શહેરનું હું ખરાબ બોલી શકતો નથી !!

– જુગલકીશોર

 

One comment

  1. મારી,તારી અને બધાની અનુભવની વાત દુર્યોધનના જાણીતા સંવાદ ના અનુસંધાનમા માણી .
    દુર્યોધન-‘ जानामि धर्मम न च मे प्रवृत्ति:, जानामि अधर्मम न च मे निवृत्ति:।’ વાંચી ખલનાયક લાગતા દુર્યોધનની त्वा हृषीकेश हृदिस्थितेन यथा नियुक्तोस्मि ।। વાંચતા આપણું મસ્તક સહજ નમે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *