સળંગ પ્રોફેસર–કથા – ૭

Posted by

‘તેણીશ્રી’ના દવાખાના–નીવાસની તૈયારી…

પ્રોફેસર આમ તો સૌની વચ્ચે જ રહેવા ટેવાયલા છે. અને ભાગ્યે જ એમને ક્યારેય એકલા રહેવાનું થતું હશે. પત્નીશ્રીના સાંન્નીધ્યથી તો તેઓ એટલા બધા ટેવાયલા રહ્યા છે કે તેમના વીનાનું એકલું રહેવાનું એમની કલ્પનાની બહારની બાબત જ ગણાય.

એક રીતે કહીએ તો પત્નીના સહવાસ વીનાના પોતાને કલ્પી પણ ન શકે એવા ને એટલા બધા પત્ની-આધારીત  તેઓ ગણાય. આમ જોવા જાવ તો પત્ની એમના સદાયના વીરોધી છાવણીના જ ગણાય એટલી હદે તેણીશ્રી પ્રોફેસરના વીચારોનાં વીરોધી છે. આખા ઘરમાં પ્રોફેસરનું ભલું રુપ એવું તો માનભર્યું રહ્યું છે કે કોઈનો પણ એક હરફેય પ્રોફેસરની વીરુદ્ધ સંભળાય નહીં. અપવાદ ગણવા પુરતી ધર્મપત્નીની સાંભળવા મળતી ટીકાટીપ્પણી જ ગણાય. પરંતુ પ્રોફેસર તો એને ધર્મપત્નીનો ધર્મ જ ગણાવતા રહ્યા છે ! તેઓ હંમેશાં કહેતા રહે છે, “ઘરની અંદર પુરુષ વડીલ હોય, પીતા હોય, પતી હોય અને આગળ જતાં દાદા પણ બને એટલે એમને કહેવાવાળું કોઈ જ ન હોય તો પુરુષનું પુરુષત્ત્વ છકી જાય. પુરુષની ઘર સંભાળવાની જવાબદારી અને વડીલપણું જ્યારે છકી જાય ત્યારે સમગ્ર કુટુંબને એના નશામાં ડુબાડી દે છે. પુરુષ જવાબદારી વીવેકપુર્વક સંભાળે અને એ જ વીવેક એને છકી જવા ન દે તો અને ત્યારે જ ઘર તે ઘર કહેવાય….

“અને ઘરના એ મોભીનાં પત્ની જ એક અપવાદરુપ શક્તી ધરાવે છે જે પતી-પીતા-દાદા ગણાતા પુરુષને પણ મુક્તમને સમજાવી કે સંભળાવી શકે કે તમે પણ ભુલ કરો છો ! આમ કરીને જ ઘરની મુખ્ય ગૃહીણી ‘ગૃહલક્ષ્મી’ અને ‘ધર્મપત્ની’નો મોભો જાળવી શકે છે…”

પ્રોફેસરની વાતો એ ફક્ત વાતો જ નથી હોતી; તેઓ એ પ્રમાણે વર્તી પણ જાણતા હોય છે. દીકરાઓ ઘણી વાર માતુશ્રીના છણકાથી કંટાળી જાય અને પીતાનો પક્ષ લઈને માતાની સામે ઉદ્ગાર કાઢે ત્યારે પ્રોફેસર હંમેશાં પત્નીનો જ પક્ષ લઈને દીકરાઓને એકલા પાડી દેતા હોય છે ! આ વાત પ્રોફેસરના ટીકાકારો પણ કબુલે છે:

”આ માસ્તરની ટીકા કરનાર દુનીયામાં કોઈ હોય તો તેમનાં ઘરવાળાં જ !! પણ છતાં આ એ જ માસ્તર છે જે હંમેશાં ખરે સમયે ઘરવાળીના સાડલાનો છેડો પકડીને એના બચાવમાં આવી જવાના !!“

આવા લોકોને પ્રોફેસરના સ્ત્રીદાક્ષીણ્યની ભાવનાની કીંમત તો ક્યાંથી હોય, સમજ પણ નથી હોતી. તેઓને મન તો બૈરું મનેખ એટલે ઘરનો ઢસરડો કરનારી મજુરણ. એને તો સમાન અધીકાર પણ ન હોય પછી ‘ધર્મપત્ની’નો સૌથી ઉંચો અને માનભર્યો મોભો તો હોય જ ક્યાંથી ?!

આ બધાંની વચ્ચે રહેતા આપણા આ પ્રોફેસર એક વાર એકલા જ નહીં અટુલા પણ પડી જાય એવી પરીસ્થીતી ઉભી થઈ ગઈ. પત્નીને કોઈ ચીંતા કરાવે એવી માંદગીના અણસાર વરતાતાં એમને દવાખાને દાખલ કરવા પડ્યાં ! દીકરાઓ બધા વ્યસ્ત. નાનો એક તો જવાબદારીનો કાયર અને ભણવામાં પરીક્ષા પાસે હોવાનું કારણ એટલે એને માતા સાથે રખાય તેમ નહોતો. અમસ્તાંય માતા એના આ લાડકડા દીકરાને દવાખાનાની વાસથી દુર રાખવા માંગતી હતી. ( ” ઈ નાનાને તો આંયથી આઘો જ રાખજો હો. એની વાતુંનો પાર નહીં આવે ને મારે એના ગન્યાનમાં ડોકાશીયાં મારવાં નથી ! કહીને એણે નાનાને આઘો જ રાખ્યો હતો.) નીવૃત્તી પછી ધર્મપત્નીના શબ્દોમાં “સાવ નવરાધુપ” એવા પતીદેવને દવાખાને રાખવામાં તો દીકરાઓ જ રાજી નહોતા.

મોટો કહે, “બાપુજીને કાંઈ વસ્તુનો ખ્યાલ નહીં રહે અને એક વાતને બીજી વાત સાથે ભેળવીને રોગની ટ્રીટમેન્ટ અઘરી બનાવી મુકશે તો ઉલટાની તકલીફ વધી જશે.” વચલો દીકરો વધુ પડતો ટીકાકાર રહ્યો લાગે એવી એની વાતો હોઈ એણે તો કહી જ દીધું કે “બાપા આંય રે’શે તો દવાખાનાના સ્ટાફને ભણાવવા બેસી જશે તો મમ્મીનું તો ઠીક છે, બાપાનું ધ્યાન રાખવાનું થશે !” જ્યારે નાનો તો પીતાશ્રીની ચોપડીઓને દવાખાનામાં રાખવાની જ ચીંતા કરવા લાગી ગયો…

વહુઓમાં કોઈ સસરાને દવાખાને રાખવામાં રાજી નહીં એવું નહીં પણ પોતાને સાસુ પાસે ઘરથી દુર એવા એકાંત સ્થળે રહેવામાં જે કાંઈ મુક્તીનો અનુભવ થાય તે માણવાની ઈચ્છાને આગળ કરી શકાય ! ટુંકમાં, દવાખાનાની વાસ દરમીયાન પ્રોફેસર ઘરે રહે, બાળકોનું ધ્યાન રાખે (અથવા વાઈસે વર્સા, બાળકો દાદાની સંભાળ રાખે અને એ રીતે  ભવીષ્યની જવાબદારીનું ભાન પામે) એવી વ્યવસ્થા ગોઠવાઈ. એક વહુ દવાખાને રહે અને બીજી વહુ વસ્તુની અને ટીફીનની હેરાફેરી કરે જેનો વારો દરરોજ બદલતો રહે એમ પણ ગોઠવાઈ ગયું. નાનો એની હેરાફેરી કરનીરી ભાભી (લઘુભ્રાતાશ્રીની પત્ની ઉર્ફે ‘ભાભીશ્રી’) અને (બડે ભ્રાતાશ્રીનાં અંગ્રેજીની અસરવાળાં મૅડમશ્રી ‘ભાભ’)ની મદદમાં રહે  …(આ વાત આવી ત્યારે માતાથી બોલ્યા વીના ન જ રહેવાયું કે “એ નાનકાને કહેજો પાછાં કે ભાભીયું હારે લમણાઝીક બહુ નૉ કરે. નૈતર તમે આંય ટીફીનની વાટ જોતાં રે’શો ને ટીફીન તો સવારનું સાંજે જ પુગશે.” )

આમ તખ્તો બરાબર ગોઠવાઈ ગયાં પછી એક દીવસ માતાશ્રીના સુચન મુજબ ટીપણું જોઈને પ્રોફેસરે જ કાઢી આપેલા મુરત મુજબ ધર્મપત્નીનું દવાખાના-પ્રયાણ શક્ય બન્યું.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *