શાકભાજી : ખરીદીથી ખાવા સુધી ! (પ્રોફેસરકથા – ૫)

Posted by

– જુગલકીશોર

શાકને ખાતાં પહેલાં જેમ વઘારવા વગેરેની કામગીરી કરવાની હોય છે તેમ જ એને ખરીદવાની પણ કામગીરી હોય છે જે પણ ક્યારેક પ્રોફેસરને ભાગે આવી જતી હોય છે.

”આજે તો તમને ભાવે એવું કોઈ શાક લાવી દેશો ? ઘણા દીવસથી તમારી પસંદગીનું શાક ખાધું નથી.” એવું કહીને ધર્મપત્ની પ્રોફેસરને શાક લેવા મોકલે ત્યારે વાક્યમાં રહેલો ધ્વન્યાર્થ બરોબર પકડી પાડ્યાં પછી પણ તેઓ શાંત ચીત્તે પત્નીને સહન કરી લેતા હોય છે. નહીંતર ‘મારી પસંદગીનું શાક તો કોઈ પણ લાવી શકે છે, તમે મંગાવી લેતાં હો તો’ એવો જવાબ વાળવાનું પણ મન પ્રોફેસરને થતું નથી હોતું. એમની આ ભલમનસાઈને વહુઓ થોડી..ક નબળાઈ તરીકે ઘટાવે કે પુત્રો એમની મહાનતા તરીકે ઓળખાવે તો એ બંને અભીપ્રાયો યોગ્ય જ ગણવા રહ્યા.

શાકને સમારવામાં અને ખાવામાં કેવળ ઘરનાં જ સભ્યો સાથે વ્યવહાર કરવાનો હોય તે સ્વાભાવીક છે પણ શાકને ખરીદવામાં કેવળ બહારની વ્યક્તીઓ સાથે પનારો પડતો હોઈ પ્રોફેસરને એ કાર્યમાં ઘણી જાતના ’વાંધા’ પડતા હોય છે. એ બધા વાંધાઓમાં પણ સૌથી મોટો વાંધો શાક વેચનારી નારી બાબતે હોય છે ! એમાંય અમદાવાદ જેવા શહેરમાં તો શાકનું વેચાણ મોટેભાગે એક ચોક્કસ, વીશેષ વ્યક્તીઓ દ્વારા જ થતું હોઈ એમાંની બહેનો બાબતે પ્રોફેસરને ક્યારેય સમાધાન થયું નથી ને થવાની કોઈ શક્યતા પણ તાજેતરમાં તો જણાતી નથી.

સમસ્ત માનવજાતીને પ્રેમ કરતા પ્રોફેસર શાકભાજી વેચતી  બહેનો પ્રત્યે કોઈ વેરવીશેષ ન જ ધરાવે તે સાચું; બલકે સમગ્ર સ્ત્રીજાતીનું સન્માન કરનારા એમને આ ધંધામાં પુરુષો કરતાંય આગળ નીકળી જતી આ રણમાં વાઘ જેવી બહેનો માટે આદર હોવા છતાં બે કારણોસર વાંધો રહે છે : “આરોગ્ય અને ભાષા વીષયક તેઓનું અજ્ઞાન.”

શીક્ષકજીવ હોવા છતાં આ વ્યક્તીવીશેષને આરોગ્યજ્ઞાન આપવાનો મોહ તેઓ રાખતા નથી. શાકવાળી-વાળાઓના  નાકના દ્વારે રહેતા પદાર્થો ઘણી વાર એમનાં કપડાં ઉપર અને શાકનાં પાંદડાં ઉપર પણ ચોંટાડી આપવાનું ગુંદરકાર્ય પ્રોફેસરને સુંદર એવા સમગ્ર શાકભાજીવીશ્વ ઉપર નફરત ઉભી કરી આપનારું બની રહે છે !

”શાક તો હું હંમેશાં ધોઉં છું.” એમ પત્નીશ્રી કહે ત્યારે તેમને પતીશ્રીનો આ પ્રતીપ્રશ્ન પણ  સાંભળવાનો રહે જ : ”પરંતુ શાકને ધોઈને પછી સમારવાનું અને સમાર્યાં બાદ ધોવાનું એ બે બાબતો વચ્ચે રહેલો ભેદ તમે હંમેશાં ભુલી જાવ છો તેનું શું ?”

”એમાં શું ફેર પડ્યો ?” લારીઓમાં શાક ઉપર માખીઓ બેસે એટલે ધોવું જોઈએ એટલા પુરતો શાક ધોવાનો આગ્રહ રાખતી પત્નીને સમજાવવાનું માંડી વાળવા વીચારતા પ્રોફેસરની મદદે પછી પુત્રો પણ આવી ચડશે.

”પણ મમ્મી ! શાક સમાર્યાં પછી ધોવાથી તો વીટામીનો બધાં વહ્યાં જાય તેનું શું ?” પુત્ર દ્વારા વપરાયેલા ક્રીયાપદ ‘વહ્યાં’માં વીટામીનોનું વહી જવું અને જતું રહેવું એમ બંને કાર્યો એક જ ક્રીયાપદથી સીદ્ધ થતાં જાણીને પુત્રોએ જાળવેલા ભાષાકીય વારસાનું  ગૌરવ તેઓ હજી લે ન લે ત્યાંતો-

”અને શાકવાળીઓની નાકની લેંટ પણ ચોંટી રહી હોય તેય  પલળીને સમારેલાં શાકમાં ફેલાઈ વળે. ને એ રીતે શાકવાળીઓના શરીરનો ક્ષાર પણ આપણે આરોગવાનો આવે તેનું શું ?” નાનો પુત્ર પીતાજીની સુગને ઉશ્કેરી મુકશે !

”જુઓ ભૈ, શાકવાળીઓના નાકના કે પરસેવાના ક્ષારનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ હોતો નથી. એ તો નમતું જોખીને અપાતાં શાકની સાથે ફ્રી આપવામાં આવે છે !” મોટી વહુ રસોડામાંથી બીજા રુમમાં જતાં જતાં એકાદું વાસણ ઠેબે લેતી હોય એમ શાકભાજીવાળાંઓને અને સાસુને પણ એક અવાજે ને એકવાક્યે જવાબી વળશે.

ને એ રીતે ક્યારેક પ્રોફેસરના કુટુંબમાં શાકભાજી વેચનારાં પણ સૌ સભ્યો ઉપર છવાઈ જશે…ને કદાચ એ દીવસ પુરતું ભોજનની મઝાનું ખંડીત થવું અનીવાર્ય બની રહેશે….

પરંતુ સ્વચ્છતાની વાતને સાવ નવી જ શૈલીથી, કહો કે મૌલીકતાથી મુકી આપનારા નાના પુત્રે એક દીવસ જમતી વખતે જ એક વીચીત્ર લાગે એવો પ્રશ્ન પુછીને સૌનું જમવાનું બગાડી મુક્યું ને દીવસો સુધી કુટુંબને એક જ વીચાર પર ચોંટાડી રાખ્યું !!

(આ વીચીત્ર પ્રશ્ન “રોટલી પર ચોપડવાના ખાસ પદાર્થ” અંગેનો હતો જે આ વેબસાઈટ મુકાઈ ગયો હતો તે વાચકોની જાણ માટે……૧) http://www.jjugalkishor.in/lekhako/jugalkishor/varta-5/૨)  http://www.jjugalkishor.in/lekhako/jugalkishor/varta-6/ )

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

(હવે પછીનો હપતો ‘તેણીશ્રી’ના દવાખાના–નીવાસની તૈયારી…)

One comment

  1. ફરી માણવાનો ગમે તેવો લેખ
    આધુનિક સમયમા . જો રોજ શાકભાજી સમારીને છીણી અને ચપ્પુને પાણીથી બરાબર સાફ કરવાની આદત ન હોય તો એનાથી તકલીફ વધે છે. ખાસ કરીને છીણીનાં કાણાંમાં ફૂડ-પાર્ટિકલ્સ ભરાઇ રહ્યા હોય છે. અમુક કલાકોથી વધુ સમય એમાં કણો ભરાઇ રહે એટલે બેકટેરિયાનો ગ્રોથ ખૂબ જ વધી જાય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ જયોર્જિયાના રિસર્ચરોનું કહેવું છે કે કિચનમાં અસ્વચ્છ વાસણો દ્વારા બેકટેરિયાનો ચેપ ફેલાવાની શકયતા સૌથી વધારે હોય છે અને એમાં છરી અને છીણી મુખ્ય વાસણો છે. આ બે ચીજોની સફાઇ બાબતે મોટા ભાગનાં ઘરોમાં બેકાળજી વર્તાતી હોય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *