ઈન્ટરનેટ પર મુલ્યાંકનની વીશેષતાઓ !

Posted by

– જુગલકીશોર

પ્રીન્ટ મીડીયાનાં  દૈનીકોના માધ્યમથી ને સામયીકોમાંની કૉલમો દ્વારા સાહીત્યકૃતીઓનાં મુલ્યાંકનો (વીવેચનો) થતાં હોય છે તેમાં સર્જકની રચના અને વીવેચક દ્વારા થતાં મુલ્યાંકનો વાચકોને નીરાંતે બેસીને વાંચવા મળે છે. વીવેચકો પણ મુલ્યાંકનો સમય લઈને આ મહત્ત્વનું કાર્ય આટોપે છે.

પરંતુ આ મુલ્યાંકનો અને મુળ રચના બાબતના વાચકોના અભીપ્રાયો અહીં પ્રગટ થઈ શકતા નથી. પરીણામે સર્જક–સર્જન–વીવેચક આ ત્રણેય સાથે વાચકનો સંબંધ ભાવકરુપે મર્યાદીત રહે છે. વાચક પોતાનો અભીપ્રાય આપી શકતો નથી.

જ્યારે ઈન્ટરનેટ પર પ્રગટ થતાં સર્જનો તથા એના સર્જકો સાથે વાચક છુટથી વીચારોનું આદાનપ્રદાન કરી શકતો હોઈ સર્જન–સર્જક–વીવેચક સાથેનો વાચકનો સીધો અને જીવંત વ્યવહાર સ્થપાય છે ! નેટ પરની આ સગવડ વીવેચનાને એક નવું પરીમાણ આપે છે !!

એક બીજી ખુબ જ મહત્ત્વની બાબત એ પણ છે કે, આ આદાનપ્રદાનોમાં સર્જનો અંગે સર્જકની સાથે વાચકને જે કાંઈ કહેવાનું થાય છે તેની નોંધ પણ તારીખ ને સમય સાથે સચવાતી હોવાથી એક આખી ફાઈલ તૈયાર થાય છે જેનો ઉપયોગ ભવીષ્યમાં વીવેચનના માપદંડો તરીકે બહુ ખપમાં આવે તેવી મજાની તક પણ રહેલી છે !

ઉપરોક્ત બાબતોને ધ્યાને લઈને આજે મારી એક રચના જે ૨૦૧૩ના માર્ચમાં પ્રગટ થયેલી, ને તે પછી ૧૩ દીવસો દરમ્યાન જે કાંઈ પ્રતીભાવો મળ્યા તેની નોંધ સાથે રજુ કરી રહ્યો છું. આ રજુઆત પાછળનો મારો ઉદ્દેશ વીવેચનની આ નવી વીભાવના અંગે સૌનું ધ્યાન દોરવાનો છે. અલબત્ત મારો એવો કોઈ દાવો તો નથી જ કે આ વીભાવના આગળ જતાં વીવેચનનાં ધોરણો નક્કી કરવાની છે !! ભવીષ્યે જે થાય તે, પરંતુ આજે તો મને લાગે જ છે કે કોઈ પણ રચના અંગે સર્જકનો સૌ વાચકો સાથેનો આ જીવંત સંપર્ક/સંબંધ એક નવું પ્રકરણને જન્મ આપે છે ત્યારે તેનો બને તેટલો લાભ લઈને નેટ પરનાં સર્જકો–વાચકો આ વીભાવનાને ઉપયોગમાં લઈ શકે છે.

મારી આ રચનામાં એ સમયે કેટલાક વાચકોને જે દેખાયું તે તેમણે રજુ કર્યું છે. મારે પણ જે કહેવાનું હતું તે છેલ્લે મુક્યું હતું…પરંતુ આજે એ કાવ્ય વાંચતાં મને તેમાં કેટલીક ક્ષતો જોવા મળી તેને, હવે પછી, વાચકોની જો કાંઈ ટીપ્પણી આવશે તો તેને ધ્યાને લઈને મુકવા ધારું છું……આજની આ વાત મારા કાવ્યની વીવેચના પુરતો જ હેતુ નથી પણ આ નવી વીભાવનાને ધક્કો મારીને આગળ લઈ જવાની દાનત તો છે જ. આશા રાખું છું કે વાચકો આ વાતને થોડી વધુ આગળ ધકેલવામાં મને મદદ કરશે !

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

અમે ધરતીનાં ધાવણ જે ધાવ્યાં

 

અમે બોલીને બોર  બધાં વેચ્યાં,

અમે બોલીને બોલ બધા વ્હેંચ્યા;

અબોલડા મુક્યા.

 

અમે બોલેલું સાંભળીને  શીખ્યાં,

પછી ભાષાના ભંડારા  વીંખ્યા;

અબોધડા છુટ્યા.

 

અમે ભાંખોડીયાં ભરીભરી ચાલ્યાં,

પછી સુધર્યાં ને ના  રહ્યાં ઝાલ્યાં;

અદોદળાં પુષ્ટ્યાં.

 

અમે ભાગોળે ગામગામ  રમીયાં,

પછી શહેરોમાં કામકામ ધમીયાં;

નઠોરવાં, ચુક્યાં.

 

અમે ધરતીનાં ધાવણ જે ધાવ્યાં,

એને  ડામરનાં  ડામે    ઉબાવ્યાં;

કછોરવાં ઝુક્યાં.

 

અમે  અંકાશી   માંડવા  હેઠે,

ખૂંદી  પ્રથમીને  ધંધારી વેઠે;

અગોચરાં ખુંદ્યાં.

 

હવે   સીમાડા  ના રહ્યા ટૂંકા,

આભધરતીની રેખ સુધી ઢુંક્યાં;

અણોહરાં દુખ્યાં.

 

 – જુગલકીશોર.

–––––––––––––––––––––––––––––––––––––––––––

 

10 Responses to અમે ધરતીનાં ધાવણ જે ધાવ્યાં

(માર્ચ 16, 2013થી માર્ચ 29, 2013 દરમ્યાન)

 

pragnaju કહે છે:

અમે ધરતીનાં ધાવણ જે ધાવ્યાં,
એને ડામરનાં ડામે ઉબાવ્યાં;
કછોરવાં ઝુક્યાં.લોકજીવનના સર્જનફાલસમાં લોકસાહિત્યને ઝવેરચંદ મેઘાણીએ ધરતીના ધાવણ તરીકે ગૌરવપૂર્ણ રીતે ઓળખાવ્યું છે. અમૃતરોખુ મીઠું માનું ધાવણ બાળકને તંદુરસ્તી બક્ષનારું છે,
કોઈ ખાય ગોળ ને, કોઈ ખાય સાકર;
વાંચે સાંભળે ઈનું ભલું કરે, મંદિરવાળો ઠાકર.
હરિ તારાં પાંચ પાંચકડાં…. જૂના કાળે લોકો મજાક, મશ્કરી, ઠોળ, ટીખળ આ બધું સાંભળીને એનો નિર્દંશ આનંદ માણતા. આજે તો આખો યુગ બદલાઈ ગયો છે. લગ્નપ્રસંગે ફટાણાં ગવાય કે ગામડામાં આવા મજાક-મશ્કરીનાં પાંચકડાં ગવાય તો ટૂંકા મનના લોકો સહન કરી શકતા નથી. મનોરંજનનાં માધ્યમો પણ બદલાઈ ગયાં છે
સાચે જ
અમે બોલેલું સાંભળીને શીખ્યાં,
પછી ભાષાના ભંડારા વીંખ્યા;
અબોધડા છુટ્યા.

–––––––––––––––––––––––––

Anila Patel

યંત્ર યુગમા માનવી યાંત્રિક બંનતો ચાલ્યો છે. સંવેદનાઓ ઓછી થતી જાય છે.સગપણ., વતન, ભાષા, પહેરવેશ બધામા એટલુ પરિવર્તન આવ્યુ છેકે પોતાની આંતરીકતાને પણ તે વિસરવા લગ્યો છે.બહુજ સરસ શબ્દ રચના અનેભાવ સહિત આ કાવ્યની રચના થઇ છે.

––––––––––––––––––––––––––––––––––––

Vinod R. Patel

કોઈ સારા ગાયકને કંઠે ગવાય તો દીપી ઉઠે એવી સરસ કાવ્ય રચના .

અમે ધરતીનાં ધાવણ જે ધાવ્યાં,

એને ડામરનાં ડામે ઉબાવ્યાં;

કછોરવાં ઝુક્યાં.

વાહ , કાવ્યનો ભાવ ઘણો ગમ્યો .

–––––––––––––––––––––––––––––

Dipak Dholakia કહે છે:

મને પણ પ્રજ્ઞાબેનની જેમ સૌ પહેલાં તો મેઘાણી જ યાદ આવ્યા! ખરી મઝા તો અઘોષ અને સઘોષ મહાપ્રાણ ઉચ્ચારોને લીધે છે. ધરતીનાં ધાવણ, ભાખોડિયાં ભરી ભરી, ડામરના ડામે, ઝુક્યાં, હેઠે,ધંધારી વેઠે,આભ ધરતી, ઢુંક્યાં….
શબ્દોની પસંદગી જ કવ્યની અંદરથી ઘમક રેલાવે છે.
પણ સર્વશ્રેષ્ઠ પ્રયોગ હોય તો -“અદોદળાં પુષ્ટ્યાં”. કમાલ.

––––––––––––––––––––––––––––––––––

Ramesh Patel કહે છે:

ભાવવાહી રચના ને એટલું જ માધુર્ય અનુભવાય છે.સુંદર મૌલિક રચના ગમી જાય તેવી.

પ્રકાશભાઈ કહે છે:

કાવ્ય ઘણું ગમ્યું.

––––––––––––––––––––––––––––––

પંચમ શુક્લ કહે છે:

સરસ રચના.

અમે ભાંખોડીયાં ભરીભરી ચાલ્યાં,
પછી સુધર્યાં ને ના રહ્યાં ઝાલ્યાં;
અદોદળાં પુષ્ટ્યાં.

અમે અંકાશી માંડવા હેઠે,
ખૂંદી પ્રથમીને ધંધારી વેઠે;
અગોચરાં ખુંદ્યાં.

P.K.Davda કહે છે:

અમે બોલેલું સાંભળીને શીખ્યાં,
પછી ભાષાના ભંડારા વીંખ્યા;

કેટલી માર્મિક વાત? પાણીને ભૂ કહેતા ત્યારે વહાલા લાગતા, આજે ભૂલથી પાણીને બદલે પાણિ લખાઈ જાય તો લોકો નારાજ થાય છે !!!

jjkishor કહે છે:

સૌનો આભાર અને ખાસ તો નાનપણું અને અભણપણું કેવી રીતે બદલતું ને વીકસતું જાય છે ને વીકાસ ઘણી વાર વીકાસ હોતો નથી વાળી વાત આમાં હોઈ આપ સૌના પ્રતીભાવોનું મુલ્ય છે.

––––––––––––––––––––––––––––––––––––––––

સહોગીઓ !

અહીંથી આગળ હવે નવેસરથી આપના અભીપ્રાયો – મારી આગળની નોંધના અનુસંધાને – રજુ કરવા વીનંતી છે જેથી એક નવી વાતને આપણે પ્રચલીત કરી શકીએ. – જુ.

 

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *