ગુજરાતીઓ ! કેટલાંય કાર્યો આપણી રાહ જુએ છે !

Posted by

– જુગલકીશોર

ઈન્ટરનેટ ઉપર ગુજરાતી અક્ષરો પહેલવહેલા ક્યારે પડ્યા હશે ? કોણે સહુથી પહેલો ગુજ. અક્ષર નેટ પરથી રવાના કરયો હશે ? કઈ પદ્ધતીથી અને કયા સાધન દ્વારા ?

આ અને આવા બીજા – રોમાંચીત કરી મુકનારા ઘણા સવાલો મનમાં જાગતા જ રહે છે. પણ એનો જવાબ મારી કને તો નથી જ; આપ સૌ વાચકો પાસે છે ?!

યાદ રાખો, હજી પણ નેટજગત પર આપણું આવવું બહુ દુરની વાત નથી. હજી પણ સમય છે, આ બધી ઐતીહાસીક બાબતોને સંઘરી દેવાનો !! હજી બહુ લાંબો સમય વીતી ગયો નથી. હજી પણ આપણામાંના કેટલાક યુવાનો ખાંખાંખોળાકાર્યે ખંતપુર્વક ખુણેખુણેથી ખોતરી ખોતરીને ઘણી બધી માહીતી ખંખેરી શકે તેમ છે. આ અને આવા બીજા ઘણાબધા સવાલોના જવાબો મેળવીને નેટજગતના ભવીષ્યના વાચકોને માટે સંશોધનાત્મક કાર્યો માટે સામગ્રી સાચવી શકે તેમ છે !

યાદ રાખો, આવનારો સમય આપણો – એટલે કે નેટસાહીત્યોનો છે ! પ્રીન્ટસાહીત્યવાળાઓ પણ આ નેટને આશરે આવવા લાગ્યા જ છે. પરંતુ કોઈ કરતાં કોઈ પાસે મેં ઉપર મુકેલા સવાલોના જવાબો માટેની સામગ્રી પુરતા પ્રમાણમાં નથી એવું કહેવાની દુખદ હીંમત કરું તો માઠું લગાડવાને બદલે મારી ચીંતાને તમારી પોતાની પણ કરજો !!

કાલ સવારે યુનીવર્સીટીઓને આ ઐતીહાસીક સામગ્રીની જરુર પડવાની જ છે. કાલ સવારે નેટજગત અંગે વીદ્યાર્થીઓને સંશોધનાત્મક અભ્યાસ કરવામાં આ સામગ્રી કામ લાગવાની જ છે. જ્યારે હજી તો યુની.ની તો વાત જ ક્યાં, કોઈ શાળાકક્ષાની વાત પણ કોઈ કરતું નથી ત્યારે અભ્યાસનીબંધોની વાત તો બહુ દુરની ગણાય……

ને એટલે જ તો કહું છું ને કે આવનારા સમય માટે માહીતીનો સંઘરો કરી રાખવાનો ધર્મ આપણા સૌનો જ ગણાય ! વીકીપીડીયા, વીકીસ્રોત, ગુગલનાં કેટલાંક ક્ષેત્રો, લેક્સીકોન, કેટલાક સક્ષમ મીત્રો, કેટલાક ખાંખાંખોળીયા તરવરીયા મીત્રો વગેરે સૌ મળીને આ બધાં કામો હાથ ધરશે તો કુદરત–વીજ્ઞાન–ટૅકનોલૉજી–શીક્ષણક્ષેત્ર વગેરે ઉપરાંત ઈશ્વર પણ એ સૌનું ભલું કરશે જ !!

યાદ છે ? વરસો પહેલાંથી લઈને હજી હમણાં સુધી મેં નેટસંસ્થા માટે વારંવાર લખ્યું હતું તે ? આકાશીસંસ્થા કે પછી વર્ચ્યુઅલ–ઈન્સ્ટીટ્યુટ જે નામ આપો તે, પણ આવા એક સંગઠનની વાત તો આજથી દસેક વરસ પહેલાંથી કરતો આવ્યો છું……પણ સંસ્થાવાળી વાત કોઈને ગમી જ નથી….(કદાચ સમજાઈ નથી કે ગળે ઉતરી નથી).

નેટજગત પરના ગુજરાતી અક્ષરોથી આરંભાયેલી વીગતોને એકઠી કરવાથી માંડીને બીજી અનેકાનેક બાબતો એક બાજુ રોમાંચીત કરી મુકે તેવી છે તો બીજી બાજુ ચેલેન્જ આપનારી છે !!

છે કોઈ આ બધી ચેલેન્જ ઉપાડી લેનાર વ્યક્તી/ઓ ?

છે કોઈ એવું જુથ (કે જેઓ સંપીને આજે ઘણું બધું અગત્યનું કામ કરી જ રહ્યાં છે) જે મારી આ વાતોને સાંભળે–સમજે–ને અમલ માટે આગળ આવે ?

––––––––––––––––––––––––––––––––––

ને હા, આ તો હજી એક જ મુદ્દો મુકાયો છે હોં ! હજી બીજા કેટલાક મુદ્દાઓ બાકી છે……તેની વાત ક્યારેક, હવે પછી.

 

 

3 comments

    1. ધન્યવાદ ! કેવા પ્રકારનું અને ખાસ કયા વીભાગનું શરુ કરવા માગો છો તે જરુર લાગે તો જાણ કરજો…બાકી તો સફળતા માટે શુભેચ્છાઓ……

  1. “ઈન્ટરનેટ ઉપર ગુજરાતી અક્ષરો પહેલવહેલા ક્યારે પડ્યા હશે ? કોણે સહુથી પહેલો ગુજ. અક્ષર નેટ પરથી રવાના કરયો હશે ? કઈ પદ્ધતીથી અને કયા સાધન દ્વારા ?” તમારા જ મૂળભૂત પ્રશ્નની પ્રમાણિત માહિતી માટેનો પ્રયાસ. યુનિકોડ અને યુનિકોડ નહિ એવી માહિતી તથા ગુજરાતી કીપેડના પાયાની શરુઆત અને તેના મૂળ, વિકાસ વગેરે વિશે મને ખૂબ રસ પડ્યો હોઈ ધીરે ધીરે એ કામ પણ કરવું છે. હમણાં તો સમયની ખેંચ છે છતાં મનેચ્છા છે તેથી થશે એમ લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *