ફક્ત બે જ ફકરા મોકલો અને –

Posted by

નેટજગતમાં હવે ‘લખવા’નું કામ જાણે કે ડાબા હાથનો ખેલ બની ગયો હોય તેવું નથી લાગતું ?

સૌ કોઈ પોતાની વાત સાવ સહેલાઈથી ને સહજ રીતે, છૂટથી મૂકી શકે છે. એટલું જ નહીં પણ જો લખાણો વધી જાય તો પછી તેની ઈ–બુક બનાવીને પ્રગટ પણ કરી દે છે…..કારણ કે ઈબુક બનાવવાનું કામ પણ સૌ કોઈ જાતે જ કરી શકે છે ! (કેટલાક લેખકોની પુસ્તિકાઓના “મુખપૃષ્ઠ પરનાં શીર્ષકો”માં પણ જોડણીની ભૂલો જોવા મળી છે !!)

અને એટલે જ–

કેટલાક લેખકોને પોતાનાં જ લખાણોથી પૂરતો સંતોષ નથી હોતો ! તેઓ જાણે છે કે પોતાનું લખેલું ગુજરાતી ભાષાના સ્વરૂપથી થોડુંઘણું આઘુંપાછું રહે જ છે ! ક્યાંક જોડણીની તો ક્યાંક વાકયરચનાની પણ ખામી તો રહી જ જાય છે અને તે બાબત તેમના મનમાં ડંખ્યાં કરે છે.

મારા બ્લૉગ ‘નેટગુર્જરી’ ના માધ્યમથી દસ વરસ સુધી ભાષા બાબતે આ અંગે બહુ પ્રયત્નો કર્યા હતા અને હવે ‘માતૃભાષા’ નામક સાઈટના માધ્યમથી – ફક્ત જાણીતા અને નીવડેલા લેખકોની જ રચનાઓને પ્રગટ કરવાને બદલે – જુનાનવા સૌ લેખકોનાં લખાણોને સાઈટ પર પ્રગટ કરીને આ કાર્યમાં ઉપયોગી થવાનું ગોઠવ્યું છે….ટવીટર, ફેસબુક કે અન્ય માધ્યમો પર પોતાની વાત મુક્ત મને પ્રગટ કરનારાંઓમાંથી જેમને પણ પોતાનાં લખાણને વધુ સારી રીતે પ્રગટ કરવાની ધારણા હોય તેમને માટે આજે આ અપીલ કરું છું……

કે –

કોઈ પણ ક્ષેત્ર અંગે કે કોઈ પણ વિષય પર ફક્ત ને ફક્ત બેએક ફકરા (પેરેગ્રાફ્સ) મને મોકલી શકો છો. એમાં જે કાંઈ ભાષાકીય સુધારા હશે તે ઈમેઈલ દ્વારા સીધા લખનારને જ મોકલીને જણાવવાનો ઉપક્રમ રહેશે. અને ત્યાર બાદ તે લખાણ માતૃભાષા સાઈટ પર પ્રગટ કરવામાં આવશે. (આ અંગે કેટલાય લેખકો સાથે ચર્ચા થઈ જ છે. પરંતુ આજે અહીં તે વાત સૌ સમક્ષ મુકી રહ્યો છું.)

માતૃભાષાની સેવા આપણે સહુ કરીએ જ છીએ. એમાંનો આ પણ એક પ્રયોગ જ છે. આશા છે કે આ પ્રકારે પણ વધુ ને વધુ શુદ્ધ ગુજરાતી લખવાનો મહાવરો થશે.

– જુગલકિશોર. jjugalkishor@gmail.com

(એક ખાસ સૂચના : હમણાં કેટલાક સમયથી કોઈ “સારા” માણસે ફેસબુકને ફરિયાદ કરી છે કે મારી સાઈટ પર “એબ્યુસીવ” પ્રકારનું લખાય છે !!! તેથી ફેસબુક પર માતૃભાષા સાઈટની કોઈ પણ લિંક પ્રગટ થતી નથી ! તેથી જ મારે સંપર્ક માટે  મારી ઈમેઈલ આઈડી મૂકવી પડે છે…..)

4 comments

 1. ‘મારી સાઈટ પર “એબ્યુસીવ” પ્રકારનું લખાય છે !!! તેથી ફેસબુક પર માતૃભાષા સાઈટની કોઈ પણ લિંક પ્રગટ થતી નથી ! ‘
  શાયર અકબર ઇલાહાબાદી ઉર્દુના પ્રમુખ હઝલકાર અલાહાબાદ હાઇકૉર્ટનાં માજી ન્યાયાધીશ,અરબી,ફારસી,રઉર્દૂના મહાન વિદ્વાન,સમાજ સુધારક પોતાની વાત વ્યંગમા કહેતા…
  સૂરજ મેં લગે ધબ્બા ફિતરત કે કરિશ્મે હૈ
  બુત હમકો કહે કાફિર અલ્લાહ કી મર્જી હૈ
  આપ ક્યા પૂછતે હૈં મેરા મિજ઼ાજ
  શુક્ર અલ્લાહ કા હૈ મરતા હૂં
  યે બડ઼ા ઐબ મુઝ મેં હૈ ‘અકબર’
  દિલ મેં જો આયે કહ ગુજ઼રતા હૂં
  આવા જ કોઇ વ્યંગ કવનમા રજુ કરશો આપની વાત

  1. ફેસબુક પરની આ શીકાયતે મને બહુ નીરાશા આપી છે. આટલા સમય પછી કોઈને મારી સાઈટ પર એબ્યુસીવ જોવા મળે તે કેવી શરમજનક વાત કહેવાય ?!! ક્યારેક તો સાવ નંખાઈ જવાય છે….નીર્વેદ વ્યાપી જાય તેવી વાત છે આ. ફેસબુકને લખ્યું તો જવાબ શાનો આવે ? સવાલ તો એ છે કે ફેસબુક જેવાઓ ફરીયાદ કરનારની તપાસ પણ ન કરે તે કેવી વાત, કેવી સગવડ ગણાય ?!

 2. નમસ્તે સાહેબ,
  ફાલતુ ફેસબુકિયાઓ(બધા નહીં)ની વાત પર નીર્વેદ શા માટે? આપ જે કામ ગુજરાતી ભાષાની શુદ્ધતા માટે કરી રહ્યા છો
  તે માટે નમન કરું છું.

  1. આને કારણે ફેસબુક પર મારા પબ્લીશ થયેલા લેખોની લીંક મુકી શકાતી નથી….વેબસાઈટની લીંક પણ રીજેક્ટ થાય છે. પરીણામે ફેસબુક દ્વારા જે સૌથી વધુ લખાણો વંચાય છે તેમને લીંક ન હોવાથી સાઈટ પર પહોંચવાનું શક્ય બનતું નથી…..આપના મંતવ્ય અને ભાવના બદલ ખુબ આભારી છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *