સારું–નઠારું બન્ને પડોશી છે !

Posted by

દસ વરસથી એકધારું કામ થયાં કર્યું હોય તેનો આનંદ ઑર હોય છે. ફક્ત ભાષા અને સાહીત્યના માધ્યમથી આપણી સાથે સંકળાયેલી અનેકાનેક બાબતોને સૌ સમક્ષ મુકવાની હોંશ નેટજગતમાં પ્રગટ કરવાની આ સવલતે વીશ્વભરના આપણ સૌને ઋણી કરી મુક્યાં છે.

નેટગુર્જરીમાં વીઝીટ કાઉન્ટર ધીમું ચાલતું કારણ કે તે જાહેર બ્લૉગ હતો. પણ જેવું પ્રાઈવેટ ડોમેઈન હાથ પર લીધું કે તરત જ એણે પરચો બતાવીને વીઝીટર્સની એકેએક કામગીરીને સાઈટના કાઉન્ટર પર ચાડી ખાઈને બતાડવા માંડી ! પાંચેક મહીનામાં જ એણે મારી સાઈટ પરનો આંકડો દોઢ લાખે પહોંચાડીને કામનો ઉત્સાહ વધારી દીધો છતાં એને સાઈટની એક વધારાની સગવડ ગણીને અતી ઉત્સાહથી આઘી રાખી….

ફેસબુકના મારા પેજ ઉપરાંત ભાઈ કલમેશના બહુ સંખ્યા ધરાવતા ગ્રુપનો સહકાર મને બહુ મોટા પ્રમાણમાં મળ્યો હતો. ઉપરાંત ટવીટર અને લીંક્ડઇનનાં પાનાં પરની મારાં લખાણોની જાહેરાતે પણ મારા વાચકોમાં મોટો વધારો કરી આપ્યો…..

આનંદના અનુભવોની પડોશમાં જ કેટલુંક દુખદ અને નીરાશાજનક વસતું હોય છે તેનોય અનુભવ આ દીવસોમાં થતો રહ્યો છે !!

છેલ્લા કેટલાક સમયથી મારાં સાઈટ પરનાં લખાણોની લીંક અથવા માતૃભાષા સાઈટનું યુઆરએલ ફેસબુક ઉપર મુકતાંની સાથે જ રીજેક્ટ થઈ જાય છે !! લખે છે કે તમારી સાઈટની બાબતોમાંની કેટલીકને કોઈકે “એબ્યુસીવ” ગણાવી છે !!! પરીણામે ફેસબુક ઉપર મારાં લખાણો મુકી શકાય છે પણ મારી સાઈટની કે લખાણોની લીંક મુકી શકાતી નથી ! (આનાં કારણો અંગે, આ બાબતે સાવ અભણ જેવા મેં પુછતાછ કરી તો જાણવા મળ્યું કે કોઈની ફરીયાદ (?!) હોય તો ફેસબુક આવો નીર્ણય લેતું હોય છે…..)

મારી સાઈટ પર આજે દસ વર્ષો પછી “ફરીયાદ કરવા જેવું મુકાતું ”હોવાની ફરીયાદ થાય અને એના અમલરુપ લીંક પણ મુકવાની છુટ ન મળે ત્યારે નરી નીરાશા વ્યાપી જાય તે સહજ છે. પરંતુ નેટજગત પરનું સ્વાતંત્ર્ય જાણીતું છે, એટલે મારા જેવો સાવ પરવશ માણસ આમાં કશું કરી ન શકે અને જે કાંઈ પાછલે બારણે થતું હોય તેને લાચાર બનીને જોયા કરે તે જ એક વાસ્તવીકતા ગણવી રહી, બીજું શું ?

ગયા મહીને મારી સાઈટ રીપેરીંગમાં જ રહી. પહેલાંનો નેટગુર્જરીવાળો બ્લૉગ પણ ફરી ચાલુ કરીને પુનશ્ચ હરિ ઓમ પણ કર્યું હતું પરંતુ આવી હરકતોથી નીરાશ થયા વગર લીંક વગર પણ કામ ચાલુ રાખીને હવે પછીનાં લખાણો સ્વાન્ત: સુખાય જ પ્રગટ કરવાં તેવુંય વીચારી જોયું !

છેવટે સાઈટનું રીપેરીંગ થઈ જતાં MATRUBHASHAને જ ચાલુ રાખ્યું છે. ફેસબુક કે પછી અન્ય કોઈ મોરચે જે કાંઈ નઠારા અનુભવો થતા રહે તેને થવા દેવા અને આપણે તો યથા શક્તી–મતી રામભજનમાં રહેવું એમ ગણીને આજે આ ૧,૫૦,૦૦૦ને આંકડે પહોંચેલી સાઈટને મારગે ભાષા–સાહીત્યની સેવા કરતાં રહેવું એ નીશ્ચય સાથે –

સૌને સ્નેહયાદી અને –

‘માતૃભાષા’ના બને તેટલા વધુ ફોલોઅર્સ સબ્સ્ક્રાઈબ કરે તેવી આશા સાથે,

– જુગલકીશોર.

5 comments

 1. પ્રિય જુગલકિશોર ભાઈ ,
  તમારો પ્રયાસ પ્રશંશનીય છે.
  દિલ્હીની ભાષામાં મને લાગે છે કે એટલા બધાં ઇંગલિશ અને ઉર્દુ શબ્દો પ્રયોગ થાય છે શુદ્ધ હિન્દી ભુલાય જશે.
  ઘણી વાર કેટલાક આવા શબ્દો માટે ગુજરાતી યા હિન્દી શબ્દો શોધવાનો નિસ્ફળ પ્રયાસ કરું છું
  થોડી ટીકા કરું તો માફ કરજો.આજ લેખ માં ગણો તો કેટલા ઇંગલિશ શબ્દો આવ્યા છે ? એમાંથી કેટલા અપનાવવા પડે જ અને કેટલા નો પર્યાય મળે ?

  1. આપની વાત સાચી છે. અંગ્રેજી કે અન્ય કોઈ ભાષાના શબ્દોનો વીકલ્પ મળે તો સારી જ વાત છે. છતાં બે બાબતો યાદ રાખવી જ પડશે :
   ૧) કાકાસાહેબે કેટલાય શબ્દોને એવા અર્થસભર બનાવવા પ્રયત્ન કર્યો કે તે ભદ્રંભદ્રીય બની રહ્યા ! સરકારી વહીવટોમાં આવા શબ્દોએ ત્રાસ આપ્યો છે. એક રમુજ જાણીતી થયેલી જેમાં દીલ્હીમાં એક પેસેન્જર રીક્ષાવાળાને સચીવાલય લઈ જવાનું કહે છે તો તે સમજતો નથી. છેવટે પેસેન્જરે કહ્યું કે મને સેક્રેટરીએટ લઈ જા. ત્યારે રીક્ષાવાળાએ કહ્યું કે “સાહેબ,આમ હીન્દીમાં કહો તો સમજ પડે ને ! સચીવાલય જેવા અંગ્રેજી શબ્દો અમને ન સમજાય !!
   ૨) ભાષા વહેતી નદી છે. તેને બંધીયાર બનાવી ન શકાય. અંગ્રેજી શબ્દકોશોમાં દર વરસે સેંકડો વીદેશી શબ્દો ઉમેરાય છે. આપણા વીદ્યાપીઠીય કોશમાં પણ હવે અનેક શબ્દો ઉમેરાઈ ચુક્યા છે. એટલે વહેતા અને ધસમસતા પ્રવાહમાં પરભાષાને “પર“ ગણાવવાનું શક્ય નથી. શબ્દો જ્યારે વપરાશમાં ખુબ વધી જાય પછી તે પારકા રહી જ ન શકે. આજે ગામડીયો અભણ માણસ અનેક અંગ્રેજી શબ્દો વાપરે જ છે.

   હજી એકબે બાબતો મારા મનમાં જાગે છે તે પણ મુકી દઉં :
   ૧) અંગ્રેજી શબ્દોને બહારના ગણીને એને ગુજરાતી માટે બદલવાનો વીચાર જેમ ઘણાને આવે છે તે જ રીતે ઉર્દુ, ફારસી, અરે મરાઠી કે તમીળ ભાષાના શબ્દો માટે વીકલ્પો શોધવાનો ભાગ્યે જ વીચાર રજુ થાય છે. એ બધી પણ બહારની જ ભાષાઓ છે જ ને ?!
   ૨) વીદ્યાપીઠીય કોશમાં સંસ્કૃત તત્સમ શબ્દોને જુદો ચૉકૉ આપીને જોડણીના નીયમોમાં સૌથી પહેલા નીયમમાં જ એને અપવાદરુપ ગણ્યા છે !! લખે છે, “સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મુળ પ્રમાણે કરવી.”
   આવું શા માટે ભૈ ?! ગુજરાતીમાં આવ્યા એટલે સંસ્કૃતના શબ્દોને પણ ગુજરાતી જ ગણીને – એને અપવાદરુપ ન ગણીને – નવા નીયમો લાગુ ન જ પાડવા જોઈએ…(આ સૌથી પહેલો નીયમ જ એવો છે કે જેને કારણે સાવ ઓછું ભણેલાઓને પણ સંસ્કૃતના નીયમો શીખવા જ પડે !!!)

   ભાષાઓમાં કેટલીક અનીવાર્ય અરાજકતા વ્યાપી રહેતી હોય છે. એને ચલાવી લેવી એ જ ઉપાય છે…..આપના સવાલના જવાબમાં કેટલુંક વીષયાન્તર થયું તેને ક્ષમ્ય ગણશો.

 2. सुखदु:खे समे कृत्वा लाभालाभौ जयाजयौ |
  ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि || ‘નઠારા અનુભવો થતા રહે તેને થવા દેવા અને આપણે તો યથા શક્તી–મતી રામભજનમાં રહેવું એમ ગણીને આજે આ ૧,૫૦,૦૦૦ને આંકડે પહોંચેલી સાઈટને મારગે ભાષા–સાહીત્યની સેવા કરતાં રહેવું એ નીશ્ચય સાથે –’પ્રેરણાદાયી નિર્ણય

  1. એ તો શક્ય નથી પણ તમે ટૅકનીકલ માણસો પ્રથમ એકડાને બગડો ઈચ્છી શકો…જે શક્ય ને કદાચ, સહજ છે !!
   આભાર સાથે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *