‘માતાની ભાષા’નું મુલ્ય

Posted by

– જુગલકીશોર. 

 

‘માતૃભાષા’માં પુર્વપક્ષે માતા અને ઉત્તરપક્ષે ભાષા બીરાજમાન છે. પણ જ્યારે વાત ચર્ચાની એરણે ચડે છે ત્યારે ભાષા આગળ આવી જાય છે. ક્યારેક તો ભાષા જ એકલી ભાગ ભજવે છે; માતા બહાર રહી જાય છે.

માતૃભાષા અને માતૃભુમી બંનેમાં માતા કેન્દ્રસ્થાને ગણાય. માતાની ભાષા તે માતૃભાષા અને માતાની ભુમી તે માતૃભુમી. છતાં ‘ધરતીમાતા’ના અર્થમાં ધરતીને માતા કહી શકાય તે રીતે ભાષાને માતા કહી શકાય નહીં. એ ક્ષેત્રે માતા તો સરસ્વતી ગણાય છે – વીદ્યા રુપે. વીદ્યા તે માતા અને ભાષા તો તેને પામવા માટેનું ઉપકરણ–સાધન કે માધ્યમ.

આ ભાષા, માતા કને પહોંચવાનું વાહન કે માધ્યમ, ફક્ત માહીતી કે જ્ઞાન જ પહોંચાડે છે એવું નથી. ભાષા દ્વારા જીવનના અનેકાનેક વ્યવહારોનું આદાન–પ્રદાન સહજ બને છે. ભાષાને પ્રત્યાયનનું સાધન ગણીને એને જીભથી કાન સુધીના વ્યવહાર પુરતું મર્યાદીત માની લેવામાં આવે છે. પરંતુ ભાષાનું કાર્ય જીભનીય પહેલાં અને કાનનીયે પછી પ્રવર્તતું હોય છે. કારણ કે તે ફક્ત માહીતી કે જ્ઞાન ઉપરાંત બીજું ઘણું બધું આદાન–પ્રદાન કરે છે.

વીજ્ઞાનની છેલ્લી શોધોમાં હવે જણાયું છે કે બાળક ગર્ભવાસ દરમીયાન પણ ‘શીખે’ છે. આપણો અભિમન્યુ ભુલથી હોંકારો ભણી બેસે છે, ને પેલી વાર્તા “કાં બોલ્યો ?” માફક ભુલની સજા ભોગવી બેસે છે. ગર્ભ–ક્લાસમાં મળેલું જ્ઞાન જન્મ પછી એને આગળ વધુ મળતું નથી; એ અધુરી વીદ્યાનો ભોગ બની રહે છે.

આ માહીતી કે જ્ઞાન ઉપરાંત અનેકાનેક વ્યવહારોની સમજ જે બોલી–ભાષા દ્વારા મળે છે તેને ત્રણ તબક્કે જોઈ જાણી શકાય.

આગળ કહ્યું તેમ ગર્ભવાસમાં પણ બાળક શીખે છે એ વાત વીજ્ઞાન બતાવે છે. આ સમયે કર્ણેન્દ્રીય કરતાંય વીશેષ તો માતૃત્વનાં કેટલાંક આધીભૌતીક (કહી શકાય – કહેવાં જોઈએ) એવાં તત્ત્વો કામ કરતાં હોવાં જોઈએ. બાળકના માતા સાથેના લોહીના વ્યવહારોમાં જ એ તત્ત્વો પોતાનું કામ કરી દેતાં હોવાં જોઈએ.

બીજે તબક્કે જન્મથી માંડીને આપણે જેને ‘બાળક સમજણું થયું’ કહીએ છીએ, ત્યાં સુધીના ગાળામાં બાળક કાનથી સાંભળીને અને બોલનારની આંગળી દ્વારા ચીંધાતાં દૃષ્યોનો મેળ બેસાડીને શીખે છે. બાળક જે ચીજો જુએ છે તેને મોટા ભાગે માતા કે કુટુંબીજનો દ્વારા બોલાયેલાં તે ચીજો માટેનાં ધ્વની–પ્રતીકો વડે યાદ રાખી લે છે. ‘બા’, ‘બાપા’, ‘કાકા’, ‘ખાટલો’, કે ‘આભલું’ વગેરે બધાં માટે એના મનમાં ચીત્રો અંકાય છે. અને જે તે ભાષાના ધ્વનીઓએ ઉભી કરેલી છાપથી તે વ્યક્તી કે વસ્તુને ઓળખે છે.

આ સમયગાળાને બાળક ભણવા બેસે ત્યાં સુધીનો ગણી શકાય. બાળક ભણવા બેસે પછી અક્ષરોનો પ્રવેશ થતો હોવાથી એ નવો ત્રીજો તબક્કો બની રહે છે.

ત્રીજા તબક્કામાં બા, બાપા, ખાટલો કે આભલું લીપીનાં નવાં પ્રતીકોથી ઓળખવાનું આવે છે અને ધ્વનીચીત્રોની સાથે લીપીચીત્રો ઉમેરાય છે. અક્ષરો ઘુંટાતા જાય છે તેમ તેમ બાળક લીપીચીત્રોનો મેળ ધ્વનીચીત્રો સાથે બેસાડીને શીખતો રહે છે.

બાળક જેમ જેમ ભણતરમાં આગળ વધતું જાય છે તેમ તેમ લખાતી ભાષા – લીપીચીત્રો –નો સંબંધ જગતની વધુ ને વધુ ચીજો–બાબતો સાથે જોડાતો રહે છે. આ લીપી, આ લખાતી માતૃભાષા દ્વારા એની પાસે માહીતી, વ્યવહારો અને જ્ઞાન એમ બધું મળતું થાય છે.

આ ત્રીજા તબક્કા સુધી માતાની બોલીનાં ધ્વનીચીત્રો, જગતની ચીજોનાં દૃષ્યચીત્રો અને લીપીચીત્રોનો મેળ કાળક્રમે બેસતો રહે છે. પ્રાથમીક કક્ષાએ પણ જો બીજી ભાષા બાળકને શીખવા મળે તો “બીજા વીષયો”ની જેમ એ “બીજી ભાષા” પણ એક “વીષય” તરીકે શીખી શકશે (અહીં જોકે મતાંતર હોઈ શકે છે).

પરંતુ એક ચોથો તબક્કો પણ, પ્રમાણમાં બહુ વહેલો અને કદાચ ક્યારેય ન આવવો જોઈતો એવો તબક્કો, આવે છે જ્યારે “બીજી ભાષા” શીખવાના “માધ્યમ“ તરીકે આવી પડે છે ! આપણા પ્રખર ભાષાવીજ્ઞાની યોગેન્દ્રભાઈ વ્યાસ કહે છે તેમ, એક જ ફ્રીક્વન્સી ઉપર બાજુબાજુનાં બે સ્ટેશનો રેડીયો પર સંભળાય ને જેવો અનુભવ થાય તેવો જ અનુભવ, અનેકગણો વધીને બાળકને મુંઝવણ કરાવનાર થાય છે.

બીજી ભાષાને એક વીષય તરીકે શીખવામાં બાળકને બહુ જોર ન પડે પણ એ જ “બીજી ભાષા દ્વારા” બધું શીખવામાં તો પડે જ !! બીજી ભાષા, વીષય તરીકે અને માધ્યમ તરીકે એમ બબ્બે અનુભવો કરાવે છે. એનાથી કેટલાક પ્રશ્નો પણ ઉભા કરે છે.

ગર્ભથી માંડીને જન્મ પછીનાં વર્ષો સુધી જે બોલી–ભાષાએ બાળક–કીશોરને બધું પીરસ્યાં કર્યું છે, ખવડાવ્યાં કર્યું છે તેમાં માહીતી અને જ્ઞાન જ નહીં, પેઢી દર પેઢીથી ચાલી આવતી પરંપરા, સંસ્કૃતી અને એવું કેટલુંય સુક્ષ્મ સમાવીષ્ટ હોય તે સહજ છે. આ બધું માતૃભાષામાં પીરસાતું રહે છે ત્યાં સુધી ‘સહજ’ બની રહે છે. એને ગળે ઉતારવાનું સરળ હોય છે. પરંતુ “બીજી ભાષા” દ્વારા આઠમા કે પાંચમા ધોરણથી આપો કે આરંભના પ્રથમ ધોરણથી જ આપો, તે માધ્યમ ‘સહજ’ બની શકતું નથી.

ભાષા દ્વારા માહીતી કે જ્ઞાન એક બાજુ “મળે છે” તો બીજી બાજુ પરીક્ષા કે ઈન્ટર્વ્યુ જેવા પ્રસંગે તે જ માહીતી કે જ્ઞાનને “પ્રગટ કરવાનું” પણ બાળક–કીશોર–યુવાનને ભાગે આવે છે. પોતે જે જાણે છે તેને બતાવવાનું (અને તે સાચું છે તે સાબીત કરવાનું પણ) અનીવાર્ય બની રહે છે ! જે ભાષા મેળવી આપે છે તે જ ભાષા પ્રગટ કરવામાંય મદદરુપ હોય છે, બલ્કે એ જ તો માધ્યમ હોય છે. (વીજ્ઞાન કે ટેકનીકલ વીષયોના પ્રયોગોમાં પણ “બોલીને’ સમજાવવાનું તો હોય છે જ.)

માતૃભાષા સીવાયની ભાષા દ્વારા જ્ઞાન મેળવવાનું અને મળેલા જ્ઞાનને પ્રગટ કરવાનું એમ બંને બાબતોમાં સહજતા આવતી નથી. હમણાંથી ગુજરાતનાં માધ્યમીક શીક્ષણનાં પરીણામો જોવા મળે છે તે બતાવી આપે છે કે આગલી હરોળમાં ગુજરાતી માધ્યમના વીદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમનાં વીદ્યાર્થીઓ કરતાં વધુ હોય છે !!

સૌ જાણે છે છતાં અંગ્રેજી માધ્યમનો મોહ વધતો જાય છે. હવે તો ગામડાંમાંય અંગ્રેજી માધ્યમમાં ભણવા જતાં બાળકો ગળે ટાઈ લબડાવતાં શીખી ગયાં છે. આ ટાઈ અને બુટ–મોજાં “પારકી મા”ના પ્રતીક જેવાં બની ગયાં છે. કાન–નાક વીંધાવવાનું અનીવાર્ય ન હોવા છતાં પારકી મા કને જ કાન–નાક વીંધાવવાનું સૌને કોઠે પડતું થયું છે.

કોઈ પણ ભાષા ગમે તે ઉંમરે શીખી શકાય છે. ટુંકાગાળામાં શીખી શકાય છે. એક ‘જ્ઞાનભાષા’ તરીકે જરુર ઉભી થાય ત્યારે (અને તો જ) તેને શીખવવાનું શક્ય છે. તો પછી સાવ બાળપણથી જ બાળકોનાં મગજમાં બે રેડીયો સ્ટેશનોનો ઘોંઘાટ એકી સાથે ઉભો કરી દેવાનું શા માટે ?

‘ભાષાનું માતૃત્વ’ નહીં, ‘માતાની ભાષા’નું મુલ્ય છે. એ જ રીતે ગાંધીજીએ કહેલું તે, “અંગ્રેજો નહીં, અંગ્રેજી ભલે જાય” તે પણ મુલ્યવાન બાબત હતી. આપણે રાજકીય રીતે, સામાજીક રીતે કે અન્યથા પણ એમની કોઈ વાત માની નથી. અંગ્રેજીનું વળગણ પણ આવી જ એક નાફરમાની છે.  આપણી આ નાફરમાની આપણાં સંતાનોને નુકસાન કરી રહી છે. આપણે “માતૃભાષા” બાબત નવેસરથી વીચારીશું ?!

 

One comment

 1. ૨૦ ઉપરાત વર્ષોથી અમેરીકામા ડાયાસ્પોરા થયા
  માતૃભાષા મા વાત કરીએ તે સમજાય છે
  પણ
  ત્રીજી પેઢીને લખતા-વાંચતા નથી આવડતું-
  ઘણી વખત જવાબ પણ અંગ્રેજી કે ગુગ્લીસમા આપે છે !
  અમારા વડીલ કહે છે -હવે આપણી માતૃભાષા
  ગુગ્લીસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *