‘સ્વતંત્રતા, દે વરદાન’, આજ તો !!!

Posted by

સ્વતંત્રતાદે વરદાન એટલું : 

ન હીન સંકલ્પ હજો કદી મન;

હૈયું કદીયે ન હજો હતાશ; 
ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ 

રહો સદા પ્રજ્વલીના અધોમુખ;

વાણી ન નિષ્કારણ હો કઠોર; 
રુંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે; 
ને આંખમાંનાં અમી ના સૂકાય;

ન ભોમકા ગાય વસૂકી શી હો ! 

વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી, 
તે ના નિમંત્રે નિજનાશ સ્વાર્થથી.

સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી, 
બને યુવાનો ન અકાલ વૃદ્ધ, 
વિલાય ના શૈશવનાં શુચિસ્મિતો;

ધુરા વહે જે જનતાની અગ્રીણો, 
તે પંગતે હો સહુથીય છેલ્લા; 
ને બ્રાહ્મણો સૌમ્ય વિચારકોતે 
સત્તા તણા રે ન પુરોહિતો બને.

અને થઈને કવિમાગું એટલું 
ના તું અમારા કવિવૃંદને કદી 
ઝૂલંત તારે કર પીંજરાના 
બનાવજે પોપટ ચાટુ બોલતા.

સ્વતંત્રતાદે વરદાન આટલું.

          – ઉમાશંકર જોશી (૧૫-૦૮-૧૯૫૨)

            (સૌજન્ય : માવજીભાઈ.કોમ)

––––––––––––––––––––––––––––––––––

ન હીન સંકલ્પ હજો

સ્વતંત્રતા મળ્યા પછીનાં પાંચ વર્ષ બાદ આપણા ગાંધીયુગના સર્વમાન્ય કવિ શ્રી ઉમાશંકરભાઈએ પ્રસ્તુત કાવ્ય રચેલું છે. પાંચ વરસનાં વહાણાં વાઈ ગયાં પછીના આ સમયગાળાને આ કાવ્યસર્જન સાથે કોઈ સંબંધ હશે કે નહીં તે આપણે જાણતા નથી. પરંતુ આજે આટઆટલાં વર્ષો પછી જરૂર કહી શકાય કે આ કાવ્યમાં વ્યક્ત થયેલી આકાંક્ષાઓનું મૂલ્ય આજે અનેકગણું વધી ગયું છે.

મહાન સર્જકને મન કાવ્યસર્જન એ શ્વાસોચ્છ્વાસ જેવી જ એક સહજ અને અતિ મહત્ત્વની ઘટના છે. જ્યારે સર્જન કર્યા વગર રહી ન શકાય ત્યારે જે કલમ ઊપડે તે શબ્દો દ્વારા એક વાતાવરણ સર્જી દે છે.

સ્વતંત્રતા તો મળી ગઈ છે. ને પ્રજાતંત્ર પણ હાથવગું બની ચૂક્યું છે ત્યારે પોતાની આકાંક્ષાઓ કવિ લોકો સમક્ષ મૂકવાને બદલે ખુદ સ્વાતંત્ર્યની સમક્ષ પોતાની માગણી રજૂ કરે છે ત્યારે કવિની આકાંક્ષાઓનું વિશેષ મૂલ્ય છે. કારણ કે સ્વતંત્રતા એ કોઈ મૂર્ત સ્વરૂપ નથી. એ એક અમૂર્ત શક્તિ છે. એ એક ભાવાત્મક તત્ત્વ છે. એની સમક્ષ માગણીઓ મૂકવી એટલે સ્થૂળ વ્યવસ્થાતંત્ર પાસે નહીં પણ વ્યવસ્થાતંત્રને પણ જે આદેશો દઈ શકે તેવી પરમ શક્તિ કને આ રજૂઆત થઈ ગણાય – જો સ્થૂળ વ્યવસ્થાશક્તિને તે સંભળાય અને સમજાય તો !

ધ્રુવપંક્તિ જેવી પ્રથમ પંક્તિમાં કવિએ ‘દે વરદાન એટલું’ કહીને કાવ્યની અંતિમ પંક્તિને સાવ સ્વતંત્ર સ્થાન આપીને ફરી એ પંક્તિને જ – સહેજ ફેરફાર સાથે પ્રગટ કરે છે….પણ ‘એટલું’ ને બદલે ‘આટલું’ કહીને વાત અંકે કરી છે ! બસ, આટલું (તો) આપજે જ ! આ એકસરખી જેવી બન્ને પંક્તિઓ વચ્ચે ઉમાશંકરભાઈએ ભારતીય સમાજને અને ભારતીય સમાજ–રાજ્ય–વ્યવસ્થાને માટે જાણે બધ્ધું જ માગી લીધું છે !!

સંકલ્પો જ જીવનને ઘડે છે. સંકલ્પ વગરનો માનવી તો શું રાષ્ટ્ર પણ કલ્પી ન શકાય. જેને કોઈ સંકલ્પો જ ન હોય તેને વળી જીવન શું ?! એટલે મુખડા જેવી (ધ્રુવપંક્તિ) કાવ્યની પ્રથમ પંક્તિ પછી તરતની જ પંક્તી દ્વારા કવિએ માનવમન અને તેના માધ્યમે સમગ્ર સમાજને એક પાયાની વાત સમજાવી છે કે, સંકલ્પો જ જો નબળા હશે તો આટલા સંઘર્ષ પછી મળેલી સ્વતંત્રતાનો કશો જ અર્થ શો રહેશે ?!

ન હીનસંકલ્પ હજો કદી મન !

ત્યાર બાદ, તરત જ કવિએ મનની સાથે અવિનાભાવી સંબંધે જોડાયેલા હૃદયને લીધું છે ! હતાશા એ વ્યક્તિગત કરતાંય રાષ્ટ્રગત કે સમાજગત નબળાઈ ગણાય. દેશનો માનવી જે કાંઈ પણ કર્મો કરે, તે સર્વ કાર્યો હંમેશાં ઉપરની તરફ જ જતી અગ્નિશિખાની સાથે ને તેની જ જેમ પ્રજવલિત રહો….ક્યારેય તે કર્મો અધોમુખી ન બનો ! અગ્નિજવાલાની એ વિશેષતા છે કે તે કદી આડી કે ઊલટી દિશામાં રહી જ શકતી નથી ! જ્યોતનો સ્વભાવ જ ઊર્ધ્વદિશ રહેવાનો છે. તો પછી આપણાં કાર્યો પણ એની સાથે રાખીને એ સૌને પણ ઊર્ધ્વમુખી જ રાખીએ – યાદ રહે, ગીતામાં કર્મોને યજ્ઞ કહ્યાં છે !!

આંખ એ સ્થૂળ ઇન્દ્રિય છે પણ દૃષ્ટિ તો સૂક્ષ્મ, સંસ્કારો વગેરે સાથે જોડાયેલી ચીજ છે. ચક્ષુઓને જેમ ધૂમાડો નડતરરૂપ હોય છે તેમ દૃષ્ટિને મોહ નડતર બને છે. મહાભારતની માંડણી જ આ મામકાપણાથી થઈ હતી. મોહધુમ્મસે રુંધાતી દૃષ્ટિ – વૃત્તિ હશે તો વાણી પણ એને જ અનુસરશે તેથી નિષ્કારણ કઠોરતા સ્વીકારી લેતી વાણીને પણ કવિએ સંભારીને સમાજના પરસ્પરના વ્યવહારોમાં દખલ કરનારી જીભને લગામ સૂચવી છે ! વાણી, વિચારવિનિમય, વાટાઘાટો વગેરે બે સમાજો વચ્ચે કે બે રાષ્ટ્રો વચ્ચે સેતુ ન બની શકે ત્યારે સુરંગ બની જાય છે તે આપણે ક્યાં નથી જાણતા ? અને એટલે જ જેમ સૂક્ષ્મ દૃષ્ટિને સૂચન કરેલું તે જ રીતે સ્થૂળ ચક્ષુઓને પણ કહે છે, આંખનાં અમીનું સુકાવું પણ, જોજો ન બને, કારણ કે અમી વગરની આંખ, સ્નેહનો અભાવો બે વર્ગો વચ્ચે ઝેર અને વેરને જ વધારનારાં બની રહે છે.

ત્યાર બાદ ગામડે જન્મીને મોટા થયેલા આ કવિ કેટલી સહજતાથી ધરતીને યાદ કરે છે ! વસૂકી ગયેલી ગાય જેવી ઉર્વર ભૂમિ આ દેશના વિકાસની બધી આશા છોડાવી દેશે. ભૂમિનું તળ અને ઊપલું પડ ભીનાશભર્યાં હોય, રસદાર હોય તો જ એનો સેવક ખેડુત અને તો જ આ રાષ્ટ્ર સધ્ધર રહી શકે તે વાત સાવ સાદી અને સીધી છે. એવી જ રીતે સમાજનો વૈશ્યધર્મ – વાણીજ્યવેપાર કે જે દેશની સમૃદ્ધિની ઓળખ છે તેમાં વસનારી લક્ષ્મીનો નાશ વ્યાપારમાંની સંકુચિતતા ને સ્વાર્થ દ્વારા થનાર હોઇ પોતાના જ પગ પર કુહાડો ન વાગે તેની કાળજી પણ સૂચવવાનું કવિ ભૂલ્યા નથી !

પછીની કડીમાં કવિ પુરુષોને જાણે કે ભૂલી ગયા છે !

સ્ત્રીઓનું સ્ત્રીત્વ, માતૃત્વ, પોષણક્ષમતા, ધાત્રીપણું વગેરેની રક્ષાની ચિંતા કરીને પછી કવિએ યુવાનો અને બાળકોને યાદ કર્યાં છે. અકાળે વૃદ્ધત્વ એટલે જ પડતી. યુવાનીની અખંડતા દ્વારા વિકાસ તરફ અને વિકાસના પાયારૂપ શૈશવની પ્રસન્નતા તરફ આંગળી ચીંધીને કવિ સમાજના ત્રણ સ્તંભો – મહિલાવર્ગ, યુવાવર્ગ અને બાળપણને સમાજસંતુલન માટે તૈયાર રહેવા કહે છે.

હવે પછીની બન્ને કડીઓમાં કવિ ગાંધીવિચારને આગવી રીતે મૂકે છે. કંઈક ઝીણી આંખ કરીને કવિ સામાજિક આગેવાનોને અને પોતે જે વર્ગના આગેવાન પ્રતિનિધિ છે તે સહીત્યકારોને સંભળાવી દે છે. સમાજનું દૂષણ પુરાણી સમાજવ્યવસ્થામાં રહેલું છે. સ્વતંત્રતા મળી ગયા પછી આ વ્યવસ્થા વકરી જવાની પૂરી શક્યતઓ દુરંદેશીથી જોઈ જનારા આ સર્વોદયી કવિ જનતાનો ભાર ઉપાડનારા અગ્રણીઓને પંગતે પાછળ રહીને સેવા કરવાનું કહે છે. સર્વોદયનો આ જ તો અર્થ છે. આગળ ચાલનારને પાછળ દેખાતું નથી હોતું ! એટલે તેઓ પાછળ રહે તો જ સાર્થક છે. ને આમેય તે આપણા સામાજિક વર્ગોમાં પછાતોને થતા અન્યાયનો ઉકેલ પણ, પાછળ રહીને સમસંવેદનાનો પ્રત્યક્ષ અનુભવ કરવાથી જ આવનાર હોઈ આ વાત બહુ યોગ્ય રીતે મુકાઈ છે !

આવનારા સમયને ઘાટ આપવાની શક્તિ સાહિત્યમાં રહેલી હોય છે તેથી છેલ્લે સાહિત્યકારોને પણ યાદ કરીને કવિ અગમચેત કરે છે. આવનારા સમયમાં સાહિત્યકારો પોતાની કલમને રાજકીય શક્તિને તાબે ન થઈ જાય તે માટે સીધું જ સંબોધન કરીને સ્વતંત્રતાને તીવ્રતાપૂર્વક કહે છે, તું અમારા કવિવૃંદને પાંજરે પુરાયલા પોપટની માફક પોપટિયું બોલતા કદી પણ ન બનાવજે !! સાહિત્ય માનવજીવનનો પડઘો છે. એ જ રીતે સમાજઘડતર માટેનું બળુકું ઓજાર પણ છે. સાહિત્યને રાજકીય શક્તિની વાહવાહ કરનારી ચારણી કરામતો કે શુકપાઠી વૃત્તિઓમાં વહેવા ન જ દેવાય. કવિ પોતાના શબ્દને સ્વતંત્રતાનો પર્યાય સિદ્ધ કરીને આવનારા સમયનો જાગરુક પ્રતિહાર સાબિત કરતો રહેશે તો જ સ્વતંત્રતા સાર્થક થશે.

નાનકડા આ કાવ્ય દ્વારા કવિએ સ્વાતંત્ર્યની સાચવણી ને સાર્થકતાની જવાબદારી આપણ સૌને કેવી સિફતથી સોંપી દીધી છે !!

રસદર્શન : જુગલકિશોર 

 

2 comments

 1. અને થઈને કવિ, માગું એટલું
  ના તું અમારા કવિવૃંદને કદી
  ઝૂલંત તારે કર પીંજરાના
  બનાવજે પોપટ – ચાટુ બોલતા.
  વિશેષ ગમી.

 2. કવિ ઉમાશંકર ની સુંદર કાવ્ય રચના અને એવો જ સુંદર જુ’ભાઈનો આ કાવ્યનો રસાસ્વાદ

  આ જ કવિ ઉમાશંકર જોશીનું એક અવતરણ છે ..” કાવ્ય જીવે છે એના આસ્વાદમાં ” એ તદ્દન સત્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *