શ્રી લા.ઠા.નું એક વીડીયોગ્રાફીક કાવ્ય !!

Posted by

નોંધ : સર્જક જ્યારે ચીત્રકાર બને છે ત્યારે તે રંગ–રેખા અને પીંછીનો સહારો લેતા નથી. શબ્દોના માધ્યમથી જ તેઓ આબેહુબ ચીત્રો દોરી શકે છે. પ્રસ્તુત કાવ્ય શ્રી લાભશંકર ઠાકરની છે જેમાં સર્જકે ફક્ત ફોટોગ્રાફી કરી નથી બલકે જાણે વીડીયો જ ઉતાર્યો હોય તેવું ચીત્ર ‘ગાગા ગાગા’ના કટાવી આવર્તનોથી દોર્યું છે….

જુઓ, સર્જકની આંખને ખુદ સર્જકે જ કૅમેરારુપે દર્શાવીને સવારના તડકામાં સ્નાન કરતી ધરતીને રાધા કહીને, તડકારુપી ટુવાલ દ્વારા પોતાના શરીરને લુછતી બતાવી છે. કૃષ્ણનામક કનૈયો સર્જકની દૃષ્ટીમાં કૅમેરારુપે બેસીને વીડીયો ઉતારે છે !! ટુુવાલનો રંગ ધોળો ને રાધીકાનો દેહ પારસરુપ છે. ટુવાલની ફરવાની ગતીને ધ્યાનથી જુઓ; ધરતીની યુવાની કેવા શબ્દોમાં વર્ણવી છે તે જુઓ ને મજા માણો સર્જકશક્તીની !! શબ્દોનું માધ્યમ કેવી સહજતાથી રંગ ને રેખાના માધ્યમ પાસેથી કામ આંચકી લીયે છે તે અહીં જાણવા ને માણવા જેવું છે. (એ સીવાયનું કેટલુંક બીજું પણ આ કાવ્યની પછવાડે છે, જે આ જ કાવ્ય અંગે મેં વર્ષો પહેલાં નેટગુર્જરી પર મુકેલું – તેના પર પણ નજર જરા નાખી લેજો ને !)

————————————————

વરસાદ પછી.

– લાભશંકર ઠાકર.

છંદઃ કટાવ (બંધારણઃ ગાગા ગાગા)

જલ ભીંજેલી
જોબનવંતી
લથબથ ધરતી
અંગ અંગથી
ટપકે છે કૈં
રૂપ મનોહર.

ને તડકાનો
ટુવાલ ધોળો
ફરી રહ્યો છે
ધીમે ધીમે;
યથા રાધિકા
જમુનાજલમાં
સ્નાન કરીને
પ્રસન્નતાથી
રૂપ ટપકતા
પારસ દેહે
વસન ફેરવે
ધીરે ધીરે.

જોઈ રહ્યો છે
પરમ રૂપના
ઘૂંટ ભરંતો
શું મુજ શ્યામલ
નેનન માંહે
છુપાઈને એ
કૃષ્ણ કનૈયો ?
——————-
કટાવ છંદનું આ એક મઝાનું કાવ્ય આપણને મળ્યું છે.

કાવ્યમાં ત્રણ પાત્રો છે : રાધા, તડકો અને કૃષ્ણ. પણ આ ત્રણે પાત્રોને રચનાકારે ખુબીથી ચોમાસાના એક સરસ વાતાવરણની આડશે જુદાં જ નામોથી બતાવ્યાં છે ! વરસાદ પછી પલળીને લથબથ બનેલી જોબનવંતી ધરતીને સદ્યસ્નાતા તરીકે રજુ કરી છે. નહાયાં પછી શરીર લુછવા માટે ટુવાલ જોઈએ; તો તડકાનો સરસ મઝાનો ટુવાલ પણ હાજર કર્યો છે ! અને આવું સરસ દૃષ્ય હોય તો પછી કોઈ જોનાર તો જોઈએ જ ને ! કાવ્યકારની આંખને એમણે એક પાત્ર તરીકે પેશ કરી છે !! એ આંખને એમણે નેણ-પાંપણ-કીકીની કાળાશના સંદર્ભે સવાલ રુપે વાચક સમક્ષ મુકી છે : “શું, આવું આ દૃષ્ય જોનાર મારી આ શ્યામલ(કૃષ્ણ/કાળી)આંખમાં ખુદ કૃષ્ણ  આવીને, છુપાઈને તો નથી બેસી ગયો ?!”

સમગ્ર કાવ્યમાં એક મઝાનું દૃષ્ય પ્રગટ્યું છે. દૃષ્ય જોનાર આંખ કે કૃષ્ણ ભલેને ગમે તે હોય પણ અહીં એક નવો સંદર્ભ મળે છે : નાનપણમાં કૃષ્ણે ગોપીઓને વસ્ત્રવીહીન રાખીને વસ્ત્રાહરણનો પ્રસંગ આપ્યો હતો. એ જ કૃષ્ણ દ્રૌપદીનાં વસ્ત્ર જરુર પડ્યે પુરે પણ છે. પણ અહીં તો રચનાકારે પૃથ્વીને સદ્યસ્નાતા બતાવીને પણ તડકાના ટુવાલ વડે વસ્ત્રાવૃતા બતાવી છે!! આ કાવ્યમાં ગોપીની જગ્યાએ રાધા છે. એનું વસ્ત્રાહરણ કરીને નહીં પણ એને વસ્ત્રાવરણ આપીને એના સૌંદર્યનો અનન્ય લાભ શ્રી લાભશંકરે સૌને કરાવ્યો છે !!

શુદ્ધ કટાવ છંદનું આ કાવ્ય લાભશંકરભાઈની મને બહુ ગમતી રચના છે. આપ સૌ પણ એનું સૌંદર્યપાન કરો એ આશા સાથે.

– જુગલકીશોર.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *