માત્ર બે લીટીમાં પ્રારબ્ધ–પુરુષાર્થ–સીદ્ધાંતની સમજ.

Posted by

अयं मे हस्तो भगवान् अयं मे भगवत्तरः |   अयं मे विश्वभेषजोडयं शिवाभिमर्शनः ||

 

આ મારો હાથ ભગવાન છે અર્થાત્ દુષ્કરમાં દુષ્કર કાર્ય કરવા શક્તીમાન છે;  અરે, ભગવાનથીયે શ્રેષ્ઠ છે, કારણ કે એના કર્મનું ફળ આપવા ભગવાન પણ વીવશ છે !   આ મારો હાથ (કર્મ)  સમગ્ર રોગોનું ઔષધ છે અને આ મારો હાથ જ બધાં કલ્યાણોને ખેંચી લાવે છે.

(બ્લોગ “सुभाषित” http://shubham1.wordpress.com/  પરથી સાભાર)

***************************************************************

ઉપરના સુત્ર અંગે કેટલુંક –

આ સુવીચાર કર્મના સીદ્ધાંતને સાવ નવા જ સંદર્ભે સમજાવનારો જણાય છે !

પ્રારબ્ધ અને પુરુષાર્થની વાતોના ઝઘડામાં ઘણી વાર મુળ વાત રહી જતી લાગે છે. કર્મનો સીદ્ધાંત કહે છે કે કરેલું ભોગવવાનું જ હોય છે; આજ નહીં તો કાલ અને આ જન્મે નહીં તો કોઈ અન્ય જન્મમાં પણ એને ભોગવવાનું તો રહે જ છે. (હાસ્તો વળી, કર્મ કર્યું ’તું જ તો ફળ માટે પછી ભોગવવામાં શું વાંધો હોય ?!)

આ સુવીચારમાં બેત્રણ બાબત બહુ જ સંક્ષેપમાં છતાં સાદી અને સચોટ રીતે કહેવાઈ છે.   પહેલાં તો એ હાથને બતાવીને કહે છે કે એ જ ભગવાન છે ! આ વાક્ય સામે નાસ્તીકોનેય વાંધો ના હોઈ શકે ! ભગવાન શબ્દથી જ જો તેઓ ભડકતાં રહેવામાં માનતા હોય તો જુદી વાત છે બાકી હાથ – પુરુષાર્થને જ સમગ્ર સંસારનું ચાલકબળ કહેવામાં રૅશનલીસ્ટોને કોઈ જ વાંધો ન હોય. તેથી આ સુત્રનું પ્રથમ વાક્ય આસ્તીક–નાસ્તીક સૌને પોસાય તેવું છે.

ત્યાર બાદ સુત્રના બીજા વાક્યમાં કર્મના સીદ્ધાંતને આગળ કરીને કહેવાયું છે કે આ હાથ ભગવાનથીયે શ્રેષ્ઠ છે ! આમાં તો નાસ્તીકોને મઝા પડી જાય એવું છે !! કારણ કે પુરુષાર્થ આગળ ભગવાનનેય ઝીણકો બનાવી દેવામાં આવ્યો છે. વળી લોજીક પણ કેવું સરસ ને સચોટ મુક્યું છે ? ભગવાને પુરુષાર્થને માન્ય કરવો જ પડે છે એમ કહીને કર્મનો યશ હાથને આપ્યો છે અને ઈશ્વરને એનું ફળ આપવા મજબુર બતાવાયો છે. (અલબત્ત, અહીં કર્મના સીદ્ધાંતને પણ “પથ્થરકી લકીર” ગણાવાયો જણાય છે !!

બીજી રીતે જોઈએ તો ભગવાને પણ ફળ તો આપવું જ પડે છે એમ કહીને ભગવાન નામક કોઈ સંચાલકને આઘો કરી દેવામાં આવ્યાનું સમજાય એમ બને.)   પ્રથમ વાક્યના ઉત્તરાર્ધમાં હાથની મહત્તા એમ કહીને બતાવી છે કે એ અઘરામાં અઘરું કાર્ય પણ કરી શકે છે. દુષ્કરમાં દુષ્કર કાર્ય કરવાની શક્તીને “સર્વશક્તીમાન ઈશ્વર”રુપે અહીં મુકીને જો કે ભગવાનત્વનું લોજીક પણ આડકતરું સમજાવાઈ ગયું તો છે જ !

બીજા વાક્યમાં તો પછી આ જ વાતની સમજુતી અપાતી હોય એ રીતે બે બાબતોને એક સાથે મુકીને બહુ મજાની વાત કહી દીધી છે.   એક બાજુ આ હાથ થઈ ગયેલાં અનીષ્ટ કર્મો (રોગો)નો ઉપચાર કરી શકવા સમર્થ છે એમ કહેવાયું છે તો બીજી બાજુ હવે પછીનાં થનારાં સારાં કાર્યો (કલ્યાણો)ને ખેંચી લાવવાની વાત કહીને ભવીષ્યને પણ પોતાના હસ્તક મુકી આપ્યું છે !! રોગોનો ઉપચાર એટલે ભુતકાલીન/થઈ ગયેલાં કર્મો અને કલ્યાણોને ખેંચી લાવવા એટલે ભાવી કાર્યો એવો સાવ સાદો ને સીધો અર્થ આપ્યા પછી સુત્રમાં કહેવાયું છે તે એ છે કે   –

૧) થઈ ગયું તે તો થઈ ગયું; પણ

૨) હવે પછીનાં કર્મોમાં આવી ભુલ ન થાય તે જોવું અને હવે પછી તો કલ્યાણકારી કાર્યો જ કરવાં.

આ બીજા વાક્યામાં પ્રથમ વાક્યની માફક સીધેસીધો કર્મનો સીદ્ધાંત દર્શાવાયો જણાતો નથી પરંતુ હકીકતે તો અહીં પણ કર્મના સીદ્ધાંતને જ આગળ કર્યો લાગે છે !! અહી કર્મના સીદ્ધાંતની એક બહુ જ મોટી વાત કહેવાઈ છે જે ઈશ્વરને ન માનનારાંઓને પણ ગમશે.

અહી પણ પુરુષાર્થને જ આગળ કરવામાં આવ્યો છે. થઈ ગયેલા રોગોની સારવાર શક્ય છે અર્થાત્ વીજ્ઞાનને અહીં ઉચ્ચ પદ આપવામાં આવ્યું હોય તેવું જણાઈ આવે છે. સાથે સાથે કલ્યાણોની વાત કરીને આવનારા સમયમાં તો સાચવવું જ ને હવે પછી ગફલત ન થવા દેવી એવી સાંસ્કારીક વાત પણ મુકી દીધી છે.

લાગે છે કે પ્રારબ્ધ અને પુરુષાર્થનું સુક્ષ્મ વીવેચન અને કર્મના સીદ્ધાંતની સુક્ષ્મ સમજ આ નાનકડી બે પંક્તીઓમાં મુકી આપીને કોઈએ અદ્ભુત કામ કર્યું છે. (सुभाषित નામક બ્લોગ પરના સુત્રોમાં લેખકનું નામ નથી કારણ કે આ પ્રકારનાં સુત્રોમાં ઘણી વાર કોઈ લેખક મળતો નથી. પણ આપણને તો મમ મમમાં રસ હોય; ટપ ટપથી શું નીસ્બત ?)

 

6 comments

  1. કર્મના સીદ્ધાંતને સાવ નવા જ સંદર્ભે સમજાવનારું સૂત્ર અને તેનું રસદર્શન અદભુત
    विश्वभेषजोडयं शिवाभिमर्शनः બે અક્ષરના હાથ અને કર્મ
    સાથે વિશ્વભેષજમા આદુ પણ ગણાયું
    અને મુળ ન ખવાયના પંથવાળા માટે સુંઠ…
    અને તેના ગાંગડે મહાપદ વૈદ્ય
    અને પશ્ચિમે સ્વીકાર્યું અને અહીં ઘણાએ દીકરીનું નામ રાખ્યું
    જીંજર

    1. સંદર્ભોની કડીઓ/શૃંખલા સરસ દર્શાવી છે, દીદી !

  2. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમધ્યે સરસ્વતી
    કરમૂલે ચ ગોવિંદ, પ્રભાતે કરદર્શનમ.

  3. Very simple logic of life, nicely explained with profound meaning. Thank you for an excellent podting.

    1. તમારો પહેલી વાર જ સંપર્ક થયો છે. ખુબ આભાર અને તમારા અંગે વધુ પરીચય આપશો તો આનંદ થશે……સાનંદ – જુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *