એક લખવા ધારેલો ખાનગી પત્ર

Posted by

પ્રીય અજાણ્યા મીત્ર !

તને થશે કે અજાણ્યો તોય મીત્ર ?! ને વળી, લખવા ધારેલો – એટલે કે હજી સુધી ન લખાયેલો – ને પાછો ખાનગી એવા આ પત્રનો શો અર્થ, ખરું ને ?

પણ હા. આમ જ બસ આ પત્ર લખીને મેં મનમાં ને મનમાં જ એને મુકી રાખ્યો છે. પણ ક્યારેક કશુંક એવુંય હોય છે જે મનમાં હોવા છતાં લોકો જાણી જતાં હોય છે !

કેટલુંક એવું…….ય હોય છે જે મનને સદાય રોકી રાખનારું હોય છે. વર્ષો સુધી એ સાથ છોડતું નથી. એમાં કશું ન કહેવા જેવું પણ હોતું નથી ને છતાં એ મનમાં ને મનમાં જ રહી જાય છે; બહાર પ્રગટ થયા વીના જ !

આ સવાર પડે છે ને પક્ષીઓ કોણ જાણે શી વાતો સંભળાવવા માગે છે ! કાનમાં આવી આવીને તેમની વાતો મુંઝવી મારે છે. રાજા વીર વિક્રમ, કહેવાય છે કે પશુપક્ષીની બોલી જાણતા હતા. જોકે એ તો વાર્તામાં એવું બધું આવે…..

છતાં ભાષાની પેલે પાર એક બોલી, એક ભાષા હોય છે જે કશું ઉચ્ચાર્યા વીના પણ રજુ કરી શકાય છે !

માતા એના બાળકની વાત કે એની માગણી કઈ રીતે જાણી જતી હશે ? એ જ રીતે ક્યારેક મનમાં જ રહી ગયેલી વાત એના કોઈ ગંતવ્યે પહોંચી જ જતી હોય તો શી નવાઈ ?

સાવ અજાણ્યો માણસ ક્યારેક મુસાફરીમાં આપણી સાથે થઈ જાય ત્યારે એની સાથે કેટકેટલી વાતો આપણે કરી બેસીએ છીએ ! ત્યારે કશું અજાણ્યું કે ખાનગી પણ રહેતું નથી. બસ, એમ જ આજે આ અલપઝલપ વાત તને કહેવા તત્પર થઈ ગયો !

તો, વાત તો પેલાં પક્ષીઓની હતી. સવારના પહોરમાં એનાં પ્રાત:કર્મો પતાવીને કેવાં મંડી પડે છે ચહકવા ! જાણે કોઈ મોટો પ્રસંગ ઉજવવાનો હોય એમ આઘાપાછા થતાં થતાં કેવી વાતો અંદરોઅંદર કરી રહે છે ! થોડી વાર પછી તો ચણવાના મહત્ત્વના કામે નીકળવાનું થશે. ઘરમાં કાંઈ ઢાંકોઢુંબો તો કરવાકારવવાનો હોતો નથી…..ને છતાંય આખી રાતની ચુપકીદીથી છુટીને ગળાને કેવું છુટ્ટું મુકી દીયે છે ! જાણે આખી રાતની ભેગી થયેલી વાતો ચારો ચરવા જાતાં પહેલાં પતાવી દેવાની હોય.

ફળીયામાં બાંધેલાં ઢોરનું સાવ એવું નથી હોતું. એમને તો નીણ્ય–પાણી ઘરધણી તરફથી ગમાણ્યબેઠ્યે મળી જ રહેવાનાં હોય છે પછી શી ચંત્યા ?!

ને પેલાં કુતરાં ? એમનેય આપણી સાથે વાતચીત સંભળાવવાનો કોઈ ઈરાદો હોતો નથી. એમને તો આખી રાતનો ઉજાગરો હોય છે. ગામે ભલે ને એમને ચોકીપહેરો સોંપ્યો ન હોય તોય “ધરાર નેતા”ની જેમ એ તો રાતભર અજાણ્યાની સામે ભસતાં રહેવાની પોતાની વણસોંપી ફરજો અદા કર્યા જ કરવાનાં ! ને એમ એમનો ઉજાગરો વગર નોકરીએ થતો રહેવાનો હોય છે……

આપણે જ માણસજાતને આવુંતેવું કશું હોતું નથી ! સવારમાં જાગીને પોતાની જાત, કુટુંબકબીલા સાથે વળગેલી ફરજો, રોજીંદા કાર્યક્રમો, ધંધાધાપા ને નોકરીની સલામું ને એવું બધું. સવારના પહોરમાં કેટલાકોને તો વળી પહેલું કામ વ્યસનોને વળગવાનું હોય છે ! આ વ્યસનની તલપને ટાઢી પાડ્યા વીના એમનો દી’ આગળ જ વધે નહીં ને. ઘરડાંબુઢાઓ ધક્કા મારી મારીને રાત ખુટાડતા હોય એટલે એમને તો સવાર પડ્યું નથી ને જાણે જીવમાં જીવ આવ્યો નથી !

આ બધાંમાં સૌથી જુદાં પડે સાવ નાનાં ભુલકાંઓ ! એમની સવાર બહુ મોડી પડે. ને પડે પછી એમનો ખ્યાલ રાખનારાંઓને નવો દીવસ ઉગે. કોઈ પણ પ્રકારના કાર્યક્રમ વીનાનાં એ લોકો (?) ઘરનાં બીજાંઓને સમજ્યા વીનાનું બધું ચકળવકળ જોયાં કરે.

ભાઈ મારા, અજાણ્યા ભાઈ ! તને આ બધું આમ આડેધડ્ય ટટકારી તો દીધું પણ તને આ કાગળ પોકશે કે નૈં ઈનીય ખબર્ય વન્યા લખી નાખ્યું છે. હવે તને પહોંચે ને તું જવાબ દે તો ઠીક છે બાકી નહીં પહોંચે તોય શું વાંધો છે ?

અને વાંધો હોય તોય તારે કેટલા ટકા ?!

3 comments

 1. “કેટલુંક એવું…….ય હોય છે જે મનને સદાય રોકી રાખનારું હોય છે. વર્ષો સુધી એ સાથ છોડતું નથી. એમાં કશું ન કહેવા જેવું પણ હોતું નથી ને છતાં એ મનમાં ને મનમાં જ રહી જાય છે; બહાર પ્રગટ થયા વીના જ !”…..
  તમે સારું કર્યું અને કાગળ લખી દીધો.
  એક પારેવું….
  એક ડાળીને ઝૂલે કેટલાય પંખીડા, ચૈતરમાં ચહેક્યા વનરાઈમાં.
  વાદળના ફાલમાં દેખું સંતાતું, મને એક જ પારેવું યાદ આવે.

  તારા ભરપૂર પેલી ગંગા આકાશ, એવી યાદો ભરપૂર ઝિંદગાની,
  ખરતા તારા સમી, ઓચિંતી યાદ કોઈ આવી મારી આજને ઉજાળે.
  ્સરયૂ પરીખ

 2. ચહકવા !…
  બોલો તો વેણ બહુ મીઠાં લાગે ને
  તમ સ્પર્શે હવા વહે છે શીળી
  મધુરપથી સીંચ્યા આ માંડવામાં તોય પડે
  પાંદડી સંબંધની પીળી;
  સામે જુઓ, આ મારો સમદર અગાધ અને
  સમદરમાં એકલો તરાપો . મકરંદજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *