એક ન લખાયેલો પત્ર…

Posted by

મારા પ્રીય કાલ્પનીક મીત્ર,

તારી સાથે વાત કરવાનું હંમેશાં ગમે છે કારણ કે તું કદી આ લખાણ વાંચવાનો નથી કે નથી કોઈને મારી ખાનગી વાતો કહી દેવાનો. 

તને લખવાનું ગમે એનું બીજું પણ એક કારણ હોઈ શકે છે. તું મારાં લખાણોની ભુલો પણ શોધી શકવાનો નથી ! મારી ભુલો શોધીને મને પાછી ઠપકારવાની તારી પાસે શક્યતા ન હોવાથી તારા ઠપકા સાંભળવાની પણ નોબત ન આવનારી હોઈને પણ તને સંબોધીને પત્રો લખવાનું અવશ્ય ગમે !

તો સાંભળ.

સાહીત્યજગત અક્ષર, શબ્દ અને વાક્યથી ચાલે છે. વાક્યોથી આગળ ફકરા પણ આવે છે. ફકરાઓ મળીને પાનાં બને છે ને એમ એ પાનાંઓ પુસ્તક તરીકે ઓળખાતાં રહે છે. આ જ વાતને પાછા પગે યાદ કરીએ તો પુસ્તકોમાં પાનાં (ને ક્યારેક જાતજાતનાં ખાનાં પણ) હોય છે. પાનાંમાં ફકરાઓ પણ દેખાતા હોય છે. ફકરાઓ શા માટે હોય છે તે અંગે તું પાછો પુછતો નૈં ! લખતાં લખતાં આંગળાં અટકી જાય અને સ્પેસબટન દબાઈ જાય ત્યારે ફકરો પડી જતો હોય તેમ બને !

ફકરાઓ વળી વાક્યોથી ને વાક્યો શબ્દોથી તથા શબ્દો અક્ષરોથી બનતાં જાય છે ! ને એમ સાહીત્યની રચના થતી રહે છે. વાચકો તરફ ધકેલી દેવાતાં એ અક્ષરમઢ્યાં પુસ્તકો આંખો તળે પસાર થઈ જાય છે જેને વાચન કહેવાય છે…..

આપણી આ દુનીયામાં આપણાં લખાણોના વાચનનો આધાર અન્ય લેખકોનાં લખાણો આપણે વાંચીએ તેના પર અવલંબે છે. મીત્ર ! જો હું તારાં લખાણો – ઉપર કહ્યા મુજબ આંખો તળે પસાર કરીને તેને અંગે કશી ‘જવાબદારી’ ન સાચવું તો મારાં લખાણો તું ન જ વાંચે તે વાત નક્કી જ ગણાય. (અહીં આ ‘જવાબદારી’ શબ્દનો અર્થ, હે મીત્ર, રીસ્પોન્સીબીલીટી ન ગણતાં “જવાબ વાળવાની કામગીરી” ગણવાની ભલામણ કરું છું તે ધ્યાન પર લેજે દોસ્ત…)

હું અક્ષરોથી શરુ કરીને પુસ્તક સુધી પહોંચવામાં માનતો નથી. હું સીધાં પુસ્તકો જ લખું એવું મન રહ્યાં કરે છે. પણ અક્ષર વીના જેમ શબ્દ બનતો  નથી ને શબ્દ વીના જેમ વાક્ય; તેથી પુસ્તકો સુધી પહોંચવા માટે અક્ષર સાથે જોડાયેલી બારાક્ષરીનાં ચીહ્નો જેને લોકો જોડણી કહે છે –નો ખ્યાલ રાખવાનો હોય છે….

વાત અહીંથી જ શરુ થાય છે, તકલીફની ! 

અક્ષરો સાથે જોડાતાં આ ચીહ્નો જ બધી ગરબડ કરતાં રહે છે. કેટલાક અક્ષરોની ડાબી બાજુએ તો કેટલાકની જમણી બાજુએ આ ચીહ્નો ટીંગાડવાનાં હોય છે. વળી કેટલાક અક્ષરોની નીચે તો કેટલાંકને માથે મારવાનાં હોય છે ! કેટલાકને માથે તો વળી ટપકું કરવાનું હોય છે તો કેટલાક અક્ષરોને બેવડાવીને જોડીયા બનાવવા પડે છે……

આ બધું બહુ દુખદ હોય છે !

ને છતાં સર્જનની ધખના કે જેને ઘણાં લોકો પ્રકૃતીગત મળેલી કલા કહે છે તે ધખનાનો માર્યો શબ્દોની સાથેનાં ઉપરોક્ત વળગણોને અવગણીને, એટલે કે ઠીક પડે તેવાં ચીહ્નો વાપરીને હું શબ્દોને (સાહીત્યીક ભાષામાં કહું તો) ‘પ્રયોજતો’ રહું છું ! 

પણ તોય આગળ જતાં વાક્યરચનાને નામે કેટલાક નીયમો તો આડા આવે જ !

સાહીત્યસર્જનમાં વાક્યરચના પણ મહત્ત્વની ગણાતી હોવાનું જાણવા મળ્યું છે પણ મને તો એ ખબર પડી ગઈ છે કે આડાંઅવળાં અર્થાત વ્યાકરણના દંડાથી પણ ન દોરવાતાં વાક્યોને ગદ્ય લખાણોમાં ચલાવી લેવાતાં હોય છે. ને પદ્યમાં તો આવી નીયમોભરી વાક્યરચના હોતી જ નથી ! મારાં કાવ્યોમાં આવું થાય ત્યારે હું તેને અછાંદસ રચના તરીકે મુકીને વાતને શણગારી લઉં છું. 

મીત્ર ! આ પત્ર તને મળે કે ન મળે; હું તો મોકલીને છુટ્ટો ! 

આવજે.

 

5 comments

 1. “લખવાનું વળગણ” સરસ રીતે લખ્યું છે, વાંચવાની મજા પડી, હા, એ વાળ સાચી છે કે અક્ષરો ને વાઘાં અને જોડા પણ પહેરાવવા પડે, જે ઘણી વખત અનુકૂળ ન પણ હોઈ. સરસ વિચાર, (out of box) અને સુંદર રજૂઆત।

 2. આપનો પત્ર મળ્યો . વાંચ્યો. આનંદ થયો . આમ પત્ર લખતા રહેશો.
  સારા અક્ષરો, સારા શબ્દો,સારા વાક્યો સારાં પુસ્તકો આપી શકે.જેવી જેની પસંદગી એવી એની રચનાઓ.કેમ ખરું ને !

 3. “તારી સાથે વાત કરવાનું હંમેશાં ગમે છે કારણ કે તું કદી આ લખાણ વાંચવાનો નથી કે નથી કોઈને મારી ખાનગી વાતો કહી દેવાનો”….મને તો આ પત્ર કમ્પ્યુટરને લખ્યો હોય તેમ લાગે છે!
  સવાલનો જવાબ આવે કે ન આવે, હું તો પૂછીને છુટ્ટી થઈ ગઈ…
  સરયૂ પરીખ

 4. આપનો પત્ર મળ્યો, વાંચવાની મઝા આવી ,ગમ્મત સાથે ઘણું કહ્યું ,બાકી સમજદારોકે લીએ ઇશારા કાફી હે.
  આવા સરસ પત્રનો જવાબ આપ્યા વગર નહી રહેવાયું.
  તા ક ભૂલચૂક સુધારીને વાંચજો.

 5. સર્જનની ધખના કે જેને ઘણાં લોકો પ્રકૃતીગત મળેલી કલા કહે છે તે ધખનાનો માર્યો શબ્દોની સાથેનાં ઉપરોક્ત વળગણોને અવગણીને, એટલે કે ઠીક પડે તેવાં ચીહ્નો વાપરીને હું શબ્દોને (સાહીત્યીક ભાષામાં કહું તો) ‘પ્રયોજતો’ રહું છું !

  સુંદર
  આ અહંકારની દિવાલ –
  અહંકારસ્ય તાદાત્મ્યં ચિચ્છાયાદેહસાક્ષિભિઃ |
  સહજં કર્મજં ભ્રાન્તિજન્યં ચ ત્રિવિધં ક્રમાત્ ||
  અહંકારનું ચેતનાના પ્રતિબિંબ સાથેનું તાદાત્મ્ય સ્વાભાવિક છે. અહંકારનું શરીર સાથેનું તાદાત્મ્ય પૂર્વકર્મો ને કારણે હોય છે. અહંકારનું ચેતના સાથેનું તાદાત્મ્ય આપણા સાચા સ્વરૂપના અજ્ઞાન ને કારણે હોય છે.તે અજ્ઞાન તિમિર જ્ઞાનની જ્યોતથી દૂર થાય તો સહજ પ્રસન્નતા આવે .
  …આ જ છે દિવ્યપ્રેમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *