રાજકારણમાં તટસ્થતા ?!

Posted by

– જુગલકીશોર

 

માનનીય નેતાજી,

તમે ભલે કહ્યું કે સક્રીય રાજકારણની તમારી તટસ્થતા બીજા રાજકારણીઓ જેવી નથી….પરંતુ રાજકારણ નામની ભુમી જ એવી છે જ્યાં તટસ્થતા, શુદ્ધી, મૌલીકતા વગેરે શબ્દો સાવ બોદા રહે છે.

તું ગમે તેટલો તટસ્થ રહેવા પ્રયત્ન કરે ભલે, પરંતુ આજના રાજકારણમાં તે ભાગ્યે જ શક્ય છે. તું બધાં જ પક્ષોની ખામીઓનો અભ્યાસ કરીને પછી એક નવો ચીલો પાડવાનું જો વીચારતો હોય તો તે મોંઘા ભાવની ખાંડ ખાવા જેવું જ છે. હકીકતે દરેક પક્ષમાં રહેલી સારપને શોધવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ એક પક્ષની સારપની તતુડી બીજા પક્ષોના ગંદવાડના ઢોલનગારામાં ક્યાંય ઢંકાઈ જાય છે.

ચુંટણીઓ તો આવતી જ રહેવાની છે. થોડા સમયથી જ ડંકા પડવા શરુ થઈ ગયા છે. પડઘમ વાગવા લાગ્યા છે. ને જેમણે ઝંપલાવવાનું છે તેઓ તો ક્યારના “બધી જ તૈયારીઓ” સાથે કુદી પડ્યા છે. જે કોઈ લાગતાંવળગતાંઓને સોંપવા જેવાં કામો હતાં તે સોંપાઈ ગયાં હશે. સૌ કોઈ પોતાને ભાગે આવેલા કાર્યક્રમોમાં “નક્કી થયેલી” નીષ્ઠાથી ખરડાઈ ચુક્યા હશે !! વહેંચણી વગેરે તો ક્યારનું થઈ જ ગયું હશે…

તમે લોકો ખરેખર બહુ મોડા પડ્યા છો.

મને જો તારા કાર્યક્રમોની જવાબદારી સોંપવાનો હો તો બંધ રાખજે કારણ કે અમે ગામડે રહેતાં મીત્રોએ તો કામગીરી શરુ પણ કરી દીધી છે !!

આવનારી ચુંટણી માટે અમારા સોએક મહીલામીત્રોએ દરેકે અમુક ગામડાં સ્વીકારી લીધાં છે ને અમે તો સભાઓ ભરવાનું ચાલુ પણ કરી દીધું છે. અમારું લક્ષ્ય બહુ મોટું નથી. પણ અમારા સર્કલની બધી જ બહેનો પોતાનાં સગાંવહાલાં જ્યાં જ્યાં રહેતાં હોય ત્યાં ત્યાં જઈને એક પત્રીકા પહોંચાડશે એટલું જ નહીં પણ એમાં મુકાયેલા ગામના સવાલો રજુ કરશે. કયા પક્ષે કેટલું કામ નથી કર્યું – એટલે કે કોણે કેટલાં વચન નથી પાળ્યાં તે સમજાવશે…..

ત્યાર બાદ બાકી રહેલાં કામો કરવા માટે ગામનું એક યુવાનોનું મંડળ સક્રીય થઈને ગામલોકોનું મોટું જુથ બનાવવા મથશે. તાલુકા કક્ષાએ જે ઉમેદવાર કામ કરશે તેવું લાગશે તેમની પાસેથી બાંયધરી લેશે. ને એમને જ મતો આપશે…..

આટલું કર્યાં પછી પણ જો ચુંટાયેલોં કામ નહીં કરે તો કદાચ અસહકાર જેવા કાર્યક્રમો દ્વારા અમે બીજા કાર્યક્રમો આપીશું. આટલાથી જ એક વીચાર જાગશે તેવી આશા છે. એ બહાને કેટલાંક રચનાત્મક કામો ચુંટણી પછી, રાજકીય માણસોની મદદ વીના કરવાનું વીચાર્યું છે…..

અત્યારે તો આ બધું હવાઈ કલ્પના જેવું લાગે છે પણ ક્યારેક તો કામ શરુ કરવું જ પડશે. બાકી દર વખતે  રાજકારણીઓ વચનો આપીને ફરી જાય અને કોઈ ને કોઈ લાલચમાં ફસાઈને દગો દઈ દે તેવું હવેથી અમારાં ગામોમાં ન જ બને તે અમારું લક્ષ્ય છે…..

ખબર નથી, આગળ શું થશે. પરંતુ આટલાં વરસો પછી પણ આઝાદી કે આબાદીથી દુર ને દુર રહ્યાં છીએ તેના જવાબો તો માગવા જ પડશે.

તારા જવાબની આશા સાથે –

 • ક્ષમાની સનેહયાદ.

One comment

 1. ઘણાખરા નાગરીકોની વેદના ક્ષમાની કલમે જાણી
  હાસ્ય વ્યંગ રચનાકાર अकबर इलाहाबादी નો રાજકારણ માટેનો આ શેર
  प्रेस ब्यूरो के रीपट से ये जाहिर होता है
  फतेह सरकार की होती है कब्जा उनका होता है
  રાજકારણ અને ઇતિહાસ અંગે સચોટ વાત કરે છે.
  યાદ એક યુગમાં સૌરાષ્ટ્ર અલગ રાજ હતું: રાજકોટ પાટનગરઃ ઢેબરભાઇ જેવા લોકસેવક ચુટણીમા ઉમેદવાર…અમારા કાકાશ્રી એજન્ટ તરીકે પોતાનો યાદગાર પ્રસંગ ગણાવે.રાજકારણ આવુ સ્વચ્છ હોય તે તો હવે કલ્પના જ રહી !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *