રાજકારણમાં ‘પડવા’ની વાત નથી, ક્ષમા !

Posted by

સ્નેહી ક્ષમા,

તારો ઉતાવળે લખાયેલો પત્ર મળ્યો ! ઉતાવળે એટલે લખવાની ઝડપે નહીં પણ પુરી માહીતી વીના કે સાચું જાણવાની ધીરજ વીનાનો એ અર્થમાં ! તારા સ્વભાવથી સાવ વીપરીત એવી વાત એમાં હતી. પુરી ચોક્કસાઈ વીના તું શ્વાસ પણ ન લે તેવી પ્રકૃતીની ને છતાંય આટલી ઉતાવળનું એક કારણ મારા ક્ષેમકુશળની ચીંતા હોઈ શકે…ને એમ હોય તો તેં લખ્યું છે તેમ તને ક્ષમા આપવાને બદલે હું તો તારો આભાર માનીશ !

તેં બાપુજીના ફોન પરથી જાણ્યાનું લખ્યું પણ બાપૂજી કયા, મારા કે તારા ?! તારા બાપુજી તો મારી સાથે સહમત છે જ પણ મારા બાપુજીનું કાંઈ કહેવાય નહીં ! તેઓ મારા નીર્ણય બાબતે સાનુકુળ નથી તે સાચું પરંતુ તારે પત્ર લખવો પડે એટલી હદે તેઓ વીરોધ તો ન જ કરે…..ટુંકમાં તેં ઉતાવળે જ પત્ર ઢસડી માર્યો તે નક્કી !

ને હવે તારા પત્રનો જવાબ આપું :

એટલું સારું છે કે રાજકારણમાંની સક્રીયતાને તેં જરુરી ગણી છે; એ તારી નોંધ જ મારા આ પત્રની પ્રસ્તાવના બની રહેશે ! સક્રીય હોવું જેમ જરુરી છે તેવી જ રીતે કઈ રીતે સક્રીય હોવું તે બાબત પુરો વીચાર કરવાની સાથે સાથે પોતાની શક્તી, આવડત, પોતાના સાથીઓ વગેરે ઘણી બાબતોનું પણ ધ્યાન રખાવું જોઈએ તે પણ ખરું જ છે ને. એટલે તારી માન્યતા મુજબ તેં બતાવેલા વીકલ્પોમાંનો કોઈ વીકલ્પ મારી સક્રીયતા સાથે નથી એ જાણીને તને નીરાંત થવી જોઈએ. એટલે કે તેં કહેલા કોઈ માર્ગે મારી સક્રીયતા સક્રીય થઈ નથી !

બીજી રીતે, તારા તે પછીના ફકરા મુજબ હું કોઈ રાજકીય પક્ષ સાથે પણ જોડાવાનો નથી. એટલે મારી આવડતો કે મારા સ્વભાવ બાબતે તેં કરેલી ધારણાને કોઈ મુશ્કેલી નહીં આવે તેય નક્કી છે…..તું કોનો પ્રચાર કરીશ તે બાબતે પણ કહેવાનું જે, મારે પ્રચારની રીતે કોઈ કામગીરી કરવાની નહીં હોય. મારે તો આપણા સૌ જુથમીત્રોના વીચારો મુજબ જ આગળ વધવાનું છે ને એમાં તો તારે પણ જોડાવાનું થશે !!

અને એટલે, હવે પછી આ પત્રમાં હું મારો કાર્યક્રમ એમ નહીં લખું પણ આપણો કાર્યક્રમ એમ લખીશ. આ નીર્ણય મારો નહીં પણ આપણો હશે જેમાં આપણાં સૌ મીત્રો પણ જોડાશે…….જોકે હજી મેં કોઈનો સંપર્ક કર્યો નથી પણ તે કામ જ તારાથી થઈ શકે તેવું હોવાથી તે વીભાગ જ તારે સંભાળવાનો હશે…..અર્થાત મારા રાજકારણમાં જોડાવાની ચીંતા કરતા તારા પત્રનો જવાબ તને જ આ કાર્યમાં જોડાવાની જાણ કરીને આપું તો તુંય મને ક્ષમા (તે તો તું છે જ…) કરજે !

તારી બધી જ શંકાઓ અને ચીંતાઓ સાચી છે કારણ કે આજનું રાજકારણ બધા જ પ્રકારની ચીંતા કરાવે તેવું છે. પણ આપણે સૌએ આ બધાંમાંથી જ માર્ગ કાઢીને કંઈક તો કરવું જ પડશે. બધાં સાવ બેસી જ રહેવાનાં હોય તો તો રાજકારણીઓ પોતાનું ધાર્યું સહેલાઈથી જેમ કરતા રહ્યા છે તેમ બમણા જોરથી કરશે…..આકડે મધ અને માખીઓ વીનાનું….

એટલે સૌથી પહેલાં તો આપણે સૌને ભેગાં કરીએ. સૌ મળીને પરીસ્થીતી, પ્રશ્નો, વીકલ્પો અને સંસાધનોનો વીચાર કરીએ…..એમાંથી જ પછી કાર્યક્રમોની રુપરેખા ગોઠવાશે.

જોકે નક્કી કરેલું એટલે મારા મનમાં તો રુપરેખા જેવું લગભગ છે જ. પરંતુ સૌ શું કહે છે, સૌ શું શું વીચારણા આપે છે તે જાણી લઈએ પછી બધું નક્કી થાય. એટલે કે આજે તો, આ પત્રમાં, તો હું કશું જ લખવાના મુડમાં નથી ! તારે તારી પોતાની કલ્પનાની પાંખો વીંઝવાની છુટ છે !!

સસ્નેહ – નીખીલ.

 

2 comments

  1. પત્ર ગમ્યો
    ‘…આજનું રાજકારણ બધા જ પ્રકારની ચીંતા કરાવે તેવું છે. પણ આપણે સૌએ આ બધાંમાંથી જ માર્ગ કાઢીને કંઈક તો કરવું જ પડશે. બધાં સાવ બેસી જ રહેવાનાં હોય તો તો રાજકારણીઓ પોતાનું ધાર્યું સહેલાઈથી જેમ કરતા રહ્યા છે તેમ બમણા જોરથી કરશે…..આકડે મધ અને માખીઓ વીનાનું…’
    અમને રાજકારણમા ગતાગમ નથી પણ આગળની વાત જાણવા ઇંતેજાર
    સાચુ કહ્યું છે —રાજકારણમા ઉત્થાન નથી પતનની વાત છે !
    કોઇ ચીંતકે તેને કાજળકોઠી કહી…ડાઘ તો લાગેજ અને રાજકારણ અને ધર્મ વધારેમા વધારે ઝઘડાના કારણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *