ગુજરાતી સાહિત્યના પરિષદપ્રમુખપદ માટે શ્રી બળવંતભાઈ જાનીનું નિવેદન

Posted by

ખાસ નોંધ : ગુજ. સાહિત્ય પરિષદના પ્રમુખપદની ચુંટણીના અનુસંધાને આપણા નેટજગતના મીત્ર શ્રી બળવંતભાઈ જાનીની ઉમેદવારીના ટેકામાં તેમણે જાહેર કરલું નિવેદન અહીં મૂકીને હું મારા જુના મિત્ર પ્રત્યેની ફરજ બજાવવા માગું છું……

અહીં મારે જે ધ્યાન દોરવાનું છે તે તેમના નિવેદનમાં રહેલી કેટલીક વિશેષતાઓ ! 

તેમણે બહુ જ મહત્ત્વનાં કાર્યો જે ખાસ તો આધુનિક સમયમાં જરૂરી ગણાય તે, આપણા ઉત્તમ સાહિત્યને ડિજિટલ કરવાની વાત ! સાથોસાથ તેમણે ભાષામાં જોડણીવ્યવસ્થાની વાત મૂકીને આપણી ગરવી ગુજરાતીમાંની અશુદ્ધિઓને દૂર કરવાની નેમ રાખી છે !! 

તેમના નિવેદનમાં સૌકોઈની અને સૌના સાથની વાત છે. સામાન્ય માનવીનો વીચાર પણ તેમણે મુક્યો છે. સાહિત્ય પરિષદના મંચ પરથી આ રીતે સામાન્ય માનવી તથા ભાષાની સર્વસામાન્ય વાતો મૂકવામાં આવે તો તેનું આપણે સ્વાગત કરવું જ રહ્યું…..એમનો કાર્યાનુભવ તથા સંબંધિત ક્ષેત્રોમાંનાં તેમનાં પ્રદાનો ખસૂસ ધ્યાને રાખવા જેવાં છે.

નેટજગતના સૌ સહયોગીઓ આ નિવેદનને નેટજગતના લાભાર્થે તથા ભાષાસાહિત્યના સાર્થક્ય માટે પોતાના સૌકોઈ સમક્ષ મૂકી આપશે તેવી આશા–અપેક્ષા છે. – જુગલકિશોર.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

તીર્થ, ૨૬૪–જનકપુરી, રાજકોટ–૫,

ફોન : ૦૨૮૧–૨૫૭૭૯૯૮/મો. ૯૮૨૫૦ ૦૭૦૦૦

ઈમેઈલ: balvantjani9@gmail.com

બળવંતરાય શાંતિલાલ જાની

 

મુરબ્બીઓ અને મિત્રો,

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદ માટે કેટલાક સાહિત્યકારો દ્વારા મારા નામની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેની મેં સંમતિ આપી છે. તેથી વર્ષ ૨૦૧૮–૨૦૨૦ માટેની પ્રમુખપદની મારી ઉમેદવારી સંદર્ભે હું આપને આ પત્ર લખી રહ્યો છું.

        ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક શ્રી રણજિતરામ વાવાભાઈ મહેતાના પરિષદ અંગેના સ્વપ્નને આગળ ધપાવવાની મારી નેમ છે તથા પરિષદના પૂર્વ પ્રમુખ મહાત્મા ગાંધીજીના વિચાર – કોશિયો પણ સમજે તેવા સાહિત્યસર્જન અંગેની મારી શ્રદ્ધાને આગળ વધારવાની આ તક હોઈ, મેં આ પદની ચૂંટણી માટે સંમતિ આપી છે.

        ઈ.સ. ૨૦૦૦થી ૨૦૦૩ સુધી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ.ના કુલપતિપદે હતો ત્યારે ગુજ. સાહિત્ય પરિષદનું અધિવેશન યુનિ.ના આતિથ્યે યોજવાની તક મેં લીધેલી. પરષદના માધ્યમે મારાં સંશોધનાત્મક, સર્જનાત્મક તથા ઇતિહાસમૂલક લખાણો પ્રકાશિત થતાં રહ્યાં છે. પરિષદ સાથે મારું આજ સુધી સાતત્યપૂર્ણ અનુસંધાન રહ્યું છે. એકવીસમી સદીમાં આજે ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ સામે અનેક પડકારો ઊભા થયા છે તે આપણે સૌ જાણીએ છીએ. તેથી સાહિત્યપદાર્થ સાથેનો અનુબંધ સમાજ વધુ ને વધુ કેળવે તે અનિવાર્ય છે. આ સંદર્ભે મેં કેટલાક વિચારો કરેલા છે તે અહીં વ્યક્ત કરું છું.

        હવે કૉમ્પ્યૂટરસેવીઓની સંખ્યા વધતીજાય છે અને નવી પેઢી તો આ માધ્યમનો સઘન રીતે ઉપયોગ કરે છે. ત્યારે આપણું ઉત્તમ સાહિત્ય પ્રિન્ટ મીડિયા સાથે ડિજિટલ મીડિયામાં ઉપલબ્ધ થાય તેની અગ્રિમતા રાખીશું. પરિષદની વ્યાખ્યાનશ્રેણીઓ અને વ્યાખ્યાનો ખૂબ મહત્ત્વનાં હોય છે તે ઓડિયો–વીડિયોના માધ્યમથી યુ–ટ્યૂબ ઉપર મૂકી સમગ્ર વિશ્વસાહિત્યરસિકોને તેનો લાભ મળે તે મહત્ત્વનું છે. દિવસે દિવસે સોશ્યલ મીડિયાનો ઉપયોગ વધતો જાય છે ત્યારે સમાજ સાથે સાહિત્યનો નાતો વધુ સઘન બને તે માટે તેનો વિધેયાત્મક ઉપયોગ આપણે કરવો પડશે. કૉમ્પ્યૂટર અને ઇન્ટરનેટ માટે તમામ લોકો ઉપયોગ કરી શકે તેવા સર્વસામાન્ય યુનિકોડ ગુજરાતી ફોન્ટસ તથા જોડણીસુધારની પણ વ્યવસ્થા ઊભી કરવા માટે ખૂબ ઝડપથી કામ કરવું જોઈશે.

        ગુજરાતી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન અંગેના તમામ કાર્યક્રમોને અગ્રિમતા આપવી જોઈશે તથા અનુવાદનાં કાર્યોને પણ વધુ ગતિ આપવી પડશે. આ ઉપરાંત પરિષદના તમામ પ્રકલ્પોનો સહુના સહયોગથી યોગ્ય અમલ થાય તથા તેની ગુણવત્તામાં અભિવૃદ્ધિ થાય તે પણ એટલું જ મહત્ત્વનું કાર્ય રહેશે. હું માનું છું પરિષદના નિષ્ઠાવાન કર્મચારીઓ તથા હોદ્દેદારોની કાર્યદક્ષતાથી આ કામો કરી શકીશું જ.

        આ પત્ર દ્વારા હું થોડીક મારી વાત પણ કરવા માગું છું. મેં પાંત્રીસ વર્ષ સૌરાષ્ટ્ર યુનિ.ના ગુજરાતી ભાષા–સાહિત્ય ભવનમાં અધ્યાપન અને સંશોધનકાર્ય કર્યું છે. આ દરમિયાન મેં ૩૮ જેટલાં પીએચ.ડી. અને ૫૪ જેટલાં એમ.ફિલ.નાં વિદ્યાર્થી ભાઈઓ–બહેનોને માર્ગદર્શન આપ્યું છે. ઉપરાંત ચારણી સાહિત્યના હસ્તપ્રત ભંડારનું તથા સંત સાહિત્યનાં ભજનોનું સૂચિકરણનું કાર્ય કર્યું છે. જૈન ઍકેમીની સ્થાપના કરી અને લોકસાહિત્યનું સંશોધનકાર્ય પણ કર્યું છે. દાઉદી વ્હોરા અને ઇસ્માઇલી ખોજા સમાજ ઉપરાંત ડાયસ્પોરાસાહિત્યની હાંસિયામાં રહી ગયેલી સાહિત્યસામગ્રીને અર્વાચીન ગુજરાતી સાહિત્યપ્રવાહમાં ભેળવવાનું કાર્ય પણ કર્યું છે. ફલસ્વરૂપે વિવેચ–સંશોધનનાં ચાલીસ કરતાં વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે. આવાં અનેક કામ માટે જ મને શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય ઍવૉર્ડ તથા ડાયસ્પોરા સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો છે.

        ‘ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ’ની સાહિત્યિક, સંશોધનાત્મક અને વહીવટી સંચાલન પ્રવૃત્તિમાં છેલ્લા બે દાયકાથી પ્રવૃત્ત છું. ઉપરાંત ગુજરાત અને ભારતની અકાદમીઓના સંચાલનમાં સક્રિય રીતે સંકળાયેલો છું. ઘણી સાહિત્યિક સંસ્થાઓની સેવા કરવાનો મને અવસર મળ્યો છે. સાહિત્ય ઍકેડેમી–દિલ્હીની સલાહકાર સમિતિમાં સભ્ય છું, રાજા રામમોહનરાય ફાઉન્ડેશન–કલકત્તામાં ભારત સરકાર નિયુક્ત મૅનેજમેન્ટ બોર્ડનો સદસ્ય છું. ભારતીય જ્ઞાનપીઠ ઍવૉર્ડ ચયન સમિતિમાં તથા કવિ કાગ લોકસાહિત્ય ઍવૉર્ડ ચયન સમિતિમાં કન્વીનર તરીકે સેવાઓ આપું છું. ઉપરાંત છેલ્લાં વીસ વર્ષથી ‘લોકગુર્જરી’ નામના સામયિકનું સંપાદન કરું છું.

        પરિષદની ઉત્તમ પ્રણાલિકાઓનું જતન કરવાનું તથા સહુના સહકાર–સહયોગથી તેને વધુ ચેતનવંતી અને લોકાભિમુખ કરવાનું કાર્ય તે મારી અગ્રિમતા રહેશે.

        આ નિવેદનના અંતે મારી વિનંતી છે કે આપનો કિંમતી મત મને આપી ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રમુખપદેથી સેવા કરવાની મને તક આપશો.

આપનો,

(સહી)

               

 

4 comments

  1. ડો. બલવંત જાની એ ડાયસ્પોરા સાહિત્યને ઉત્તેજન આપવામાં અગત્યનો ફાળો આપ્યો છે.અપરિચિત રહેલી ડાયસ્પોરા સાહિત્ય સામગ્રીનું સંશોધન અને જતન કરીને ચાલીસ કરતાં વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા એ માટે એમને અભિનંદન ઘટે છે.

  2. માફ કરશો, પરંતુ જે હોદ્દા માટે ઊમેદવારી નોંધાવી છે તેના પ્રચાર પત્રમાં જ મુદ્રણ દોષ હોય તો……. (નોંધ હું પરિષદનો સભ્ય નથી. ભાષા પ્રેમી છું.) કૃપા કરી સુધારી લેશો. અને પછી આ પ્રતિભાવ દૂર કરશો.

    1. આરંભની વાદળી અક્ષ્રરોવાળી નોંધ મારા નામથી મુકી છે ને હું એક જ ઈ-ઉનો ઉપયોગ કરું છું. જાનીભાઇના લખાણમાંની ભુલો બતાવશો તો સુધારીલઇશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *