કચ્છી લીપીના શોધક શ્રી હાજીભાની ભાષાસેવાનું સન્માન !!

Posted by

જામનગર જિલ્લાના ધ્રોળના રહેવાસી ને વેપારી, ફક્ત નવ ધોરણ પાસ કરીને કચ્છી બોલીને ભાષાનું સ્થાન અપાવવા માટે ૪૩ વર્ષો ને લગભગ એક લાખ રુપિયા ખર્ચી દેનાર–

‘હાજીભા’ એટલે કે હાજી મહંમદ હુસેન કે. નાગાણી અંગે આ પહેલાં કેટલુંક મારા બ્લૉગ પર લખાઈ ગયું છે. એમાંનું કેટલુંક ખાસ તો તેમના પરિચય માટે અને તેમને સાઉદી અરેબીયાના આગેવાનો તરફથી મળેલા ઍવોર્ડ નીમીત્તે આજે અહીં રજુ કરી રહ્યો છું.

આશા છે આપણા વાચકોને આ સમાચાર પ્રેરણાદાયી બનશે. – જુ.

     હાજીભાનો પરિચય

– જુગલકિશોર.

 

તા. ૩૯, ૧૧, ૨૦૧૩ના ‘અભિયાન’ સામયિકમાં એક નોંધ હતી. એનું શીર્ષક હતું, “૪૦ મૂળાક્ષરોના કૉપીરાઇટ માટે ૪૩ વર્ષ”. આગળ ઉપર સામયિક લખે છે : “અંગત ન હોય તો આપણે કોઈ કામ પાછળ લાંબો સમય આપતા નથી. પરંતુ કેટલાક લોકો ઝઝુમવામાં નંબર વન હોય છે.”

આ ‘ઝઝુમવામાં નંબર વન’ એટલે જામનગર જિલ્લાના ધ્રોળના રહેવાસી ને વેપારી, ફક્ત નવ ધોરણ પાસ કરીને કચ્છી બોલીને ભાષાનું સ્થાન અપાવવા માટે ૪૩ વર્ષો ને લગભગ એક લાખ રુપિયા ખર્ચી દેનાર ‘હાજીભા’ એટલે કે હાજી મહંમદ હુસેન કે. નાગાણી !!

જન્મ તારીખ ૮–૧૧–૧૯૩૬. મૂળ વતન કોટડા સાંગાણી. સ્થાયી વસવાટનું સરનામું, ઉમર મંઝિલ, અજીજ પીર ચૉક, ધ્રોળ – ૩૬૧૨૧૦ (જિ. જામનગર). ત્રણ પુત્રો, બે દીકરીઓ અને ઝઝુમવામાં સદાય સાથી એવાં પત્ની મરિયમબાનુ હાજિયાણી.

વેપારી માણસ ભાષામાં રસ લે તે વાત જ ગામડા ગામમાં નવાઈની ગણાય. એમાંય સાહિત્યના શોખીન હોવા ઉપરાંત ફક્ત બોલીરૂપે જ જાણીતી અને જેને પોતાની કોઈ લિપિ ન હોવાને કારણે જે સાહિત્યની રચનાઓથી વંચિત રહી ગયેલી છે તે કચ્છી બોલીનો ઉધ્ધાર કરવાનો ભીષ્મસંકલ્પ લેનારા માણસોની તો કલ્પનાય ક્યાંથી આવે ?

પણ હાજીભા નામના આ સંકલ્પબદ્ધ એવા વયોવૃદ્ધની બાબતે આટલું – ઉપર લખેલું – અધૂરું જ ગણવું પડે તેવી ને તેટલી કામગીરી તેમના નામે જમા પડી છે. ૪૩ વરસના પરિશ્રમ પછી એમના કામની ગિનેસ બુક ઓફ રેકર્ડના ચોપડે, ખાલી નોંધ તો નોંધ, પણ લેવાઈ છે.

તેમણે પોતાની કચ્છી લિપિને રજિસ્ટર્ડ કરાવવા માટે ૪૩ વરસે પણ સફળતા મેળવીને રજિસ્ટર્ડ નંબર L-49860/2013 તો મેળવી જ લીધો છે !

લેખન–વાચનના જબરા શોખીન હાજીભા અત્યંત નમ્ર વ્યક્તિ છે. પરિશ્રમી ને પુરુષાર્થી એવા આ બુઝુર્ગની કેટલીક શ્રદ્ધાઓ છે. તેઓ કહે છે, “વક્ત સે પહેલે ઔર કિસ્મત સે જ્યાદા કિસિકો મિલતા નહીં”….ને એમનો સંતોષ કચ્છી બોલીમાં આ મુજબ પ્રગટ થતો રહે છે : “ઘરજા ઘર; ફરીયેમેં નળ; છોકરાં લાઇનસર !” અને આ વાતના ટેકામાં એક શેર પણ ફટકારી દે છે :

જિંદગીને એકલો ન માણ તું,

જિંદગી મળી ગનીમત જાણ તું;

રુએ છે તું રોદણાં સારા બૂટનાં

જેને નથી પગ તેનું દુખ નિહાળ તું.

જુદીજુદી પચ્ચીસ પ્રવૃત્તિઓમાં સમાયેલા હાજીભાને કોણ કહી શકે કે તેઓ નફો કરવા પાછળ ધ્યાન ને જાન વેડફી દેનારા સામાન્ય વેપારી છે ?! તેમની પ્રવૃત્તિઓની યાદી બહુ મોટી છે છતાં એનો આલપઝલપ પરિચય પણ કરી લઈએ :

ધોરણ નવમું પાસ અને હોન્દી કોવિદ પાસ કરી ચૂકેલા હાજીભા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ તથા થોડું અરબી પણ જાણે છે. છેલ્લે છેલ્લે લિપિના કામ માટે થઈને કમ્પ્યુટર પણ શીખ્યા છે.

તેમના રેડિમેઇડ કાપડના વ્યવસાય ઉપરાંત તેઓ લાઇબ્રેરિયન, શિક્ષક, મેડિકલ સ્ટોરના કાઉન્ટરનું કામ, સેલ્સમેન, ગ્લાસ ફેક્ટરીમાં મૅનેજર, એકાઉન્ટન્ટ, જીવનવીમા એજન્ટ રહી ચૂક્યા છે !

અનેક સામાજિક સંસ્થાઓમાં સેક્રેટરી–ટ્રસ્ટી–પ્રમુખ તરીકે, દરગાહ શરીફના વૉટરકલર પેઇન્ટર તરીકે, મેમણ વેલ્ફેર કમિટિના ઝોનલ સેક્રેટરી, ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન મુંબઈમાં સક્રિય સભ્ય તરીકે તેઓ સક્રિય રીતે જોડાયેલા રહ્યા છે.

તેમનું એક સૂત્ર છે : “જે નથી તેને યાદ ન કરો; જે છે તેનો આનંદ માણો.”

તેઓની બહુ મોટી ખ્વાહીશ પોતાને માટે નથી તેટલી ભાષાને માટે છે. કચ્છી લિપિને અમલમાં મૂકાયેલી જોવા માટે તેઓ સદા તત્પર છે. ને એટલે જ તેઓ પોતાને કચ્છી એમ. લિપિના જન્મદાતા તરીકેનું ગૌરવ હૈયે ધરાવે છે.

ગુજરાત અને ગુજરાતીઓ તેમની કચ્છીબોલીનો ભાષારૂપે સ્વીકાર થતો ક્યારેય જોઈ શકશે ખરાં ?!

 

 

One comment

  1. મા હાજીભાજી એ પોતાની કચ્છી લિપિને રજિસ્ટર્ડ કરાવવા માટે ૪૩ વરસે પણ સફળતા મેળવીને રજિસ્ટર્ડ નંબર l-49860/2013 તો મેળવી જ લીધો છે !’અભિનંદન
    અને
    તેમનું એક સૂત્ર છે : “જે નથી તેને યાદ ન કરો; જે છે તેનો આનંદ માણો.” ધન્યવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *