‘મોહન’ની રથયાત્રા – મારી બ્લૉગયાત્રા

Posted by

મારા નવા બ્લૉગ ‘ગાંધીદર્શન’નો આરંભ મુ. નારાયણભાઈ દેસાઈના સુચનથી થયેલો. એ રથયાત્રાના દીવસે જ એમના શુભાશીર્વાદથી શરુ થયો હતો. આ પ્રસંગને મેં “ગાંધીની રથયાત્રા” રુપે ઓળખાવ્યો હતો જેને એક સોનેટ–ફોર્મેટમાં ઢાળવાનો મારો પ્રયત્ન હતો. આ કાવ્ય અહીં આજે મુકીને મારી નવી સાઈટ ઉપર ગાંધીદર્શનને નવેસરથી શરુ કરવાનો ઉપક્રમ છે……

ગુજરાતી ભાષામાં ગાંધીચરીત અત્યંત સુક્ષ્મ વીગતો સાથે મુકવાનું પુણ્ય શ્રી ના.દે.એ કર્યું હતું. ચાર ભાગના મોટા ગ્રંથોમાં પથરાયેલા ગાંધીજીવનને વાંચતાં પહેલાં એ ગ્રંથના આરંભે મુકેલી પ્રસ્તાવનાઓ વાંચવા જેવી છે ! એમાં શ્રી ના.દે.ની ગાંધીભક્તી અને લેખનની નીષ્ઠાનો પરીચય થાય છે. એમણે આ ચારેય ગ્રંથને એક સ્થળે માતૃભાષા માટેની ભક્તી તરીકે ગણાવ્યા છે !!

હું મારી સાઈટ “માતૃભાષા”ને આ મહાગ્રંથોમાંથી કેટલુંક આચમનરુપે મુકીને ધન્યતા અનુભવીશ….હવે પછી જ્યારે પણ તક મળશે ત્યારે આ આચમન સૌને વહેંચવા મથીશ…..

આજે તો માનનીય શ્રી ના.દે. ના આશીર્વાદથી આરંભાયેલા કાર્યને પ્રણમતું એક કાવ્ય જ રજુ કરીને સંતોષ લઈશ.

–––––––––––––––––––––––––––––––

બ્લોગ–રથ–યાત્રા                     (મંદાક્રાન્તા)  

આષાઢસ્ય દ્વીતીય દીવસે, હે જગન્નાથ ! જ્યારે

બંધુ–બ્હેની સહીત નગરે  ઘુમશો યાત્રી રુપે –

ને  સૌ  ઘેલાં  નગરજન ખેંચી  તમારા રથોને

વ્હેંચી ર્ હેશે તવ દરસનો પુણ્યશાળી પ્રસાદ –

ત્યારે હું આ ‘રથ’ નવીન ખેંચીશ, પુરા પ્રયત્ને,

બેસાડીને ભીતર અમ એ પુણ્યશાળી પીતાને !

(ના આ યાત્રા નગરફરતી માત્ર ર્ હેશે સીમીત,

એ તો જાશે જગત ફરતી ઘુમતી ’નેટતાંતે’ ! )

 

આષાઢી આ બીજ, નગરને  આપનાં દર્શનોનો

વર્ષે દ્હાડે  અવસર પુરો પાડતી  ધન્ય, ધન્ય;

ને આ મારો ‘રથ’નવલ જે ‘ગાંધીનાં દર્શનો’નો

વ્હેંચી દેશે વરસભરનું ભાથું; ના એ અનન્ય ?!

(અનુષ્ટુપ)

ધરી  નામ  ‘જગન્નાથ’,  રથે  આરુઢ   મોહન;

બ્લોગે મારે બીરાજ્યા શા મહાત્મા,એય મોહન !!

– જુગલકીશોર

***************

2 comments

 1. અનાહત નાદ, કુંડલિની એ બધા ચિત્તચમત્કાર છે
  દ્રષ્ટિ દ્રશ્યમાં નાખે છે.
  …તો આ ના.દે
  ધરી નામ ‘જગન્નાથ’, રથે આરુઢ મોહન;
  બ્લોગે મારે બીરાજ્યા શા મહાત્મા,એય મોહન !!
  ધન્ય થયા બ્લોગ અને બ્લોગર

 2. “ધન્ય થયા બ્લોગ અને બ્લોગર” ને ધન્ય થયા(Non બ્લોગર) બ્લોગ વાંચક પણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *