ઔષધીય વનસ્પતીઓના ભક્ત સ્વ.શ્રી નરહરિભાઈ ભટ્ટ 

Posted by

સંક્ષીપ્ત પરીચયઃ  જુગલકીશોર

 

માનવસેવા, વનસ્પતીપ્રેમ અને ઈશ્વરભક્તીનાં ગીતોના ગાયકનો પરીચય   

“વંદું છું હું વનસ્પતી, ઔષધીઓ દેનાર,

આયુષ, બળ ને જ્ઞાન દઈ, કરતી બુદ્ધીમાન.”

 

આવી વનસ્પતીને હંમેશાં લાખ લાખ વંદના કરતા ને સતત વનસ્પતીનું ૠણ અનુભવતા શ્રી નરહરિભાઈ નારણભાઈ ભટ્ટ ગામડાગામના એક સીધાસાદા માનવી. દહેગામ તાલુકાના ખાનપુર ગામમાં ૧૯૧૭ આસપાસ જન્મ. ગળથુથીમાં જ આયુર્વેદની ભક્તી પામેલા નરહરિભાઈનું જીવન અને કવન માનવસેવા, વનસ્પતીપ્રેમ અને ઈશ્વરભક્તીથી ઉભરાય છે.

અમદાવાદમાં ટેક્ષ્ટાઈલ મીલના કામદાર તરીકે જીવન વીતાવનાર શ્રી નરહરિભાઈમાં રહેલી શક્તીઓ તક મળતાં જ પ્રગટ થતી રહી. મીલકામદાર તરીકે તેઓ ગાંધીજીએ સ્થાપેલા મજુર મહાજન સંઘમાં સીધા સંકળાયેલા હતા જ. પરંતુ તેમની સેવાભાવનાએ તેમને સેવાદળના સૈનીક તરીકે સક્રીય બનવાની તક ઝડપી લીધી. આને કારણે તેમને શ્રમીક જગતમાં નામના પણ ઘણી મળી.  સેવાદળને કારણે જ તેઓ કામદાર વીમા યોજનાની સલાહકાર સમીતીના સભ્ય બન્યા. એ જ કારણસર ‘મજુર સંદેશ’ નામના સંસ્થાના મુખપત્ર દ્વારા કવી રુપેય ખ્યાતી પામ્યા.

તેમનો બીજો ગુણ  તે વનસ્પતીપ્રેમ. નાનપણથી જ તે બંધાયો હતો. ગામડામાં ખેતરનાં કામોમાં કોઈને દાતરડું કે કોઈ સાધન વાગી જાય ત્યારે હાથવગા ઉપચારમાં યોજાતા ઘાબાજરીયું કે કુકડવેલના ચમત્કારોથી તેઓ અભીભુત થયેલા.

એવામાં પંદરેક વરસની ઉંમરે ગાંધીજીએ લખેલી પુસ્તીકા ‘આરોગ્ય વિષે સામાન્યજ્ઞાન’ તેમના વાંચવામાં આવી. તેની અસરમાં તેમણે સાજા રહેવાની ને માંદા ન પડવાની વાત જાણી ને કોઠે કરી લીધી. દીનચર્યા અને ૠતુચર્યાનું સ્થાન તેમના જીવનમાં કાયમી થઈ ગયું.

સેવાદળમાં હતા ત્યારે વીમાયોજનાના દવાખાનાના એક વૈદ્યરાજ શ્રી પુરુષોત્તમ જાનીનો કટાક્ષ “સેવાદળમાં રહેનારાએ આવા માંદલા શરીરે ન જીવાય. આવો મારી સાથે ને નરવા બનો.” તેમને અખાડામાં જતા કરી દે છે. પછી તો આયુર્વેદનું વાચન પણ વધતું જ ગયું.

પણ યરવડાની જેલમાં હતા ત્યારે એમને એક બીમારી વળગી. બરોળ વધી. કોઈ ઉપચાર કારગત ન નીવડ્યા, એવામાં એમને કોચરબ આશ્રમ નજીકના મનુવર્યજી પાસે યોગની તાલીમ મળી. એને લઈને એમનો એ રોગ મટ્યો. પણ છેક ૧૯૬૭–’૬૮માં સાયકલ પર વાગવાથી ઘુંટણની ઈજા ભોગવવાની આવી જેણે એમને એક નવી જ દીશાનું પગરણ માંડી આપ્યું અને તેઓ ઔષધીય વનસ્પતીઓનાં ૨૦૦ જેટલાં કાવ્યો લખી શક્યા !!

ઘુંટણની બીમારી તો એમને મીલમાંથી રાજીનામું આપવું પડે તે હદે લઈ ગઈ. કોઈ ઉપાય ન થયો ત્યારે વીમા યોજનાના દવાખાનામાં વૈદ્ય તરીકે સેવા આપનાર વૈદ્ય શોભનની સારવાર મળી ગઈ. બે જ અઠવાડીયામાં ઘુંટણ સો ટકા સારો થઈ ગયો !! આ જ બાબત તેમને નવેસરથી આયુર્વેદ અને શોભન સાથે જોડી આપનારી બની રહી.

ત્રીજી એમની નીષ્ઠા રહી તે ઈશ્વર પ્રત્યે, ધાર્મીક અને આધીભૌતીક બાબતો પ્રત્યે ઉપરાંત વેદોક્ત વીધીઓ સાથે… તેઓ ગોરપદુંય કરતા અને સાથે સાથે વૈદીક વીધીઓના ભાગ રુપે કેટલાય સંસ્કારો કરાવતા, જેમાં ગ્રામીણ ટુચકાય આવી જતા ! મુંજની દોરીને રુ–તેલમાં બોળી, સળગાવીને કોઈનો આંખનો ઝોંકો ઉતારવો, પેચોટી ખસી ગયેલાને ઠીક કરી આપવું તથા ક્ષીણ શરીર થઈ ગયેલાં બાળકોની એક વીશીષ્ટ પ્રકારની સારવાર કરવી વગેરે તેમને લોકપ્રીય બનાવનાર ગણાય. આવાં બાળકોની કમરે તેઓ નાગરવેલનાં પાનનો રસ ઘસીને શરીરમાંથી કાંટા જેવો પદાર્થ કાઢતા તે તો કોઈનેય ન સમજાય તેવું હતું !

ૠષીઓ અને વડવાઓએ જે બતાવ્યું છે તેનાં વૈજ્ઞાનીક કારણો–તથ્યો શોધવામાં તેમને બહુ રસ. આ બધાંમાં કાંઈક તો સંકેતો હશે જ તેવી તેમની શ્રદ્ધા એમની પાસે ઘણા પ્રયોગો કરાવનારી હતી. આયુર્વેદ અને ઈશ્વર પરની તેની શ્રદ્ધા તેમના કવનનું આધારભુત તત્વ છે. એમના જીવનવ્યવહારોમાં અને કવનમાં આ તત્વો ધ્રુવપંક્તી બનીને વહે છે.

એમની એક માંદગી એમને લગભગ મત્યુશૈયા સુધી ખેંચી જાય છે. આ વખતેય શોભન વચ્ચે આવ્યા ! નરહરિભાઈને પાછા વાળ્યા એટલું જ નહીં, ગુજરાત માટે એક ચમત્કારીક કામગીરીને પ્રેરનારા પણ બન્યા.

માંદગીના બીછાને સમય પસાર કરવા માટે શોભન તેમને પોતાનાં આયુર્વેદીય ભાવનાભર્યાં કાવ્યોની કેસેટ સાંભળવા માટે આપતા ગયા. આ કેસેટનાં કાવ્યો સાંભળીને ભટ્ટજીની અંદર રહેલો આયુર્વેદીય ઔષધીઓનો ભાવક જાગી ઉઠ્યો. એમણે એક કાવ્ય લીમડા વીશે લખીને શોભનને બતાવ્યું. શોભને ખુશ થઈને એવાં વધુ કાવ્યો લખવા માત્ર અછડતું સુચન જ કર્યું, પણ બીછાને પડેલા આ જીવને તો જાણે ઢાળ મળી ગયો ! ધસારાબંધ કાવ્યો રચાવા માંડ્યાં. આંકડો સોએક ઉપર ગયો ત્યારે આ કાવ્યો મને બતાવીને શોભનજીએ મારો અભીપ્રાય માંગ્યો. હું ૧૯૬૨–’૬૫નો એમનો વીદ્યાર્થી હતો. પણ સાહીત્યના માણસ તરીકે મેં કહ્યું કે વાનસ્પતીક અને ઔષધીય બાબતો ઉત્તમ છે પણ કાવ્યત્વ બાબતે બહુ તકલીફ છે. એમણે પુછ્યું કે શું થઈ શકે ? મેં કહ્યું કે એને મઠારી શકાય તો કામ થાય. મને એમણે લગભગ આજ્ઞા જ કરી દીધી !

એમનાં ૧૨૦ જેટલાં પદ્યોને કંઈક કાવ્ય કહી શકાય એવું રુપ આપવા મહીનાઓ ગયા. શબ્દો, વાનસ્પતીક નામો, ઔષધીઓના ગુણો, ઉપચારો અને ભાવનાઓ જેમનીતેમ રાખવાનું અનીવાર્ય હતું. છતાં તેય થઈ શક્યું… … …

અને એમ એમનો ઐતીહાસીક કાવ્યસંગ્રહ ‘ઔષધીગાન ભાગ – ૧’ શ્રી શોભન દ્વારા પ્રગટ થયો ! ઔષધીય વનસ્પતીઓનાં ગુણ ગાતાં કાવ્યોનો ગુજરાતનો એ પ્રથમ સંગ્રહ બન્યો….

 

One comment

 1. ભક્ત શ્રી નરહરિભાઈ ભટ્ટ અને વદ્યરાજ શોભનજીની વારંવાર વાંચવા ગમે તેવી પ્રેરણાદાયી વાત
  અમારા વડીલોને આવી ભક્ત જેવી જીંદગી અને આયુ.પર અપાર શ્રધ્ધાથી જીવતા જોયા છે.
  મઝાની વાત કે આમા પૈસાની વાત જ ન આવે
  અને આનંદની વાત છે કે અમેરીકાની યુની.ઓએ દરેક પધ્ધતિના ઉપચાર સ્વીકાર્યા છે!
  Ayurveda Over Western Medicines | Dr. B.M HEGDE … – YouTube
  Video for youtue hb hegde Ayurved▶ 19:54
  https://www.youtube.com/watch?v=HzTvEK1sVi0
  Dec 7, 2016 – Uploaded by TEDx Talks
  Dr.BM Hegde speaks on the idea of how the ayurvedic medicines are far better for the human body than …
  Dr BM Hedge at MGMCRI-Part 2 – YouTube
  Video for youtue hb hegde Ayurved▶ 3:20
  https://www.youtube.com/watch?v=81F88fXzUdU
  Apr 10, 2015 – Uploaded by CYTER MGMCRI
  Dr BM Hedge at MGMCRI-Part 2 … Standard YouTube License … Ayurveda Over Western Medicines | Dr. B …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *