પ્રયોગશીલ સર્જક શ્રી કિશોર મોદી

Posted by

– જુગલકીશોર.

એક દીવસ ઓચીંતાં જ મને કેટલાંક પુસ્તકો પાર્સલમાં મળ્યાં. જોયું તો કાવ્યસંગ્રહો !! મને થયું કે આટલી બધી કૃપા ક્યાંથી વરસી હશે ? ડોકીયું કર્યું તો જાણીતા કાવ્યસર્જક શ્રી કિશોરભાઈ મોદીનાં કાવ્યસંગ્રહો ! એમાંય એક તો એવોર્ડવીનર સંગ્રહ, “એ ઈ વીહલા !” પણ હતો !! મને તો મજો પડી ગયેલો.

તરત જ મારા જુના બ્લૉગ નેટગુર્જરી પર પરીચયરુપે લખાણ મુકીને સૌને આ સમાચારમાં ભાગીદાર બનાવ્યા. પણ એટલેથી ન અટકતાં શ્રી કિશોરભાઈનાં કાવ્યો અંગે યથાશક્તી કેટલીક વાતો પણ કહી. આ વાતોમાં શાસ્ત્રીય વીવેચના નહોતી પણ શક્ય તેટલું ટુંકાણમાં એમનાં કાવ્યો અંગે રસદર્શન જેવું કહી શકાય તેવું મુકેલું.

આ વાત તો થઈ જુની. એટલે મારી આ નવી સાઈટ પર પણ એ લખાણને મુકીને મારા નવા વાચકો સમક્ષ પણ તે રજુ કરવાનો લોભ થયો !

–––––––––––––––––––––––––––––––––––––––––

પ્રયોગશીલ સર્જક શ્રી કિશોર મોદી.

શ્રી કિશોરભાઈનાં કાવ્યોની રચનાઓનું કાવ્યત્વ, એમાંની શૈલી, શબ્દોની પસંદગી, સર્જકના ભાવજગતનો વ્યાપ વગેરે બાબતો તો ખરી જ પણ મારું જેણે ખાસ ધ્યાન ખેંચ્યું તે સર્જકની પ્રયોગશીલતા. આ ચારમાંના ત્રણ સંગ્રહોમાં કિશોરભાઈએ કેટલાક પ્રયોગો કર્યા છે તે જાણવા જેવા છે. તો ચાલો, જરા નજર ફેરવી લઈએ –

૧) ભાણિયા ભરવાળાની નજરે ગામ :

આ રચનામાં નાયક પોતાના ગામની મુલાકાત લે છે તો ગામમાં વસતી દરેક જાતીની ખાસીયતો એક એક શેરમાં દર્શાવાઈ છે. ગામના એકેએક વાસમાં આંટો મારતાં દરેક વાસમાં રહેતા લોકોની  વીશેષતાનું કાવ્યમય ચીત્ર આપ્યું છે ! (કૌંસના શબ્દો મેં મુકેલા છે.) જુઓ –

મન થિયું કે જામ (જાઉં) આજે ગામમાં,

કૂતરાં પાદરથી ભહતાં નીંહરે.

ઊં પહેલો પેહું બામણવાળમાં (બ્રાહ્મણવાડ)

જાં ને તાં હામે અબોટ્યાં નીંહરે. (અબોટિયાં/ધોતિયાં)

*********

૨) કહેવતની ગઝલ :  આ ગઝલના ૧૧ શેરોમાં અગીયાર કહેવતો ગુંથી છે :

“આ કરોળયો કાં કરે જાળું ફરી ?

બાર સાંધે, તેર તૂટે હરઘડી.

ઘાસને અફવા સુણી અચરજ થઈ,

ભાગવતની ભેંસને વાતો કહી.

ભોળી ક્ષણને પાનખર જોઈ રહે,

હોય કમળો તે પીળું દેખે વળી.

ને ખરેખર શ્વાસ નિરાધાર છે,

આપ મુઆ, ડૂબ ગઈ દુનિયા પછી.

****************

૩) એક કુંડળી ફળકથનની ગઝલ :

કિશોરભાઈ પોતે જ્યોતીષી પણ છે. તેમની એક ગઝલમાં ગ્રહોની ચાલ ને તેનાં ફળકથન તેમણે સરસ રીતે મુક્યાં છે – ચંદ્ર ચંચળ થતાં મન મરકટ બને છે; લગ્નમાં બુધ બહુશ્રુત; નીચનો સુરજ અકીર્તીકર ગણાય; રાહુથી મંગળ દુષીત; શકુની શો શની વક્રી; અર્થનો કારક ગુરુ ખાડે વગેરે શબ્દપ્રયોગો આ શાસ્ત્રમાં જાણીતા છે….

આ શકુનિ શો શનિ વકરી ગયો,

છદ્મવેશી આકૃતિ હલકટ બને.

અર્થનો કારક ગુરુ ખાડે પડ્યો,

મા ફલેષુની ગતિ બળકટ બને.

*********

૪) કોઈ વેપારીની પરીભાષા લઈને પણ એક ગઝલ મળે છે, જુઓ –

એક વેપારી ગઝલ

આ દૃષ્ટિ અપલક લાગે તો ભૂલચૂક લેવીદેવી,

ધડકનની વધઘટ લાગે તો ભૂલચૂક લેવીદેવી.

જ્યાં  ઉભયની ઇચ્છાઓ મેઘધનુ  થઈને ફેલે,

મનમાં કંઈ અવઢવ લાગે તો ભૂલચૂક લેવીદેવી

************

કવીનું કામ શબ્દો સાથે હોય છે, આંકડા સાથે ભાગ્યે જ એમને મેળ પડતો હોય છે. ઉપર વેપારીની પરીભાષામાં વાત કર્યા પછી હવે જુઓ કવી આંકડાઓને કઈ દૃષ્ટીએ વાંચે છે –

૫) જિંદગીની સંખ્યાત્મક ગઝલ

 

શબ્દ બે રોઈ પડ્યા, જન્મી ગયો,

નામ વિશે કંઈ કરો ચર્ચા હવે.

બેથી શરુ થયેલી આ ગઝલમાં સાત, નવ, દસમે વરસે શૈશવને સંભારે છે; સોળસત્તરમા વરસે કવી સ્પર્શની વાત કરવા કહે છે; ઓગણત્રીસ પછીનાં વરસોમાં શ્વાસની ગતીવીધીઓને જાળવવાની યાદ અપાવે છે; છપ્પન પછીનાં વરસો એટલે શ્વેતતાની વાત, માથાના વાળથી શરુ કરીને પછી આંખની ઝાંખ ને છેલ્લે શુન્ય અંગે વીચારવાનું કહે છે. જીવનનો આખો હીસાબ આંકડાઓનાં ખાનાંઓમાં ભરીને રજુઆત થઈ છે.

એક ગઝલમાં કિશોરભાઈએ અન્ય સર્જક સાથે સંયુક્ત ગઝલનો પ્રયોગ પણ કર્યો છે. શ્રી ચતુર પટેલ સાથેની આ ગઝલ જુઓ –

૬) કોણ છે ?

શ્વાસ ને ઉચ્છ્વાસમાં એ કોણ છે ?

રિક્ત આ અસ્તીત્વમાં એ કોણ છે ?

જીવવાનું નામ અફવા હોય તો,

લોહીના દરવેશમાં એ કોણ છે ?

સાંજનો કલરવ છે પગરવ રાતનો,

શબ્દના અજવાસમાં એ કોણ છે ?

**************

૭) એક ગઝલ આખી પોતાને સંબોધીને જ સર્જાઈ છે. જીવનની કેટલીક ગહન વાતોની સાથે એમણે વતનને છોડવાનું જીવનથી અલગ થવા સાથે કોઈ રીતે જાણે મુકી દીધું છે…..કિશોરભાઈની રચનાઓમાં વતનથી છેડો ફાટ્યાની વાત બહુ આવે છે. વતનનો ઝુરાપો તેમની રચનોમાં વારંવાર અનુભવાય છે. અહીં પોતાને સંબોધાયેલી આ રચના –

ક્ષણક્ષણે લોહી ઉકાળો છે કિશોર,

માત્ર તૃષ્ણાનો ઉબાળો છે કિશોર.

શ્વાસમાં તો ખાસ એવું કંઈ નથી,

આ પવનનો એક ચાળો છે કિશોર.

સાત સમદર ખેડીને ચાલ્યો ગયો,

એ હિસાબો, એ જ તાળો છે કિશોર.

***********

૮) પોતાના વતન–ગામ સચીન અંગેની જ એક ગઝલ મળે છે –

ક્ષણક્ષણે સાંભરે ગામ મારું સચીન,

સ્વપ્નને બીજું દઉં નામ તારું સચીન.

એમ તો શ્હેરમાં ઋતુ એકે નથી,

ક્યાંક ટહુકો સૂણું, ને ટહુકાતું સચીન.

સાત સાગર તણી પાર હોઉં ભલે,

પણ પવનને ખબર તારી પૂછું સચીન.

૯) અક્ષરમેળ છંદો (વૃત્તો)ના માપમાં પણ બેએક ગઝલો જોવા મળી છે. ઉપજાતી અને શીખરીણી છંદોમાંની તેમની ગઝલો પણ તેમની પ્રયોગશીલતા બતાવે છે –

 

નિરાશાના સૂરજની વૃત્ત્તગઝલ (શિખરિણી)

 

અમારો દ્હાડો તો જરીય ફરવાનો નથી અહીં,

વળી પશ્ચિમે આ સૂરજ ઊગવાનો નથી અહીં.

અમે એકાએ વીથિ  ક્ષિતિજ કેરી થઈ ગયા,

 

પરંતુ  કેમે  અરુણ  મળવાનો  નથી અહીં.

 

(જોકે આ રચનામાં પ્રથમ યતીની જગ્યાએ અનીવાર્ય એવા ગુરુને સ્થાને બેએક જગ્યાએ લઘુ અક્ષરો મુકાઈ ગયેલા જોવા મળે છે.)

૧૦) કોઈ પણ સર્જકને માટે એનું ભાવજગત બહુ મહત્ત્વનુ હોય છે. આપણા આ સર્જકે બેએક રચનાઓમાં તો ભાવોની અનુભુતી પાંચેય ઈન્દ્રીયોના માધ્યમે કરીને અભીવ્યક્ત કરી છે ! બે કાફીયાવાળી આ ગઝલમાં પંચેન્દ્રીય કેવી સક્રીય છે તે જોવા મળે છે –

શ્વાસશ્વાસે ઓળખું અદબદ મને,

હું મને સ્પર્શું–ચહું લથબથ મને.

બારી ખોલી જોઉં તો નભ–રૂપ તું,

આંખથી દર્શન ઝીલું ઝળહળ મને.

આ સમયની કૂંપળે ઝલમલ થઈ,

એક મરમરને મળું ક્ષણવશ મને.

શબ્દ તો છે આમ આસવ દ્રાક્ષનો,

હું સદા પીતો રહું રસમય મને.

હું જ છું વાતાસના પાલવનું ફૂલ,

મ્હેકવું ને પામવું મઘમઘ મને.

(બીજી પંક્તીમાં ‘મને’ શબ્દ અકારણ બેવડાતો જોવા મળે છે.)

૧૧) મીથની ગઝલમાં જાણીતી કેટલીક ઘટનાઓ કે વ્યક્તીઓને તેમણે ગુંથી લીધી છે. જેમાં આંગળીની વીંટી; રાવણની ચેહ અને તેના પુતળાથી પોતાના અંતર છતાં હૈયે જણાતી આગ; પાંડવો જેવી પાંચ લાગણીઓ; ઈવના સંદર્ભે દરીયો, હલેસાં, હોડીની વાત તથા તમસાનાં નીરનો ઉલ્લેખ ધ્યાન ખેંચે છે.

૧૨–૧૩) કેટલાક પ્રયોગો તો વારંવાર થયેલા જોવા મળે છે, જેમાં બબ્બે કાફીયાની યોજના, ત્રીપદી (ત્રણ પંક્તીઓનો શેર), ચચ્ચાર પંક્તીની સંસ્કૃતના શ્લોક જેવી યોજના વગેરે બહુ ધ્યાન ખેંચનારી બાબત છે. નીચેની રચનાઓમાં બબ્બે કાફીયા સાથે કુલ ચાર પંક્તીખંડોમાં વહેતી શ્લોક જેવી રચનાઓ બહુ મજાની છે –

મારું સપનું દોરવું છે આભમાં.”

એમ તો છું આટલામાં ક્યાંકમાં, અહીં મહાભારત હિરોશીમા સુધી,

મારું હોવું સાવ લાગે કાંખમાં, મારું પગલું શોધવું કઈ આનમાં ?

કૈં કીડીની હાર ચાલી જાય છે, ક્યાંથી કહું પૂર્ણમ્ ઈદમ્ સર્વમ્ અહીં ?

મારું પીડન એવું શિરમાં–જાંઘમાં, મારું હોવું જ્યાં મૂસળમાં, સામ્બમાં.

૧૪) કેટલાક શબ્દપ્રયોગો પણ ધ્યાન ખેંચે છે જેમાં ખાસ તો ભાવવાચક નામો માણવા જેવા છે જેમ કે, શબ્દતા, સુર્યતા, વૃક્ષતા વગેરે.

 

૧૫) અંતમાં કેટલીક સુંદર પંક્તીઓને જોઈને અટકીએ –

ધૂળની ચપટી લઈ પગલું ગયું,

આંગણાને ચાલવાનું મન થયું.

બારસાખે શુષ્ક તોરણ છે વળી,

ને અતીતનું ટોડલે ધણ છે વળી.

 

ને છેલ્લે મરીઝને અર્પણ કરાયલી બે પંક્તીઓથી સમાપન :

 

એક સોનેરી પીંછાને ખરતું જોયું,

ને ગઝલના આ ગગનને રડતું જોયું.

અસ્તુ.

 

3 comments

 1. શ્વાસમાં તો ખાસ એવું કંઈ નથી,
  આ પવનનો એક ચાળો છે કિશોર.
  સાત સમદર ખેડીને ચાલ્યો ગયો,
  એ હિસાબો, એ જ તાળો છે કિશોર
  કિશોરને બદલે પ્રજ્ઞા કહીએ તો મારા જ અનુભવો !
  એમ તો શ્હેરમાં ઋતુ એકે નથી,
  ક્યાંક ટહુકો સૂણું, ને ટહુકાતું સચીન.
  સાત સાગર તણી પાર હોઉં ભલે,
  પણ પવનને ખબર તારી પૂછું સચીન.
  સચીન પાસેનું બારડોલૉ મુકીએ તો મારા જ ભાવ
  એકે એક રચના લાગે મારા અનુભવો-મારો જ ભાવ
  તેમને સાંભળવા એક લ્હાવો….

 2. “સાત સમદર ખેડીને ચાલ્યો ગયો,
  એ હિસાબો, એ જ તાળો છે કિશોર.”
  ઘણી બધી રચનાઓ ગમી. વાંચીને આનંદ.
  સરયૂ પરીખ
  https://saryu.wordpress.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *