મુક્તમના વ્યક્તીત્વની ઝાંખી

Posted by

– જુગલકીશોર

એમનું નામ જ મુક્તાબહેન હતું. એમની ચીરવીદાયે એમને “મુક્તાત્મા” કહેવાનું સહેજે મન થઈ આવે……..પણ તો પછી એ આખી વાત અધ્યાત્મની બની જાય અને એવી ઉંડી ને અઘરી વાતોમાં જીવનની વાસ્તવીક અને નક્કર વાતો કરવાનો અવકાશ ન રહે !

– અને આજે તો જે કરવાની છે તે વાત તો નર્યા વાસ્તવીક જીવનની ને છતાં આપણાથી દશાંગુલ ઉર્ધ્વ એવી વ્યક્તીની વાત કરવાની છે જેમણે સાચુકલું જીવન એવી રીતે જીવી બતાવ્યું કે શીર્ષકમાં એમને ‘મુક્તમના’ – મનથી મુક્ત એવાં કહીને જ આગળ વધવાનું થાય.

એમના જીવનની ખુબી એ હતી કે નર્યા સંસારમાં ડુબાડુબ હોવા છતાં એમનું મન જાણે કે આ બધાંથી અળગું હોય. કપડાં ધોઈએ અને હાથ સાબુવાળા ન થાય તે તો બને જ નહીં. એમ જ સંસારમાં રહીએ ને સંસારથી મન લગરીક પણ છેટું રહે તેય શક્ય નથી. પણ આ વ્યક્તીની બાબતે એટલું કહેવાની હીંમત ચોક્કસ કરી શકાય કે મનને તેમણે સાવ સહજતાથી છેટું રાખવામાં સફળતા મેળવી હતી…..

“સંસાર શુ સરસો રહે ને મન્ન મારી પાસ” એવી ઉક્તી જાણીતી છે. ઈશ્વર પાસે મન રાખવાની વાત આ જમાનામાં કોઈ માને નહીં. મુક્તાબહેન પણ સામાન્ય રીતે જોવા મળે છે તેવાં – ટીલાંટપકાં અને બીજા ધાર્મીક ક્રીયાકાંડોમાં વ્યસ્ત એવાં – ધાર્મીક નહોતાં. એટલે મનને એમણે સાવ ઈશ્વરને સોંપી દીધું હતું એમ પણ ન કહી શકાય. મનને પણ તેમણે સંસારનાં જીવો સાથે જ રહેવા દીધું હતું ને છતાં લગરીક છેટું રાખીને તેઓ મુક્તમના હતાં તેમ કહેવું જ રહે.

ગંગાસતીના વતન ગામની સાવ જ પડખામાં આવેલું, ઉજળવાવ પાસેનું ખોપાળા ગામ એમનું પીયર ઘર. રાવળ કુટુંબના માધવજી નથુરામ રાવળનું સૌથી મોટું સંતાન. સાસરા પક્ષે તેઓ ત્રિવેદી કુટુંબના સ્વ. પ્રેમશંકરભાઈનાં ધર્મપત્ની. એમનો સંસાર લાંબો ચાલેલો. પ્રેમશંકરભાઈ એટલે શિસ્તના ઉપાસક. પ્રાઈવેટ કંપનીમાં મોટી ઉંમર સુધી નીષ્ઠાપુર્વક નોકરી કરી. એવી જ નીષ્ઠા એમની જીવનના વ્યવહારોમાં સાચવવા જરુરી એવા “સાચ”ને માટે પણ હતી. અજાણ્યાને બહુ કડક લાગે તેવું એમનું વ્યક્તીત્વ પરંતુ નજીકનાંઓને એમની હુંફનો અનુભવ થયા વગર ન રહે. રાવળ કુટુંબના પણ તેઓ માર્ગદર્શક ગણાય તેવું તેમનું માન હતું.

મુક્તાબહેન નાનાંમોટાં સૌનાં ફૈબા ! અમે તો બહુ દુરના ગણાઈએ. મારાં સગ્ગા મોટાં બહેનનાં તેઓ મોટાં નણંદ એટલે એમનાથી અમે દુર કહેવાઈએ તોય અમે પણ ફૈબા તરીકે જ ઓળખીએ ને સંબોધીએ.

એમને કોઈએ ક્યારેય ગુસ્સે થતાં જોયાં હોય એ વાતમાં શું માલ છે ! એમના ચહેરા ઉપર હંમેશાં આછું આછું પણ આપણને ખેંચી લ્યે એવું હાસ્ય સદાય રહેતું. ગુસ્સો, આ હાસ્યને લીધે જ ક્યારેય કોઈને જોવા મળતો નહીં હોય !! ખડખડાટ હાસ્ય પણ નહીં. ઘડીક આવીને ખડખડ કરતું વીખેરાઈ જાય તેવું હાસ્ય ફૈબાના ચહેરે ન જ પોસાય ! આ તો સરોવર જેવું, સતત ફરફરતાં રહેતાં વીચીદલો પ્રગટાવતું, શાંત ને ચીરસ્થાઈ હાસ્ય !!

વિનોબાજીએ ગીતા સમજાવતાં નીષ્કામ કર્મ કે જે અકર્મ ને વીકર્મ બની રહે છે તેને વીશે વાત કરી છે. પગને અંગુઠે દોરી વીંટીને ઘોડીયામાં સુતેલા બાળકને હીંચકાવતાં હીંચકાવતાં થાળીમાંના ઘઉં વીણતી ગામડાની કોઈ સ્ત્રીનું ધ્યાન હીંચકાના શ્રમમાંથી ગેરહાજર થઈ જવાને કારણે એ કર્મનો થાક તે સ્ત્રીને લાગતો નથી. જે કાર્યમાંથી મન ખેંચાઈ ગયેલું હોય તે કાર્ય અકર્મ બની જાય છે.  ફૈબાનાં કર્મોમાં ઘણી વાર આ બાબત જોવા મળી રહેતી. જાણે કોઈ બીજા દ્વારા કરાવી લીધું હોય તેવું સેવાનું કામ તેમને હાથે થવાનું સહજ હતું !!

એક બીજું સુત્ર પણ ગીતાજીમાં બહુ જાણીતું છે. “योग: कर्मसु कौशलम् ।” કોઈ પણ કર્મ એવી કુશળતાથી કરવામાં આવે કે તે કામ માટે સહેજે પણ આયાસ કરવો પડ્યો હોય તેવું લાગે જ નહીં. આપોઆપ ને સાવ સહજતાથી થતું રહેતું કામ “યોગકર્મ” બની રહે છે. અને તેની સાબીતી એ હોય છે કે એ કામમાં એક કલાનો અનુભવ થાય ! જોનારને એમના હાથે થયેલી પ્રવૃત્તીમાં કલાત્મકતા દેખાયા વીના ન રહે.

ફૈબાનાં કામોમાં – ઘરની ગોઠવણીથી લઈને સ્વચ્છતા ને સુઘડતા, અરે એમની રસોઈમાં પણ આ યોગત્વ જોવા મળે. એમને હાથે વણાયેલી ભુમીતીના કોણમાપકથી દોરીને કરેલી હોય તેવી રોટલીનો તો હું સાક્ષી છું. ગરવામાં મુકાયલી બધી જ રોટલીઓની કોરની મજાલ છે કે એકેય સહેજ બહાર દેખાય !!

એમણે વડીલોની સેવાને પણ યોગ બનાવીને, પોતાના વાર્ધક્યના આરંભે વડસાસુ વગેરેની સેવા કરી છે. પતિસેવા તો હોય જ પણ પોતાનાંથી નાનાંઓની મદદ પણ આ જ પ્રમાણે કરતાં રહ્યાં. વૈધવ્ય પછી લાંબો સમય તેમનાં દોહીત્રો વગેરેની વચમાં કહેવાય તેવો નીવાસ પસંદ કરીને – ને સૌના આગ્રહો છતાં – એકલાં રહ્યાં. સૌની નજર એમના સ્વાસ્થ્ય પર રહે. પણ જીવન જ એવું ગોઠવેલું કે અંત સુધી તંદુરસ્ત રહ્યાં ! અંત સમયે થોડાં વર્ષો બન્ને નાના ભાઈઓની સાથે ગામડે રહ્યાં.

ને ૩૦મી જાન્યુઆરીના દીવસે ચીર વીદાય લીધી.

એમને પોતાનું કોઈ સંતાન નહોતું. પરંતુ કોઈ કરતાં કોઈ એમ ન જ કહી શકે કે તેઓ ની:સંતાન હતાં ! સૌથી સદા ઘેરાયલાં જ રહીને ગયા મહીને મુક્તશરીરી થયાં. એમનાં પરીચીતો સૌ કોઈને માટે મુક્તાબહેન ચીરંજીવી સ્મૃતી મુકતાં ગયાં…….

એમને ભાવપુર્વક વંદના !

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *