છંદો શીખવા છે ? (નેટ–પીંગળ હપતો – ૨)

Posted by

– જુગલકીશોર

સહયોગીઓ !

ગયા હપ્તે “છંન્દોનું બંધારણ સમજવા માટે ગણોને જાણવા જરુરી છે” એમ કહ્યું તો ખરું પણ આ “ગણ” ખરેખર શું છે ? ભગવાન શંકરને ગણો હતા ! ભારતની એક વખતની રાજ્ય વ્યવસ્થામાં ગણરાજ્યો વીષે સાંભળ્યું છે પણ કવીતામાં ય ગણોને ગણવાના ?! ગણોની ગણના (ધ્યાન-સ્થાન અપાવું)કવીતા જેવી નાજુક બાબતમાં કરીને એની પાછી સંખ્યાની ય ગણના(ગણતરી) કરવાની ?! કવીતા જેવા મઝાના વીષયમાં આવું  ગણ ગણ કરતાં રહેવું એ નકામો ગણગણાટ કરવા જેવી બાબત નથી શું ?

આજના સ્વચ્છંદતાની ઉપાસનાના સમયમાં, સ્વતંત્રતાને નામે ઘણી છુટછાટો લેવાની પરંપરા પેસી ગઈ છે અને સૌ શોર્ટકટ શોધતાં ફરે છે ત્યારે છંદની માથાકુટમાં પડવાનું  અવ્યવહારુ ન ગણાય ?

ના, જરાય નહીં ! ગણોની વ્યવસ્થા એક વાર સમજાઈ જાય અને એ વ્યવસ્થા મનમાં બંધબેસતી થઈ જાય પછી એ આપણી સર્જનપ્રક્રીયામાં એકાકાર થઈ જાય છે અને એનો કોઈ જ જાતનો ભાર રહેતો નથી ! પછી તો કવીતાનું સર્જન થવાના ભાગ રુપે જ છંદો ગોઠવાતા જાય છે. અહીં હું ફરી વાર ગણ શબ્દનો શ્લેષ કરીને કહીશ કે એક વાર છંદોનું બંધારણ મનમાં ગણગણતું થઈ જાય, રમતું થઈ જાય પછી એનો બોજ મન ઉપર કે સર્જનપ્રક્રીયા ઉપર થતો નથી, ને કવીતાના શબ્દો છંદના વહેણમાં જ વહેતા થઈ જાય છે. ( છંદોની વાતમાં અક્ષરો અને માત્રાઓની વાત પણ ખુબ મહત્ત્વની છે અને એને પણ સમજી લેવી જોઈએ પરંતુ એ વાત આપણે આગળ ઉપર જોઈશું )

તો હવે જોઈએ આ ગણ :

આપણે જોઈ ગયાં કે છંદોમાં અક્ષરો અને માત્રાઓનું સ્થાન પણ મહત્ત્વનું હોય એટલું જ નહીં પણ ક્યા સ્થાન પર લઘુ અને ક્યા સ્થાન પર ગુરુ અક્ષર આવશે એ પણ ધ્યાનમાં લેવાનું હોય છે. ગણોને સમજવામાં પણ આ લઘુ-ગુરુનું સ્થાન મહત્ત્વ ધરાવે છે.

ગણો કુલ આઠ છે. દરેક ગણ ત્રણ અક્ષરોનો બનેલો હોય છે. અને દરેક ગણમાં લઘુ અને ગુરુ અક્ષરો નીશ્ચીત સ્થાન પર હોય છે, બલ્કે એમ કહેવું જોઈએ કે એ નક્કી થયેલા સ્થાનોને આધારે જ એ ગણ ઓળખાય છે. આપણા ભાષાશાસ્ત્રીઓ પણ બહુ જબરા માણસો હતા ! તે લોકો જાણતા હતા કે ભવીષ્યમાં બધાને સમજાવવા માટે કંઈક ને કંઈક સહેલો રસ્તો બનાવવો જ પડશે. એટલે તેમણે આપણા માટે આ ગણોને સમજાવવા માટે એકદમ સહેલાં સુત્રો બનાવી રાખ્યાં છે ! જુઓ આ સૌથી પહેલું જ સુત્ર :

” ય મા તા રા જ ભા ન સ લ ગા”

આ સુત્ર બધાંએ કંઠસ્થ કરી જ લેવાનું છે. આ સુત્રની રચના જ્યારે સમજાય છે ત્યારે આપણા આ વીદ્વાનો વીષે બહુ જ માન ઉપજે છે ! કેવી અદ્ભુત રીતે એમણે આ સુત્ર દ્વારા બધ્ધું જ ગોઠવી આપ્યું છે !!

ઉપરના સુત્રને સમજતાં પહેલાં આપણે દરેક ગણમાંના અક્ષરોની ગોઠવણી સમજી લઈએ. કોઈ પણ ત્રણ અક્ષરોનો શબ્દ લો. જેમકે મગન/રખોડી/સૂરત/ખુરશી વગેરે…તમે જોશો કે ત્રણેય અક્ષરોમાં વારાફરતી લઘુ-ગુરુ ગમે ત્યાં આવી શકે છે. આ ગોઠવણ કુલ આઠ રીતે થઈ શકે, એનાથી વધુ એક પણ ગોઠવણ ન થાય !  ત્રણ અક્ષરોવાળો કોઈ પણ શબ્દ આ સીવાયની બીજી રચનામાં ગોઠવાઈ શકે જ નહીં ! આ ગોઠવણી આઠ રીતે થાય : ( ગા=ગુરુ અને લ=લઘુ.)
1]: લ ગા ગા – (યશોદા)

2]: ગા ગા ગા – (માતાજી)

3]: ગા ગા લ – ( તારાજ)

4]: ગા લ ગા – (રાજભા)

5]: લ ગા લ – (જ કા ત)

6]: ગા લ લ – (ભારત)

7]: લ લ લ – (ન ય ન )

8]: લ લ ગા – (સ વિ તા).

હવે આ આઠેય ગણોના અક્ષરોને જે નામ કૌંસમાં આપ્યાં છે તે દરેક નામનો પ્રથમ અક્ષર લઈને લાઈન બનાવીશું તો શું લખાશે ? જુઓ : ય મા તા રા જ ભા ન સ !! એક લઘુનો  લ અને  ગુરુનો ગા  એમાં ઉમેરી દ્યો એટલે થઈ ગયું “યમાતારાજભાનસલગા” !

વાત આટલેથી પુરી થાય તો તો આપણા વીદ્વાનોને પોસાય નહીં ! આ વાક્યની સૌથી મોટી ખુબી તો એ છે કે એની અંદર જ આખી રચના પણ આપોઆપ ગોઠવી દીધી છે !! કઈ રીતે ? જુઓ :
એ વાક્યના પ્રથમ ત્રણ અક્ષરો લો. તો થઈ જાશે, યમાતા. એટલે કે પહેલો ગણ ( યશોદા/લગાગા)!

હવે પહેલો અક્ષર છોડીને તરતના ત્રણ અક્ષરો વાંચો : તો થશે માતારા. એટલે કે બીજો ગણ (માતાજી/ગાગાગા)!

હવે પહેલા બંને અક્ષરો છોડીને પછીના ત્રણ અક્ષરો વાંચો : તો વંચાશે : તારાજ. એટલે કે ત્રીજો ગણ (તારાજ/ગાગાલ)!

આ રીતે એક એક અક્ષર છોડતા જઈશું તો બધા જ ગણોની ગોઠવણી આપોઆપ થઈ જશે !!

હવે આપણે મંદાક્રાંતા છંદની એક પંક્તી લઈએ

 એ પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો ”

હવે દરેક ત્રણ ત્રણ અક્ષરોનાં જોડકાં બનાવીએ. જુઓ :

એપંખી / નીઉપ / રપથ / રોફેંક /તાફેંકી /દીધો-( છેલ્લે વધે તે બંને અક્ષરો ગણમાં આવે નહીં એટલે એ બંને ગુરુ હોઈ, ગા ગા )

હવે યાદ કરો, પ્રથમ જોડકા ‘એપંખી’નું ગણનામ શું હતું ? ગાગાગા= ગણ/માતાજી.

બીજા જોડકા ‘નીઉપ’નું ગણનામ ? ગાલલ=ગણ/ભારત !

ત્રીજા રપથ નું ? લલલ=ન ગણ/નયન.

રોફેંક જોડકાનું ગણનામ ? ગાગાલ=ગણ/તાતાર

તાફેંકી જોડકાનું ગણનામ ?(એનું પણ એ જ નામ)ગાગાલ=ગણ/તાતાર !

અને છેલ્લા બંને અક્ષરો ‘દીધો’ ગુરુ છે = ગા ગા.

હવે બધા જ ગણોના અક્ષરોને લાઈનમાં ગોઠવી દો : મ-ભ-ન-ત-ત-ગાગા.

આ થઈ ગયું મંદાક્રાંતાનું બંધારણ !!

પરંતુ આપણા વિદ્વાનો દયાળુ પણ કેટલા હતા ? એમણે આપણને યાદ રાખવા માટે લીટી પણ તૈયાર કરી આપી :

“મંદાક્રાંતા, મભનતતગા,ગાગણોથી રચાયે.” (વચ્ચે ચોથા-દસમા અક્ષર પછી અલ્પવિરામ મુક્યું છે તેની ચર્ચા એના સમયે કરીશું.

આપણે એ પણ સાબીત કરવું છે કે આ બધી માથાકુટ લાગે છે એવી અઘરી તો નથી જ નથી. મારા પર વીશ્વાસ રાખજો, એને આપણે સહેલું બનાવીને જ ઝંપીશું. પણ એ માટેની પ્રથમ શરત એ છે કે તમે સૌ અભીપ્રાય અને ચર્ચા દ્વારા ધ્યાન દોરતાં રહો !

 

7 comments

 1. શાળા દરમ્યાન શીખી હતી. તમારી શૈલી એ દિવસોની યાદ અપાવે છે. લગભગ ૬૦ વર્ષ પહેલાં.
  આભાર.
  પ્રવિનાશ

 2. નેટગુર્જરી પર છંદો અંગે ઘણા લેખો પ્રગટ થયા હતા. હું માનું છું અને તે વખતની કેટલીક ટીપ્પણીઓ પણ એમ કહે છે કે તે લખાણો વાચકોમાંના ઘણાંને ઉપયોગી થયા હતા…….સુરેશભાઈ જેવા તો દરેક હપતે ચાલેલા છંદમાં તરત જ જવાબી કાર્યવાહી કરીને છંદને અમલમાં મુકતા હતા……કેટલાંય સર્જકોએ છંદોમાં રચના કરવાનું ચાલુ કરી દીધું હતું……

  એ જુની લેખમાળાને થોડી વ્યવસ્થીત કરીને આ સાઈટ પર ફરી વાર રજુ કરવાનો વીચાર થયો…..ને વાચકોને જો ગમ્યો, તો આનંદ બેવડાઈને પરમ સંતોષમાં સાભાર પરીણમશે !

  ચીરાગની ટીપ્પણી જરુર ગમી પણ અમરત્વ સુધીની લાયકાત મેળવવાનું ગજુ જુભૈનું ન જ હોય. સૌનો આભાર.

 3. મઝા પડી..

  આપે કેવી સરળ સરતી રીતથી પાઠ દીધો.
  આશા છે કે રસિક જન સૌ ખંતથી છંદ શીખો.

  મ ભ ન ત ત ગાગા
  માતારા / ભાનસ/નસલ/તારાજ/તારાજ/ ગાગા
  ગાગાગા/ગાલલ/લલલ/ગાગાલ/ગાગાલ/ગાગા
  આપે કે /વી સર/ળ સર/તી રીત/થી પાઠ/ દીધો
  આશા છે/ કે રસિ/ક જન/ સૌ ખંત/થી છંદ/ શીખો.

  મુખ્ય ચાવીઃ યમાતારાજભાનસલગા
  મંદાક્રાન્તા- મ ભ ન ત ત ગાગા -૧૭ અક્ષર

 4. કાશ ૬૦ વર્ષ પહેલા શાળામાં આટલી સરળતાથી છંદ શીખવા મળ્યું હોત! ત્યારે ખૂબ અઘરા લાગેલ, આજે આપે સરળ બનાવ્યા. અને દેવિકાબેને બે પંક્તિ મંદાક્રાન્તામાં લખી, વધુ સુચન આપ્યું
  “આપે કેવો સરળ રીતથી પાઠ દીધો
  આશા છે કે રસિક જન સૌ ખંતથી છંદ શીખો”.
  હવે તો છંદ શીખવાના પ્રયત્ન ચાલુ રાખીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *