જોડણી : આડા–ઉભા–અવળાસવળા માર્ગો…….

Posted by

જોડણીકોશના આરંભનાં પાનાંમાં જ્યારે “જોડણીના નિયમો” બતાવવામાં આવ્યા હોય ત્યારે એ બધાને સમજવાનું જરુરી હોય છે. આ નિયમો પાળવાના હોય તે સહજ છે.

અંગ્રેજી શબ્દકોશોમાં નિયમો હોતા નથી. એનો અર્થ એ થયો કે શબ્દની જોડણી અંગે નિયમો નથી અથવા તે અંગે લખનારે–વાંચનારે તકલીફ લેવાની કે ચંત્યા કરવાની રહેતી નથી – બસ, કોશમાં શબ્દની જે જોડણી બતાવાઈ છે તે મુજબ જ શબ્દ લખવાનો હોય છે, પછી ભલે ને બે શબ્દોની જોડણી વચ્ચે ગમે તેટલી અરાજકતા કેમ ન હોય ? બીયુટી બટ અને પીયુટી પુટ – આમ જ ઉચ્ચાર થાય અને એમ જ ઉચ્ચાર કરાય – કોઈ સવાલજવાબ નહીં જોઈએ ! અંગ્રેજી કક્કાનો પહેલો A અક્ષર ગમે ત્યાં ગમે તે રીતે આવી શકે; Aનો અ પણ થાય ને આ કે એ પણ થાય, તમારે એ જોવાનું નહીં. અંગ્રેજી રાખવું છે ? તો કોશમાં હોય તેને જ અનુસરો, બીજી માથાકુટ નૈં.

ગુજરાતીવાળાઓ ગાંધીચીંધ્યા માર્ગે કોશકાર્ય લઈને બેઠા ને એમને આવી જોહુકમી ન ગમે તેથી એનાથી દુર રહેવા અને સૌને એક ધોરણ આપવા પ્રયત્ન કર્યો ને એમ “જોડણી નિયમો” બનાવ્યા !

પણ કોણ જાણે કેમ પણ નિયમોમાં નિયમોની જેટલા જ અપવાદો રાખવા પડ્યા ને એટલે (હા, એટલે જ) એક જ નિયમમાં પેટાનિયમો મુકાયા ને પરીણામે ગુજરાતી શીખનારો જ નહીં પણ સારા સારા લખનારાઓ પણ મુંઝાઈ જાય એટલા અપવાદોમાં આ જોડણી ભરાઈ પડી !!

જુઓ આ નિયમ બાવીસમો :

નિયમ-  22]  જ્યાં વ્યુત્પત્તિને આધારે જુદી જોડણી ન થતી હોય ( જેમ કે, ઉપર, ચુગલ, કુરતું, મુગટ, અંગુર ) તેવા બેથી વધારે અક્ષરના શબ્દોમાં ઇ કે ઉ પછી લઘુ અક્ષર આવે તો તે દીર્ઘ લખવાં, અને ગુરુ અક્ષર આવે તો હ્રસ્વ લખવાં. ઉદા. નીકળ, મૂલવ, વિમાસ, મજૂર, ખેડૂત,દુકાળ, સુતાર, તડૂક, કિનારો, ભુલાવ, મિચાવ, તડુકાવ.
અપવાદ – વિશેષણ પરથી થતાં નામો તેમ જ નામ પરથી બનતાં ભાવવાચક નામોમાં મૂળ શબ્દની જોડણી કાયમ રાખવી. ઉદા. ગરીબ-ગરીબાઈ; વકીલ-વકીલાત; ચીકણું-ચીકણાઈ,ચીકાશ; મીઠું-મીઠાશ,મીઠાણ; જૂઠું-જૂઠાણું; પીળું-પીળાશ; ઝીણું-ઝીણવટ.
નોંધ – વેધી-વેધિત્વ,અભિમાની-અભિમાનિત્વ, એવા શબ્દો તત્સમ સંસ્કૃત હોઈ ફેરફાર કરવામાં આવે છે.
અપવાદ 2 – કેટલાક શબ્દો બોલતાં ઉપાંત્ય અક્ષર ઉપર ભાર આવે છે ત્યાં ઇ કે ઉ જે હોય તે દીર્ઘ કરવાં. ઉદા. ગોટીલો, દાગીનો, અરડૂસો, દંતૂડી વગેરે.
નોંધ – જેમાં આ જાતનો ભાર નથી આવતો એવા શબ્દો : ટહુકો, ફઉડી, મહુડું.

આ નિયમમાં બે અપવાદો અને બે જુદી નોંધો છે !! આમાં કેટલું યાદ રાખવું ?! વળી નિયમનું પ્રથમ વાક્ય જુઓ, એ કહે છે કે, “જ્યાં વ્યુત્પત્તિને આધારે જુદી જોડણી ન થતી હોય તેવા બેથી વધારે અક્ષરના શબ્દોમાં” (એનો અર્થ એ જ ને કે વ્યત્પત્તિને આધારે જુદી જોડણી પણ થતી જ હશે ને ??! તો એવા શબ્દોની પાછી તપાસ કરવાની ?!)

ગુજ. જોડણીના કુલ ૩૩ નિયમો છે. આમાંના મોટાભાગના નિયમો સામાન્ય માણસને તો સમજવામાંય તકલીફ પડે તેવું છે. કોઈ પણ સામાન્ય ગુજરાતી લેખક કે શીક્ષકને કહો કે મને આ ૩૩ નિયમો “ફક્ત સમજાવો”, તો ભાગ્યે જ કોઈ તૈયાર થશે ! કારણ કે આ નિયમોની ભાષા ફક્ત જ્ઞાનીઓ જ સમજી શકે તેમ છે.

(વધુ હવે પછી…../ ૩૩ નિયમો પણ એક સાથે હવે પછી મુકીશું.)

 

One comment

  1. “કોઈ પણ સામાન્ય ગુજરાતી લેખક કે શીક્ષકને કહો કે મને આ ૩૩ નિયમો “ફક્ત સમજાવો”, તો ભાગ્યે જ કોઈ તૈયાર થશે ! કારણ કે આ નિયમોની ભાષા ફક્ત જ્ઞાનીઓ જ સમજી શકે તેમ છે.”
    સરસ …જેને રસ-અભિરુચિ હોય તેજ જ્ઞાનીને માર્ગે આગળ વધે . જ્ઞાન અપાય લેવાવાળાની ભૂમોકા,કક્ષા ,લેવેલ પ્રમાણે જ ગાડી આગળ વધે ને ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *