બે પ્રકારની યતીઓ (છંદો શીખવા છે ? – ૪)

Posted by

 – જુગલકીશોર

ગયે વખતે આપણે બે ખુબ જાણીતા છંદો જોયા. એ વખતે એક વાતનો ઉલ્લેખ થયો હતો, યતી અંગેનો..

યતી એટલે એક પ્રકારનું અટકવું. પંક્તી ગાઈ શકાતી હોય ત્યારે ગાતાં ગાતાં વચ્ચે અટકવાનું આવે. આ અટકવાનું અલ્પવીરામ, અર્ધવીરામ વગેરે વીરામચીહ્નોની જેમ અટકવાની વાત નથી. પરંતુ મંદાક્રાંતાની પંક્તી બોલીએ ત્યારે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ પણ વચ્ચે અટકવાનું આવે છે,  એક નહીં પણ બે વાર :

‘રે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો’માં ચાર અક્ષરો પછી અને દસમા અક્ષર પછી સહેજ અટકવાનું થાય છે.

શીખરીણીમાં ‘તને મેં ઝંખી છે સતત સહરાની તરસથી’ ( ઉપરનો અરધો ખંડ ઉડાડી દીધો છે)માં છઠ્ઠા અક્ષર પછી અટકવાનું અને દસમાં અક્ષર પછી પણ સહેજ આવે છે.

બધી યતીઓ છે. (શીખરીણીની દસમા અક્ષરની કોમળ યતી ગણાય છે.)
એક સાથે ચાર કે વધુ લઘુ કે ગુરુ અક્ષરોના ખંડો પડે ત્યારે યતી આવતી હોય છે. યતીની પહેલાંનો અક્ષર હંમેશાં ગુરુ હોય છે કારણ કે તેને લંબાવવાનો હોય છે. યતી જ્યાં આવે ત્યાં શબ્દ પુરો થવાને બદલે શબ્દની વચ્ચે યતી આવી જાય તો એને યતીભંગ થયો ગણાય છે. ( બ.ક.ઠા. તો યતીભંગને દોષ ગણવાને બદલે યતીસ્વાતંત્ર્ય ગણે છે.) યતીની જેમ જ શ્રુતીભંગ, શ્લોકભંગ પણ થતા હોય છે પણ એ બધામાં આપણે અહીં નહીં પડીએ; આપણે તો હજી પંક્તી જ શરુ કરવાની છે ત્યાં ભંગની વાતની ચીંતા શા માટે ?! ( શીક્ષકના હાડકાંનો ભંગ વીદ્યાર્થીઓ કરી નાખે તો !)
અર્થગત યતી : છંદનો સીધો ભાગ ન હોય એવી પણ એક યતી છે; અર્થગત યતી. કવી પંક્તીમાં જે ભાવ કે વીચાર મુકે છે તેમાં અર્થને જાળવવા (ગદ્યની જેમ જ ) વીરામચીહ્નો મુકે છે. અહીં આપણે અર્થને જાળવવા અટકવાનું હોય છે. આ અટકવાને છંદની યતી નહીં કહેવાય. આપણે એમાં પણ નહીં ‘પડીએ’ ! (પડવાથી પણ ભંગ થાય છે-અસ્થીભંગ-!)

કેટલાક જાણીતા છંદો :


વસંતતીલકા : અક્ષરો14. યતી નથી.
બંધારણ : ત-ભ-જ-જ+ગા-ગા…….તગણ/ભગણ/જગણ/જગણ/+ ગા, ગા.
“લેખો વસંતતીલકા તભજાજગાગા” એને છોડો : લેખોવ/સંતતી/લકાત/ભજાજ/ + ગાગા.
ઉદાહરણ : “તારે ન રૂપ નહિ રંગ સુગંધ, કૈં ના
તારે વસંત પણ ના, બસ અંગ ઓઢી…”

આ છંદ અયતીક છે પણ અર્થગત યતીઓ છે, જોઈ ?
હું એક જાતે પંક્તી બનાવી મુકું છું; સૌ પણ બનાવીને કોમેન્ટમા મુકી શકશે :

‘આ છંદને સમજવો નથી કાંઈ સ્હેલો.’

શાર્દૂલ વિક્રીડિત : અક્ષરો – 19.  યતી એક જ બાર અક્ષરો પછી.

બંધારણ : મ-સ-જ-સ-ત-ત+ગા

“ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં”

એને છોડો :  ઊગેછે/સુરખી/ભરીર/વિમૃદુ/હેમંત/નોપૂર્વ/માં.

જાતે બનાવેલી મારી પંક્તી :

“લાગે છે અહીં માસજાસતતગા શાર્દૂલવિક્રીડિતે ” હવે તમે સૌ પણ બનાવીને મુકો.

પૃથ્વી : અક્ષર- 17. યતી નથી. (અગેય અને પ્રમાણમાં અઘરો છંદ.)
બંધારણ : જ-સ-જ-સ-ય+લ,ગા. ”જસૌ જસયલાગ આ નિયત વર્ણ પૃથ્વી મહીં.”  એને તમે જાતે છોડો.

 ઉદાહરણ “ઘણુંક ઘણું ભાંગવું ઘણ ઉઠાવ મારી ભુજા !”
“પ્રિયે ! કવિત સુંદરી ! નિકટ અંતરંગે રહે.”

(પ્રથમની જાણીતી પંક્તીમાં ક્યાં છુટ લીધી છે ? કહો.)

મારી પંક્તી : “જુઓ, કવિત આજથી શરુ કરું છું પૃથ્વી મહીં.” (તમે પણ બનાવીને મૂકો.)

ખાસ નોંધ : છંદનું બાહ્ય કલેવર મહેનતથી સીદ્ધ થઈ શકે પરંતુ આંતરતત્ત્વ (કાવ્યત્વ) પ્રગટતાં વાર લાગે. અત્યારે તો છંદ શીખવા માટે મારીમચડીને પંક્તીઓ બનાવીએ, એમાં ગદ્યાળુપણું જ રહેવાનું. ભલે રહે. એમ જ ટેવાતાં જશું. પછી તો કવીતાસર્જન જ છંદના ઢાળામાં વહેશે.

ઉ.જો.ની જાણીતી પંક્તી છે : “સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.” થોડા ફેરફાર સાથે કહું તો –

“છંદો પી લે, ઉરઝરણ વ્હેશે પછી આપમેળે !” ( ઉ.જોશી માફ કરો !)
સૌને શુભેચ્છા સાથે, ઈતી ચતુર્થોધ્યાય !

 

4 comments

 1. વસંતતિલકાઃ મારી પંક્તિઃ આ રીતથી ઘણું ઘણું ભણવા મળે છે.
  ( બીજાં ઘણું ના ણું માં છૂટ! લીધી)

  પૃથ્વીઃ મારી પંક્તિઃ અમે પણ મથી મથી કલમને ચલાવી રહ્યાં.

  ઉદાહરણ : “ઘણુંક ઘણું ભાંગવું ઘણ ઉઠાવ મારી ભુજા !”
  “પ્રિયે ! કવિત સુંદરી ! નિકટ અંતરંગે રહે.”

  (પ્રથમની જાણીતી પંક્તીમાં ક્યાં છુટ લીધી છે ? કહો.)
  મારી સમજણ મુજબ અહીં પહેલાં “ણું” અને ભાંગવું માં “વું” માં છૂટ લીધેલ સમજાય છે.

  1. સોમાંથી સો ગુણ સાથે ફુલ્લી પાસ ! દેવીબહેનને અભીનંદન !!

 2. હાં, દેવિકાને સો ગુણ અને હું છેલ્લી પાટલીની વિદ્યાર્થિની. ગુજરાતીલેક્સિકોનનો જય હો.
  સરયૂ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *