માતૃભાષાનાં ‘બળ’ અને ‘પ્રતાપ’ની અનોખી કહાણી : GRIDS

Posted by

લક્ષ્મીજી અને “માતા સરસતી”નો સુભગ સમન્વય !

તાજેતરમાં બે આમંત્રણો મળ્યાં હતાં. બન્ને, પુસ્તકોનાં લોકાર્પણ માટેનાં હતાં. હાજર તો ન રહી શકાયું પણ બન્ને રચનાઓ મને GRIDS સંસ્થાના વડા દ્વારા જ હાથોહાથ મળી !

પુસ્તકો તો એના બાહ્ય કલેવરથી આકર્ષી ગયેલાં એટલે ઉપલક ઓળખ તો તત્કાળ કરી લીધી પણ એણે જે બીજી ઓળખ આપી તે ઉપરોક્ત સંસ્થા GRIDSની.

મારી માતૃસંસ્થા લોકભારતી જ જેમની પણ માતૃસંસ્થા છે તેવા ભાઈ શ્રી પ્રતાપ પંડ્યાને આપણે સૌ ઓળખીએ જ છીએ. પુસ્તકનો પ્રચાર અને પ્રસાર એ એમની ઓળખ બની રહી છે.

બીજી ઓળખ આપણા લોકવાંગ્મયના પ્રસારક શ્રી બળવંતભાઈ જાનીની ! ૧૯૭૪ આસપાસથી એમની સાથેનો સંબંધ આ સંદર્ભે તાજો થયો. એઓ તો હવે જગતપ્રવાસી જેવા છે.

આ બન્નેની ઓળખમાં “માતૃભાષા” અને “ગુજરાતી લેખકો–વાચકોના સંયોજન”ને પાયામાં રાખવાં પડે. પ્રતાપભાઈ પુસ્તકોના દાની તરીકે લક્ષ્મીની સહાયથી માતા સરસતીનો પ્રતાપ ધરાવે એટલે એમના સહયોગથી શ્રી બળવંતભાઈ જાની (શારદાના ઉપાસક)એ આ એક સંસ્થાની રચનામાં આગેવાની કરી –

“ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ”

આ સંસ્થા અંગે ઘણું ઘણું લખવાનું હજી થશે જ. પણ અત્યારે તો એના પ્રકાશનકાર્યની જ વાત કરીને સંતોષ માનીશું. આ સંસ્થાના માનદ નિયામક શ્રી બળવંતભાઈ છે. “શ્રી પ્રતાપરાય પંડ્યા પ્રેરિત ‘ગ્રીડસ’ ડાયસ્પોરા ગ્રંથમાળા”ના મથાળા હેઠળ તાજેતરમાં જે કાર્યક્રમો થયા તેમાં એક તો પુસ્તકોનું પ્રકાશન અને બીજું ‘ડાયસ્પોરા રાઇટિંગ એવોર્ડ’ !!

આપણાં જાણીતાં લેખિકા બહેનો દેવિકા ધ્રુવ અને નયના પટેલનો સંયુક્ત પત્રવ્યવહાર થયો તેને પુસ્તકરૂપ આપીને લોકાર્પણ  હમણાં જ થઈ ગયું. (આ પુસ્તક અંગે શ્રી જાનીએ તો પ્રસ્તાવનામાં મજાની વાતો લખીને સાર્થ મૂલ્યાંકન કર્યું જ છે પણ મારી વેબસાઈટ પર પણ એની નોંધ મારી કલમે ન આપું તો મન ન માને !…હવે પછી એ પણ…)

બીજું પુસ્તક તે પ્રીતિ સેનગુપ્તાનો કાવ્યસંગ્રહ ‘અકારણ હર્ષે’ ! આમાં ચાર ભાષામાં લખાયેલાં કાવ્યો સંગ્રહાયાં છે.

પણ બીજી ખાસ બાબત તો એ છે કે પ્રીતિબહેનને આ વર્ષે ડાયસ્પોરા રાઇટિંગ એવોર્ડ પણ અપાયો છે !! ત્રણે સર્જકોને સાદર અભિનંદનો !

GRIDS અંગે તો ઘણું ઘણું લખવાનું થશે જ. અત્યારે તો નેટજગતના લેખકો અને નેટ–પ્રિન્ટ બન્ને જગતના વાચકોને ધન્યવાદ સાથે જણાવવાનું કે હવે પછી ગુજરાતી સર્જનોથી સુઘડ, સુંદર અને સુચારુ વાચનસામગ્રી મળતી રહેશે તેનો આનંદ માણીએ. બન્ને પ્રકાશનો ઊડીને આંખે વળગનારાં છે. નેટજગતમાં ખાસ કરીને ઈ–બુકના ઝંઝાવાતી વાયરામાં જે પ્રકાશનો થઈ રહ્યાં છે તેમાંનાં કેટલાંક સર્જનોનાં આંતર–બાહ્ય સ્વરૂપમાં અમુક અંશે જે નુકસાન જોવા મળે છે તેની સામે આ GRIDS દ્વારા બહુ મોટી મદદ આપણને મળવાની થશે તેમાં કોઈ શંકા નથી.

આજ સુધીમાં પ્રગટ થઈ ચૂકેલાં પ્રકાશનો આ મુજબ છે :

  • મારી બારી માંહેથી                    પ્રજ્ઞા દાદભાવાળા
  • દેશાંતર                                    તરુલતા મહેતા
  • આથમણી કોરનો ઉજાસ           દેવિકા ધ્રુવ–નયના પટેલ
  • દરિયાપારનું દૃષ્ટિબિંદુ                વલ્લભ નાંઢા
  • અકારણ હર્ષે                            પ્રીતિ સેનગુપ્તા

GRIDSના બન્ને સૂત્રધારો સાથે સંસ્થાના સૌ સહયોગીઓને સમગ્ર ગુર્જરજગત વતી અભિનંદનો !!

 

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *