હાઈકુમાં કેટલા અક્ષરો ?

Posted by

ગુજરાતીના બે સમર્થ કવીઓનાં હાઈકુ અંગે સ્નેહરશ્મિ.

——————————————————————————————————-

[પ્રીય વાચકમીત્રો ! શ્રી સ્નેહરશ્મિએ બે સમર્થ કવીઓનાં હાઈકુનો આધાર લઈને સરસ અને સભર વાતો એમના હાઈકુસંગ્રહમાં કરી છે. આજે એમાંની કેટલીક અહીં રજુ કરી રહ્યો છું, તમને અવશ્ય ગમશે….– જુ.]

––––––––––––––––––––––––––––––––––––

હાઈકુને એક જ ઉદગારમાં પુરી થતી કૃતી તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક એને એક પંક્તીની ઉક્તી પણ કહે છે. સદીઓથી એનું પંક્તીમાપ નક્કી થયેલું જ છે. એના અક્ષરો તો સત્તર જ હોય છે તે જાણીતી વાત છે. એ અક્ષરો 5-7-5 પ્રમાણે ત્રણ પંક્તીમાં વહેંચાય છે એ પણ નીશ્ચીત જ છે.

આપણા મંદાક્રાંતા, પૃથ્વી, શીખરીણી જેવા સત્તરાક્ષરી છંદો પણ જાણે હાઈકુની જ અવીભાજીત પંક્તી હોય એવું લાગે છતાં એમાં ફેર એ છે કે હાઈકુમાં ગણોની વ્યવસ્થા કે માત્રામેળના નીયમો લાગુ પડતા નથી. યતી પણ નક્કી કરેલી જગ્યાએ આવતી નથી.

શ્રી સ્નેહરશ્મિ પોતાની પ્રસ્તાવનામાં નોંધે છે કે  હાઈકુમાં 17 અક્ષરો અનીવાર્ય છે શું, એવો પ્રશ્ન થતો જ રહ્યો છે. એટલું જ નહીં, આ સત્તર અક્ષરો સામે બળવો પણ થયો છે. છતાં આ બંધારણ બદલાયું નથી એ જ એની સધ્ધરતા બતાવે છે. એકાદ અક્ષર ઓછો-વધુ થાય તો ચલાવી લેવામાં આવ્યો છે એ પણ હકીકત રહી છે. (અને 15 કે 18 અક્ષરોના હાઈકુ જોવા મળે જ છે.) આપણી માતૃભાષામાં પણ આ જ નીયમ યથાવત્ રહ્યો જણાય છે.

આટલી મર્યાદીત અક્ષરસંખ્યામાં આખી કાવ્યકૃતી સર્જી દેવી  એ બહુ સંયમ અને વીવેક માગી લેનારી બાબત છે. આ મર્યાદા અંગે ગુજરાતીના બે વીદ્વાનો સાથે સ્નેહરશ્મિને જે લાંબી વીચારણા થઈ એના ફળસ્વરુપે એમણે બે હાઈકુનો દાખલો આપીને એક બહુ જ ઉપયોગી સામગ્રી પ્રસ્તાવનામાં પીરસી છે. આ આખી ચર્ચા આપણ સૌને ઉપયોગી થાય એમ માનીને અહીં મુકવા મન છે.

ઊંડી અને સૂક્ષ્મ સમજવાળા’ બે કવીઓની સાથે સ્નેહરશ્મિએ જે પ્રયોગો કર્યા હતા તેની વાત પણ કરી લઈએ. આ બન્ને કવીઓ તે શ્રી હસમુખ પાઠક  અને શ્રી નિરંજન ભગત.  બન્નેના એક એક હાઈકુ કે જે સત્તરથી વધુ અક્ષરોનાં હતાં તેને  અંગે બહુ વીગતે અને અર્થસભર વાતો લખી છે. આપણે પણ તેમાં ડુબકી મારી જોઈએ !

શ્રી પાઠકનું હાઈકુ આ પ્રમાણે હતું :

તળિયે સ્વસ્થ ચંદ્રમા
ભાંગતો ચંચળ સપાટી પર
ઓચિન્તી કોઈ લ્હેરમાં.

 

શ્રી ભગતનું હાઈકુ આ પ્રમાણે હતું :

હું ને મારો પડછાયો–
પણ રાતે જ્યાં દીપક બુઝ્યો
હું ત્યાં એકલવાયો.

આ બન્ને હાઈકુ વીષે શ્રી સ્નેહરશ્મિ ઉંડી વીચારણાને અંતે જે ફેરફારો સુચવે છે તેમાં રહેલી હાઈકુના સ્વરુપ વીષેની વીભાવના આપણને  ખુબ જ ઉપયોગી થશે….તેઓ કહે છે :

જેમ જેમ આ કાવ્ય ઘુંટાતું ગયું તેમ તેમ પ્રશ્નો ઊઠવા લાગ્યા કે એની ત્રીજી પંક્તિ ન હોય તો કાવ્યના સ્વરૂપમાં કંઈ ફેર પડે ખરો ? બીજી પંક્તિમાંનો ચંચળ શબ્દ ત્રીજી પંક્તિને  પોતાનામાં સમાવી નથી દેતો ? જો ત્રીજી પંક્તિ ન હોય તો વ્યંજનાને વધુ  અવકાશ મળે એવું લાગતું નથી ? જો એ સાચું હોય  તો ત્રીજી પંક્તિના આઠ અક્ષરો આપોઆપ ઓછા થઈ જાય, બાકી રહેલા 19માંથી ‘ચંદ્રમા’ની જગ્યાએ ‘ચંદ્ર’ અને ‘ભાંગતો’ની જગ્યાએ ‘ભાંગે’ પ્રયોગ થાય તો સત્તર અક્ષરોનું માપ જળવાઈ રહે અને અર્થને અનુલક્ષીને 5-7-5 મુજબ ત્રણ પંક્તિમાં વિભાજન પણ થઈ શકે.

શ્રી પાઠક સાથે ચર્ચા થતાં તેમણે નીચે પ્રમાણે પાઠ યોજ્યો. હાઈકુના સ્વરૂપને સમજવામાં એમનો મૂળ પાઠ (ઉપર દર્શાવ્યો છે તે) અને આ નવા પાઠનો તુલનાત્મક અભ્યાસ ઉપયોગી જણાશે. એ આ પ્રમાણે છે :

તળિયે ચંદ્ર
સ્વસ્થ ભાંગે સપાટી
ઓચિન્તી લ્હેર.

“શ્રી ભગતની (ઉપર જણાવી છે તે) કૃતિ ઉપર હું રટણ કરતો ગયો તેમ તેમ એમાં રહેલું હાઈકુ બહુ સુરેખ રીતે મારા મનમાં આકાર લેતું થયું. અહીં પણ પેલો પ્રશ્ન મને ઉદ્ભવ્યો, એના 25ની જગ્યાએ 17 અક્ષરમાં એ ન સમાઈ શકે ? બીજી વાત જે મારા ધ્યાનમાં આવી તે  “હું ત્યાં એકલવાયો”ના વિધાનને લગતી હતી… હાઈકુમાં વસ્તુ બોલે છે, કવિ બોલતો નથી. હાઈકુનો કવિ “હું ત્યાં એકલવાયો” કહેવાને બદલે તે એકલવાયો છે એવું આપણને લાગે એવી પરિસ્થિતિ સર્જતો હોય છે. શ્રી પાઠક સાથે ચર્ચા નીકળતાં તેમણે નીચે પ્રમાણેનો પાઠ યોજ્યો :

હું — પડછાયો
તિમિરે બુઝ્યો દીપ…
એકલવાયો.

આશા રાખું છું કે આ વીગતો, વાચક, તમને કંઈક પ્રેરણા આપશે. વધુ હવે પછી….!

 

– સંકલન : જુગલકીશોર.

 

One comment

  1. આ સ્વરૂપ લોભામણું અને લપસણૂં છે.
    તેમાં ઊંડાણ અને ચિત્રાત્મક્તા અને લાઘવ લાવી શકાય છે
    રમુજ કોઇએ સંભળાવેલી
    ‘ એક હાઇકું છપાયું, ત્યારે સંપાદકે એને આખેઆખું એક પાના પર છાપવાને બદલે, છેલ્લા પાંચ અક્ષરો માટે લખ્યું કે ‘સાંધણ છઠ્ઠા પાને’. પછી એ મેગેઝિનમાં છટ્ટું પાનું છાપ્યું જ નહીં,નવો અંક આવ્યો, એમાં અનુસંધાન છપાયેલું!
    સત્તર અક્ષરના હાઇકુ માં આવો સાંધો આવે, તો કવિના હૃદયમાં અને વાચકના મગજમાં દુખાવો થાય !’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *