હાઈકુ-વીશ્વની ટુંકી સફરે… : (૧)

Posted by

જાપાની કાવ્યપ્રકાર હાઈકુની અલૌકીક દુનીયામાં…..!

નોંધ :
[ઉ.જોશી સંપાદીત ‘સંસ્કૃતિ’ના 1965-67ના અંકો –કનુભાઈ જાનીના આશીર્વાદથી — મળી ગયા હતા. 1965ના ઓગસ્ટનો સંસ્કૃતિનો અંક હું સણોસરા ભણતો ત્યારે મેં વાંચ્યો હતો. એ અંકમાં સૌથી પ્રથમ વાર સ્નેહરશ્મીનાં 9 હાઈકુ પ્રગટ થયેલાં તે આજેય યાદ છે. ગુજરાતમાં હાઈકુનો જન્મ આ રીતે થયો હતો !! [એ વાતનો જોકે વીરોધ પણ થયેલો] પણ સ્નેહરશ્મીને ગુજ.હાઈકુના જનક કહેવાય. એનો હાઈકુસંગ્રહ 365 રચનાઓ સહીત પ્રગટ થયો તેમાં એમણે અદ્ભુત કહી શકાય એવી “અભ્યાસપુર્ણ પ્રસ્તાવના” આપી છે. મારી આ લેખમાળા એના જ આધારે લખી છે. મારું તો ફક્ત લખાણ જ છે.

આશા છે, આ લેખમાળા કે જે મેં મારી ભાષા-શૈલીમાં મુકી છે તે સૌને ગમશે. –જુ.]

===============================================================

મારા પ્રીય કાલ્પનીક મીત્ર કાસુબાવા,

તને થશે કે આ કોણ વળી નીકળ્યો, મને પ્રીય મીત્ર કહેનારો ઈંડીયન !! પણ જો ભઈલા, મારે તારી ગરજ પડી છે. મારા મનમાં હાઈકુ અંગે કેટલાય સમયથી વીચારચક્કર ચાલ્યાં કરે છે. એને અંગે લખવું છે પણ મનની વાત તો પત્રરુપે વધુ સારી રીતે પ્રગટ કરી શકાય એટલે પછી પત્ર રુપે જ આખી લેખમાળા લખવાની ગણતરી હતી. હવે, મીત્રો તો ઘણાય છે આ લેખમાળા સંબોધવા માટે પરંતુ આ વાત હાઈકુની હોઈ તમારા જાપાની ભાયું હારે વાત કરીએ તો ઠીક રે’ એમ વીચારીને તને આમાં નાખ્યો છે.

તને કંટાળો આવે ને તોય તું કાંઈ ‘ના’ કહી શકવાનો નથી. મારા કેટલાય વાચકોની જેમ તુંય આ લેખમાળાને સહન કરજે, બીજું શું ?!!

તો આપણે હવે મુળ વાત પર આવીએ.

આ હાઈકુ સમગ્ર વીશ્વમાં જે માન્યતા પામ્યું અને એમાં સૌએ જે રસ લીધો એમાં એની અનેકાનેક વીશેષતાઓ જણાઈ આવે છે. હાઈકુ એક ચમકારો-ઝબકારો હોય એટલું નાનું કદ ધરાવે છે. કાવ્યવીશ્વમાં એ સૌથી નાનું સ્વરુપ છે. છતાં એમાં અપાર શક્તી રહેલી જણાય છે. 1904-05ની સાલમાં રશીયા સાથે તમારે જાપાનીઓને જે લડાઈ થઈ એમાં તમે રાષ્ટ્રની રીતે ને શરીરના કદથીયે નાના હોવા છતાં રશીયાને જે સ્વાદ તમે ચખાડ્યો હતો તે યાદ આવી જાય છે, આ હાઈકુના કદ અને તેની વ્યાપક શક્તીઓની વાત કરતાંવેંત  જ !

તમે જાપાની લોકો હાથીદાંત પરના  મીનાકારી કામ અને ધાતુ પરના નકશીકામથી  જાણીતા છો જ. અને બોન્સાઈ તો તમારી જ પહેચાન છે, દુનીયાભરમાં ! આવી નાજુક કામગીરી જો હાઈકુ જેવા કાવ્યસ્વરુપમાં ન ઉતરે તો જ નવાઈ !! તમે લોકોએ સાહીત્યવીશ્વને આ હાઈકુ (એને હાઈગા પણ કે’ છે ને ?)  આપીને મોટું કામ કર્યું છે.

તને ખબર તો હશે જ ભાઈ કાસુબાવા, કે આ હાઈકુને લોકો 700 વરસનું જુનું ગણે છે પણ બહુ ઓછાને ખબર હશે કે એનાં મુળીયાં તો છેક 17મી સદીમાં નીકળે છે ! 1644-94 વચ્ચે થઈ ગયેલા હાઈકુના મહાન સર્જક બાશોની કૃતીઓ જોઈએ તો એનું યથાર્થ સ્વરુપ છેક ત્યાં જાતું નીકળે છે !

પણ ભાઈ બાવા, તેં મને એક વાત કીધેલી તે યાદ આવી ગઈ એટલે વચ્ચે જ કહી દઉં કે ગઈ સદીના 1957 આસપાસ જાપાનમાં “ધંધાકીય સફળ” ગણાય એવાં 50 સામયીકો ફક્ત (રીપીટ, ફક્ત) હાઈકુના પ્રકાશન માટે જ છપાતાં હતાં !! કમાલ છે ને ! પણ એનાથીય કમાલ તો એ મને લાગ્યું કે એમાંના કેટલાંક સામયીકો તો દર મહીને 1500 હાઈકુ પ્રગટ કરતાં હતાં ! (આ 50 સીવાયનાં બીજાં મેગેઝીનો તો જુદાં હો ! ) અંદાજે દસ લાખ હાઈકુ વરસે દહાડે છપાતાં હતાં ! (આ તો મનેય ગપ્પું લાગે છે પણ મેં તો વાંચેલું કહ્યું છે, તારા નામે !) અને હા, ‘તાંકા’ નામનો હાઈકુનો પ્રકાર પણ બહુ પ્રચલીત હતો પણ કાવ્યના આ બટુકસ્વરુપ જેવું અને જેટલું તો નહીં જ.

હવે જો, કેવી મઝા થઈ છે; ઓચીંતાં જ આ તાંકાજીનીય વાત વચ્ચે આવી જ ગઈ છે તો ચાલને એનીય ભેગાભેગી કરી લઈએ વાત. આ તાન્કાનીય વાત જાણવા જેવી છે. ઈ તાન્કા વળી આ હાઈકુની મા થાય ઈ તને ખબર છે ?!  જો વાત એમ છે કે આરંભમાં 5-7-5-7-7 એમ કુલ પાંચ લાઈનોમાં અક્ષરોની ગોઠવણી થતી અને એને તાન્કા કહેતાં. આપણે ત્યાં ઘણા સમય પહેલાં વીદ્વાનોની વીદ્વત્તા માપવા અને એકજાતની સર્જનાત્મક પ્રવૃત્તીરુપે કાવ્યમાં પાદપુર્તી કરવાનું જાહેર આમંત્રણ અપાતું. એ માટે એકાદ લાઈન જાહેર થાય અને બાકી આગળની લાઈનો પુરી કરવા  જાહેર આમંત્રણ / ચેલેન્જ આપવામાં આવે. અથવા ત્રણ પંક્તી જાહેર કરીને છેલ્લી એક પંક્તી ઉમેરીને શ્લોક પુરો કરવા આહ્વાન આપાતાં.  મુશાયરાઓમાં તો આજે પણ એક પંક્તી જાહેર કરીને સૌ કવીઓને નીમંત્રણ અપાય છે જેને કાવ્યસંમેલનમાં રજુ કરાય છે.

હવે પાછો હું મુળ વાત ઉપર આવું. [જો ભાઈ કાસુબાવા, મને તો આમ વીષયાન્તર કરવાની ટેવ (‘એ કટેવ કે ?’) છે જ. માસ્તર ખરો ને ! એનાથી એકમાંથી બીજી વાતોય જાણવા મળી જાય એ લાભ-લોભ ખરો એટલે.]

તાન્કાની આ પાંચ લાઈનોમાં 5-7-5-7-7 અક્ષરો રહેતા. પણ ઘણી વાર આરંભની આ ત્રણ લાઈનો 5-7-5ને પ્રગટ કરીને બાકીની બે માટે પુર્તી કરવા ચેલેન્જ અપાતી હતી. એટલે પેલી ત્રણ મુળ પંક્તીઓનો પતંગ ઉડે અને બીજી બે પંક્તીઓનાં પુંછડાં ઉમેરાતાં જાય !!

હાઈકુ શબ્દનું મુળ “હોક્કુ”માં છે. હોક્કુનો અર્થ થાય છે, “પ્રારંભીક કડી”. હોક્કુને માટે ‘હાઈકાઈ’ શબ્દ પણ યોજાતો. કોઈ અંગ્રેજી સાહીત્યકારે એને માટે સચોટ શબ્દ વાપર્યો છે, “Stop-short”  ! અર્થાત અહીં જ અટકો. અહીં આ ત્રણ પંક્તીમાં જ બધું આવી જાય છે, ને કાવ્ય પુર્ણતાને પામી જ ગયું છે ! જોકે ત્યાં સ્ટોપ થતાં જ એક ઈમેજ પ્રબળતાથી ભાવકચીત્તમાં ઝબકી ઉઠે છે જે એને ક્યાંનો ક્યાંય લઈ જાય છે. શાંત જળમાં પડતી એક કાંકરી જેમ અનેક વર્તુળો ઉભાં કરી દે કે આકાશમાં થતો એક તેજલીસોટો એની પાછળ ગડગડાટ સર્જી દે તે રીતે હાઈકુના સત્તર અક્ષર પુરા થતાં જ એક ઈમેજ, એક કલ્પન પ્રગટીને વાચકના મનમાં ભાવશૃંખલા જગવી જાય છે.

જાહેર થયેલી ત્રણ પંક્તીઓ મહત્ત્વની બની રહેતી. વળી બનતું એવું કે સીદ્ધહસ્ત સર્જકો દ્વારા મુકાતી આ ત્રણ પંક્તીઓ એવી સચોટ રહેતી કે પાછલી પંક્તીઓ ફક્ત પુંછડી જ બની રહેતી. બીજી રીતે કહીએ તો ત્રણની પાંચ પંક્તીઓ કરવાનું કામ છાશમાં પાણી રેડવા જેવું બની રહેતું !! એટલે જ તો તાન્કાનું ચલણ સાવ નગણ્ય બની રહ્યું ને ! એ પુંછડી પછી (માણસની માફક) લગભગ નામશેષ થઈ, ને રહી ગયું કેવળ હાઈકુ; સંપુર્ણ અને સ્વતંત્ર – સુક્ષ્મ છતાં સશક્ત-સક્ષમ !

અને મીત્ર મારા, આ ત્રણ પંક્તીઓ જ વામનનાં વીરાટ ત્રણ પગલાં જેવી સાબીત થઈ. વામન કદ છતાં વીશ્વભરમાં એ સૌનું માનીતું કાવ્યસ્વરુપ થઈ ગયું. [એ ભલે માનીતું થયું પણ સર્જકની આકરી કસોટી કરાવનારું જ બની રહ્યું કારણ કે એની સુક્ષ્મ અને સંકુલ રચનારીતી છે જ એવી. દુનીયાભરમાં એની આ અનન્યતા અંગે બહુ લખાયું છે. હવે પછી આગળ ઉપર એનીય વાત તને કહીશ.]

તો, મીત્ર ! આજે તો આટલેથી જ સંતોષ લેજે. (તને થશે કે આ કાંઈ ઓછું છે ! પણ હજી સહન કરવાને વાર છે. કેટલુંક તો અજાયબ છે,  આમાં.)

આવજે !

લી. તારો મીત્ર.

 

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *