હાઈકુમાં સ્થળ અને કાળની યોજના.

Posted by

મીત્રો,

આગળ જે કાંઈ વાંચ્યું તે ગમ્યું હશે ખરું ? ભાગ્યે જ કોઈના સમાચાર આ અંગે વાંચવા મળ્યા છે. છતાં લીધું કામ તો પુરું કરવું જ રહ્યું ! 

તો પછી, બોલો હવે એ જ વાત વધુ આગળ ચલાવીશું ? કારણ કે મને બે–એક ખાસ વાત હાઈકુ અંગે કહેવાનું મન ઘણા સમયથી થયાં કરે છે. આ હાઈકુ, કેવી ગજબની ચીજ છે, એ જેમ જેમ એમાં ઉંડાં ઉતરવાનું થાય છે તેમ તેમ સમજાતું–અનુભવાતું જાય છે. 

કહેવાની વાત માત્ર ને માત્ર ત્રણ જ લીટીમાં – કુલ મીલાકે સત્તર અક્ષરોમાં ! એમાંય પાછું પીંછીના એક જ લસરકે ચીત્ર દોરી દેવાનું, ને છતાં એમાંથી ઉભી થતી ઈમેજ દ્વારા વીશ્વની કોઈ એક અજાયબી વાચકના મનોજગતમાં સ્થાપી દેવાની !! 

આ સત્તર અક્ષરોમાં માંડ સમાતા સાતથી દસ શબ્દોમાં બધી લીલા સમાઈ જાય ! એટલામાં આખો ખેલ ખેલાઈ જાય. છતાં એકાદ શબ્દ પણ જો આઘોપાછો થઈ જાય તો બધી જ સૃષ્ટી હાલકડોલક થઈ ઉઠે ! આટલું નાનકું ચણીબોર, ને છતાં એનો છાક તો જુઓ, ભાઈ ! 

પણ હજી મને આ વાત ઉદાહરણથી જ સમજવા દ્યો…..એક વાક્યને લઈને હું એને સ્પષ્ટ કરી લઉં. જુઓ આ નીચેનું વાક્યઃ 

 

બગીચામાં અમારી સાથે ઉડતાં પતંગીયાં હતાં.”

હવે આ જ વાક્યમાંનો એક શબ્દ ‘ઉડતાં‘ને જરા પાછળ લઈ જઈને જુઓ ––

બગીચામાં અમારી સાથે પતંગીયાં ઉડતાં હતાં.”

ઉપલક નજરે જોઈએ તો ઝાઝો ફરક દેખાતો નથી. છતાં ઝીણી નજરે જોઈશું તો ખ્યાલ આવશે કે પહેલાં વાક્યમાં ઉડતાં પતંગીયાં બગીચામાં ફરનારાંની સાથેના સાથીદારો જેવાં, કહો કે સાથે ફરવા આવેલા સ્નેહીજનો જ હતાં ! એ પતંગીયાં બગીચાનો ભાગ નહીં પણ ફરનારાંના સાથીદારો વીશેષ હતાં. માનવી અને પતંગીયા વચ્ચેની મૈત્રી આ વાક્યમાં કેવી સ્પષ્ટ થઈ જાય છે ! પરંતુ બીજા વાક્યમાં એક  શબ્દના ફેરાફાર માત્રથી પતંગીયાં બગીચાનાં રહેવાસી બની રહે છે – અને બગીચાની અન્ય ચીજો જેવાં માત્ર બની રહે છે ! એ સીવાયનો કોઈ જ સંબંધ એમની સાથે રહેતો નથી. તમે જુઓ ભાઈ, કે એક શબ્દના સ્થાનફેર માત્રથી આખો પ્રાસંગ કેવો સામાન્ય બની જાય છે ! હાઈકુમાં પણ શબ્દનું સ્થાન બહુ જ મહત્વનું હોય છે. 

સામાન્ય રીતે હાઈકુમાં કુલ અક્ષરો (૧૭) અને કુલ પંક્તીઓ (૩) જાળવવાનું ફરજીયાત હોય છે. તેવી જ રીતે એમાંના શબ્દોનું નીશ્ચીત સ્થાન પણ અત્યંત મહત્વનું હોય છે. 

એક બીજી વાત પણ સાથે સાથે ચર્ચી–સમજી લઈએ, કે હાઈકુમાંના શબ્દોનું સ્થાન અને હાઈકુમાંના પ્રસંગો એ બન્ને વચ્ચેનો પરસ્પર સંબંધ હોય છે અને હાઈકુના કવીએ એ અંગે વીશેષ કાળજી–જાગરુકતા રાખવાની હોય છે. હાઈકુમાં જેમ વીષય હોય છે તેવી જ રીતે એમાં સમય અને સ્થળ પણ મહત્વનાં હોય છે. Time and Space બન્ને શાશ્વત ચીજો હાઈકુના વીષય સાથે અવીનાભાવી સંબંધે જોડાય છે. (કોઈ પણ સાહીત્ય કૃતીમાં આ વસ્તુ અલબત્ત હોય જ પણ હાઈકુ જેવી નાજુક અને ટુંકી રચનામાં તેનો ખ્યાલ રાખવાનું વધુ જવાબદારીભર્યું બની રહે છે.) 

હાઈકુનો વીષય, એમાંનું સ્થળ કે એમાં વ્યક્ત થતો સમય – આ ત્રણમાંના જે તત્ત્વ પર હાઈકુ કેંદ્રીત થયું હોય એને માટે જ ખાસ પ્રયોજાયેલો શબ્દ જો યોગ્ય જગ્યાએ ન મુકાય તો તે તત્ત્વ તીવ્રતાથી પ્રગટ થવાને બદલે ગૌણ બની જાય છે. અને હાઈકુનું તીર ચોટ આપીને લક્ષ્યને વીંધી શકતું નથી. એવાં હાઈકુ ફીસ્સાં પડી જાય છે. અથવા તો કવી કહેવા ધારે કંઈક ને પ્રગટ થઈ જાય કંઈક ! 

એક બીજો દાખલો પણ શ્રી સ્નેહરશ્મિએ આપ્યો છે તે પણ જોઈ જ લઈએ. બાશોનું પ્રસીદ્ધ હાઈકુ –

જુનું તળાવ

લીલ ભરેલું; કુદ્યો

મેંડક ડબાક !

આ હાઈકુમાં કવી ભુતકાળના સ્થીર થઈને લગભગ ભુલાઈ ગયેલા જેવા સ્થળ (તળાવ)ને સ્ટેજ  બનાવીને એક પ્રસંગ (કે નાટકનું એક દૃષ્ય) રજુ કરે છે.આ દૃષ્ય અને તેમાંથી જન્મતી એક પરીસ્થીતી કે જે સાવ અવાવરુ થઈ ગયેલા તળાવને (કહો કે સદીઓથી નીર્જીવ થઈ પડેલા કાળને ) ક્ષણમાં જીવંત કરે દીધાં છે. હાઈકુના કવી માટે આ જ બાબત કેંદ્ર સ્થાને છે. હવે જુનું તળાવ” એ શબ્દોનું સ્થાન ફેરવીને હાઈકુ આ રીતે લખીએ તો ––

કુદ્યો મેંડક –

ડબાક્ ! લીલ ભરેલું

તળાવ જુનું” 

આખી વ્યંજના (ભાવકના મનમાં પ્રગટતી કે પ્રગટનારી અર્થચ્છાયાઓ) જ બદલાઈ જાય છે ! જુનું તળાવ કેંદ્રસ્થાને આવી જાય છે ! મેંડકનો કુદકો અને ‘ડબાક્‘ ધ્વની કે જે આખા કાળખંડને જીવતો કરનારાં તત્વો છે તે પાછલી સીટ ઉપર આવી જાય છે ! પ્રથમ હાઈકુમાં નીર્જીવ બની ગયેલું તળાવ (કે એક કાળખંડ) મેડકના કુદવા કે ડબાક્ (ધ્વની) માત્રથી સદીઓથી નીર્જીવ થઈ ગયેલું તળાવ જીવંત બની રહે છે; જ્યારે બીજા હાઈકુમાં મેંડકથી થતી બન્ને ક્રીયાઓ (દૃષ્ય–શ્રાવ્ય) પછી તળાવ એના પર કુચડો ફેરવી દ્યે છે !! 

આજે તો આટલું જ ! આ જ બાબતે હજી એકાદી વાત જેને હાઈકુના વીવેચકોએ વર્ટીકલ, હોરીજોન્ટલ અને ડાયાગોનીકલ ગણાવી છે તે પણ કરવી છે. જે હવે પછી…..

 

 

One comment

  1. બાશોનું પ્રસીદ્ધ હાઈકુ –

    જુનું તળાવ

    લીલ ભરેલું; કુદ્યો

    મેંડક ડબાક !
    હજુ પુરેપુરુ સમજી શકાયું નથી…ગ્રંથો ભરેલ વિવરણ છતા…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *