સમયમૂર્તિ નર્મદની કવિતા

Posted by

– જુગલકીશોર

(મારા, ૧૯૬૭–૬૯ના અનુસ્નાતક સમયના  અભ્યાસનીબંધોમાંથી તારવીને )

અર્વાચીનકાળને આપણે જાણવો હોય તો ઇતિહાસનાં પુસ્તકોને શરણે જવાની જરૂર નથી; એ નિરસ વિષય ભલે આંકડાઓ આપીને આપણને એ સમયની માહિતીઓ આપે, પરંતુ એ કાળનું જીવતું જાગતું રૂપ જોવું હોય તો નર્મદ પાસે જવાથી સહેલાઈથી એને પામી શકાય છે.

નર્મદ એ મધ્યયુગ અને અર્વાચીનયુગ વચ્ચ્નો એક તેજસ્વી મણકો છે. એને એ બંને સમયની પારાશીશી પણ કહી શકાય. એટલે જ નવલરામે એને સમયમૂર્તિ કહ્યા છે.

જૂની ગુજરાતી જ્યારે છેલ્લી વિદાય માંગી રહી હતી ત્યારે દલપતરામે એને સારી રીતે ઉપયોગમાં લઈ લીધી હતી. નર્મદ આવીને એ ગુજરાતીને અપનાવે છે ખરા પણ એની ધગશને, નવું કરવાના જોસ્સાને એ જૂની ગુજરાતી ઝીલી શકતી નથી. નર્મદને પોતાની સુધારાની ધગશ રજૂ કરવા માટે જૂની ગુજરાતી સાંકડી પડે છે. નવલરામે બહુ સૂક્ષ્મ નિરીક્ષણને અંતે જ કહ્યું છે કે એ સમયની ભાષા વમળમાં પડી હતી. બહારથી ઘસારાબંધ આવતા પ્રવાહને વહન કરવાની શક્તિ એમાં ન હતી. નર્મદ એ ભાષાની સંકડાશ તોડવા માટે સંસ્કૃત અને ફારસી ભાષાના શબ્દોને સહાયમાં લે છે. નવલરામના જ શબ્દોમાં કહીએ તો નર્મદની ભાષામાં સંસ્કૃત-ફારસી શબ્દો સામસામા ઘૂરકે છે. છતાં એમણે જ કહ્યું છે તે પ્રમાણે નર્મદ જૂની ગુજરાતી ભાષાના ધસાઈ ગયેલા અથવા લુપ્ત થઈ ગયેલા શબ્દોને ફરીને આવકારે છે, એટલું જ નહિ પણ સંસ્કૃત જેવી મહાભાષામાંથી શબ્દો લાવીને ગુજરાતીમાં મઢે છે. તથા નવા શબ્દો પણ બનાવે છે.

નર્મદને ઓળખવા માટે જે જે વિશેષણો લગાડવામાં આવે છે તેમાં સૌથી પ્રથમ વિશેષણ સુધારકનું છે. એટલે સુધી કહેવાની હિંમત કરી શકાય કે નર્મદ સુધારક ન હોત તો ગદ્યકાર પણ ન હોત. અંતે કવિ પણ ન હોત; કદાચ કાંઈ ન હોત. આ વિધાનની સત્યતા માટે કારણો સ્પષ્ટ છે :

નર્મદનું જીવન જોતાં જણાય છે કે એના જીવનમાં જોસ્સો સૌથી મહત્ત્વનું લક્ષણ છે. કાંઈક નવું કરી નાખવાની ધગશ એને ઉત્પાતિયો જીવ બનાવી મૂકે છે. એનાથી એ ધગશને બહાર કાઢયા વિના રહી શકાતું નથી. આને જ જો સર્જકચિત્તની સિસૃક્ષા કહીએ તો એને બળે એ વાણીનો ધોધ વહેવડાવે છે. એનું સમગ્ર સર્જન જોઈએ તો આશ્ચર્ય થાય એટલો વિપુલ જથ્થો છે. પરંતુ ફક્ત સંખ્યા કે કદની દૃષ્ટિએ ન માપીએ તો પણ એનો તીવ્ર આવેગ એનાં લખાણોમાં ઘણાં પ્રસ્થાનો કરાવે છે. એની ધગશને કારણે જ ઘણી બાબતોમાં એ આગેવાન બને છે.

આ જોસ્સો એને કવિતા કરવા પ્રેરે છે. કવિતાસર્જન પાછળનું બીજું એક મહત્ત્વનું કારણ દલપતરામ સાથેની સરસાઈની ધૂન પણ છે. નર્મદની કવિતા આ બંને કારણોને ધ્યાનમાં રાખીને જોઈએ તો સારી રીતે સમજાશે.

કવિતા એને રચવી છે, દલપતરામ કરતાં વધારે રચવી છે. કવિ થવું છે અને એટલા માટે (અંદરની શક્તિ –પ્રતભા-ને બાદ કરતાં) એ બહારથી અથાગ-અથાક પ્રયત્નો કરે છે. પિંગળ શીખવા માટે જે પ્રયાસ એણે કર્યો છે એવો પ્રયાસ આ સમયમાં ક્યાંય જોવા ન મળે ! પિંગળ શીખ્યા પછી રસ-અલંકારનો અભ્યાસ કરે છે, દેશી વૃત્તોને પણ ગમે તેટલી મુશ્કેલીમાં પણ શીખી લે છે. સંસ્કૃત-અંગ્રેજીનું જ્ઞાન તો હતું જ. આમ બહારની બધી તૈયારી એ કવિતા કરવા માટે પૂરી કરી લે છે. અને કવિતા રચવા લાગે છે.

૧૧ વર્ષના ગાળામાં એણે કરેલું સર્જન, આજના આપણા પુષ્કળ સગવડવાળા સમયમાં પણ થઈ ન શકે એટલું વિપુલ છે. એની કલમ કેટલી ઝડપે વહી હશે એ એના પરથી જાણી શકાય છે. એની કવિતામાં પ્રતિભાની ચમક ઓછી છે એ વાત એના મોટાભાગના કાવ્ય-સર્જન પરથી સાચી લાગે છે. પરતું ‘કબીરવડ’, ‘જયજય ગરવી ગુજરાત’, ‘સુરતની મુરત’, ‘નવ કરશો કોઈ શોક’ જેવી ભલે ગણી-ગાંઠી રચનાઓ હોય પણ એની પ્રતિભાને છતી કરી દે એવી છે.

એમની કવિતાને હવે આ પ્રમાણે જોઈએ:

આત્મલક્ષી અને પરલક્ષી બંને રીતની કવિતા નર્મદે આપી છે. છતાં કહેવાય છે કે એમની પરલક્ષી કવિતામાં પણ પોતાનો જ કોઈ અનુભવ રહેલો હોય છે એ સાચું છે. જોકે એક રીતે તો કવિ એને જ કહેવાય કે જે પરલક્ષી અનુભવને પોતાનો બનાવે અને એવું તો દરેક સાચા કવિમાં હોવાનું. છતાં નર્મદ બાબત એટલું કહેવાય કે એણે પોતાના જ અનુભવોને બીજાના અનુભવો બનાવીને રજૂ કર્યા છે.

કવિતાના મુખ્ય મહાવિષયો ગણવા હોય તો ગણી શકાય: ૧. જૂની શૈલીના અને જૂની ગુજરાતીએ જ જેને અપનાવ્યા છે એવા ચાલુ વિષયો. (જેમાંથી નર્મદ બહુ જલદી નીકળી જાય છે. અને નવા પ્રસ્થાન રૂપે – નવા વિષયો લાવે છે.) ૨. પોતે નવા જ આપેલા વિષયો અને ૩. દલપતશૈલીના સુધારાના વિષયો.

આમાં પોતા ઉમેરેલા વિષયોમાં પ્રકૃતિ, પ્રીતિ અને સ્વદેશપ્રેમ ગણવામાં આવે છે. કવિતામાં પ્રકૃતિનો અને સ્વદેશપ્રેમનો પ્રવેશ નર્મદ જ કરાવે છે એવું કહી ન શકાય. દલપતરામ પણ પ્રકૃતિને  લાવ્યા જ છે અને આડકતરો પણ સ્વદેશપ્રેમ એમણે આપ્યો જ છે. પરંતુ એટલું જરૂર કહી શકાય કે નર્મદે પ્રકૃતિનાં શુદ્ધ વર્ણનાત્મક ચિત્રો આપ્યાં છે. સ્વદેશપ્રેમ પણ સીધો જ વિષય બનાવીને રજૂ કર્યો છે. દલપતરામનાં કાવ્યોનું ધ્રુવપદ ‘‘ધીરે ધીરે સુધારો’’ છે. ફરી ફરીને એ જ આવી જાય છે પરંતુ પ્રકૃતિ અને સ્વદેશપ્રેમને શુદ્ધ વિષય તરીકે, કવિતાના જ એક અંગ-વિષય-તરીકે નર્મદ લાવે છે. ‘‘જયજય ગરવી ગુજરાત’નો સ્વદેશપ્રેમ, ‘‘કબીરવડ’’નું પ્રકૃતિ દર્શન, ‘નવકરશો કોઈ શોક’માંનું પ્રીતિનિરૂપણ કાવ્યમાં શુદ્ધ વિષય તરીકે આવે છે એની પાછળ કવિતા સિવાયનો અન્ય હેતુ નથી.

કાવ્યવિવેચનની શરૂઆત નર્મદે કરી છે. એની ભાષા વિવેચનને પ્રકટ કરવાને અસમર્થ છે છતાં કવિતાનું વિવેચન જન્મ પામી શક્યું એવી તો ભાષા એણે જરૂર વાપરી છે. એનો ઉત્પાતિયો જીવ બધી જગ્યાએ શરૂઆત કરીને રહી ગયો ન હોત તો નવલરામે એ જ ભાષામાં સંપૂર્ણ વિવેચન જેવી રીતે આપ્યું એમ નર્મદ પણ આપી શકે એમ હતા.

નર્મદનું બીજું મહાન અર્પણ કવિતા ક્ષેત્રે તે પિંગળનું. કલ્પના બહારનો પરિશ્રમ કરીને એમણે ગુજરાતને એ આપ્યો છે. નરસિંહથી પ્રેમાનંદ સુધીમાં સૌથી ઊંચો નર્મદને ગણાવનાર નવલરામ ખરેખર જો જોઈએ તો નર્મદના પરિશ્રમ, સાત્વિક, નિશ્વાર્થી જીવનથી અંજાઈ ગયા છે. એનું જીવન એમને એટલું અસર કરી ગયું છે કે નર્મદની વાત આવતાં જ  એને બહુ ઊંચું સ્થાન આપી દે છે. એમનું  કહેવું ખોટું પણ નથી. છતાં ક્યારેક વધારે પડતું જરૂર લાગે છે.

રસની બાબતમાં એવું થયું છે ખરું. રસની બાબતમાં પ્રેમાનંદના પેગડામાં કોઈ પગ ન ઘાલી શકે એવું કહેનારા નવલરામ ક્યારેક શૃંગાર જેવા રસમાં પ્રેમાનંદ કરતાં નર્મદને ચડિયાતા ગણે છે. પોતાના શૃંગાર રસ બાબતમાં નર્મદ કહે છે કે સંસ્કૃત શાસ્ત્રોના કહેવા પ્રમાણે કવિતાના ક્ષેત્રમાં પૂર્ણતા લાવવા માટે મેં શૃંગારને રજૂ કર્યો છે. કામશાસ્ત્ર પણ નિરૂપ્યું છે, છતાં હકીકત એ છે કે એનો શૃંગાર રસ કવિતાને બગાડી નાખનારો પણ બન્યો છે. શુદ્ધ પ્રકૃતિચિત્રોમાં એ બહુ ખલેલ પણ પાડે છે.

નર્મદની અનુભૂતિ ખૂબ તીવ્ર અને વિશાળ હતી. ઊંડી પણ હતી જ. પરંતુ કાવ્યનાં સાચાં અંગોને એ રજૂ કરી નથી શક્યા. એની અભિવ્યક્તિ નબળી જ રહી ગઈ છે. ગદ્યમાં એની અનુભૂતિ જે પ્રમાણે ધોધમાર વહે છે એવી કવિતામાં નથી. કાવ્યત્વ શિથિલ થઈ જાય છે.

છતાં…. ‘‘ગાડીમાંથી દેખાવ’’ કવિતામાં તથા અન્ય પ્રસિદ્ધ કવિતામાં એમણે સફળ અભિવ્યક્તિ કરી છે. કટાવ છંદનો વેગ, ગાડીનો વેગ એક સાથે બહુ સરસ રજૂ થયો છે. ગાડીમાંથી જોવાતાં દૃશ્યો જે ઝડપથી બદલાય છે એ દૃશ્યો કટાવમાં બહુ ઝડપથી એમણે બદલાતાં બતાવ્યાં છે. શિખરિણી છંદની ગંભીરતા, પ્રૌઢતા એમણે કબીરવડમાં સાબિત કરી આપી છે. આમ એમને પિંગળનું સાચું જ્ઞાન પણ છે જ.

એક ૧૬ અક્ષરનો નર્મવૃત્ત એમણે આપ્યો છે. અથવા એમણે આપ્યો છે એવું મનાય છે. પરંતુ દલપતરામે એ જ વૃત્તને પોતાના પિંગળમાં લીધો છે અને એનું નામ નારાચ છંદ આપ્યું છે. છંદનાં બધાં જ લક્ષણો મળતાં આવે છે.

નર્મદ ઘણી વાર નિરીક્ષણોમાં ભૂલો પણ કરે છે – આંબાની મંજરી અને ‘‘ખાખેર પત્ર’’ને રાતાં ગણાવે છે તો બીજી બાજુ કલ્પનાચિત્રો અદ્ભૂત દોરી શકે છે. અલબત્ત એનું પ્રમાણ બહુ ઓછું છે.

છંદને એમણે પ્રવાહી બનાવ્યો છે. એ છંદ પરનો કાબુ બતાવે છે.

છંદ માટે થઈને, એને સાચવવા માટે એ ઘણી વાર જોડણી અને વિરામ ચિહ્નોને બદલે છે.

કવિતા નીચે ટિપ્પણ મૂકવાની એમની રીત ‘‘માથા કરતાં પાઘડી મોટી’’ એવી છે.

આ બધું છતાં જ્યારે નર્મદને યાદ કરીએ છે ત્યારે “વીર, સત્યને રસિક ટેકીપણું અરિ પણ” ગાઈ શકે એવી એમની જીવની છે. એમને ગુજરાતી ભાષા અને ગુજરાત કદી ભૂલી નહિ શકે. અત્યાર સુધીનાં ૧૮૦ વર્ષની જે પ્રગતિ છે તેમાં અંગ્રેજોની જેટલું જ મહત્ત્વ એકલા નર્મદ મેળવી જાય છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *