હાઈકુના સર્જકજી ! તમારા હાઈકુને જ બોલવા દો !! (અંતીમ હપતો – ૭)

Posted by

 વાચક મીત્રો ! તમને બેચાર પાઠ ભણાવીને એક બાજુ ઘણી તકલીફ આપી, તો બીજી બાજુ સત્તરાક્ષરીમાં ડુબકીઓ ખવડાવી ખવડાવીને ભીના–ભીના ને ભર્યા–ભર્યા કરી દીધા હોય તો સારું ! 

હવે એનાથી આગળ હું કાંઈક વધારે પીરસું એમ વીચારીને આજે કેટલુંક રજુ કરું છું. આશા છે કે તમને અવશ્ય ગમશે. જુઓ, હાઈકુ વીષે અનેક લોકોએ કઈંક ને કંઈક લખ્યું હોય તે સ્વાભાવીક છે. એમાંની કેટલીક વાત અહીં લખીને મુકું છું. (શ્રી સ્નેહરશ્મિના હાઈકુસંગ્રહની પ્રસ્તાવનામાં એમણે જે બતાવ્યું છે તેને ટુંકાણમાં મુકું છું.) 

૧ )  ઈમર્સનની એક ઉક્તિ છેતમે જે કંઈ છો, તે વિષે તમે એટલું જોરથી બોલો છો કે મને તે કાંઈ સંભળાતું નથી !

૨ )  ચિકામાત્સુ પણ એવું જ કંઈક કહે છેકાવ્યમાંનું વસ્તુ બોલે, કવિ નહીં.

૩ )  સાવ સામાન્ય ગણાતી ઘટના કે સામાન્ય જણાતી ભાષા હાઈકુના કવિ પાસે આવે છે ત્યારે સામાન્ય રહેતી નથી. એ કોઈ વિરલ પ્રકાશથી ઝગમગી ઊઠે છે.

૪ )  આછા ધુમ્મસથી ઘેરાયેલો પર્વત કે વનશ્રીના સૌંદર્ય જેવું હાઈકુનું સૌંદર્ય હોય છે.

૫ ) સહેજસાજ ઢંકાયેલું અને સહેજસાજ પ્રગટતું રહેતું (જાદુગરની મુઠ્ઠી જેવું) સૌદર્ય જ કલ્પનો–ઈમેજીઝને પ્રગટાવે છે.

૬ )  ખુલ્લંખુલ્લા સૌંદર્યને કે વસ્ત્ર વિનાના દેહલાવણ્યને રંગ–રેખામાં ચીતરવાને બદલે જાપાની કલાકાર એ સૌંદર્યને ઝાકળમઢયા એવા અંતરપટમાં ઢબુરાયેલું અને છતાં ધબકતું રાખવામાં માને છે.

૭ )  સવારના કુણા સૂર્યકિરણને દર્શાવીને સૂર્યોદય સમયના સમગ્ર વાતાવરણનું કલ્પન આપી દેવાનું કામ હાઈકુનો કવિ કરે છે.

૮ )  એ જ રીતે મોરના ટહુકા માત્રથી મેઘછાયા આકાશમાં વીજળીની રૌદ્ર અને સૌમ્ય અનુભૂતિ કરાવી આપવાનું કામ હાઈકુનો કવિ કરે છે.

૯ )  એક નાનકડા બીંદુમાં આખા સમુદ્રની અખિલાઈને સાકાર કરી આપવા જેવી અદ્ભુત મંત્રશક્તિ હાઈકુ સિદ્ધ કરી શકે છે.

૧૦ ) પાંચ જ્ઞાનેન્દ્રિયોમાંથી કોઈ પણ એકને પણ સ્પર્શી જઈને હાઈકુ સમગ્ર અસ્તિત્વને ઝણઝણાવી શકે છે.

૧૧ )  હાઈકુની આ શક્તિનાં મૂળ જાપાનના ઝેન સંપ્રદાયની પ્રબળ અસરમાં રહેલાં જણાય છે. આવી અખૂટ સામગ્રી જે જાપાની ઝેન સંપ્રદાયમાં પડી છે તેમાંથી જ હાઈકુ માટેની સંવેદના અવતરી હોવાનું મનાય છે.

૧૨ )  હાઈકુનો કવિ નવી દુનિયા સર્જતો નથી પણ તે નવી દુનિયાના પ્રવેશદ્વાર પર ભાવકને મૂકી દે છે.

૧૩ )  શ્રી બલાઈથ કહે છે તેમ એક ખડકમાં રહેલી મૂર્તિનું દર્શન શિલ્પીને જ થાય છે અને એની છીણી પછી તો ખડકમાંનો વધારાનો ભાગ કાઢી નાખીને અંદર એને દેખાઈ ગયેલી મૂર્તિને બહાર લાવી આપે છે, તેવી જ રીતે હાઈકુનો કવિ શબ્દના સાધન દ્વારા અપ્રકટ સૌંદર્ય સૌની સમક્ષ ખુલ્લું કરી આપે છે. 

મીત્રો !

આ તો થઈ બીજાંઓએ લખેલી વાતો, હાઈકુ અંગેની. આપણે પણ આ અંગે કંઈ વીચારવાનાં ખરાં કે ? હાઈકુ ભલે જાપાનનો પ્રકાર હોય, અમે ગુજરાતીઓ પણ એને અમારું માનીને એનો વધુને વધુ લાભ કેમ ન લઈએ ? પણ હા, એને અપનાવતાં પહેલાં એને બરાબર પામીએ તે જ ખાસ જરુરી ગણાય ને ? 

નાનકડા સત્તર અક્ષરના આ સ્વરુપને ન સમજીએ તો એનો પુરો અને સાચો લાભ લઈ ન જ શકાય. વીજળીના એક ક્ષણીક ઝબકારમાં મળેલા સમયગાળામાં મોતી પરોવી લેવાની આવડત અને એ માટેની તપસ્યા આપણને સાંપડે એવી પ્રાર્થના કરીને અહીં અટકું ? 

જાપાનની આ કીમતી જણસ આપણા દેશ – ગુજારાત –નીય કીમતી જણસ છે એમ જણાવીને મારી જાતને, મારી કાવ્યશક્તિને વધુ કુશળ બનાવી શકું એ આશાએ આ લેખમાળા પ્રગટ થઈ છે….. 

સાયોનારા !

– જુ.

 

 

2 comments

  1. અત્યંત જરુરી વાત
    સત્તર અક્ષરમાં કેવી મજાની વાત ?
    શબ્દ ની અનુભૂતિ શબ્દાતીત સત્તર અક્ષર અને ત્રણ પંક્તિનું હાઈકુ
    અને
    હોય જો નખશિખ માત્રામેળ છંદમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *