હાઈકુ – ઉભાં, આડાં, ત્રાંસાં !! (હાઈકુશ્રેણી – ૬)

Posted by

સહયોગીઓ, 

(હાઈકુ અગે ચાલી રહેલી આ લેખમાળા ખરેખર તો શ્રી સ્નેહરશ્મિના હાઈકુસંગ્રહની એમણે લંબાણપુર્વક લખેલી પ્રસ્તાવના – કે જે ‘સંસ્કૃતિ‘ના જુના અંકો એપ્રીલ અને મે, ૧૯૬૭માં પ્રગટ થઈ હતી – ના આધારે મારી ભાષા–શૈલીમાં મુકાઈ રહી છે. આમાં ભાષા સીવાય મારું કશું નથી…)

––––––––––––––––––––––––––––––––––––––––––––– 

ગયા અંકમાં આપણે હાઈકુની જે ચર્ચા કરી તેમાં જોયું કે કેવળ સત્તર અક્ષરો અને ત્રણ પંક્તીઓમાં શબ્દો ગોઠવી દેવાથી હાઈકુ સર્જાઈ જતું નથી. એકાદ શબ્દ કે અક્ષરનેય આઘોપાછો કરવાથી હાઈકુની ચોટ જતી રહે છે. એટલું જ નહીં પણ કદાચ હાઈકુનો વીષય જ માર્યો જાય છે. 

બીજું એ પણ જોયું કે હાઈકુમાંના પ્રસંગોનો અને શબ્દોના સ્થાનનો પરસ્પરનો સંબંધ પણ મહત્ત્વનો હોય છે. હાઈકુમાં પ્રગટતા પ્રસંગો સ્થળ અને કાળને કેવી રીતે પ્રગટાવે છે વગેરે – 

આજે હજી વધુ ઉંડાણમાં જઈને જોઈશું તો જણાશે કે હાઈકુમાંની ક્રીયાઓ (જેમકે તળાવમાં દેડકાનો કુદકો અને ડબાક્ અવાજ) દ્વારા હાઈકુનો કવિ એના વાચક–ભાવકને ચોક્કસ ‘સ્થળ’ તરફ કે ચોક્કસ ‘સમય’ તરફ દોરી જતો હોય છે !! 

વાચકનું ધ્યાન ચોક્કસ દીશા કે સ્થળ તરફથી ફંટાઈને બીજી જગ્યાએ ન જતું રહે તેની પણ કાળજી એણે રાખવાની હોય છે. હાઈકુનો કવિ જે ચીત્ર બતાવવા માટે ભાવકને ખેંચી જાય છે તેને વીવેચકો ત્રણ ભાગમાં વહેંચે છેઃ (આ ત્રણેય પ્રકારોને જણાવ્યા છે તેના અંગ્રેજી શબ્દો કેનેથ યસુદાજીના છે જ્યારે કૌંસમાંના ગુજરાતી અર્થો શ્રી ધીરુભાઈ દેસાઈના છે. અને આ આખી વાત શ્રી સ્નહરશ્મિજીની પ્રસ્તાવનામાંની છે.) 

ત્રણ પ્રકારોઃ વર્ટીકલ (પ્રલંબ), હોરીઝોન્ટલ ( સમક્ષીતીજ ) અને ડાયાગોનલ (ત્રાંસા). આનો અર્થ એ કે, હાઈકુમાં ભાવકનાં મનઃચક્ષુને કવિ કાં તો ઉંચે લઈ જાય છે કે આડાં લઈ જાય છે કે પછી ત્રાંસી દીશામાં લઈ જાય છે ! આ એક બહુ જ સુક્ષ્મ બાબત તરફ આપણને દોરી જતી ચર્ચા શ્રી સ્નેહરશ્મિએ કરી છે. હાઈકુને ગુજરાતીમાં અવતરણ કરાવનારા એવા એમણે આપણને બહુ ઝીણી પણ બહુ ઉપયોગી બાબત બતાવી છે. અને, હાસ્તો વળી, હાઈકુ જેવી નાજુક (ને નમણી પણ) ચીજને પામવા માટે આટલી તો પળોજણ કરવી જ પડે ને ! 

આપણે તો બને તેટલી સહેલી ભાષામાં એને સમજવાનો પ્રયત્ન કરી છુટીએ, બીજું શું ?!

શ્રી સ્નેહરશ્મિએ આ બધી વાત સુંદર ઉદાહરણો સાથે કરી છે. આપણે એ ઉદાહરણો પણ જોઈ જ લઈએ…. 

અબ્ધિ છોળોએ 

દડો સૂર્યનો ઝીલ્યો 

ઊછળી ઉંચે

સ્નેહરશ્મિનું આ હાઈકુ વાંચીને શ્રી ધીરુભાઈએ ધ્યાન દોર્યું હતું કે આ હાઈકુથી જે ચીત્ર સર્જાય છે તેમાં વાસ્તવીક ક્રમ જળવાતો નથી. સામાન્ય રીતે પ્રથમ સાગરની છોળો આવે; પછી એ ઉછળે; અને છેલ્લે ઉંચે ઉછળેલી છોળ સુર્યને ઝીલે–પકડે. આ હાઈકુમાં એ ક્રમ ન જળવાયાથી વીક્ષેપ પડે છે. 

શ્રી સ્નેહરશ્મિએ એ વીવરણને આધારે પછી એ હાઈકુમાં સુધારો કરીને એને ફરી લખ્યું હતું ! આપણા માટે આ સુધારો ઘણું શીખવાડનારો હોઈ એને જોઈ જ લેવો રહ્યોઃ 

અબ્ધિછોળોએ 

ઊછળી ઉંચે ઝીલ્યો 

દડો સૂર્યનો !

તમે જોયું, કે આ હાઈકુમાં ભાવકનાં મનઃચક્ષુ નીચેથી ઉપર તરફ (વર્ટીકલ) જાય છે. બીજું એક દૃષ્ટાંત શ્રી ધીરુભાઈએ આપ્યું છે તે હોરીઝોન્ટલ છેઃ 

રાખી જળને 

બહાર હોડી જળે 

તરતી જાય 

 અહીં ચીત્ર પર નજર કરતાં દૃષ્ટી સમક્ષીતિજ જાય છે. (જળ શબ્દને કેવી સરસ રીતે કવિએ પ્રયોજ્યો છે, જોયું ! હોડી જળને બહાર રાખીને જળે તરતી જાય છે ! પાણી ભરાઈ ગયું હોય તો એ ડુબી જ જાય એ વાત સૌ જાણે છે. પણ જેના આધારે તરવાનું છે એને જ બહાર રાખવાવાળી વાત કેવી સુચક છે !! આપણું આખું અદ્વૈત અહીં સત્તરાક્ષરે કેવું સરળતાથી – સહજ રીતે ને નક્કરતાથી રજુ થયું છે !! શબ્દોની તાકાત તો જુઓ ! 

ત્રીજો એક દાખલો ત્રાંસી ગતીનો શ્રી કેનેથ યસુદા આપીને એની ખુબી પણ સમજાવે છેઃ 

ચાંદનીઃ ગાય 

તમરાં અર્ધ ઢાંક્યાં 

પર્ણછાયાએ

 

આ હાઈકુના નાયકો છે, ખરેલાં પાન અને તમરાં. શ્રાવ્ય બાબત અહીં લગભગ ગૌણ છે. તમરાં ગાય છે એ ખરું, પણ એનું સંગીત કેન્દ્રસ્થાને નથી. કેન્દ્રસ્થાને તો આવી જાય છે ચાંદનીના પ્રકાશથી પાંદડાં નીચે અર્ધાં ઢંકાયેલાં  (અને અર્ધાં પ્રકાશીત પણ) તમરાં !! 

તો સવાલ એ થાય છે કે અહીં ત્રાંસી દીશા કઈ રીતે ? કેનેથજી એનો ખુલાસો કરતાં કહે છે, ચંદ્ર જો આકાશમાં બરાબર માથા ઉપર હોય તો પાંદડાંની છાયાનું જે ચીત્ર અહીં ઉપસ્યું છે તેવું જોવા મળે નહીં. તેથી આ હાઈકુ વર્ટીકલ નથી. ચન્દ્ર જો સાવ ક્ષીતીજે હોય તો આ ચીત્ર હોરીઝોન્ટલ ગણાય, પરંતુ છેક ક્ષીતિજે રહેલા ચન્દ્રથી તમરાં અર્ધછાયાએ ઢંકાય નહીં ! એટલે ચન્દ્ર ક્ષીતિજથી થોડો ઉંચે આવ્યો છે એ વાત નક્કી ! પરીણામે ભાવકની દૃષ્ટી ક્ષીતિજથી સહેજ ઉંચે ચડીને પછી પાંદડાંની છાયામાં અર્ધાં ઢંકાયેલાં તમરાં તરફ ગતી કરે છે. અને તેથી જ આને ત્રાંસી કક્ષાનું હાઈકુ ગણાવ્યું છે. 

આ વાત આમ જોવા જઈએ તો વધુ પડતી ઝીણી કાંતવામાં આવી છે. પરંતુ હાઈકુ જેવા અત્યંત સુક્ષ્મ કાવ્યપ્રકારને સમજવા માટે વીવેચકોએ કેવી કેવી કાળજી લીધી છે તે જાણવા માટેય આ દાખલાઓ અને આ ત્રણેય પ્રકારો સમજીએ તો શું ખોટું છે ? 

હાઈકુને સાવ સસ્તું બનાવી દઈને કે મનાવી લઈને વીશ્વભરમાં બહુ મોટો ફાલ હાઈકુનો ઉતર્યાં કર્યો છે. કાવ્યના હાર્દ સુધી જઈને ક્યારેક પણ, કોઈ કવિ એમાં ડુબકી મારશે તો અતી કીમતી એવાં નર્યાં મોતી જ મોતી મળવાનાં છે એમાં શી શંકા ?!! 

માથું ન દુખ્યું હોય તો જવાબ આપવાની તસ્દી લેજો ! હું તો આટલી ઝીણી વીગતોમાં જઈને ધન્ય થયો છું. તમારા મસ્તકને અનેક શુભેચ્છાઓ સાથે –

5 comments

 1. બિલકુલ સાચી વાત….
  “હાઈકુને સાવ સસ્તું બનાવી દઈને કે મનાવી લઈને વીશ્વભરમાં બહુ મોટો ફાલ હાઈકુનો ઉતર્યાં કર્યો છે. કાવ્યના હાર્દ સુધી જઈને ક્યારેક પણ, કોઈ કવિ એમાં ડુબકી મારશે તો અતી કીમતી એવાં નર્યાં મોતી જ મોતી મળવાનાં છે એમાં શી શંકા ?!! ”
  આ લેખ મેં મારા કાવ્યપ્રકારોમાંના હાઈકુના ખાનામાં સાચવી લીધો..

 2. ” jugalkishor” જી સાહિત્યનો જીવ . શબ્દોનો સહી ઉપયોગ ,અર્થ-સભરતા પ્રત્યે અંતરની આરત, , અંગત અભિરુચિ … સાહિત્ય-પ્રકાર કાવ્ય અને તેમાંય “હાઈકુઓ”…. અ અંગે, તમે કર્યું અને ઈચ્છ્યું એમ જ અનુસરે … સરસ રસ સભર વિચારયાત્રા … વિષ્લેષણ .

  “હું તો આટલી ઝીણી વીગતોમાં જઈને ધન્ય થયો છું”… સજાગતા ના દ્યોતક શબ્દો …

  વાચક-ભાવકના કક્ષા-સ્તર-ભૂમિકા અને તત્કાલીન ‘કાલ-સમય’નાં મૂડસ અંતર સજ્જતા પર પણ આવી વાતો નિર્ભર કરે છે ! ” શબદ લખનાર અથવા બોલનારનો ,હોય… પણ … “અર્થ” તો કરનારનો જ !
  અમ આવી રીતે ઊંડા ઉતારી શબ્દોને માણનાર રસિકજન કેટલા ? જૂજ જ . બાકી , ( લબ્જોં પે મત જાઓ ,મતલબ સમજો)વાળાની બહુમતિ !
  -la’kant ઠક્કર “કંઈક” /૧૨.૯.૧૭,[ મુંબઈ. ]

 3. [ અગાઉ આજે જ કરેળી કોમેન્ટ-પ્રતીભાવના અનુસંધાને …]
  સમય-સાપેક્ષ સાહીત્યની ગુણ વત્તા [ ૧૯૬૭ ન કાળનું દેશીપણું અને આધુનિક ટ્રેન્ડ ,ચલન ] અને
  દૃષ્ટિ – સાપેક્ષતા પણ એટલાજ મહત્વના ગણાય ને ?
  ભાષા-શુદ્ધિ , યોગ્ય જોડણી ,કાનામાત્રા , વ્યાકરણ યથાયોગ્ય સ્થાને શબ્દોપયોગ બધાનું મહત્વ ,અગત્ય અપાવે ઘટે . વાળી “શૈલી/ફાવટ/આવડત/હથોટી ” વ્યક્તિએ વ્યક્તિએ બદલાય,અલગ જ હોવાનાં ને ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *