ભાઈ ત્રિકુ મકવાણાનો વાર્તાસંગ્રહ !

Posted by

શ્રી ત્રિકુભાઈએ “વાત એક સ્ત્રીની” છપાવીને મને કહી છે ! ગઈ કાલે જ ટપાલમાં મને મળી.

સંગ્રહમાં કુલ ૧૫ વાર્તાઓ (નવલિકાઓ) છે. પ્રકાશન સ્ટોરી મિરર દ્વારા થયું છે અને કિંમત છે રુ. ૧૪૦/–.

સંગ્રહના આરંભે જ લેખકે પ્રસ્તાવનારુપે પોતાના વડવાઓના પરીચય ઉપરાંત વાર્તાઓની ટુંકનોંધ પણ આપી છે. આ કુટુંબપરિચય બહુ મજાનો છે. શબ્દેશબ્દે નીરક્ષરતાના વાતાવરણની વચ્ચેથી ફુટી નીકળેલા લેખનઝરણાંનો અનુભવ વાચકને થાય છે. એમાંય તે તદ્દન નીરક્ષર પીતાજીની હોંશ અને પીત્રાઈ કાકાઓની મદદથી લેખકને મળેલી તકોની વાત મનભર છે. સાવ નીરક્ષરતાની વચ્ચે એક બાળક–કીશોરવયનાને કેટલી મુંઝવણો થઈ હશે ને જ્યારે ભણવાની તો ખરી જ ઉપરાંત સર્જન કરવાની પણ તક મળી હશે ત્યારે તેને કેટલો ને કેવો આનંદ થયો હશે એ તો જેમને અનુભવ હોય તે જ કહી શકે !!

છઠ્ઠા ધોરણમાં અને અગીયાર જ વરસની ઉંમરે એમણે ફુલછાબમાં ચર્ચાપત્ર લખીને શ્રી ગણેશ કરેલા ! ચૌદમે વરસે તો એમણે કાવ્ય લખેલું !

પરંતુ ઘર–કુટુંબનું વાતાવરણ, ખાસ પરીસ્થીતીઓ તથા નોકરી વગેરેના સમયોમાં તેમનું લેખન લંગડાતું રહે છે. છેવટે નેટજગતમાં તેમની કલમ ખીલે છે. આજે એમનો આ પ્રથમ સંગ્રહ વાંચીને એમને થયો હશે તેવા પ્રકારનો આનંદ અનુભવતો હું એમને અભીનંદન આપું છું.

વાર્તાઓ મુખ્ત્વે સ્ત્રીની વેદનાઓને વાચા આપનારી છે. નાનપણમાં માતુશ્રીએ બાળકોને કહેલી વાર્તાઓ આ વાર્તાઓમાં નીમીત્ત બની છે. માતા દ્વારા પુત્રને મળેલો વારસો આજે કાગળ પર છપાઈને આપણી સમક્ષ આવે છે ત્યારે સાંજે વાળુ કરીને બાળકોની ટોળકીને રસતરબોળ કરી દેતી માની મુર્તી આપણી સમક્ષ ન ઉપસે તો જ નવાઈ !

આ બધી વાર્તાઓને નવલિકાના સ્વરુપની દૃષ્ટીએ જોતાં તેમાંનો કથારસ ધ્યાન ખેંચે છે. પ્રસંગો એક પછી એક પ્રગટતા જ રહે છે. ક્યારેક કથાના વહેણમાં પાત્રો ઝંખાતાંય લાગે તોય વાચકને ખેંચી રાખે છે. મોટાભાગની વાર્તાઓ કથન શૈલીમાં રજુ થઈ છે તેથી લેખક સીધા આપણી સમક્ષ પ્રગટતા રહે છે.

પરંતુ ખાસ તો પાત્રોના જીવનની એક ચીસ સંભળાયા વગર રહેતી નથી. વેદના આ વાર્તાઓનો પ્રધાન સુર છે. સમાજ સાથેનો ત્રિકુભાઈનો પ્રચ્છન્ન રહ્યો હોઈ શકે તે સંઘર્ષ, આ બધાં પાત્રો દ્વારા આપણી સમક્ષ પ્રગટે છે ને એને આ બધી વાર્તાઓની ફલશ્રુતીરુપ ગણવો જોઈએ.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

એક વાત, નીમીત્ત મળ્યું છે તો કહેવા જેવી લાગે છે – (મારી આ વાતને પ્રસ્તુત વાર્તાસંગ્રહ સાથે સીધો કોઈ સંબંધ નથી તે જાણવું.)

નેટજગતમાં પ્રકાશનોનું કેટલુંક કામ થાય છે ત્યાં પ્રકાશકની જવાબદારી પુસ્તકના સ્વરુપ અંગે જાણે જણાતી નથી !! પુસ્તકના પ્રકારને ધ્યાનમાં રાખીને પેજીસની ગોઠવણી, પ્રકરણોની વ્યવસ્થા, જોડણી અને વાક્યરચનાની શુદ્ધી તથા એકંદરે ગુજરાતી માતૃભાષાની લેવાવી જોઈતી કાળજી ધ્યાનમાં લેવાતી ન હોય તેવી છાપ ઘણી જગ્યાએ જોવા મળે છે. ભાષા બાબત પ્રકાશકોની જવાબદારી જ  ન હોય તે પ્રકારે ભુલો જોવા મળે છે બલકે કેટલીક જગ્યાએ તો લેખક મોકલે તેમાં કોઈ જાતના ફેરફાર કરાયા વગર જ સીધું જાણે કે છાપી મારવાનું બનતું હોય તેવું લાગે !

મારે એક જગ્યાએ તો મારા પુસ્તક માટે ના પાડવી પડી હતી ! મેં નેટ પર મુકાયેલાં કેટલાંય પુસ્તકોમાં ફકરે ફકરે પારાવાર ભુલો જોઈ છે. ગુજરાતી ભાષાની કોઈ જ ચીંતા પ્રકાશનોમાં જોવા ન મળે ત્યારે એક નવી જ દીશામાં આપણે ઢસડાઈ રહ્યાં હોવાનો અનુભવ થાય છે.

 

 

 

2 comments

  1. જુગલકિશોરભાઈ,

    સહુથી પહેલા મારે આપે મારી વાર્તાઓ વાંચી તે માટે જ આભાર માનવાનો હોય કારણ કે આજે વ્યસ્ત જિંદગીમાં કોઈ માટે સમય કાઢવો તે જ અઘરું છે. બીજું સામાન્ય રીતે સાવ નવોદિતોનું લેખન કંટાળો ઉપજાવતું હોય છે. અને મારી વાર્તાઓ મેં લખી તો નાખી છે. પણ ન તો મને વાર્તાનાં સ્વરૂપ વિષે જાણકારી છે કે નથી કોઈ વાર્તાનાં લેખનની જાણકારી અને કોઈ સાહિત્યકારનો નિકટનો પરિચય પણ નથી કે જે મને મારી ત્રુટીઓ મને સમજાવી શકે. મારી વાર્તાને મઠારી શકે.

    આપનો ખુબ ખુબ આભાર.

  2. એકાદ શ્રેષ્ઠ લાગતી વાર્તા મઠારી રસદર્શન કરાવી પ્રસિધ્ધ કરો તો કેમ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *