ફારફેર !!

Posted by

સૌરાષ્ટ્રની બોલીમાં કેટલાક શબ્દોને ફારફેર સાથે, એટલે કે ફેરફાર કરીને ઉચ્ચારાતા હોય છે. વરસાદનું વહરાદ પણ થાય ને ફેરફારનું ફારફેર પણ !

આ ફારફેર જીવનમાં થતા જ રહેતા હોય તો ક્યારેક ફેરફાર કરવાય પડતા હોય છે. ફેરફારો અનેક કારણોસર થતા રહે છે. આ જુઓને, માતૃભાષા સાઈટમાં પણ કોઈ ને કોઈ ફેરફાર કરવાના થાય જ છે ને.

આ સાઈટને નેટગુર્જરીની અનુગામી બનાવવા પાછળ કેટલાંક કારણો હતાં. વીચાર તો લાંબા સમયનો હતો. પણ શ્રી વલીભાઈએ સરસ રીતે રજુ કરેલું તેમ આ ઓચીંતા ધડાકા જેવું લાગે તે ભલે, સહજ ગણાય, પણ એ કેટલીય ગડમથલો બાદ મુકાયું હતું. એના હેતુઓ વગેરેને લેખો દ્વારા સૌ સમક્ષ મુક્યા બાદ એ બધાંને પેજીસ  બનાવીને પણ આગળ કરેલાં…..

છેવટે મારા દસ વરસના એકધારા રહેલા વીચાર મુજબ ભાષા (અને સાથે સાહીત્ય પણ)ને જ મહત્ત્વ આપ્યાં કરીને કામ કર્યે રાખવું એ વાતની ચાળ પકડીને આ સાઈટ આરંભાઈ…….

ને છતાં એના બાહ્ય કલેવરની જેમ જ આંતરીક ફારફેરો થયા જ કરવાના એમાં શંકા નથી. જુઓને આજે જ એના ઉભા ત્રણ સ્તંભો હતા તેને આડા કરીને એકી સાથે ત્રણ લખાણો દેખી શકાય તેને બદલે બે જ દેખાય તેવું કરવાનું થયું….એના કારણમાં મુખ્ય કારણ બબ્બે દીવસે લખાણો મુકવામાં વચલો દીવસ આળસમાં જતો લાગ્યો તે પણ હોઈ શકે છે !! વળી આપણાં મીત્રો લખાણો નીયમીત મોકલશે જ તેવું માની લેવું તેય બરાબર નહીં….એથી કરીને જેમ આવતાં જાય તેમ તેમ લખાણો મુકી શકાય અને સૌથી ઉપર એક જ લખાણ દેખાય તેવું પણ કરવું પડયું…….તેનુંય વળી કારણ એ કે મારે જરુર મુજબના ફેરફારો કરવાનું મને પુરું આવડતું નથી.  મીત્રો પાસે તેવા ફેરફારો ધીમેધીમે કરાવતો રહું છું.

લખવાનું એટલે કે પ્રગટ કરવાનું એટલું બધું છે કે વાત ન પુછો –

  • મારી પાસેની અનેક બુકોની અનુક્રમણીકા સૌ સમક્ષ મુકવી છે જેથી કરીને તેમાંનો ગમતો લેખ કોઈ મંગાવીને તેનો લાભ લઈ શકે –
  • કેટલાંય જુનાં પણ અત્યંત કીમતી સામયીકોના ઢગ પડ્યા છે તેમાંની કેટલીક વીગતોય સૌ સમક્ષ મુકવી છે –
  • કેટલાક ખાસમ ખાસ બ્લૉગોનો પરીચય (દૃષ્ટી વીવેચનની પણ ભાષા રસદર્શનની !) કરાવવો છે –
  • કેટલુંક સંકલનકાર્ય નેટજગતને ધ્યાને રાખીને પ્રગટ કરાવવું છે –
  • નેટજગતનો ઈતીહાસ એને માટેની સક્ષમ વ્યક્તી પાસે લખાવવો છે ! –

આ તો થઈ કેટલીક મહેચ્છાઓ. પણ તે પુરી થાય કે ન થાય તોય મારા મનમાં પડેલું ગાંડુંઘેલું સર્જનાત્મક લખાણ મારા સંતોષ માટે મુકવું છે…..આમાં પણ કેટલુંક તો નેટગુર્જરી પર પુર્વે મુકાયલું હતું તેને વધુ વ્યવસ્થીત કરીને બુકરુપે સીધું મુકી શકાય તેમ તૈયાર કરીને એક બાજુ સાચવી લેવું છે જેથી ભવીષ્યમાં સંતાનોને ઠીક લાગે તો છપાવી શકે !! દરમીયાન નવા વાચકોને ગમે તો ઠીક નહીંતર “આ તો એક વાર આવી ગયું છે, નેટગુર્જરી પર ” કહીને ડાબે હાથે બાજુ પર પણ મુકી દેવાય.

ટુંકમાં મારા ભૈ, માતૃભાષા નામે આરંભાયેલી આ નવી યાત્રાના માર્ગે, એનાં ઉપલબ્ધ “સાધનો”, સફરનાં “સાથીદારો”, ઈવન કેટલાંક “લક્ષ્યો”ને પણ ધ્યાને લઈને ફારફેરો કરવા પડવાના છે.

એટલે આજે આ “ફારફેર”ના મથાળા નીચે કેટલુંક લાઉડ થીંકીંગ (પ્રગટ વીચાર) કરી લીધું છે. જેથી વાચકોને આ થઈ રહેલા ફેરફારો અંગે સ્પષ્ટતા રહે –

આજ પુરતું આટલું ક જ, બસ.

સસ્નેહ – જુ.

One comment

  1. વિચારો અને ભાવનાઓને અનુરૂપ જ માનવીનું જીવન બને છે અને એવી જ કલ્‍યાણકારી પ્રવૃતિ કરવા લાગે છે એટલા માટે જ આ પરહિત કામના અથવા તો વિશ્વ કલ્‍યાણની ભાવનાઓનો પ્રભાવ અવશ્‍ય આપણા આચાર પર થાય છે. અને આજે નહી તો કાલે પણ આપણે એને અનુરૂપ પ્રવૃતિ કરીને આપણા પોતાના માટેનું હિત પ્રાપ્ત કરી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *