શબ્દ, અર્થ, ભાવ અને –

Posted by

ધર્મનાં કેટલાંક વીધીવીધાનોમાં નામજપનું બહુ મહત્ત્વ ગણાયું છે. માળા ફેરવવામાં કોઈ પણ એક ઈષ્ટદેવનું નામ એકએક પારાને પસાર કરવાની સાથે લેવામાં આવતું હોય છે. આ વીધી ધીમેધીમે યંત્રવત્ બને છે અને માળાના મણકા ફરતા રહે છે.

તો પછી ઉચ્ચારાતાં નામોનું શું ?

માળાના મણકા એક જાતની ગણતરીનું સાધન હોઈ માળાના પારાનું પસાર થવું કોઈ નીશ્ચીત સંખ્યા સાથે સંબંધ રાખે છે એટલે નામના ઉચ્ચારો જીભને સોંપાયેલું કામ બની રહે છે અને મણકાનું ફરવું નામજપની ગણતરીનું કામ બની રહે.

ઈષ્ટદેવનું નામ કે મંત્રમાંના શબ્દોને અર્થ તો હોય જ છે. એટલે નામજપ ખરેખર તો અર્થનો જપ હોવો જોઈએ, પણ સામાન્યપણે નામજપ કે જેને ગીતામાં જપયજ્ઞનો મોભો આપ્યો છે તે અર્થને બદલે ફક્ત શબ્દજપ બની રહેતો હોય છે. એની પાછી ગણતરી પણ કરવાની હોવાથી શબ્દોચ્ચારની સંખ્યા એટલે કે ઉચ્ચારોનાં આવર્તનોની ગણતરી થતી રહે છે.

શબ્દનું, આમ જોવા જઈએ તો કોઈ જ મહત્ત્વ નથી – જ્યાં સુધી એ અર્થને ન પામે. અર્થ વગરનો શબ્દ એક અવાજ, ધ્વની માત્ર ગણાય. રાડારાડી, ગાળાગાળી, નીસાસા, ઉંહકારા વગેરે ધ્વનીઓને પણ અર્થ તો હોય જ છે, ભલે ને એ કોઈ શબ્દરુપ ધારણ ન કરતા હોય !  

પણ અર્થ સાથેનો શબ્દ જ સાર્થક બને છે. કાવ્યશાસ્ત્રમાં “शब्दार्थौ सहितौ काव्यम्” એટલે કે શબ્દ અને અર્થનું સહીત્ત્વ એ જ કાવ્ય એમ કહ્યું જ છે. (ગાળાગાળીમાં કે આડેધડ મુકી દેવાયેલા અર્થ સાથેના શબ્દોને અછાંદસ કે ગદ્યકાવ્ય કહીને એને કાવ્ય કહેવાની ભુલ ઘણા મહાનુભાવો કરતા રહે છે પણ એમની તો વાત જ થાય તેમ નથી ! ‘निरंकुशाः कवयः’ કવીઓને અંકુશ હોતો નથી એવો ફાંકો રાખીને ‘મહાનુભાવો’ સાહીત્યના નામે કેટલુંય ધબડાવ્યે રાખે પછી સાચા સર્જકોને ભુખે મરવાનો આવે તો કોઈ શોક ?!)

મંત્રજાપમાં જાપનું રટણ એટલું બધું યાંત્રીક બની જાય કે અર્થ તો ક્યાંયનોય રહેતો નથી ! “નમ: શીવાય”માં ‘શીવને નમન’ એ બન્ને અર્થો પણ મનમાં ગોઠવાતાં જાય અને શબ્દોનું ઉચ્ચારણ પણ થતું રહે તો શીવજીને થાય કે કોઈક ક્યાંક દાખડો કરી રહ્યું છે. પણ ફક્ત શબ્દો જ વહેતા રહે અને સમય તો એનું કામ કરે જ જવાનો હોઈ મણકા નક્કી કરેલી સંખ્યાએ અટકી જઈને પુણ્યસંતોષને ભ્રમતો રાખે છે !

પણ વાત આટલેથી એટલે કે અર્થના માહાત્મ્યથી અટકી જતી નથી !

અર્થ બુદ્ધીને સ્પર્શતો રહે છે. બુદ્ધી નમ:શીવાયનો અર્થ જાણે છે; એને અપનાવે પણ છે. પરંતુ બુદ્ધી સુધી પહોંચેલો શબ્દ (કહો કે ધ્વની), બુદ્ધી દ્વારા અર્થને પામીને પછી ભાવજગતે પહોંચવા મથે છે. અર્થની સાથે મનમાં ભાવ જાગે છે. અત્યાર સુધી જે શબ્દ ઈન્દ્રીય્ય હતો – કર્ણપ્રદેશને સ્પર્શતો હતો તે શબ્દ હવે ભાવજગતે પહોંચીને તેના અર્થને રાસાયણીક પ્રક્રીયા દ્વારા વ્યક્તીના વ્યક્તીત્વમાં ભળવા મથે છે. નામજપ રટણ બની રહેવાને બદલે એ ધ્વની અને અર્થ બન્ને મળીને ભાવજગતમાં રમમાણ બનવા કરે છે.

આ પ્રક્રીયામાં વ્યક્તીનું વ્યક્તીત્વ બહુ મોટો ભાગ ભજવે છે. દરેક વ્યક્તીનું અલગ અલગ વ્યક્તીત્વ એને ભાવજગતમાં ભેળવવામાં સૌની કક્ષા મુજબ કાર્ય કરે છે. પણ એટલું નક્કી કે શબ્દાર્થ હવે ભાવોનો અનુભવ તો કરાવે જ છે.

“હું તમને ઓળખું છું.” આવો શબ્દધ્વની સાંભળનાર અને બોલનાર બન્નેના વ્યક્તીત્વ (અને તત્પુરતું એ સમયના વાતાવરણ)ને અનુરુપ ભાવ જગાડે છે ! બોલનારને કટાક્ષ અભીપ્રેત હોય તો સાંભળનારનું ટ્યુનીંગ બોલનારની સાથેનું જેવું થનાર હોય તે મુજબ એ શબ્દો સાંભળનારમાં ભાવ જગાડે છે !

શબ્દ–અર્થ–ભાવ આ પ્રક્રીયા ભાષાની એક એવી પ્રક્રીયા છે જે તુંડે તુંડે ભાવ ભીન્ન પ્રગટાવીને જ છુટકો કરે છે. બોલચાલ હોય કે કાવ્ય–સાહીત્યનું કોઈ સ્વરુપ હોય, શબ્દ એના અર્થથીય આગળ વધીને સામા માણસના ભાવોને છંછેડી મુકે છે.

પરંતુ અહીં એક ભેદ બોલચાલ અને સાહીત્યના શબ્દો વચ્ચે કરવો જ રહ્યો. જે શબ્દ ફક્ત ભાવ જગાડીને અટકી જાય તે સાહીત્યનો શબ્દ બની શકતો નથી ! શબ્દ–અર્થનું જોડાણ (सहितौ) માત્ર સાહીત્યને પ્રગટાવતું નથી.

અને એથી જ હવે આવે છે ભાવનું રસમાં રુપાંતર !!     

મૃત્યુ કે અકસ્માતનું દૃષ્ય જોનારને દુખી કરે છે; દુખ કે શોકનો ભાવ જગાડે છે. પરંતુ એ જ વસ્તુ જ્યારે સાહીત્યમાં રજુ થાય છે ત્યારે તે પ્રસંગો વારંવાર જોવા–વાંચવા–સાંભળવા છતાં ગમે છે !! આ દુખદ કહેવાતા પ્રસંગો કેમ ગમે છે ?!

મૃત્યુ કે અકસ્માતનો પ્રસંગ કાવ્ય–સાહીત્યમાં દુખની લાગણી (ભાવ)નું કરુણ રસમાં રુપાંતર કરે છે !! આ રસનો સીદ્ધાંત એ કાવ્યજગતનું સર્વોચ્ચ પ્રકરણ છે.

– જુગલકીશોર

2 comments

 1. નમસ્તે. સમય પછી મુલાકાત…આપણા દુખના અનુભવને વાર્તા કે કવિતાની દ્રષ્ટિએ જોઈ શકાય તો ફરીને એ યાદ કરી શકાય, કરુણ-રસમાં રુપાંતર. સરસ વિષય અને સરસ લખાણ.
  “અનુકંપાના આંસુ” કાવ્યમાંથી
  છો માનવ, લ્હાવો મળશે કંઇ લાગણીઓ ચીતરવાને,
  અનેક કારણ મળશે તુજને ભીની આંખો નીતરવાને.
  …. ભલે રડે તું કો’ને માટે, મારા આશીષ તુજને આપું,
  વહેજો નિર્મળ દર્દ ભરેલા સાચી અનુકંપાના આંસુ,
  પ્રેમળ સંવેદનશીલ આંસુ.
  સરયૂ પરીખ

 2. ઘણા વખતે મળ્યા નો આનંદ થયો . પ્રભુના નામ જાપ તો હૃદય માંથી જ આવવા જોઈએ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *