નવા વર્ષે વનસ્પતીવંદના !

Posted by

 छंदासि यस्य पर्णानि

જુગલકીશોર વ્યાસ

૧) ધ્રુવ-વૃક્ષઃ વૃક્ષને જોતાં જ એક પગે તપ કરતો ભક્ત ધ્રુવ યાદ આવી જાય છે ! પીતાના ખોળામાં બેસવાનો અધીકાર અને પીતાનો પ્રેમ મેળવવા કીશોરવયે બાર બાર વર્ષ સુધી એક પગે તપ કરનાર ધ્રુવને પીતાનો ખોળો તો મળ્યો જ; રાજ્યાસન પણ મળ્યું. એટલું જ નહીં પણ આકાશમાં જેની આસપાસ બધા તારાઓ ફરતા રહે એવું નીશ્ચલ સ્થાન, ધ્રુવસ્થાન શાશ્વતરુપે પ્રાપ્ત થયું. (એક પગે બાર વરસ સુધી કરાતું તપ માન્યામાં ન આવે પણ તે ‘એક પગ’નો અર્થ ‘એક નીષ્ઠ’ – એક જ ધ્યેય તરીકે લેવો રહ્યો.)

જન્મતાં વેંત એક પગે ધરતીમાં ખોડાઈને જીવન પર્યન્ત તપ કરતી; આકાશેથી વરસતી આગ ઝીલી લઈને સૌને છાંયડો દેતી; માનવ-પશુ-પંખી સૌને ખોરાક દેતી અને મનુષ્યજીવનને દીવ્ય ઔષધી દેતી વનસ્પતીના આ આકરા તપનો બદલો આપણે માનવીએ, શો આપ્યો ?!

જંગલોનાં જંગલો, વનો, ઉપવનો જ નહીં, ક્યાંક એકલ ખુણે ઉભેલું ઝાડ પણ આપણે, હા, એકવીસમી સદી સુધી વીકસેલા આપણે રહેવા દીધું નથી ! થોડુંક અમથું નડ્યું નથી ને કાપી નાખ્યું નથી !!

૨) પ્રસ્ફોટ-લીલાઃ ધરતીનું પડ ચીરીને ફુટી નીકળતા લીલા રંગના ફુવારા જેવાં વૃક્ષો સાચે જ સમૃદ્ધીના ફુવારાઓ છે. શહેરના ચાર રસ્તાઓ પર જોવા મળતા જાતજાતના આકારના રંગીન ફુવારાઓ કરતાં અનેકગણી વીવીધતા અને આકારો ધરાવતાં આ વૃક્ષો, ધ્યાનથી જોઈશું તો ધરતીમાંથી ફુટી નીકળેલા ફુવારાઓ જ જણાશે ! વાંસનાં ઝુંડનાં ઝુંડ એનો ઉત્તમ દાખલો છે. સમૃદ્ધીનો લીલો રંગ વીશ્વભરમાં પથરાઈને પડ્યો છે તે આ રંગ-લીલા, આકાર-લીલા અને સમૃદ્ધી-લીલાનું જ પરીણામ છે. (આપણારાષ્ટ્રધ્વજમાં એને સમૃદ્ધીના પ્રતીક તરીકે મુકનાર મહાનુભાવને વંદન !!)

ઘણી વાર તો ભૌતીકતા અને સ્થુળતાનું પ્રતીક મનાયેલી કઠણ ધરતીને ચીરીને ફુટી નીકળેલો અંકુર, ઘાસનું એક તૃણ કે વધીને તરુ કક્ષાએ પહોંચેલું કોઈ વનસ્પતીબાળ શો સંદેશો આપે છે ? સંઘર્ષ, પુરુષાર્થ અને નરી જીવંતતાનાં એ બધાં પ્રતીકો આપણને ફક્ત વૈચારીક, ભાવાત્મકજ નહીં; પોતાના દૈવી ગુણો દ્વારા આપણામાં શારીરીક બળ પણ પુરું પાડે છે. અને આપણે ક્ષીણ થઈએ ત્યારે ઔષધી બનીનેય આપણને શીતળ લેપ કરી આપે છે – નવું જીવન આપવા !

૩) જન્મથી મૃત્યુ પર્યત સાથઃ ભારતીય સંસ્કૃતીમાં બાળકને જન્મ પછી ગળથુથી પાવાનો રીવાજ છે. (એ રીવાજ ‘છે’ માંથી ‘હતો’ થઈ જવાની તૈયારીમાં છે, હતો ન હતો થઈ જનારા અનેક રીવાજોની માફક જ !) શેરડીના રસમાંથી બનેલા ગોળનું પાણી જન્મતાંવેંત બાળકના પેટમાં જાય છે. એ જ સંસ્કૃતીમાં માણસ મૃત્યુ બાદ ચીતામાં પોઢે છે, ને લાકડાં ભેગો બળીને ભળી જાય છે આ પંચતત્ત્વલીલામાં, ત્યારે પણ વનસ્પતી મનુષ્યને સાથ આપી રહે છે. ગળથુથીથી ચીતા સુધી આપણને સાથ દેનારી વનસ્પતીનું ૠણ સતત અને સદાય યાદ રાખવાનું પણ આપણી સંસ્કૃતીએ જ આપણને ઠેર ઠેર બતાવ્યું છે, શ્લોકોમાં  સંઘરીને, ગીતોમાં ગવાઈને અને લોકગીતોમાં ઝીલાઈને. જનમથી મૃત્યુપર્યતના સોળે સંસ્કારો સાથે વણાયેલાં ગીતોનો અભ્યાસ કરીશું તો એમાં વનસ્પતી ગુંથાયેલી જોવા મળશે.

૪) વસ્ત્રલીલાએ શોભીત પૃથ્વીઃ વનસ્પતી આપણી આસપાસ ન હોત તો ? સવાલ માત્ર આપણને અકળાવી મુકશે. એના બધા જ ગુણોને બાજુ પર રાખીને ફક્ત એના સૌંદર્યને જ નજર સમક્ષ રાખીએ તોય વનસ્પતી આ વિશ્વનું સૌથી મોટું આકર્ષક તત્ત્વ છે. પૃથ્વી પર જોવા મળતાં બે તત્વો -પાણી અને વનસ્પતી એ આપણને સમગ્ર બ્રહ્માંડમાં અલગ પાડી દેનારાં તત્ત્વો છે. ટી.વી દ્વારા હવે તો ઘરઘરમાં તક ઉભી થઈ છે, બ્રહ્માંડના બીજા ગ્રહોને જોવાની. ક્યાંય કોઈ ગ્રહ નજીકથી ઝડપાયેલી તસ્વીરોમાં સુંદર દેખાયો છે ? રામરામ કરો ! પરંતુ પૃથ્વીને તો ચંદ્ર પરથી જુઓ કે વીમાનની ઉંચાઈએથી ઝડપેલાં દૃશ્યોમાં જુઓ; કે કોઈ પર્વત પરથી નીચે પથરાયેલી વનરાઈની હરીયાળીમાં જુઓ અથવા જંગલ-વન-ઉપવનમાં પ્રવેશીને એ હરીયાળીલીલાને આંખેથી સ્પર્શો; વૃક્ષની ડાળ ઉપર બેસી એ લીલાનો હીંચોળો લઈ લો કે એનાં કોઈ પાન, ફુલ કે પરાગને સ્પર્શીને અણુઅણુમાં એને ફુટી નીકળતી અનુભવો ! હજી સુધી તો પૃથ્વીની બરોબરી કરે તેવી સુંદરતા કોઈ અન્ય ગ્રહમાં જોવા મળી નથી !

(‘ભારત એક ખોજ’ સીરીયલના પ્રથમ એપીસોડમાં શ્યામ બેનેગલે ભારત દર્શન કરાવ્યું તે યાદ છે ? કાળીદાસના યક્ષે અષાઢના પ્રથમ દીવસે એટલી જ ઉંચાઈથી ભારતદર્શન કરાવ્યું છે તે ‘જોયાનું’ યાદ આવે છે ?)

૫) સદા સુકોમળઃ વૃક્ષોનીએક વીશેષતા એની કોમળતામાં પણ રહેલી છે. તાજો જ જન્મેલો અંકુર હોય કે દાયકાઓ જુનું ખખડધજ વૃક્ષ હોય; આકાશને આંબવા મથતું ઉંચું સોટા જેવું હોય કે ચહુદીશ પથારો કરીને બેઠેલું હોય; વૃક્ષની એકોએક ડાળને છેડે તો એ કોમળ જ હોય છે. વૃક્ષ ગમે તેટલું મોટું થાય, એની આંગળીયે તો એ બાળક જ રહેશે !! માનવી મોટો થતો જાય પછી એના દાંત-નખ તો શું વાળ પણ બરડ જ થતા રહે છે. ચામડીથીય એ કોમળ રહેવાને બદલે બરડ ને ‘જાડી ચામડી’નો થવામાં જ સાર્થક્તા માને છે !

૬) કલા-ધરાઃ કલાનીદૃષ્ટીએ પણ એક વાત નોંધી લઈએઃ કલાના બધા જ પ્રકારોમાં કાવ્ય ઉત્તમ. ‘કાવ્યેષુ નાટકમ્ રમ્યમ્’ ન્યાયે નાટકને વખાણ્યું કારણ કે એમાં બધી જ કલાઓ સ્ફુરી રહે છે. નૃત્યમાં પણ ઘણાં તત્ત્વોનો સમાવેશ છે. શીલ્પો તો થીજી ગયેલાં નૃત્યો ગણાય. (તો નૃત્યને થીરકી ઉઠેલાં શીલ્પો ગણીએ, બીજું શું ?!)

પરંતુ વૃક્ષ ? સતત બદલતી મુદ્રાઓ દ્વારા, અનેક પ્રકારની સુરાવલીઓ દ્વારા, રંગોની અને આકારની અનેક છાયાઓ-વીવીધતા દ્વારા પોતાને સતત મુખરીત રાખતું ને પ્રગટ કરતું રહેતું નર્યું કાવ્ય !! અછાંદસ પણ ખરું ને છાંદસ પણઃ ‘છંદાંસિ યસ્ય પ્રર્ણાનિ.’ ગીતામાં સંસારવૃક્ષનાં પાંદડાને છંદો કહ્યાં ! છંદ એટલે વ્યવસ્થા. ‘જેનું કોઈ ચોક્કસ રુપ ઓળખાતું કે સમજાતું નથી એ સંસારવૃક્ષને’ય કોઈ વ્યવસ્થા છે જ. વૃક્ષ-કાવ્ય એ આ પૃથ્વીનું છાંદસ-અછાંદસ એવું અપ્રતીમ કાવ્ય–તત્ત્વ છે.

અંધારી રાતે વૃક્ષોનું સંગીત જેણે માણ્યું તે આ વીશ્વમાં સૌથી ધન્ય ગણાય ! રાતના પવનમાં ધુણતો લીમડો જેણે સાંભળ્યો હશે કે પીપળાને ખડખડ દાંત કાઢતો સાંભળ્યો હશે તેને બીજા કોઈ મનોરંજનની જરુર ન રહે. પીપળો તો એની લાંબી ડાંડલી દ્બારા પાન ઝુલાવીને જે રીતે તાળી પાડતો હોય છે તેને તો ધ્યાનથી માણવો જ રહ્યો !

જ્યારે નૃત્ય ? નટરાજ શંકરના નૃત્ય પછી વૃક્ષનૃત્યની તોલે કોઈ નૃત્ય તો આવી શકે જ શી રીતે ?!

૭) સૌને સમજાય એવી કૃપાઃ પરંતુ આપણે તો રહ્યા માનવી. ઉપયોગીતાવાદથી જ જીવી રહેલા માનવીને હવા, પાણી પછીની ત્રીજી મહત્ત્વની જરૂરીયાત તે આહાર આપીને સદાય ઓશીંગણ રાખનાર વનસ્પતી આપણું જીવન જ છે. પ્રથમ બંને તત્ત્વોને પણ વનસ્પતીનો મોટો આધાર છે. પાણીને ‘જીવન’ કહ્યું તો વનસ્પતીનેય જીવનીયમ્’ કહીને આપણે ૠણ ચુકવવા પ્રયત્ન કર્યો છે.

પરંતુ વનસ્પતી આટલેથી અટકતી નથી. માનવીને આહાર આપ્યો તો ખરો. પણ એને આહાર લેતાં આવડતું નથી. પરીણામે, એ માંદોય પડતો જ રહ્યો છે. વનસ્પતીએ એ કાર્ય પણ સ્વીકારી લીધું. આહાર દ્વારા આપણું માતૃત્વ કરનારી વનસ્પતી આપણને સાજા રાખીને ને સાજા કરીને પ્રાણાભીસરત્વ પણ કરતી રહી છે.

નાણાકીય દૃષ્ટીએ વનસ્પતીનું મુલ્ય આંકતી વખતે હવા, પાણી, ખનીજો વગેરે એની હરીફાઈ કરનારાં તત્ત્વો જરુર ગણાય પરંતુ વનસ્પતીની સમૃદ્ધી જો એના ઔષધીય ગુણોની દૃષ્ટીએ આંકીએ તો એની બરોબરી કોઈ અન્ય તત્ત્વ કરી નહીં શકે. વીજ્ઞાન ગમે તેટલું આગળ વધે પણ જ્યાં સુધી વનસ્પતીનું આ ઔષધીય તત્ત્વ નહી ઓળખે ત્યાં સુધી મનુષ્યના આરોગ્યનો પ્રશ્ન એ વીજ્ઞાન ઉકેલી નહીં શકે.

કેવળ યોગશક્તી દ્વારા જ જે શક્ય હતું તે આપણા ૠષીઓએ ખોળી કાઢયું. વનસ્પતીનાં પાંદડાં જ નહીં, એનાં મૂળ, થડ, ડાળ, ફુલ અને ફળોમાં પણ રહેલાં રસ-ગુણ-વીર્ય-વીપાક-પ્રભાવને એમણે અત્યંત નાજુકતાથી, કલાત્મક રીતે અને છતાં વહેવારમાં લઈ શકાય એ રીતે એમણે આપણી સમક્ષ ખુલ્લાં કરી દીધાં ! માનવી એને ન સમજી શકે તો કઠણાઈ !!

પુષ્ણામિ ચૌષધિઃ સર્વા સોમો ભુત્વા રસાત્મકઃ એમ કહીને ઈશ્વર તો કહે છે કે એ પોતે જ ચંદ્ર બનીને ઔષધીઓને પોષે છે. આપણે તો એના પોષણની જવાબદારી વૃંદાવનના ગોપાલને સોંપીને દર વર્ષે એક વૃક્ષ તો વાવીએ.

 

3 comments

  1. Manav jivananu ajivan sathi vruksh, ene jetalu nihaliye ane jetalu anubhaviye etalu ochhu ane kshane khanenavi anubhooti.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *