ફેસબુકની ‘દીવાલો’ પર ભાષા–સાહીત્યના પાઠો !!

Posted by

ફેસબુક હવે ઘરઘરનું ને ઠેરઠેર લખાતુંવંચાતું માધ્યમ બની ગયું છે. એવો ભાગ્યે જ કોઈ વીષય હશે જે આ દીવાલો પર ચીતરાતો નહીં હોય.

આ દીવાલો પર ચીત્રો, કાવ્યો, લેખો ને માહીતીભંડારો ચોટાડાતાં હોય છે. શરુમાં આ કાર્ય માટે ़ચોટાડવું॰ ક્રીયાપદ કદાચ બંધબેસતું હશે પણ હવે એવું રહ્યું નથી. ફેસબુકની દીવાલોએ અનેક વીષયો પરના જાહેર વર્ગખંડો (ક્લાસરુમો) સર્જી દીધા છે ! હવે ઝીણી નજરે જોઈશું તો અહીં કેટલીક વીદ્વત્તાભરી વીગતો પ્રગટ થઈ રહીછે.

અહીં ભણાવનારાં ખુદ ભણનારાં પણ હોય છે. ન ભણવું હોય તોય કેટલાક લેખકો આપણને પરાણે ભણાવે છે ! આપણે મુકેલો કોઈ વીચાર વાચકને સામે લખવા પ્રેરે છે અને ઘણી વાર મુળ લેખકને એનો વાચક જ ભણાવતો થાય છે !!

મનની વાતો પ્રગટ કરવાની અહીં સૌને તક હોવાથી વર્ગરુમોમાં તોફાનો પણ થતાં રહે છે ને ક્યારેક શીક્ષકોય માર ખાઈ જતા લાગે છે. પણ એકંદરે આ બધો હલ્લાબોલ કોઈ સરસ મજાનાં પરીણામો લાવીને બધું સમુંનમું કરી આપે છે ત્યારે ફેસબુકનો આનંદ વ્યાપી વળે છે.

હમણાં હમણાં કેટલીક દીવાલો પર ગુજરાતી અક્ષરો, શબ્દો, વાક્યોથી લઈને સમગ્ર ભાષાના પ્રશ્નો ચર્ચાવા શરુ થયા છે. ભાષાની ખામીઓખુબીઓની સાથે સાથે જોડણીની બાબત ખુબ ઝીણવટભરી રીતે ચર્ચાઈ રહી હતી તેમાં જોડણીકોશ અને ગુજરાતી પાઠ્યપુસ્તકોના નીમીત્તે ગુજરાતી ભાષાની અનેક ખુબીઓ સમજાવાઈ હતી. આ ચર્ચાઓમાં સામાન્ય જાણકારોથી લઈને વીદ્વાનોએ ભાગ લીધો, જે હજુ ચાલુ જ છે.

એમ જ, ગુજરાતી સાહીત્યથી શરુ કરીને ઉત્તમ પરદેશી સાહીત્યના નમુનાઓ પણ પ્રદર્શીત થઈ રહ્યા છે ત્યારે કહેવાનું મન થઈ આવે છે કે જે કોઈને પણ ગુજરાતી ભાષા અને સાહીત્ય અંગે કાંઈ પણ નવું નવું જાણવાની તમન્ના હોય તેમણે આ ચર્ચાઓમાં વહેલી તકે દાખલ થઈ જવું રહ્યું. આ વર્ગખંડોમાં જે વહેંચાઈ રહ્યું છે તેમાંનું કેટલુંક તો ખુબ જ કીમતી અને ભાગ્યે જ બીજે ક્યાંય મળી શકે તેવું, લગભગ અલભ્ય એવું, હોય છે.

પ્રીન્ટ મીડીયામાં આ વસ્તુ ભાગ્યે જ બનતી હોય છે. ત્યાં પ્રગટ થતી વસ્તુ ફક્ત વાંચવાની જ હોય છે. ત્યાં આદાનપ્રદાન શક્ય નથી. જ્યારે આ વર્ગખંડોમાં તો ભણાવનાર ને ભણનાર ઉપરાંત પ્રેક્ષક–વાચક એ સૌ પરસ્પર સંકળાઈને જ્ઞાનને આદાનપ્રદાન બક્ષે છે !

વજેસિંહભાઈ પારગીના જોડણીસંદર્ભે શરુ થયેલો એક મોટો પ્રવાહ, એમાં બાબુભાઈ સુથાર જેવા વીદ્વાનોના પ્રવેશથી વેગીલો બન્યો છે.

મીત્રો ! ફેસબુકમાં આરંભાયેલા આ વર્ગખંડોમાં પીરસાઈ રહેલી વાનગીઓનો આસ્વાદ, આચમન અને ઓડકાર લેવાના આ ભોજન સમારંભમાં  જોડાવાની ભલામણ કરવાની લાલચ રોકી ન શકાતાં આજે ‘માતૃભાષા’  આ વાત લઈને સૌ સમક્ષ આવે છે.

सुज्ञाषु किं बहुना !

One comment

  1. सुज्ञेषु किं बहुना’ इति नियममाश्रित्य समस्तं समस्तं लिखति ।
    મા શ્રી દાવડાજી ફેસબુક શબ્દને માતૃભાષામા ચહેરાચોપડી કહે !
    અને
    અમે સેંડવીચને રેતડાકણ….
    માતૃભાષા ના વહાલાદવલાને सुज्ञेषु किं बहुना

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *