ગાય, ભેંસ અને બકરી (ગાયપુરાણ – ૩)

Posted by

આ ત્રણેય માતાઓ દુધ માટે જાણીતી છે. બાળક, પછી તે માનવબાળ હોય કે પશુબાળ, તેને જીવનનું સર્વપ્રથમ અને સર્વોત્તમ પોષણ માતાના દુધમાંથી મળે છે. માતાના દુધ પછી જીવનભર માનવી દુધ માટે આ ત્રણેય પશુઓ પર આધારીત રહેતો હોઈ એ ત્રણેયને માટે માતા શબ્દ પ્રયોજવો તે જરાય ખોટું ગણાય નહીં.

ભેંસ રાખવી સૌકોઈને પોસાય નહીં. બકરીનું દુધ થોડું વાસવાળું હોવાથી એને પીવા માટે બહુ વપરાતું નથી. (અમે નાના હતા ત્યારે ઘરે બકરી હતી. તળાટીના ઘરે બકરી હોય તો ચારામાં ગદબ (રજકો) અને છાસટીયો મળતાં રહે ને ખોળ ખવડાવવાનો ખર્ચ પોસાતો એટલે અમારી બકરીનું દુધ ઘણી વાર મોરસ–એલચી નાખીને કટાણે આવી ચડેલા મહેમાનોને પીરસાતું ! અને, ચા તો એના દુધની જ….) પણ ગાય એકંદરે સૌને પોસાય તેવું પ્રાણી છે.

ભેંસનો ખોરાક વધુ અને સાચવણી મોંઘી એટલે ખેડુતને તે સહેલાઈથી પોસાય, બાકી ભેંસ રાખવાનું સહેલું નથી. બકરી તો બીચારી. કોણ જાણે કેમ પણ “દીકરી ને ગાય, દોરે ત્યાં જાય” તે કહેવતમાં ગાયને મુકી તે ઠીક લાગતું નથી. ત્યાં ગાયને બદલે બકરી મુકી હોય તો લેખે લાગે. ….(કારણ કે પછી તો વાતવાતમાં ‘દોરે ત્યાં જાય’ને બદલે “માથું મારીને ખાય” એવું પણ બોલાવા લાગેલું !)

ગાંધીજીએ બકરીને આંતરરાષ્ટ્રીય ખ્યાતી અપાવેલી તે કસ્તુરબાને કારણે. પણ તેમની બકરીને કાજુબદામ ખવડાવાતા હોવાની અફવા ફેલાવીને ઘણાઓએ નબળો સંતોષ લીધેલો એવું કહેવાય છે. ગમે તેમ પણ, બકરીનેય માતાનું સ્થાન આપવાનું મને તો ગમે.

આ દેશમાં ગાયને ધાર્મીક સંદર્ભે આટઆટલું સ્થાન મળ્યું હોવા છતાં ભેંસ આગળ એની કીંમત ઓછી અંકાતી હોવાની વાત ન સમજાય તેવી છે. ભેંસ દુધ આપે તેટલા માટે થઈને તેને માનપાન અને ગાયને ભટકવા માટે રાનવેરાન ?! વળી ભેંસનો પુત્ર તો કોઈ કામનો નહીં ! જ્યારે બળદ તો હજી સુધી સાવ નકામો થયો નથી.

*****   *****   *****

આઝાદી પછી તરત જ આપણને કેટલાંક અત્યંત ઉપયોગી સુચનો કરનાર ફોર્ડ ફાઉન્ડેશને ભારતને એક એવું ઉપયોગી અને દીર્ઘદૃષ્ટી ધરાવતું સુચન કરેલું કે તેને જો મલમાં મુકાયું હોત તો ગાય આજે પુન: એનું પુરાણું અસલી સ્થાન મેળવી શકી હોત ! શું હતું આ સુચન ? ચાલો જોઈએ –

એમણે અભ્યાસ કરીને કહેલું કે ભારતનાં દુધાળાં પશુઓમાંનાં બે – ગાય અને ભેંસ –નો વીચાર કરીશું તો ખ્યાલ આવશે કે, ભારતના મર્યાદીત ગૌચરનો વપરાશ કરનારાં ચાર પ્રકારનાં પશુઓ છે. આ ચારેય વચ્ચે ગૌચરનો બધો જ માલ વહેંચાઈ જતો હોવાથી ગાયને પુરતો ખોરાક મળી શકે નહીં.

આ ચાર પશુઓ તે –

૧) બળદ માટે જરુરી ગાય;

૨) ખેતી માટેનો બળદ

૩) દુધ માટેની ભેંસ અને

૪) કોઈ કામનો નહીં તેવો ભેંસનો પાડો.

આ ચારેયને તમારે પોષવા પડે છે. ને ગૌચરમાં એ ચારેય ભાગ પડાવે છે.

જો ભેંસને પાળવાનું જ બંધ કરી દેવામાં આવે તો –

  • ગાયને પુરતો ઘાસચારો ને દાણ મળી રહે. (ભારતની ગાય સમગ્ર દેશને દુધ પુરું પાડવા સક્ષમ છે !)
  • ગાયની વાછડી કામની રહેશે અને બળદ ખેતીમાં જરુરી છે જ.

પરીણામે ભારતમાં ચાર ને બદલે બે પશુઓ પાળવાનાં રહેશે : ગાય અને બળદ !!

આ વાત સ્વીકારાય તો આપણી ગાય સાચ્ચે જ માતા બનવા સક્ષમ છે.

આજે રસ્તામાં રખડતી ગાયોને સરસ મજાનાં માનપાન, રહેઠાણ મળ્યાં હોત ! પ્લાસ્ટીકની કોથળીઓ સહીતનો વાસી, એંઠો, ગંધાતો, ખોરાક ખાઈને ગુજારો કરવાનો વારો આવ્યો ન હોત. માંસાહાર માટે ગાયને બદલે બીજાં પ્રાણીઓને સાચવી શકાયાં હોત. એ પૌરાણીક સમયમાં જે ૩૩ કરોડ દેવતાઓને સમાવીને બેઠી હતી તે ગાય આજે ૧૨૫ કરોડ “જીવતા દેવો”ને સાચવી શકતી હોત !!

કહેવાની ભાગ્યે જ જરુર છે કે આજે હવે વૈશ્વીક કક્ષાએ ગાયનાં દુધ–ઘી અને છાણમુત્રની કીંમત સમજાઈ રહી છે. નવાં સંશોધનો કરનારાંઓ ગાયના આ પદાર્થોમાં રહેલાં કીંમતી તત્ત્વોને ઓળખી ગયાં છે. આવતી કાલે ગાયના છાણમુત્રનું મહત્ત્વ સમજાવાનું જ છે.

ત્યારે ગાયો તરફનો ખોટો ઉહાપોહ કરીને ગાયને ચર્ચાના ચોતરે ઢસેડવાને બદલે એને એનું સાચું સ્થાન અપાવવાનો સમય આવી પુગ્યો છે.

અસ્તુ.

– જુગલકીશોર.

 

3 comments

  1. નંદી અને પાડા [ ભૅન્સા ] સંવર્ધન માટે અને પાળેલા પાડા ને વાહન સાથે ઉપયોગ માં લઇ શકાય

  2. આભાર ઝવેરીસાહેબ.

    નંદીની સંખ્યા નહીંવત રાખવાની હોઈ એને ગણતરીમાં લેવાની જરુર નહીં. વાહનમાં હવે પ્રાણીઓ રહ્યાં નથી. વળી એને હીંસામાં ગણાશે ! મુળ સવાલ તો ચાર પ્રકારના વર્ગોમાંથી બે જ વર્ગો રાખવાની વાતનો હતો. ભેંસને તદ્દન જાકારો આપવાની વાત હોઈ પાડો આપોઆપ અદૃષ્ય બની રહેત……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *