દેવોની વચ્ચે બેઠેલી ગાય ! (૨)

Posted by

ગાય

એક સમય હતો જ્યારે ભારતનો પ્રમુખ ઉદ્યોગ ખેતી હતો. પશુપાલન એ ખેતીનો સહયોગી ઉદ્યોગ હતો. બન્ને ઉદ્યોગો એકબીજા પર આધારીત હતા…..પણ હરીફ નહોતા. નોકરી જેવી વાત આજના અર્થમાં એ વેળા નહોતી. વ્યાપાર હતો. રાજકીય શક્તી પણ સક્રીય હતી. પરંતુ તેની એક શૈલી હતી સમાજકાર્યમાં જરુરી વ્યવસ્થા માટેની.

રાજ્યવ્યવસ્થા પછી ખેતીનો નંબર ગણાતો. હજારો વરસથી ચાલી આવેલી પ્રથા અને હકીકતી વ્યવસ્થાનુસાર ત્યારથી માંડીને હજી હમણા સુધી, કહો ને કે ૧૯મી સદી સુધી ખેડુત જગતનો તાત કહેવાતો હતો. જગતના તાતને જમીન જેટલું જ મહત્ત્વ પશુપાલનના આધારરુપ ગાયનું હતું. ગાય ખરેખર તો ખેતીનો આધાર હતી. એનો વાછડો બળદરુપે ખેતીનો સર્વેસર્વા હતો. ને વાછડી અમૃતતુલ્ય દુધ દેનારી હોઈ સમગ્ર કુટુંબ અને સમાજના જીવનમાં બહુમુલ્ય ફાળો આપનારી બની રહેતી હતી.

ગાય આ વાછડા અને વાછડીના કારણે જીવનમાં મોભાનું સ્થાન પામી ચુકી હતી. ભેંસનું સ્થાન આપણા એ પુરાણા સમયમાં ન હતું. ગાય એક વીશેષ જીવરુપ હતી. એને માતા કહેવાથીય આગળ વધીને ૩૩ કરોડ દેવતાઓના સ્થાનક સમી ગણાવાઈ……તે અંગે જરા રોકાઈને પછી વાત કરીએ –

*****   *****   *****

વેદો આપણા જ નહીં પરંતુ સમગ્ર વીશ્વના સૌથી જુના અને સૌથી મહત્ત્વના ગ્રંથો ગણાયા છે. એની રચના કોઈ એકલદોકલ વ્યક્તીઓએ કરી નથી. લાંબા સમયના અંતરે એની રચના થયાનું જણાય છે. આ ગ્રંથોમાં દેવોની વાત આવે છે તેવી ને તેટલી વાતો ભગવાન બાબતે નથી એવું કહેવાયું છે. માનવ અને અન્ય જીવોના જીવતરને ઉપયોગી જે તત્ત્વો હતાં તેમની ઉપયોગીતાનું ઋણ ચુકવવાની વાત આ સમયમાં જાણીતી અને રોજીંદા જીવનમાં વણાઈ ગયેલી હતી. આ બધાં જ ઉપયોગી તત્ત્વોનો આભાર માનવા માટે અને તેઓની મદદ અસ્ખલીતપણે સૌને મળતી રહે તે માટે તેમની પ્રાર્થનાઓ – ખુશામત લાગે તેટલી હદે કરવાના રીવાજો બની ગયા હતા. આ બધાં તત્ત્વો દૃષ્ય કે અદૃષ્ય પણ હતાં. પણ એમની મદદ જીવનની કૃપારુપ ગણાતી એટલે એમને મનાવવા માટેના પ્રયત્નો ભક્તીરુપ બનતા રહ્યા અને આ પ્રાર્થનાઓ સૌને સમજાય તેવી ભાષા અને શૈલીમાં વાર્તાઓરુપે પણ પ્રગટ થતી રહી.

આ બધાં તત્ત્વોને દેવો તરીકે ઓળખીને તેમની પુજા કરવા સુધીના આચારો – રીચ્યુઅલ્સ – ધીમેધીમે જીવનમાં અનીવાર્યરુપે વણાતા ગયા.

(સંસ્કૃતમાં ગાય (ગો)ના ઘણા અર્થો છે. ગો એટલે એક પશુ ઉપરાંત ગાયનાં બધાં અંગો–તત્ત્વો, કિરણો, કાશ, પૃથ્વી, બળદ, ઈન્દ્રીય, સુર્ય વગેરે. ગાયોને દેવોના ઐશ્વર્યરુપ કે તેજકીરણોરુપ ગણાવાઈ છે. ગોપતિ એટલે ગાયનો માલીક, સુર્ય, ઈન્દ્ર, કૃષ્ણ, શંકર, વરુણ વગેરે……)

આ દેવોમાં સૌથી નજીકનો અને હાથવગો પણ સૌથી વધુ ઉપયોગી દેવ તે અગ્ની હતો. સુર્ય પણ પછી આવે ! દેવોનો સમુહ બને પછી એને પણ આગેવાન તો જોઈએ એટલે રાજારુપ ઈન્દ્રને પણ સર્જ્યો ! ને આ બધાને અર્ઘ્ય આપવા માટે આકાશગામી જેની ગતી છે તેવા અગ્નીનું જ પહેલાં પુજન કરીને તેને પ્રગટ કરવામાં આવતો. અને અર્ઘ્ય માટેની સામગ્રીને હવનસ્થાને આહુતીરુપે અગ્નીમાં મુકીને બધા દેવોને પહોંચાડવાની એક પદ્ધતી ઉભી કરવામાં આવી. આ અને બીજી અનેક રીતે દેવોને મનાવવાની તથા એનો આભાર માનવાની રીતો જીવનનો જ એક ભાગ બની રહી.

ગાય પણ એવું જ એક ઉપયોગી તત્ત્વ હતી ! એ ખેતીપ્રધાન સમાજનો આધાર હતી. પરંતુ સૌથી ધ્યાન ખેંચનારી બાબત એ હતી કે તે બીજા દેવોની સરખામણીએ જીવંત હતી !! હવા, પાણી, પ્રકાશના કરતાં તે વીશેષ હતી ! માનવીના રહેઠાણ પાસે જ, એ માનવીજીવનના જ ભાગરુપે રહેતી હતી. એના વગર ચાલે તેમ નહોતું. ને સંશોધનો થતાં ગયાં તેમ જાણવા મળ્યું કે તેના દુધમાં અને છાણમુત્રમાં દીવ્યતત્ત્વો રહેલાં છે ! આ બધું ગાયને દેવીરુપ બનવા ને માનવા–મનાવવા માટે કારણરુપ બની ગયું ને એમ ગાય માતાનું સ્થાન પામી.

એ સમયે આપણા દેશની વસ્તી આશરે ૩૩ કરોડની આસપાસ હશે ! એટલે ૩૩ કરોડ માનવજીવોને આધાર આપનારી (એટલે કે પોતાનામાં સમાવી રાખવાની ક્ષમતાવાળી) એવી ગાયને ૩૩ કરોડ માનવદેવોનું સ્થાનક ગણાવાઈ હશે !! (વાતચીતમાં ઘણી વાર માણસોને “જીવતા દેવો” તરીકે હળવાશથી દર્શાવવામાં આવતા હોય છે ને !)

આજે પણ તંદુરસ્ત ગાય આરોગ્યનો અનન્ય સ્રોત છે તે બાબતે કોઈ શંકા નથી. ભેંસના આધીપત્ય પછી તેની જે અવદશા થઈ તે સૌ જાણીએ છીએ. ધાર્મીકતાના પ્રતીકરુપ ગણાતી ગાય આજે સૌથી ગંદો જીવ જણાય છે તે નાનીસુની શરમ નથી……

ભેંસના સંદર્ભે ગાયની વાત હવે પછી –

 

 

One comment

  1. યાદ આવે
    પરશુરામ જે વિષ્ણુનાં અવતાર માનવામાં આવે છે, તે પોતાનાં શત્રુ તરીકે સહસ્રાર્જુનને ગણાવતા હતા.
    કારણ કે સહસ્રાર્જુને કામધેનું ગાયનું અપહરણ કર્યુ હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *