ગાય, ગોધણ(ન) અને ગોધુલી (૧)

Posted by

“ગાય રે ગાય, તું મોરી માય;

નિત નિત ડુંગરે ચરવા જાય !”

૧૯૫૫ એટલે કીશોરાવસ્થાનો આરંભ. એ સમયથી લઈને ૧૯૬૫–૬૬ આસપાસ સ્નાતક થઈને અમદાવાદ આવવાનું થયું ત્યાં સુધી ગામડું જ હતું જીવનમાં. શહેર જાણે કે કલ્પનાની બાબત હતી. ગામડાની અગવડો કોઈ ઓછપ બતાવતી નહોતી, કે નહોતી કોઈ ફરીયાદ સગવડોને નામે.

ગામને પાદર દરેક ઘરેથી સવારના પહોરમાં ગાયો ભેગી થવા લાગતી. તત્કાલ કોઈ એ ગાયટોળાની દેખરેખ રાખનારું ત્યાં હાજર હોય જ એવું નહીં. વહેલી સવારે નીરણ કરેલું હોય ને થોડા સમય પછી વાછરુંને ધવડાવીને દુધ દોહવાઈ ગયું હોય પછી ખીલેથી છોડી મુકાઈ હોય તે સીધી પાદરે જઈને ગામ આખાની ગાયો બીજી બહેનપણીઓ સાથે જોડાઈ જાય. ને પછી ગોવાળ આવે ત્યાં સુધી પેટમાં ગોળા વાળીને મુકી રાખેલા કૉળીયાને વાગોળવાનું ચાલે.

વચવચમાં પોદળા થાય તેને ઝડપીને સુંડલામાં સંઘરી લેવા માટે ગામની કુમારીકાઓ દોડાદોડી કરતી હોય. તગારાં પણ એ જમાનામાં ભાગ્યે જ જોવા મળતાં. સુંડલામાં ભેગું થયેલું છાણ એ કુમારીકાઓની તે દીવસની કમાણી હતી. કેટલીક છોકરીઓ જ નહીં, મોટી ઉંમરની બહેનો પણ આ કાર્યક્રમમાં સક્રીય હોય. ક્યારેક દુરથી જોઈ જાય કે કોઈ ગાય પોદળો કરે છે, તો પહેલી નજર જેની પડી હોય અને “ભાળ્યો છે”, “મારો છે” કે પછી “પેલી રાતડી કરે છે !” એવો સાદ જેણે પહેલા કર્યો હોય તેને તે પોદળાની માલીકણ ગણી લેવાતી ! પોદળામાં ખુતાડેલું સાંઠીકડું પણ માલીકીહક દર્શાવતું. સાંઠીકું ખુતાડેલા પોદળાને કોઈ બીજું ન જ લે તેવો વણલખ્યો ને પ્રામાણીકતાથી પાળવાનો કાયદો હતો !

કેટલીક કુમારીકાઓ પોદળામાંથી નાનાનાના છાણા જેવા આકારનો કુબો બનાવીને વચ્ચે એક મોટો કાંકરો મુકીને જોરથી કુબાને ઉંધો કરીને પછાડે. પરીણામે કુબો જમીન પર પડતાં જ ફુટે ! વચ્ચેના કાંકરાની સાઈઝ અને પછાડવાની રીતના આધારે એ કુબાની વચ્ચોવચ મોટું કાણું પડી જાય…..સામે પક્ષે રમતી છોકરીએ તે કાણાની જગ્યા પુરાઈ જાય તેટલું છાણ એ ફુટેલા કુબામાં ભરી આપવાનું…..આ હતો છાણનો જુગાર !! આ રીતે પણ છોકરીઓ છાણ જીતીને લઈ જતી જોઈ છે.

ગામની ભાગોળે, ગોવાળના આવતાં સુધી ચાલતી આ પ્રવૃત્તીઓ ગાયધણ સાથેની રોજીંદી બાબત હતી. એ સમય હતો જ્યારે છોકરીઓને ભણવાકારવવાની ચીંતા એટલી નહોતી જેટલી મુક્ત મને ગાયગોબરની રમતોની હતી. છાણાં થાપવાની પણ આવડત હતી. સહેજસાજ ધુળ ભેળવીને થપાતાં છાણાં જગ્યા હોય તો વાડામાંની જમીન પર કે પછી દીવાલો પર ચોટાડી દેવાતાં. સુકાઈને આપોઆપ ખરી પડે તો ઠીક નહીં તો જાળવીને, ન ભાંગે તે રીતે ઉખાડવાનાં રહેતાં. આખાં હોય તો વેચાણ કરવામાં લાભ થાય ને !

આ જ છાણાંનો ઢગલો એક સંપત્તી ગણાતી. છાણાં તો નાજુક ચીજ. એને ઢગલે રખાય નહીં, તુટી જાય. એટલે ચોરસ આકારમાં બે છાણાં વચ્ચે સહેજ જગ્યા રહે તેવી ચોગઠા આકારમાં ગોઠવાતાં. બીજી લાઈન બે છાણાં વચ્ચે રાખેલી જગ્યામાં છાણું ગોઠવીને કરાતી. ગંજીપાનાં પાનાંની જેમ ઉપરાઉપરી ગોઠવાતી એક ઉપર બીજી એમ દસબાર છાણાંથી લઈને પંદરવીસની ગોઠવણીથી થતા આ વ્યવસ્થીત ઢગલાને “(છાણાંનું)મોઢવું” કહેતા. આખું વરસ ચાલે એટલાં છાણાં બળતણ માટેની વ્ય્વસ્થા હતી. ખેડુત લોકોનાં ઘરનાં આ કામમાં ભાગ્યે જ જોડાતાં. એમનાં ઢોરાંમાં ગાયો ઉપરાંત બળદો ને ક્યાંક ભેંસો પણ હોય તે સૌનું છાણ તો ખેતરના અન્ય કચરાની સાથે ખાતર તરીકે સોના જેવી કીંમતે/ગણતરીએ ભેગું કરાતું હતું.

હોળીના દીવસો અગાઉ ગામના મોટી ઉંમરના છોકરાઓ ને યુવાનો આ મોઢવા ઉપર નજર રાખે. છાણાંનો માલીક પણ સલામતી માટે મોઢવાની ચોકી કરે ! છતાં હોળીના ઘેરૈયા લાગ મળે એટલે ગામ આખામાંથી ચોરીચોરીને ગામપાદરે છાણાં ખડકીને હોળીની તૈયારી કરે. દરરોજ ચોરાયેલાં છાણાંની ગોઠવણીની સાથે સાથે જ યુવાનો કાનમાંથી કીડા ખરે એવી ગાળો મોટેમોટેથી બોલે. ગામનો ઉતાર હોય તેને સૌથી વધુ ગાળો મળે ! વળી ભેગા થયેલા છોકરાઓ બોલવામાં બાકી ન રહે તેથી “ગાળો ન બોલે તેની…….” એમ કહીને ખરાબ ગાળ દેવાતી જેથી બધાએ ગાળો બોલવાનું ફરજીયાત બની રહેતું. (અમને આ ગોઠવણીકાર્યોમાં જવા દેવાની પરવાનગી નહોતી. તળાટી સાહેબના અને પાછા ભામણના છોકરાવ તરીકે ત્યાં અમારી હાજરી એ છોકરાઓ પણ ન ઈચ્છતા !)

હોળીમાં આ સોનાની કીંમતનું છાણ ભડભડ બળે તેની ચીંતા ભાગ્યે જ કોઈ કરતું.

ગાય, ગાયનું સવારે ભેગું થતું ધણ, સાંજે ગોધુલી ટાણે હમ્ભા હમ્ભા કરતી ભુખ્યા થયેલાં વાછરુંને ધવડાવવા તત્પર એવી દોડતી ગાયોનું ગોરજ ઉડાડતું દૃષ્ય – આ બધું અમારા કુમળા મનમાં સંઘરાતું ગયેલું. આ બધું ગાયોની સાથેનું એક અનીવાર્યપણે સંકળાયેલું રહેલું સંસ્કારધન હતું. એણે, નહીં ફક્ત ગાયો માટે, પણ ગ્રામીણ જીવનની કેટલીક અવીનાભાવી સંબંધે સંઘરાયેલી સંસ્કૃતીને આજીવન જોડેલી રાખી છે.

અમારે ઘરે પણ એક ગાય હતી. આજે અચાનક જ આ ગાય, કીબોર્ડે સજીવન થઈને મારાં ટેરવાંને પ્રેરણા આપી બેઠી …..!

ગાયો અંગે કેટલુંક હવે પછી –

 

5 comments

 1. “ગામડાની અગવડો કોઈ ઓછપ બતાવતી નહોતી, કે નહોતી કોઈ ફરીયાદ સગવડોને નામે.”
  મનુષ્ય સ્વભાવ અને ખાસ કરીને બાળસ્વભાવ, જે સગવડતાઓ અનુભવી ન હોય તેની ઓછપ સાલતી નથી અને તે સુખ સંતોષનું કારણ બની રહે છે. સરયૂ પરીખ.

 2. સરસ! ઘણી બધી યાદો તાજી કરાવી. પોદળા ભેગાં કરવાથી માંડી છાણાં બનાવવા સુધીની બધી પ્રક્રિયાઓ ભાવનગરના બોરડી ગેટ પાસે અમે રહેતા ત્યારે જોયેલી છે.
  હોળીના દિવસોમાં આ છાણાંનાં મોંઢવા વિશે મારા બચપણની કરૂણ યાદ- જે આગળ જતાં શરમની વાત બની તે હજી યાદ આવે છે અને મન ઉદાસ થઈ જાય છે.
  અમદાવાદમાં હાલ જ્યાં ‘રિવર ફ્રન્ટ’ છે, ત્યાં કોટની પાસે રામબારીની બહાર એક ‘બસ્તી’ હતી. ટિન અને માટીનાં ઝૂંપડાં, તેમાં ઉત્તર પ્રદેશ અને બિહારથી આવેલા ગરીબ લોકોનો વસવાટ. અમારી કિશોરોની ટોળીમાં કોઈએ ખબર આણી કે રામબારીના પગથિયાંની નજીકના એક ઝૂંપડાના ટિનના છાપરા પર ઢગલો’ક છાણાં છે. બપોરના સમયે બસ્તીના મરદલોક કામ પર મિલમાં ગયેલા. કેટલાક રહેવાસી વિક્ટોરિયા ગાર્ડનની સામેની ફૂટપાથ પર લાઈનબંધ બેસતા અને વાળ કપાવવા કે ચંપી કરાવવા આવનારા ઘરાકની રાહમાં બેસતા. આ લાગ જોઇ અમે રામબારીની બસ્તીમાં પહોંચી ગયા. અમે જોયું કે અમારા ‘ટાર્ગેટ’ ઝૂંપડાની અંદર એક બહેન ખાટલામાં સૂતાં હતાં તેમ છતાં અમે છાપરા પરથી છાણાં લૂંટવાનું શરુ કર્યું. પેલાં બહેન રડમસ અવાજે કહેવા લાગ્યાં, “અરે બચ્ચોં, થોડે લે લો, બાકી મહેરબાની કરકે કુછ તો છોડકે જાઈયે…” આ બહેન બહાર આવે કે તરત નાસી જવાની અમારી તૈયારી હતી, પણ આ બહેન ગળા સુધી ચાદર તાણીને સૂતાં હતાં, તે ઉઠ્યાં નહિ. ખેર, અમે લેવાય એટલાં છાણાં ઉપાડીને નાસી ગયા.
  બીજા દિવસે આ બસ્તીમાં રહેનાર એક બહેન અમારાં બાને કોઈ કોઈ વાર મદદ કરવા આવતાં, તેમણે મને કહ્યું, “ભાઈ, ગઈ કાલે પેલા નઠારાં છોકરાં અમારી બસ્તીમાંના એક પરિવારનાં છાણાં લૂંટી ગયા હતા, તેમાંથી કોઈને તમે ઓળખો છો? જો ઓળખતા હો તો તેમને કહેજો કે પેલાં બહેન તેમને તગડી મૂકવા તેમના ખાટલામાંથી એટલા માટે નહોતાં નીકળ્યાં કે ઘરમાંની બે સ્ત્રીઓ વચ્ચે પહેરવા માટે એક જ સાડલો છે. એક બહેન લોકોનાં ઠામ-વાસણ કરવા સાડલો પહેરીને ગયા હતા, તેથી બીજાં બહેન ફાટેલા કપડામાં એવી હાલતમાં હતાં કે તેમને ચાદર ઓઢીને ખાટલામાં પડી રહેવું પડ્યું હતું. પડ્યાં – પડ્યાં તેમણે અનેક વિનવણીઓ કરી, પણ આ છોકરાંઓએ તેમની વાત પર ધ્યાન ન આપ્યું. તમારા દોસ્તારોને કહેજો, હોળીમાં ભલે તોફાન મસ્તી થાય, પણ વિવેક, મર્યાદા અને માણસાઈની હદ કદી ઓળંગવી ન જોઈએ. અને હા, ગરીબો પર દયા જરૂર કરવી. છાણાં વગર ગઈ કાલે રાતે તેમના ઘરમાં રસોઈ ન થઈ અને આખો પરિવાર લગભગ ભુખ્યો રહ્યો હતો…”

  1. “બીજું એકે ખમીસ ના !” કાવ્ય યાદ આવ્યું…..ગાંધીનેય આ અનુભવ થયેલો….બાળરમત ક્યારેક કેવી પરીસ્થીતી સર્જે છે ! આભાર.

 3. બધી અનુભવેલી વાતો મન પ્રસન્ન કરી ગ ઇ
  બાળપણમા આવું જોડકણું ગાતા
  ડોસી માં ડોસી માં ક્યાં ચાલ્યા.
  છાણાં વીણવા.
  છાણાં માંથી સુ મળ્યું.
  રૂપિયો રૂપિયા નું સુ લાવ્યા.
  ગાંઠિયા.
  બળ્યા તમારા ટાંટિયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *