ભાષા : શેને માટે ? કોને માટે ?

Posted by

(આ સમગ્ર લખાણમાં હ્રસ્વ ઇ કે દીર્ઘ ઊ ન આવે તેની કાળજી લેવામાં આવી છે !)

હમણાં કેટલાક સમયથી ફેસબુક ઉપર એક યજ્ઞ ચાલી રહ્યો છે. સામાન્ય રીતે સમાજનું ભલું કરવા માટે યજ્ઞ થતા હોય છે. આ પણ એવો જ એક શુભસંકલ્પ સાથે થયેલો યજ્ઞ છે.

સુથારનું મન બાવળે હોય તેમ, કાર્યે જોડણી સુધારક એવા શ્રી વજેસિંહભાઈ પારગીનું ધ્યાન દાયકાઓની રાહ જોવડાવીને તૈયાર થયેલા ૧૨૦૦ પાનાના દળદાર અંકમાંની કેટલીક ખામીઓ તરફ ગયું. ઝીણી નજરે જોતાં, એ કોશમાં હદ બહાર ખામીઓ જડી !

આટલી લાંબી રાહ જોવડાવ્યા પછી આવેલા મસમોંઘા કોશ પાસે રખાતી અપેક્ષાઓ ઉપર જાણે કે પાણી ફરી ગયું હોય તેમ બન્યું……એટલે પછી ફેસબુક ઉપર જોડણીના માપદંડથી રહી ગયેલી ખામીઓ એક પછી એક જેમજેમ બતાવાતી ગઈ તેમતેમ બીજા સુજ્ઞ જાણકારો અને વાચકોને પણ આ બાબત સૌની પોતાની લાગી….અને એટલે પણ કેટલાક સામાન્ય વાચકો, કેટલાક લેખકો અને ખાસ કરીને ભાષાના અભ્યાસુઓ એમાં જોડાતા ગયા. ને એમ વાત આગળ વધી.

પણ આ જ વાતને એક નવો ધક્કો પાઠ્યપુસ્તકોમાં પણ જોવા મળેલી પારાવાર ખામીઓએ આપ્યો અને જોડણીદોષોની વાતમાંની બળતરામાં એક મોટું આશ્ચર્ય ભળ્યું. આ આશ્ચર્ય કોઈ બાળકને થતું આશ્ચર્ય ન હતું પણ ભાષા માટેનું તે એક સર્વસાધારણ વેદના બનીને રહી ગયું ! બાળકો–યુવાનોને માતૃભાષા શીખવા–શીખવવા માટેનું હાથવગું સાધન જો કોઈ હોય તો તે શાળામાંનું ગુજરાતીનું પાઠ્યપુસ્તક જ ગણાય. આ પુસ્તક ભાષા શીખવા માટે તો તે સૌને ગીતાજી જેવું જ ગણાય. એમાં મુકાયેલા પાઠો અને તેમાંની ભાષા શીખનાર માટે તો આધારસ્થંભ જ ગણાય.

હવે દુખની બાબત અહીં જ હતી. આ ભાષા માટેનાં જ પુસ્તકોમાં ખામીઓ હતી – બેચાર નહીં પણ સેંકડોની સંખ્યામાં હતી ! આ બાબતે આખી વાતને નવો ફાંટો મળ્યો અને જે જોડણીની જ હતી તે બાબત સમગ્ર ગુજરાતી ભાષા પ્રત્યેની ચાહનામાં પલટાવા લાગી.

આ બાબત, આશ્ચર્ય–દુખ–વેદનાની હતી તે, એક ચાહનામાં ફેરવાતી થઈ તેની નોંધ લેવી જ રહી. અને તેથી જ શ્રી પારગી અને એમના સૌ વાચક–સાથીદારો પ્રત્યે, આજના તો ખરા જ, પણ હવે પછીનાં સૌ કોઈ પણ આભારી રહેશે……

જોકે સવાલનોય સવાલ તો એ છે કે, શું સાવ સાચું ગુજરાતી લખવાનું સામાન્ય લેખક માટે શક્ય છે ખરું ?

જો હા, તો પછી –

 • આજે ભલભલા લેખકોની ખામીઓ કેમ બહાર આવી રહી છે ? જોડણી સુધારકો વગર તેઓ કેમ અપંગ જેવા બની રહ્યા છે ?
 • પ્રકાશકોને હવે પોતે પ્રગટ કરેલી ચોપડીઓમાં રહી ગયેલી ખામીઓ માટે સુધારપત્રક છાપવાનું કેમ પોસાતું નથી ?
 • જોડણીની ખામી રહી જવા પામે તો તેવી ચોપડીઓને માટે જવાબદાર સંસ્થાઓ કે સરકાર તરફથી કેમ કોઈ દંડનીય કાર્યવાહી થતી નથી ?
 • શુદ્ધ ભાષાનો આગ્રહ રાખવાનું શું હવે ઠીક લાગતું નથી ?
 • માતૃભાષા હવે “શું–શાં પૈસા ચાર”માંથીય જશે કે શું ?!
 • પાઠ્યપુસ્તકોમાંની અસહ્ય અને અક્ષમ્ય ખામીઓ ઉપરાંત –

ખુદ જોડણીકોશમાં પણ જોવા મળેલી આ બધી અક્ષમ્ય બાબતોને કારણે –

“હવે કોઈને સ્વેચ્છાએ ગુજરાતી ભાષા બાબત માથાઝીંક કરવાનો હક રહેતો નથી…” એવા, ગાંધીજીના ‘શીલાલેખ’ જેવા અવતરણને અનુસરવાનું રહે છે કે ?!

(વધુ હવે પછી)

 

3 comments

 1. આ લેખ વિચાર કરાવે છે પણ શું કહેવું અને ગુજરાતી ભાષાને કેમ કરીને સબળ કરવી!
  જોડણીની અકળામણ ઘણી સતાવે છે…જ્ઞાનીને તેમજ અધકચરા જ્ઞાનીને.

 2. થોડા દિવસ પહેલા જ મારા એક સવાલના જવાબમાં જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા શ્રી રઘુવીર ચૌધરીએ કહ્યું હતું કે શાળામાં નિબંધમાં જોડણીની ભૂલના માર્કસ ન કાપવા જોઈએ.

 3. વિશેષજ્ઞ ભલે બધી વાતે ૧૦૦% સંપૂર્ણ ન હોય, પણ અશુદ્ધ ભાષા તેને ખટકે જ ! સામાન્ય લેખકો ,વાંચકો ને
  એટલા રસ-અભિરુચિ ન હોય એટલે ચલાવી લેવાની વૃતિ સહજ હોય, આ તો હકીકતમાં મારે માટે ” અંગત અને વ્યક્તિગત બાબત “,જાણકાર પોત સુધારીને વાંચે,અર્થ-માયના,મતલબ સમજી લે . બાકી શૈક્ષણિક પુસ્તકોમાં
  વ્યાકરણ,જોડણી, ભાષા-શુદ્ધિનો આગ્રહ સત્તાધારીઓ દ્વારા રખાવો ઘટે,આ અત્યંત જરૂરી છે . કર્ત્વત્ય-ફરજ નિભાવનારા ને માં-સન્માન અને અપરાધીઓ,ભૂલો કરનારાઓને દંડ ન્યાયપૂર્ણ રી તે મળે તો અતિ-ઉત્તમ જ
  ખોટી જોડણી અને યોગ્ય સ્થાને અમુક અસંબંદ્ધ શબ્દો “અર્થ-ફે ર” કરાવતા હોય છે …આ પરંપરા-સાપેક્ષ દૃષ્ટિ
  ઇચ્છૂકો ધ્યાન આપે તો ” કૈંક” જરૂર થઇ શકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *