મોરનો “થનગાટ” કે “થનગનાટ” ?

Posted by

હમણાં હમણાં “મોરનો થનગાટ” વારંવાર સાંભળવા મળતો જાણીને શબ્દકોશો ફ્ફેસ્યા. ક્યાંય થનગાટ શબ્દ મળ્યો નહીં.

થનગનાટ શબ્દ તો બહુ જાણીતો છે. થનથન કે થનક જેવા શબ્દો નૃત્ય સાથે સંકળાયેલા રહ્યા છે. પગમાં ઝાંઝરી પહેરેલું બાળક ચાલે ત્યારે આ શબ્દો વપરાતા રહે છે. થનથન અને થનક શબ્દોમાં જે રવ છે તે અહીં સાર્થક બને છે.

ચીલાચાલુ અર્થમાં મોર જોકે નૃત્ય કરતો હોતો નથી. તે કળા કરીને પછી કેવળ ચકરડી ફરતો રહે છે. પણ થોડીથોડી વારે કળા કરેલાં પીંછાંને થરથરાવે  છે જેનો એક વીશેષ ધ્વની હોય છે. આ ધ્વનીમાં પણ થનથન, થનક કે થનથનાટ કહી શકાય તેવો રવ તો નથી જ હોતો. મોરની કળા એ પોતે જ નૃત્યની એક ભંગીમા છે. એ એક મજાનું ચીત્ર છે. એટલે મોરનું નૃત્ય એની આ કલામય પ્રવૃત્તીને સાર્થક કરે છે.

મોરનો ટહુકાર અને કોયલનું કુહુ પ્રબળ ધ્વની સાથે પ્રગટે છે. એ ધ્વની તાકાતભર્યો હોય છે. છતાં એમાં જે રણકાર અને  એક મજાનો લય હોય છે તે કાવ્યોનો વીષય બની શક્યો છે.

પરંતુ “થનગાટ” શબ્દ તો જરાય કાવ્યમય નથી. એમાં ગકારનું દીર્ઘ આકારત્વ અને ‘ટ’માંના માધુર્યના અભાવને કારણે પણ થનગાટ શબ્દ જચતો નથી. થનગનાટ શબ્દમાં ‘ના’માં રહેલું નાસીક્ય આગળના ગને તથા પછીના ટને સહ્ય બનાવે છે.

ને “થનગાટ” તો વળી શબ્દકોશે દેખાયો પણ નથી ! (કોઈને મળે તો મોકલવા વીનંતી છે.)

– જુ.

 

3 comments

 1. મોર પીંછાં ફેલાવી નાચે છે એનું કારણ જૈવિક છે. ઢેલ પસંદગી બાબતે બહુ ચુસ્ત હોય છે. જે મોરના પીંછાંમાં મનમોહક ચાંદલા ઓછા હોય એને ઢેલ હાથ મૂકવા દેતી નથી. માટે મોર ફેલાવી ફેલાવી ને નાચે છે કે વહાલી ગણી લે.. ઢેલને ગણિત આવડે છે.

  1. આભાર સાથે જણાવવાનું જે, તમારા બ્લૉગને મારા સાઈડબાર પર લઈ લીધો છે. સબ્સ્ક્રાઈબ કરવા બદલ આભાર સાથે – જુ.

 2. શબ્દ ન મળે અને અનુરૂપ હોય તો શબ્દકોષ માં ઉમેરી શકાય (?)
  થનગનાટ માટે ભગવતગોમંડળ નાં પાના પર લખ્યું છે:
  થનગનાટ 1: પું. અસ્વસ્થ હોવું તે; બેચેની
  2: ડોળ ઘાલવો તે; ફાંકો; આડંબર.
  3: તાન; જુસ્સો; થનથનાટ; ખુવારી
  4: થનગન ચાલવું તે
  આમાં “થનગાટ” ક્યાં ઉમેરશો ? ચતુરો નાં ચોતરે – ચર્ચા કરવાની માજા પડશે।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *